કામાઠીપુરાની ગુજરાતી ડૉન ગંગૂબાઈ કાઠિયાવાડી હતી કોણ?

19 January, 2020 03:52 PM IST  |  Mumbai Desk | rashmin shah

કામાઠીપુરાની ગુજરાતી ડૉન ગંગૂબાઈ કાઠિયાવાડી હતી કોણ?

પતિએ જ જેને ૫૦૦ રૂપિયામાં વેચીને કામાઠીપુરામાં દેહનો વેપાર કરવા મજબૂર કરી દીધી એ અબળા નારી ગંગામાંથી ગંગૂબાઈ કઈ રીતે બની અને માફિયાઓ સાથે પનારો પાડીને ગંગૂબાઈમાંથી ધ ગ્રેટ ગંગૂબાઈ કઈ રીતે બની એની જાણી-અજાણી વાતો અને સંજય લીલા ભણસાલી દ્વારા તેના પરથી બની રહેલી ફિલ્મમાં અત્યાર સુધી કેવા ઉતારચઢાવો આવ્યા એની રોચક વાતો આજે જાણીએ

આલિયા ભટ્ટને લઈને સંજય ભણસાલીએ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું શૂટ શરૂ કરી દીધું છે અને ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ પણ ઑલરેડી કરી લેવામાં આવ્યું છે. જોકે એવું નથી કે આ પ્રોજેક્ટ હમણાં જ ડિઝાઇન થયો હોય. ના, બિલકુલ એવું નથી. એસ. હુસેન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’માં કહેવામાં આવેલા ગંગૂબાઈ નામની એક મહિલા પર આધારિત આ ફિલ્મનો પ્રોજેક્ટ ઑલરેડી ૮ વર્ષ પહેલાં સંજય ભણસાલીના મનમાં ડિઝાઇન થવા માંડ્યો હતો. બન્યું હતું એવું કે ‘બાજીરાવ મસ્તાની’ના શૂટિંગ દરમ્યાન જ પ્રિયંકા ચોપડાને લઈને સંજય ભણસાલીએ કોઈ સોલો પ્રોજેક્ટ કરવો એવું નક્કી થયું અને સંજય ભણસાલીએ પ્રિયંકાને ગંગૂબાઈ વિશે વાત કરી. વાત સાંભળીને પ્રિયંકા રાજી થઈ ગઈ અને તેણે પ્રોજેક્ટ ગ્રીન લાઇટ કર્યો, પણ બનવાકાળ, એ પછી પ્રિયંકાનું અમેરિકામાં કામ વધી જતાં તે કોઈક ને કોઈક કારણસર આ પ્રોજેક્ટ માટે કમિટમેન્ટ મુજબનો સમય આપી શકતી નહોતી અને સંજય ભણસાલી પણ ‘પદ્‍માવત’ અને એ પછી ‘ઇન્શાલ્લાહ’ના પ્રોજેક્ટ પર લાગી ગયા અને ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ કોઈને યાદ પણ ન આવી. જોકે સલમાન ખાન ‘ઇન્શાલ્લાહ’માંથી બૅકફુટ થતાં આલિયા ભટ્ટ સાથે કોઈ પ્રોજેક્ટ શરૂ કરવાનો આવતાં સંજય ભણસાલીને કાઠિયાવાડી લેડી ગંગૂબાઈ યાદ આવી અને આમ આલિયાની પ્લેટમાં ગંગૂબાઈનું કૅરૅક્ટર આવી ગયું.

આલિયા ભટ્ટ અને સંજય ભણસાલીનું નામ આ પ્રોજેક્ટમાં જોડાતાં રાતોરાત ગંગૂબાઈનું કૅરૅક્ટર પૉપ્યુલર બની ગયું અને બધાને આ કાઠિયાવાડી લેડીના જીવનમાં રસ પડવા માંડ્યો છે, પણ એક હકીકત એ પણ છે કે ગંગૂબાઈ પોતે નહોતી ઇચ્છતી કે તેની કેટલીક વાતો ક્યારેય બહાર આવે. હા, ગંગૂબાઈ નહોતી ઇચ્છતી કે કામાઠીપુરા વિસ્તારની તેની લાઇફ પહેલાંના એના પૂર્વાશ્રમ વિશે ક્યાંય કોઈ જગ્યાએ ઉલ્લેખ થાય. આ જ કારણે ગંગૂબાઈએ પોતાની સાચી અટક કે જ્ઞાતિ કે પછી પોતે મૂળ ક્યાંની હતી એના વિશે કોઈ ચર્ચા ક્યારેય કોઈ સાથે કરી નહીં. આવું શું કામ એ જાણતાં પહેલાં ગંગૂબાઈ વિશે થોડું જાણી લેવું જોઈએ.

