કેમ ભારતમાં ટ્‍‍વિન્સ પર જરૂરી સંશોધન નથી થતાં?

19 January, 2020 04:01 PM IST  |  Mumbai Desk | rashmin shah

કેમ ભારતમાં ટ્‍‍વિન્સ પર જરૂરી સંશોધન નથી થતાં?

સોમવારથી શ્રીલંકામાં ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ શરૂ થશે જેમાં ઇન્ડિયાથી પણ એક જોડી જશે.

આ સવાલ છે ઇન્ડિયાની એકમાત્ર ટ્‍‍વિન્સ ક્લબ ટ્‍‍વિન્સ ઇન્ડિયાના સ્થાપક અભિષેક ખરેનો. અભિષેક ખરેએ શરૂ કરેલી આ સંસ્થામાં આજે દેશભરનાં ૩પ૦થી વધારે ટ્‍‍વિન્સ મેમ્બર છે. ટ્‍‍વિન્સ ક્લબ શરૂ કરવાનો ઉદ્દેશ ઉમદા હતો કે ટ્‍‍વિન્સ માત્ર જોણું ન રહે, પણ આ વિષયે ઊંડો અભ્યાસ પણ થાય. પોતાનો આ વિચાર સૌ સુધી પહોંચાડવાનું કામ આજે પણ ક્લબ એટલા જ ઉત્સાહ અને ઉમંગથી કરે છે, પણ એમ છતાં ટ્‍‍વિન્સ ક્લબ માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટથી લઈને અલગ-અલગ રાજ્યોની સ્ટેટ ગવર્નમેન્ટ ખાસ ઉત્સાહી નથી એ પણ હકીકત છે

ટ્‍‍વિન્સ. આમ જોઈએ તો આ એક શબ્દથી આંખ સામે જોડિયાં બાળકો આવી જાય, પણ આ વાત આટલી સહજ અને સરળ નથી. જગતભરમાં ટ્‍‍વિન્સ પર મિલ્યન ડૉલરના ખર્ચે રિસર્ચ કરવામાં આવે છે. સેંકડો ક્લબ ચાલી રહી છે ટ્‍‍વિન્સની અને અમુક ક્લબ તો ૧૦૦ અને ૧૨૫ વર્ષ જૂની પણ છે. ઇન્ડિયામાં ‘ટ્‍‍વિન્સ ઇન્ડિયા’ના નામે ટ્‍‍વિન્સ ક્લબ ચલાવી રહેલા અભિષેક ખરે કહે છે, ‘ક્લબનો અર્થ માત્ર મનોરંજન જ થાય એવું નથી. ક્લબ નૉલેજ અને રિસર્ચ માટે પણ હોય છે અને અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડાની ટ્‍‍વિન્સ ક્લબ એ જ કામ કરે છે. ત્યાંની સરકાર પણ એ ટ્‍‍વિન્સ ક્લબને ગ્રાન્ટ આપતી હોય છે અને ટ્‍‍વિન્સ પર રિસર્ચ પણ કરે છે તો સાયન્ટિસ્ટ પણ ટ્‍‍વિન્સ પર સંશોધન કરે છે, તેમના ડીએનએ, તેમની થોટ-પ્રોસેસ પર રિસર્ચ કરે છે.’

‘ટ્‍‍વિન્સ ઇન્ડિયા’નો પ્રારંભ ૨૦૦૦માં થયો હતો. આજે ૨૧ વર્ષ પછી આ ક્લબમાં ૩પ૦થી વધારે મેમ્બર છે, તો ઇન્ડિયામાં ન રહેતાં હોય એવાં પણ ૧૦૦થી વધારે ટ્‍‍વિન્સ ‘ટ્‍‍વિન્સ ઇન્ડિયા’માં મેમ્બર બન્યાં છે. હજી ગયા મહિને જ ચીનમાં ઊજવાયેલા ટ્‍‍વિન્સ ફેસ્ટિવલમાં ક્લબની ત્રણ જોડી ભાગ લેવા ગઈ હતી, જેમાંથી મુંબઈની જોડીઓનો પણ સમાવેશ છે. એક જોડી આ ટ્‍‍વિન્સ ફેસ્ટિવલમાં યોજાયેલા ડાન્સ ફેસ્ટિવલમાં પાંચમા નંબરે આવી હતી. યાદ રહે કે આ ડાન્સ ફેસ્ટિવલમાં ૪૦થી વધુ દેશમાંથી ટ્‍‍વિન્સ આવ્યાં હતાં.

