વિશ્વભરના પ્રવાસીઓમાં કેમ માનીતું છે દુબઈ

01 December, 2019 04:12 PM IST  |  Mumbai | Umesh Deshpande

વિશ્વભરના પ્રવાસીઓમાં કેમ માનીતું છે દુબઈ

દુબઈ

વિવિધ સ્થળોની મુલાકાત લેવી, ત્યાંની સંસ્કૃતિ વિશે જાણવું કોને ન ગમે. એ માટે બધાં અલગ-અલગ સ્થળોએ ફરવા જતા હોય છે, પરંતુ એક આધુનિક શહેર એવું પણ છે જેમાં બધી મજા એક જ જગ્યાએ મળી રહે. આપણે વાત કરીશું દુબઈ શહેરની. રણ પ્રદેશમાં હોવા છતાં પણ આધુનિક ટેક્નૉલૉજીના સમન્વયથી એણે એવી તો કમાલ કરી દેખાડી છે કે અહીં આવનારા પ્રવાસીના મનમાં એક અમીટ છાપ છોડી જાય છે. અહીં નથી કોઈ મોટા પર્વત પણ એની ખોટ એણે ઊંચી-ઊંચી ઇમારતો બનાવીને પૂર્ણ કરી છે. વળી ફરી પાછા અહીં આવવા માગનારા પ્રવાસી માટે કંઈ ને કંઈ નવી વસ્તુ અહીં બનાવવામાં આવતી જ હોય છે. વિશ્વભરના પ્રવાસીઓમાં માનીતું આ દુબઈ શહેર સંયુક્ત આરબ અમીરાતની ૭ અમીરાત પૈકીની એક છે. વર્ષ ૨૦૧૮ના આંકડા મુજબ અહીં ૧.૫૭ કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. પ્રવાસીઓની સંખ્યાના મામલે એ વિશ્વભરમાં ચોથા ક્રમાંકે છે. 

ક્ષેત્રફળમાં એ અબુધાબી પછી બીજા ક્રમાંકે હોવા છતાં એની વસ્તી સૌથી વધુ છે. ઊંચાં-ઊંચાં બિલ્ડિંગો, સ્વચ્છ રસ્તા અને એના ઉપર દોડતી કાર, મેટ્રો, ટ્રામ અને વિવિધ વસ્તુઓની ખરીદી કરવા માટે અનેક મૉલ, પ્રવાસીઓને આકષર્વા માટે એક-એકથી ચડિયાતા થીમપાર્ક, શું નથી આ શહેરમાં. તો ચાલો, મેળવીએ માહિતી અહીંના જાણીતા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્વ વિશે.

ફાઉન્ટેન શો

રાતે બુર્જ ખલીફાની ઇમારતની નીચે આવેલા એક નાનકડા તળાવની આસપાસ લોકો ઊભા રહે છે તેમ જ ફાઉન્ટેન શો પણ રાખવામાં આવે છે. લેસર શો મારફત વિવિધ મનોરમ્ય દૃશ્ય ઊભું કરવામાં આવે છે એ પણ ચૂકવા જેવું નથી. આપણે ત્યાંનાં ન્યુઝપેપરોમાં પણ ઘણી વખત બુર્જ ખલીફાની ઇમારતમાં લેસર શો મારફત બનાવેલી વિવિધ કૃતિઓના ફોટો પણ છપાતા હોય છે.

