યૉર સિસ્ટમ ઇઝ નૉટ સિક્યૉર, રિન્યુ નાઓ

11 December, 2019 04:01 PM IST  |  Mumbai Desk | sejal ponda

યૉર સિસ્ટમ ઇઝ નૉટ સિક્યૉર, રિન્યુ નાઓ

કમ્પ્યુટરમાં ઍન્ટિ-વાઇરસ સિસ્ટમ નાખવામાં આવે છે, જેનાથી કોઈ વાઇરસ આવી ગયો હોય તો એ વાઇરસ બીજા ડેટાને નુકસાન પહોંચાડે એ પહેલાં જ ખતમ થઈ જાય છે. મોટા ભાગના કમ્પ્યુટર અને લૅપટૉપમાં ઍન્ટિ-વાઇરસ સિસ્ટમ નાખવામાં આવે છે. 

આપણા શરીરમાં જ્યારે વાઇરસ ઘૂસે છે ત્યારે એ વાઇરલ ઇન્ફેક્શન તરીકે ઓળખાય છે. ડૉક્ટર ઍન્ટિબાયોટિક્સ દવા આપે છે એ દવાના અમુક દિવસના કોર્સ બાદ આપણા શરીરને વાઇરસથી મુક્તિ મળે છે. અમુક એવા જટીલ વાઇરસ પણ હોય છે જેનાથી ગંભીર બીમારી થવાનું જોખમ રહે છે.
કમ્પ્યુટરમાં અને શરીરમાં ઘૂસતા વાઇરસ માટે ઍન્ટિ-વાઇરસ સિસ્ટમ કાર્યરત છે. આપણા મન-મગજમાં પણ અનેક પ્રકારના વાઇરસ ઘૂસતા હોય છે. સૌથી મોટો વાઇરસ એટલે નકારાત્મકતા. આ એવો વાઇરસ છે જે આપણને મોટામાં મોટી ગંભીર બીમારી સુધી લઈ જવાની તાકાત ધરાવે છે. નકારાત્મકતાને આપણે જાત અને જગત બંને માટે ઉછેરીએ છીએ. મન મગજમાં ઘૂસેલા એક નકારાત્મક વિચારને આપણે સીંચીએ છીએ, પોષીએ છીએ, એમાં બીજા નકારાત્મક વિચારો ઉમેરી એ વિચારને ઉછેરીએ છીએ. આ એવો ઉછેર છે જે આપણા મૂળ સ્વભાવને પાયામાંથી ઉખાડી શકે છે. અને પોતે એ જગ્યા પર નવો અડ્ડો જમાવે છે.
આપણામાંથી ઘણાને જાત માટે નકારાત્મક વિચાર આવતા હોય છે. જેમ કે હું કંઈ કામનો નથી, હું કશું જ કરી શકું એમ નથી, હું કોઇને જ ખુશી નથી આપી શકતી, મારા નસીબમાં સુખ છે જ નહીં, મારા જીવનમાં કાંટા જ કાંટા છે. આ બધા નકારાત્મક વિચારો આપણા જીવનમાં જ્યારે મુશ્કેલી આવે છે અને આપણા સંબંધોમાં ઓટ આવે છે ત્યારે આપણી આસપાસ વેલની જેમ વીંટળાઈ જાય છે. આવા વિચારોની સજાગતા કેળવવી બહુ જરૂરી છે. જેવો એક નકારાત્મક વિચાર આવ્યો કે ચેતી જવું પડે. જાતને ઢંઢોળવી પડે કે હું અત્યારે જે વિચારી રહી છું કે વિચારી રહ્યો છું એ નગેટિવ થૉટ છે? જો જવાબ હા હોય તો તરત જ એ થૉટને પંપાળવાનું બંધ કરી દેવાનું. એ માટે માઈન્ડ ડાયવર્ટ કરવાનું. જે ગમતું હોય એ પ્રવૃત્તિમાં જાતને પરોવી દેવાની. મગજ જ્યારે ગમતી પ્રવૃત્તિમાં પરોવાઈ જાય ત્યારે નેગેટિવ થૉટની આપોઆપ બાદબાકી થઈ જાય છે. આ સિસ્ટમને રિન્યુ સિસ્ટમ કહેવાય. જાતની નવેસરથી સજાવટ. આપણા મન-મગજમાં નકારાત્મકતા, ક્રોધ, સ્વાર્થ, લોભ એવા અનેક વાઇરસ અડ્ડો જમાવવા તૈયાર જ હોય છે. અને આ જ સમય છે જ્યારે જાતને રિન્યુ કરવાની હોય છે. એવું જ ક્રોધ આવે ત્યારે કરવું.