ગંગૂબાઈ કામાઠીપુરા એરિયાની સૌથી માથાભારે મહિલા તરીકે પ્રસ્થાપિત થઈ હતી. ૫૦ના દસકામાં આ વિસ્તારમાં એટલે કે આખા રેડલાઇટ એરિયામાં ઇલેક્શન થતું, જેમાં એક મહિલાને સૌકોઈની ઉપર બૉસ બનાવીને મૂકવામાં આવતી. આ જે બૉસ હોય એ બૉસને ‘બડી માં’ કહેવાય. બડી માં જે કહે એ સૌકોઈએ માનવાનું અને તેના નિયમો મુજબ ચાલવાનું. ગંગૂબાઈ કામાઠીપુરા વિસ્તારની ‘બડી માં’ બની અને બડી માં બન્યા પછી તેણે આ વિસ્તારની સેક્સવર્કર્સ માટે અમુક કામ એવાં કર્યાં કે ગંગૂબાઈ સૌકોઈની સાચા અર્થમાં મા બની ગઈ. ગંગૂબાઈના મૃત્યુ પછી કામાઠીપુરામાં ગંગૂબાઈનું સ્ટૅચ્યુ મૂકવામાં આવ્યું. આજે પણ આ સ્ટૅચ્યુ સામે સોગંદ લેવામાં આવે છે અને લીધેલા એ સોગંદ ક્યારેય ખોટા નથી હોતા એવું એકેક સેક્સવર્કર દૃઢપણે માને છે.

ક્યાંથી આવી આ ગંગૂબાઈ?
ગંગૂબાઈની ઓળખ આટલી જ, ગંગૂબાઈ કાઠિયાવાડ. ગુજરાત અને કાઠિયાવાડને જે નજીકથી જાણે છે તેમને ખબર છે કે કાઠિયાવાડ નામનો કોઈ વિસ્તાર નથી, પણ આ એક પંથક છે અને આ પંથકમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે ગંગૂબાઈ રાજકોટ જિલ્લા સાથે જોડાયેલી હતી અને લોહાણા જ્ઞાતિની હતી. ગંગૂબાઈ પોતે એવું કહી ચૂકી છે કે તેનો પરિવાર કાઠિયાવાડના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો. મૂળ નામ તેમનું ગંગા, પિતાનું નામ હરજીવનદાસ અને અટક વિશે કોઈ માહિતી નહીં. કામાઠીપુરામાં આવ્યા પછી ગંગૂબાઈએ પોતે જ તેમની અટકમાં કાઠિયાવાડી શબ્દ લખાવ્યો હતો.

નાનપણમાં ગંગાને ફિલ્મોનું ભૂત ચડ્યું હતું. તે કોઈ પણ હિસાબે ઍક્ટ્રેસ બનવા માગતી હતી, જેને કારણે મુંબઈનું તેને જબરદસ્ત ગ્લૅમર. પરિવારમાં ફિલ્મ કે નાટકચેટકની વાતો કરવાની પણ મનાઈ એટલે ગંગા બીજા લોકો પાસે મુંબઈની વાતો સાંભળીને મનમાં સપનાં જોયા કરે. સ્કૂલ-ટ્રિપમાં ગંગાની સ્કૂલમાંથી મુંબઈ લઈ ગયા તો એમાં પણ ગંગાને જવાની ના આવી ગઈ હતી. એ ના સાથે ગંગાનું મુંબઈનું વળગણ અઢળક વધી ગયું. સ્કૂલ-ટ્રિપ પાછી આવી ગયા પછી ગંગા રિસેસમાં ટ્રિપમાં ગયેલા છોકરાઓ પાસે મુંબઈની વાતો સાંભળ્યા કરે અને એ વાતો સાંભળીને પોતાનો મુંબઈ જઈ ઍક્ટ્રેસ બનવાનો નિર્ણય દૃઢ કરે. સપનાંઓને એક આકાશની જરૂર હોય છે. ગંગાને પણ એવું જ એક આકાશ મળ્યું, રમણીક નામનું. 