દુબઈ મોલ અને ઍક્વેરિયમ

દુબઈ એટલે મોટા-મોટા મૉલનું શહેર. એમાં પણ દુબઈ મૉલ એ વિશ્વનો બીજા ક્રમાંકનો સૌથી મોટો મૉલ છે, જેમાં ૧૨૦૦ કરતાં વધુ દુકાન છે. મુંબઈમાં પણ આવા મૉલમાં આપણે ફરતા હોઈએ એથી એવી કોઈ નવાઈ ન લાગે, પરંતુ દુનિયાના તમામ દેશોના, વિવિધ સ્કિન કલર, ઊંચાઈ, પહેરવેશ, ભાષા બોલતા લોકોને જોવા એ પણ એક લહાવો છે. એ કદાચ દુબઈના ડાઉનટાઉન વિસ્તારમાં આવેલા આ મૉલમાં જ જોવા મળે. આ મૉલના ગ્રાઉન્ડ-લેવલમાં ઍક્વેરિયમ એટલે કે માછલીઘર આવેલું છે. પ્રવાસીઓની સુવિધા માટે બુર્જ ખલીફા અને ઍક્વેરિયમની સાથે જ ટિકિટ પણ આપવામાં આવે છે, જેમાં પ્રવાસીને થોડો ફાયદો પણ થાય છે. આમ તો દુબઈ મૉલમાં ફરતા હોઈએ ત્યારે પણ આપણે બહારથી આ ઍક્વેરિયમ જોઈ શકીએ છીએ, પરંતુ અંદર જઈને માણવાની મજા કંઈક ઑર જ છે. આપણે ત્યાં સામાન્ય રીતે માછલીઓને કાચની કૅબિનમાં રાખવામાં આવે છે તેમ જ આપણે બહારથી જોતા હોઈએ છીએ, પરંતુ અહીં આપણે કાચની કૅબિનમાંથી પસાર થતા હોઈએ છીએ તેમ જ આપણી ચારે તરફ વિવિધ ૧૪૦ જાતનાં પાણીમાં રહેતાં પ્રાણીઓ જોવા મળે છે. કુલ ૧૦ મિલ્યન લિટર પાણીની આ ટૅન્કમાં અંદાજે ૪૦૦ જેટલી શાર્ક માછલી છે. વિશાળકાય મગર અને એનાં ઈંડાં નજીકથી જોવાનો અનુભવ તો જાતે જ માણવો પડે.

મૉલમાં જ વિમાન ઉડાડવાનો અનુભવ

હવામાં ઊડો ત્યારે કેવો અનુભવ થાય એ માટે તમારે વિમાનમાંથી પૅરૅશૂટ પહેરીને કૂદકો મારવાની જરૂર નથી. મૉલમાં જ તમને એવો કૃત્રિમ અનુભવ કરાવવામાં આવે છે. કૃત્રિમ રીતે જોરથી પવન ફેંકીને આ અનુભવ કરાવવામાં આવે છે, એટલું જ નહીં, તમને વિમાન ઉડાડવાનો શોખ હોય તો પણ ફ્લાઇટ સિમ્યુલેટરની મદદથી એનો પણ અનુભવ કરાવવામાં આવે છે. બસ થોડાં ખિસ્સાં ખાલી કરવાની તૈયારી રાખવાની!

દુબઈના ભૂત-ભવિષ્ય અને વર્તમાનની ફ્રેમ

એક એવી લૅન્ડમાર્ક ઇમારત બનાવવી જેમાં દુબઈનો ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન ત્રણેય કાળને સાંકળી શકાય. આ સ્પર્ધામાં આર્કિટેક્ટ ફર્નાન્ડો ડોનિસ કોઈ ઊંચી ઇમારતને બદલે ૧૫૦.૨૪ મીટર લાંબી અને ૯૫.૫૩ મીટર પહોળી એક ફ્રેમ બનાવીને ૧ લાખ ડૉલરનું પહેલું ઇનામ જીત્યા હતા. ગયા વર્ષે જ ઝબિલ પાર્કમાં આવેલી આ લૅન્ડમાર્ક ઇમારતને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં પ્રવેશતાંની સાથે જૂના દુબઈની ઑડિયો-વિઝ્‍યુઅલ ઝાંખી સાથે પ્રદર્શની રાખવામાં આવી છે. ત્યાર બાદ પ્રવાસીઓને માત્ર ૭૫ સેકન્ડમાં લિફ્ટ ઉપર લઈ જાય છે. ખરી મજા અહીં જ છે. વચ્ચે પારદર્શક ગ્લાસ રાખવામાં આવ્યો છે, જેને કારણે લોકો નીચેની વસ્તુ જોઈ શકે છે. જેમને ઊંચાઈનો ડર ન લાગતો હોય તે પણ થોડો વધુ સમય આ પારદર્શક ગ્લાસ પર ઊભો રહે તો જરૂર ચકરાવે ચડી જાય. સમગ્ર દુબઈ પ્રવાસની સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે. વળી આ ફ્રેમની એક બાજુ જૂનું દુબઈ શહેર તો બીજી બાજુ નવું શહેર જોવા મળે છે. જોકે મજા અહીં સમાપ્ત નથી થતી. લિફ્ટથી નીચે ઊતરતાં જ તમને ૨૦૫૦માં દુબઈ કેવું હશે એની ઝાંખી કરાવાય છે, જેમાં ઊડતી ટૅક્સીઓથી માંડીને ઘણીબધી વસ્તુઓ બતાવાય છે. 