જગત કરે છે ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ
હા, દુનિયાના બધા મહત્ત્વના દેશોમાં ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ કરવામાં આવે છે. ચીનની વાત કરીએ તો ત્યાં આઠમી વખત આ ફેસ્ટિવલ થયો છે તો આવતા વર્ષે પહેલી વખત શ્રીલંકામાં પણ ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ થવાનો છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ જેવા દેશોમાં તો ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ દસકાઓથી થાય છે. આ ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ એ માત્ર જોડિયાં ભાઈ-બહેનોના મનોરંજનના હેતુથી નથી થતો, પણ એની પાછળ સંશોધન પણ એક મહત્ત્વનો વિષય હોય છે. ‘ટ્‍‍વિન્સ ઇન્ડિયા’ના અભિષેક ખરે કહે છે, ‘ટ્‍‍વિન્સ એ બાયોલૉજીનું બહુ મહત્ત્વનું અંગ બની શકે છે. વિકસિત દેશોમાં તો એના પર રિસર્ચ ચાલુ જ રહેતાં હોય છે. આનુષંગિક બીમારી જ નહીં, જીવલેણ રોગ પણ ટ્‍‍વિન્સ પૈકીમાંથી એક પર કેવી અસર દેખાડે છે અને બીજા પર કેવી અસર દેખાડે છે અને એવું શું કામ બને છે એ મુજબનાં સંશોધન સતત ચાલતાં રહેતાં હોય છે, પણ આપણે ત્યાં એ બાબતમાં નીરસતા દર્શાવવામાં આવે છે.’

વાત ખોટી નથી. ‘ટ્‍‍વિન્સ ઇન્ડિયા’એ અનેક વખત કેન્દ્ર સરકારથી માંડીને અલગ-અલગ સ્ટેટ ગવર્નમેન્ટને આ બાબતમાં જાણકારી આપવાનો પ્રયાસો કર્યો, પણ ક્યાંય કોઈ કામ આગળ નથી વધી રહ્યું. અભિષેક ખરે કહે છે, ‘જ્યારે કૉન્ટૅક્ટ કરીએ ત્યારે રિસ્પૉન્સ ખૂબ સરસ મળે. બીજા જ દિવસે મળવા બોલાવી લેવામાં આવે, પણ એ પછી રજૂઆત કરીએ એટલે બધું ધીમું થઈ જાય અને કામ આગળ ન વધે.’

આવું થવાનું કારણ જિજ્ઞાસા હશે એવું ધારી શકાય. ટ્‍‍વિન્સ આજે પણ આપણે ત્યાં એક જોણું છે, લોકોને એની વાતો સાંભળવાનું અને તેમને જોવાનું ગમે છે, પણ આ વિષયમાં ઊંડા ઊતરવાની માનસિકતા હજી સુધી આપણે કેળવી નથી એ દુખદ છે.
જાગૃતિ આવે એવા હેતુથી જ હવે ‘ટ્‍‍વિન્સ ઇન્ડિયા’ પણ આવતા મહિનાઓમાં ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ કરવાનું આયોજન કરી રહી છે, જેમાં માત્ર દેશના જ નહીં, વિદેશના ટ્‍‍વિન્સને પણ આમંત્રિત કરવામાં આવશે અને એ ફેસ્ટિવલમાં ઇન્ડિયન સાયન્ટિસ્ટને પણ હાજર રાખવામાં આવશે. આ ફેસ્ટિવલ ઇન્ડિયાનો પહેલો ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ બનશે.