જાતને રીજનરેટ કે રિન્યુ કરવા માટે નવા વર્ષની રાહ જોવાની જરૂર નથી. આ પ્રોસેસ રોજની હોવી જોઈએ. રોજ ક્રોધ આવે, નકારાત્મક વિચાર આવે ત્યારે સજાગ બની રિન્યુ માટે તૈયાર થઈ જવાનું. રિન્યુ કરવા પહેલાં તો મનને બીજી પ્રવૃત્તિમાં નાખી દેવી જોઇએ. આ પાયાની પ્રોસેસ છે. કોઈ વ્યક્તિ પર ગુસ્સો આવ્યો હોય જેને લીધે અકળામણ રહેતી હોય. તો એનાથી નુકસાન એ વ્યક્તિને નહીં પણ આપણી જાતને છે. ગુસ્સો એવો વાઇરસ છે જે સંબંધોને ફોલી ખાય છે. ગુસ્સો કરતી વ્યક્તિ કશું સાંભળવા કે માફ કરવા તૈયાર નથી હોતી, જેને લીધે તેના મનમાં સતત જેના માટે ગુસ્સો છે તેના જ વિચારો ચાલ્યા કરતા હોય છે. જે સમય જાત માટે ફાળવવાનો હોય એ સમય બીજાના નકામા વિચારો કરવામાં, તેની સાથે બદલો લેવાના વિચારો કરવામાં કે પછી તેને ક્યારેય માફ નહીં કરું એવી ફીલિંગ સાથે જીવવામાં બરબાદ થાય છે. વ્યક્તિગત રીતે આ બહુ મોટું નુકસાન કહેવાય. અહીં આપણી સિસ્ટમ ખોરવાય છે.
તકલીફો અને સંઘર્ષથી ક્યારેક આપણે અકળાઈ જઈએ એ બહુ નૅચરલ કહેવાય. આવું થાય. બધાને જ થાય. પણ એ અકળામણ ગુસ્સાના સ્વરૂપમાં પલટાવા લાગે, નકારાત્મક વિચારો ઘર કરવા લાગે ત્યારે ચેતી જવું પડે. એક વાત મનને સમજાવી પડે કે જિંદગી છે તો તકલીફો તો આવશે જ. જિંદગી તરફ જોવાનો અભિગમ બદલવાની જરૂર છે. જ્યારે મનમાં સ્વીકારભાવ આવી જાય છે ત્યારે આપોઆપ આપણા વિચારો પણ બદલાવા લાગે છે. જિંદગી હોય કે સંબંધ, સ્વીકારભાવ આવી જાય તો મોટા ભાગના પ્રૉબ્લેમ્સ સૉલ્વ થઈ જાય છે. આપણે બધું બદલવા બહુ ઉતાવળા થઈ જઈએ છીએ, પણ સ્વીકારવાની આપણી ઝડપ ધીમી હોય છે. સ્વીકારભાવ મનની સિસ્ટમને રિન્યુ કર્યા પછીનું પહેલું પગથિયું છે.
કમ્પ્યુટરમાં કે શરીરમાં રોજ વાઇરસ નથી આવતા. જ્યારે આવે છે ત્યારે કમ્પ્યુટરમાં બેસાડેલી ઍન્ટિ-વાઇરસ સિસ્ટમ એ વાઇરસને ખતમ કરી નાખે છે અને જ્યારે સિસ્ટમ ખતમ થવાની અણી પર હોય ત્યારે કમ્પ્યુટર આગોતરા ઍન્ટિ-વાઇરસ સિસ્ટમ રિન્યુ કરવાનું અલર્ટ આપે છે. મન-મગજમાં જ્યારે પણ નકારાત્મકતા, ક્રોધના વાઇરસ પ્રવેશે ત્યારે જાતને રિન્યુ કરવાનું અલર્ટ આપવું પડે. જાતને કહેવું પડે કે : યૉર સિસ્ટમ ઇઝ નૉટ સિક્યૉર. રિન્યુ નાઓ.

Sejal Ponda columnists