ડેઝર્ટ સફારી

દુબઈમાં ફરતા હો ત્યારે તમે કેવી રીતે માની શકો કે ૩૦થી ૪૦ વર્ષ પહેલાં આ એક રણ પ્રદેશ હતો. ત્યાંથી તેલ મળ્યું, ત્યાર બાદ સમગ્ર પ્રદેશની કાયાપલટ થઈ એથી સ્વાભાવિક રીતે જ તમને રણમાં ફરવાનું મન થાય. તો એની વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવી છે અને એ છે દુબઈ ડેઝર્ટ સફારી. શહેરથી થોડે દૂર ટેકરીઓવાળા વિસ્તારમાં પૅકેજ ટૂર તરીકે એનું આયોજન થાય છે. સાંજે ૩.૩૦થી ૪ વાગ્યા દરમ્યાન પહેલાં તમને લૅન્ડ ક્રૂઝર એસયુવીમાં બેસાડીને ગાડીને રાઇડની જેમ ઉપર રણમાં હંકારવામાં આવે છે. ત્યાર બાદ ઊંટની સવારી પણ કરાવવામાં આવે છે. સૂર્યનાં કિરણોને કારણે સોનેરી રંગની દેખાતી રેતી સાથે શાનદાર ફોટો પાડવાની પણ મજા આવે છે. આ ઉપરાંત ત્યાં ટેન્ટમાં રાતે ફોક ડાન્સનો પ્રોગ્રામ પણ થાય છે; જેમાં બેલી ડાન્સ, તનુરા ડાન્સ અને ફાયર ડાન્સની મજા માણતા પારંપરિક વેજ તથા નૉનવેજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જોકે માત્ર બાફેલું અને તેલ-મસાલા વગરનું ભોજન આપણને ભાવતું નથી. ત્યાં તમે આરબની જેમ વેશભૂષા ધારણ કરીને રાષ્ટ્રીય પક્ષી બાજને હાથમાં રાખીને ફોટો પણ પડાવી શકો છો. તમે આ ડેઝર્ટ સફારીથી પાછા ફરો ત્યારે તમારા માથામાં કે શૂઝમાં રણની રેતી જ નહીં, પણ એક શાનદાર સનસેટની યાદો પણ લઈને આવી શકો.

ઍટલાન્ટિસ પામ હોટેલ

કૃત્રિમ ટાપુ પામ જુમેરાહના ટોચ પર આવેલી આ ફાઇવસ્ટાર હોટેલ પ્રવાસીઓ માટેનું સૌથી આકર્ષણનું કેન્દ્ર છે. હોટેલની અમુક રૂમમાંથી દરિયાનું મનમોહક દૃશ્ય પણ તમે જોઈ શકો છો. અહીં ઍક્વાવેન્ચર પાર્ક અને વૉટરપાર્ક જેવી સુવિધા પણ છે. વળી તમે ડૉલ્ફિન સાથે પણ તરી શકો છો. અહીં રહેવા ન માગતા હો તો પણ અહીંની લૉબીમાં પ્રવાસીઓને મુલાકાત માટે પરવાનગી છે. રૂમનું ભાડું હાલમાં અંદાજે ૨૫,૦૦૦ રૂપિયા ચાલે છે.

યૉટ પ્રવાસ

માત્ર મુંબઈ જ નહીં, દુબઈ પણ ૨૪ કલાક દોડતું શહેર છે. ગરમીને કારણે આખો દિવસ અહીં લોકો એસી કાર, બસ કે મૉલમાં જ ફરતા હોય છે, પરંતુ રાતે અહીં દુબઈમાં યૉટ ભાડે મળે છે, જેમાં ૧૦ કે એથી વધુ પ્રવાસીને ઓછામાં ઓછા બે કલાક સુધી ફેરવવામાં આવે છે. દુબઈના મરીના મૉલથી શરૂ થતી આ બોટ ઍટલાન્ટિસ પામ હોટેલ સુધી જતી હોય છે. પ્રવાસીઓ પોતાની ખાણી-પીણી લઈને ઓ બોટમાં જાય છે. અંદાજે ૧૬૦૦ દિરહામથી આ બોટ ભાડે મળે છે. આ પ્રવાસ પણ ઘણો યાદગાર બને છે. 