મોજિઆંગમાં જલસો અને કોડિન્હીમાં
મોજિઆંગ ચીનનું એક શહેર છે. આ શહેરની વસ્તી એક લાખની છે અને એ એક લાખમાં પચીસસો ટ્‍‍વિન્સ છે. આ ગામને ચીનની સરકારે બધી જ રીતે અડૉપ્ટ કરી લીધું છે, એટલું જ નહીં, આ ગામમાંથી કેમ ટ્‍‍વિન્સ વધારે આવે છે એના પર રિસર્ચ પણ શરૂ કરવામાં આવ્યું અને એની એકેક વિગત પણ રેકૉર્ડમાં લેવાનું શરૂ કર્યું. આ ઉપરાંત આ જ શહેરમાં ચીને ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ પણ ઊજવવાનું શરૂ કર્યું. આ વર્ષે મોજિઆંગમાં જે ફેસ્ટિવલ થયો એ પંદરમો ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ હતો. હવે વાત પર આવીએ કેરળના કોડિન્હી ગામની.

કોડિન્હી ગામ એ હકીકતમાં ઇન્ડિયાનું ટ્‍‍વિન્સ કૅપિટલ છે. ગામની વસ્તી પચીસ હજાર લોકોની છે જેની સામે ગામમાં સાડાત્રણસોથી વધારે ટ્‍‍વિન્સ છે. સરકારને અનેક વખત કહેવામાં આવ્યું, આંકડા દર્શાવવામાં આવ્યા, જાતજાતના પુરાવા પણ આપવામાં આવ્યા. એ બધું જોઈને સ્વાભાવિક રીતે અધિકારીઓથી માંડીને સૌકોઈને અચરજ થયું, પણ આ વાત સીમિત રહી અચરજ સુધી જ. બાકી કશું નહીં.

જો ભારત સરકારે ધાર્યું હોત તો કેરળના આ નાનકડાઅમસ્તા ગામને પણ ટૂરિસ્ટ સ્પૉટ બનાવી શક્યું હોત, પણ એવું થયું નહીં. અભિષેક ખરે કહે છે, ‘આ જે નીરસતા છે એ દૂર કરવાની જરૂર છે. મેડિકલ સાયન્સથી માંડીને જેનરિક સાયન્સ સુધ્ધામાં ટ્‍‍વિન્સ એક નવી દિશા આપી શકે છે પણ એ બાબતની નીરસતા દૂર કરવાની જરૂર છે.’

કેટલા પ્રકારનાં ટ્‍‍વિન્સ હોય?
ટ્‍‍વિન્સની પણ કૅટેગરી હોય, જેમાં સાયન્ટિસ્ટ અને ડૉક્ટરોએ ત્રણ કૅટેગરીને અત્યારે સ્પષ્ટ કરી છે. આ ત્રણમાંથી પહેલી છે, આઇડેન્ટિકલ. બીજા નંબરે છે બૅડ ટ્‍‍વિન્સ, જ્યારે ત્રીજા નંબરે છે મિરર ટ્‍‍વિન્સ. આઇડેન્ટિકલ ટ્‍‍વિન્સને ચમત્કાર સાથે સરખાવી શકાય. આ પ્રકારનાં ટ્‍‍વિન્સ બધી રીતે એકબીજા જેવાં જ હોય. બન્ને વચ્ચે બહુ મામૂલી ફરક હોય, પણ એ ફરક પણ દેખીતો ન હોય એટલે તેના પોતાના પેરન્ટ્સ પણ બાળકોને ઓખળવામાં ભૂલ કરી બેસતા હોય છે. આઇડેન્ટિક્લ ટ્‍‍વિન્સની ખાસ વાત જો કોઈ હોય તો એ કે એ બન્ને વચ્ચે ઘણા કેસમાં ટેલિપથી પણ મૅચ થતી જોવા મળતી હોય છે. બન્નેની વિચારધારા પણ સમાન હોય અને બન્નેના ગમા-અણગમા પણ એકસરખા હોય.

બીજા નંબરે આવે છે બૅડ ટ્‍‍વિન્સ. આ બૅડ ટ્‍‍વિન્સ જે હોય છે તેમની એક કે બે વાત માંડ સમાન હોય છે અને તેમનો સ્વભાવ જરા પણ મૅચ નથી થતો. મોટા ભાગના કિસ્સામાં એવું બનતું હોય છે કે બન્નેના સ્વભાવ એકબીજાથી બિલકુલ વિપરીત હોય. એકને ચા પસંદ હોય તો બીજો ચા જોઈને ઊકળી ઊઠતો હોય એટલો વિપરીત. બૅડ ટ્‍‍વિન્સનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે.

ત્રીજા નંબરે આવે છે મિરર ટ્‍‍વિન્સ. આવાં ટ્‍‍વિન્સનું પ્રમાણ ૧૦ ટકાથી પણ ઓછું જોવા મળ્યું છે. મિરર ટ્‍‍વિન્સનું બધું ડિટ્ટો ટુ ડિટ્ટો હોય છે. અવાજથી માંડીને વજન અને કદ સુધ્ધાં એકસરખું હોય અને એટલું જ નહીં, બન્નેનું બધું છેક મરણ સુધી સમાન રહે છે. બન્નેને બીમારી પણ સરખી થાય અને બન્નેનું મોતનું કારણ પણ એક જ હોય. દોઢથી બે ટકા લોકોમાં એવું પણ જોવા મળ્યું છે કે અકસ્માતે એકનું મોત થયું હોય અને બીજા સાથે પણ એ જ કારણ મોતનું બને. મિરર ટ્‍‍વિન્સ પર વિશ્વના વિકસિત દેશો પુષ્કળ રિસર્ચ કરી રહ્યા છે, જેના આધારે બન્નેનાં ડીએનએ પર પણ અભ્યાસ ચાલી રહ્યો છે.

ટ્‍‍વિન્સ ક્લબ શું કામ?
‘ટ્‍‍વિન્સ ઇન્ડિયા’ના સ્થાપક અભિષેક ખરે પોતે ટ્‍‍વિન્સ છે. અભિષેકના ભાઈ અનુજ ખરે પણ ક્લબ સાથે જોડાયેલા છે. જોકે અભિષેક સક્રિય રીતે ક્લબ સાથે છે. અભિષેક ખરેની સિસ્ટર અમેરિકા ગઈ ત્યાં તેણે ટ્‍‍વિન્સ ક્લબ જોઈ અને તેણે અભિષેકને વાત કરતાં અભિષેકે ૨૦૦૦માં આ ક્લબની શરૂઆત કરી. અભિષેક ખરે કહે છે, ‘આપણે ક્લબની બાબતમાં થોડા સંકુચિત છીએ, પણ ફૉરેનમાં તો જાતજાતની ક્લબ હોય છે. બિઅર્ડ ક્લબ પણ હોય અને લૉન્ગ હેર ક્લબ પણ હોય છે. લેફ્ટ હૅન્ડ ક્લબ પણ છે અને મુસ્તેચ ક્લબ પણ છે. ટ્‍‍વિન્સ ક્લબ અને એનો ઉદ્દેશ જાણીને મને વિચાર આવ્યો કે આપણે પણ આ દિશામાં કામ કરવું જોઈએ અને અમે ‘ટ્‍‍વિન્સ ઇન્ડિયા’ની શરૂઆત કરી. શરૂઆતમાં માત્ર ભોપાલ પૂરતી ક્લબ હતી, પણ પછી એનો વ્યાપ વધ્યો અને હવે તો દેશભરમાં આ ક્લબ છે.’

શું છે ટ્‍‍વિન્સની કૉમન વાત?
૧. મોટા ભાગનાં ટ્‍‍વિન્સને બ્લૅક રંગ સૌથી વધારે પસંદ હોય છે.
૨. ટ્‍‍વિન્સમાં એક બીમારી સર્વસામાન્ય જોવા મળે છે અને એ છે શરદી.
૩. ટ્‍‍વિન્સમાં એક્સ્ટ્રા ઍક્ટિવિટીની ક્ષમતા સામાન્ય બાળકો કરતાં લગભગ બમણી હોય છે.
૪. ટ્‍‍વિન્સમાં કોઈ ને કોઈ એક ટૅલન્ટ એવું હોય જે તેમને સ્ટાર બનાવવાનું કામ કરી શકે.
પ. ટ્‍‍વિન્સનું આઇક્યુ-લેવલ અન્ય કરતાં દોઢથી અઢી ગણું વધારે હોય છે.


ટ્‍‍વિન્સ ફેસ્ટિવલ: ચીનના મોજિઆંગમાં યોજાયેલા ટ્‍‍વિન્સ ફેસ્ટિવલમાં અશોઈ-અનુષ્કા દંત્રા, અભિષેક-અનુજ ખરે અને ધૈર્યા-ધ્વનિ બંથ્રી.

Rashmin Shah columnists weekend guide