બૉલીવુડ પાર્ક

દુબઈમાં આપણે ફરતા હોઈએ ત્યારે વિવિધ દેશોના લોકો આપણને જોવા મળતા હોય. ઘણી ભીડ પણ હોય, પરંતુ દુબઈ પાર્ક નામે એક થીમ પાર્ક છે, જેમાં ૩ અલગ થીમ પાર્ક અને વૉટરપાર્ક એકસાથે જ છે. અહીં જ બૉલીવુડ થીમ પાર્ક આવેલો છે. આ ઉપરાંત હૉલીવુડની ડ્રીમ વર્ક્સ ઍનિમેશન, કોલમ્બિયા પિક્ચર્સ અને લાયન્સ ગેટ પર આધારિત મોશન ગેટ અને રમકડાંની વિવિધ દુનિયાની થીમ પર આધારિત લેગોલૅન્ડ દુબઈ અને લેગોલૅન્ડ વૉટરપાર્ક આવેલો છે. એક ભારતીય તરીકે આપણને બૉલીવુડ પાર્કમાં જ મજા આવે. મુંબઈની લોકલ ટ્રેન જેવી જ અહીં એક રેસ્ટોરાં છે. વિવિધ થીમ પાર્કની વાત કરીએ તો ‘શોલે’માં તમે એક ટ્રેનમાં બેસીને ડાકુઓને મારી શકો, તો ‘લગાન’માં બૉલ ગમે ત્યાંથી આવી શકે. તો ‘ક્રિશ’ બની દુનિયાને બચાવી શકો તો ‘રા’વન’ અને ‘ડૉન’ જેવી ફિલ્મો પર આધારિત પણ મનોરંજન છે. જેમને લાઇવ સ્ટન્ટ શો જોવા હોય તો ‘દબંગ’માં તેમને માટે નકલી સલમાન ખાન પણ છે, જેની સાથે શો પૂરો થયા બાદ ફોટો પણ પડાવી શકો. હૈદરાબાદમાં આવેલી રામોજી ફિલ્મસિટીની સરખામણીમાં ઘણું નાનું કહી શકાય, પરંતુ જેઓ ત્યાં ન ગયા હોય તેમને માટે અહીં મજાની વાત છે. અહીં એક રાજમહલ નામનું થિયેટર છે; જ્યાં ફિલ્મ, લાઇવ શો તેમ જ નાટક એ ત્રણેય થઈ શકે એવી સુવિધા છે. એથી ત્યાં ફિલ્મ જોવાનો લહાવો પણ ચૂકવા જેવો નથી. વળી અહીં ‘જિંદગી ના મિલેગી દોબારા’ નામના લાઇવ શોમાં તમે પણ એક મિનિટની ફિલ્મમાં રોલ કરી શકો.

ગ્લોબલ વિલેજ

એક અંદાજ મુજબ દુબઈમાં વિશ્વભરના ૨૦૦ કરતાં વધુ દેશોના લોકો રહે છે. આપણે ત્યાં જ્યારે મેળો યોજાય ત્યારે વિવિધ રાજ્યોના સ્ટૉલ હોય છે એમ જ અહીં ગ્લોબલ વિલેજ નામના સ્થળે વિવિધ દેશોના સ્ટૉલ હોય છે. જ્યાંથી તમે એ દેશોની જાણીતી વસ્તુઓ ખરીદી શકો છે. ગ્લોબલ વિલેજમાં ફરવા માટે પૂરતો સમય લઈને જવું. ઑક્ટોબરથી એપ્રિલ દરમ્યાન આ મેળો ચાલે છે.

રણમાં ખીલ્યું ગુલાબ - મિરૅકલ ગાર્ડન

દુબઈ આમ તો રણપ્રદેશ છે. અહીં તેલ કરતાં પણ પાણી મોંઘું છે છતાં અહીં વિશ્વનો સૌથી મોટો ૭૨,૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો ફૂલોનો બગીચો છે. વળી રણનું તાપમાન અને જમીન છોડ તથા ફૂલ માટે સાવ પ્રતિકૂળ હોવા છતાં ચમત્કાર કહી શકાય એ રીતે અહીં વિશાળ પ્રમાણમાં ફૂલો જોવા મળે છે એથી જ એ ખરા અર્થમાં મિરૅકલ ગાર્ડન છે. અહીંના સંચાલકોના દાવા મુજબ આ પરિસરમાં અંદાજે ૫૦ મિલ્યન ફૂલો છે તેમ જ ૨૫૦ મિલ્યન છોડ છે. એનો આકાર એક કિક્રેટ સ્ટેડિયમ જેવો છે. બાગમાં ફૂલોની મદદથી અલગ થીમ બનાવવામાં એનો જોટો જડે એમ નથી. હાર્ટ પૅસેજ, એમીરેટ્સ એ-૩૮૦, ટેડી બિઅર, એન્ટ્સ કૉલોની અને વિશાળ કાચબાની થીમ ઉપરાંત ગયા વર્ષે વૉલ્ટ ડિઝની કંપની સાથે કરાર કરીને અહીં મિની માઉસ, ગુફી પ્લુટો, ડેઇઝી ડક, ડોનલ્ડ ડકનાં સ્ટ્રક્ચર બનાવાયાં છે. ૨૦૧૩થી આ બાગની શરૂઆત કરવામાં આવી હતી.

કેવી રીતે જશો

એક અંદાજ મુજબ ભારત અને યુએઈ વચ્ચે દરે અઠવાડિયે ૧૦૦૦ કરતાં વધુ ફ્લાઇટ્સ છે. દેશનાં મોટા ભાગનાં ઍરપોર્ટ પરથી દુબઈ, અબુધાબી અને શારજાહ માટેની ફ્લાઇટ મળે છે. થોડું આગોતરું આયોજન કરો તો ઓછામાં ઓછા ૧૨,૦૦૦ રૂપિયામાં રિટર્ન ટિકિટ બુક કરાવી શકો. અંદાજે ૬૦૦૦ રૂપિયા વિઝાના થાય છે. સામાન્ય રીતે ઑક્ટોબરથી જૂન દરમ્યાન ત્યાં પ્રવાસીઓ જાય છે. ઘણીબધી ટ્રાવેલ એજન્સીઓ પણ દુબઈના પ્રવાસનું આયોજન કરતી હોય છે. જો જાતે જવા માગતા હો તો ત્યાંની સિટી ટૂર કરાવતી બસોમાં પણ પ્રવાસ કરી શકાય. પહેલી વખત વિદેશ જતા હશો તો દુબઈ તમને ઘણું ખર્ચાળ લાગશે, કારણ કે તેમના એક દિરહામના આપણા ભારતના ૨૦ રૂપિયા છે. વળી ફરવા જઈએ એવા થીમ પાર્કમાં તમામ વસ્તુઓના ભાવ વધારે હોય. ૨૫ દિરહામ એટલે કે ૫૦૦ રૂપિયાની ૧ ચા કે ૩૦ દિરહામનાં ૩ સમોસાં તો કઈ રીતે ગળામાં ઊતરે!

બુર્જ ખલીફા

૮૨૮ મીટર ઊંચી અને ૧૬૮ માળ ધરાવતી બુર્જ ખલીફા. આ બિલ્ડિંગનું નિર્માણ ૮ અરબ ડૉલરના ખર્ચે ૬ વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યું હતું. ૯૬ કિલોમીટર દૂરથી પણ દેખાતા આ બિલ્ડિંગના ૧૨૪મા માળે લોકોને લઈ જવામાં આવે છે, જેને માટે લાંબી લાઇન લાગેલી હોય છે. વળી પ્રવાસીઓને લઈ જતી લિફ્ટ દુનિયાની સૌથી ઝડપી લિફ્ટ છે. માત્ર એક જ મિનિટના સમયગાળામાં એ તમને આટલા ઊંચે લઈ જાય છે. દરમ્યાન મસ્ત સંગીત તેમ જ લિફ્ટમાં જ વિવિધ આભાસી દૃશ્યો બતાવાય છે. આટલા ઊંચે પહોંચ્યા બાદ સમગ્ર દુબઈનો નજારો જોવાની મજા પડે છે. નાના હોય ત્યારે રમકડાની કાર અને બસ દોડતી હોય, એવું ઉપરથી લાગે. આ બિલ્ડિંગમાં ઑફિસ, હોટેલ અને રહેણાક બધું જ છે. નીચે ઊતરીને બહાર જતા હોઈએ ત્યારે આ ઇમારતના નિર્માણમાં જેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય તેમના વિશે ઑડિયો-વિઝ્યુઅ‍લ્સ દ્વારા માહિતી પણ આપવામાં આવી છે.

travel news columnists weekend guide