હરજીવનદાસની પેઢીમાં રમણીક અકાઉન્ટન્ટ તરીકે જૉઇન થયો હતો. કાઠિયાવાડ આવતાં પહેલાં રમણીક મુંબઈ હતો અને તે પાંચેક વર્ષ રહ્યો હતો. મુંબઈનું ગ્લૅમર ગંગાને રમણીકની નજીક ખેંચી જવાનું કામ કરી ગયું. મુંબઈ માધ્યમ બન્યું અને ગંગા રમણીકના પ્રેમમાં પડી. મનમાં હતું કે રમણીક સાથે મુંબઈ જવા મળે અને કાયમ માટે માયાનગરી મુંબઈમાં રહેવા મળે. રમણીક પાસે આ વાત મૂકી ત્યારે રમણીકે પણ તૈયારી દર્શાવીને વચન પણ આપ્યું કે જો મુંબઈ જવાનું થાય તો તે પોતાના કૉન્ટૅક્ટ વાપરીને તેને કામ પણ અપાવી શકે. પરિવાર આ મૅરેજ માટે માનવાનો નહોતો એટલે રમણીક પાસે ગંગાને લઈને ભાગવા સિવાયનો કોઈ રસ્તો નહોતો. જોકે તેને ચિંતા ત્યાં સ્થાયી થવાની હતી એટલે તેણે ભાગતાં પહેલાં ગંગાને ઘરમાંથી દાગીના અને રોકડ રકમ ચોરી લેવાની સલાહ આપી. ગંગાએ રમણીકના કહેવા મુજબ દાગીના અને રોકડ ચોરી લીધાં અને બન્ને ઘરેથી ભાગી ગયાં. ભાગતી વખતે ગંગાએ નક્કી કર્યું હતું કે તે ક્યારેય ઘરે પાછી નહીં આવે. જો પરિવારના સભ્યો તેને લેવા આવશે તો તે સંબંધો નવેસરથી બાંધશે, પણ ઘરે નહીં આવે. મુંબઈ આવીને રમણીક અને ગંગા લૉજમાં રોકાઈ ગયાં. લગ્ન વિના જ પતિ-પત્નીના આ સંબંધ શરૂ થયા અને થોડા દિવસ બન્ને ફર્યાં. દસેક દિવસ પછી રમણીકે જ કહ્યું કે હવે પૈસા નથી એટલે લૉજમાં રહેવાને બદલે તું માસીની સાથે રહે, ભાડે રૂમની વ્યવસ્થા કરીને હું તને લઈ જઈશ.

રમણીકે ક્યારેય માસીની કોઈ ચર્ચા નહોતી કરી એટલે ગંગાને પહેલી શંકા એ સમયે ગઈ પણ પ્રેમ શંકાને ઓગાળી નાખે છે. બીજા દિવસે શીલા નામની માસી ગંગાને લેવા આવી. શીલાના વર્તન અને પહેરવેશે ગંગાને બીજી શંકા આવી પણ એમ છતાં તે ચૂપ રહી અને માસી સાથે નીકળી ગઈ. માસીએ કામાઠીપુરા પાસે ટૅક્સી ઊભી રખાવી ત્યારે ત્યાંના માહોલને જોઈને ગંગાને ત્રીજી શંકા થઈ અને એ ત્રીજી શંકાએ ગંગાને વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું. એ જ રાતે ગંગાને શીલાએ કહી દીધું કે તેને ખરીદવામાં આવી છે, રમણીકે તેને ૫૦૦ રૂપિયામાં વેચી છે. હવે ગંગાને શીલામાસીના ક્લાયન્ટને સંતોષ આપવાનો છે.

સ્વાભાવિક રીતે ગંગા માની નહીં એટલે તેને થોડા દિવસ માર મારવામાં આવ્યો અને ખાવાનું ન આપવામાં આવ્યું. એક વખત ગંગાને ભાગવાનો મોકો મળી ગયો, પણ કામાઠીપુરાની બહાર નીકળતી વખતે જ તેને પોતાની બહેનો અને બાપુજી હરજીવનદાસ યાદ આવી ગયાં. જો તે ઘરે પાછી જાય તો બહેનોનાં લગ્ન નહીં થાય અને બાપુજીએ ઝેર ખાવાનો વારો આવશે એ વાત યાદ આવતાં ગંગાના પગ ફરીથી કામાઠીપુરાની દિશામાં વળી ગયા. શરીરનો લાભ એક ઠગ લઈ ચૂક્યો હતો, એ ઠગની સરખામણીએ તો જે આવવાનું હતું એ ચુકવણું કરવાનો હતો.

એ રાતે ગંગાનું નામ ગંગૂ થઈ ગયું.

ગંગૂમાંથી ધી ગ્રેટ ગંગૂબાઈ
ગંગૂબાઈના જીવનમાં બે ઘટના એવી ઘટી જેણે ગંગૂબાઈનું વર્ચસ અનહદ વધારી દીધું. એ દિવસોમાં કરીમલાલાનું રાજ ચાલતું હતું. કરીમલાલાનો એક સાગરીત શૌકત ખાન કામાઠીપુરામાં જઈને મફતમાં રંગરેલિયા મનાવતો હતો. કરીમલાલાના માણસો સામે કંઈ બોલવામાં પણ નહોતું આવતું. શૌકત પણ એક વખત શીલાના અડ્ડા પર પહોંચ્યો અને ત્યાં તેણે ગંગૂબાઈની સાથે ખૂબ મજા કરી. અહીં સુધી ઠીક હતું, પણ એ પછી તેણે ગંગૂને ખૂબ માર માર્યો. ગંગૂ દસ દિવસ સુધી પોતાના પગ પર ઊભી નહોતી રહી શકી. ખરાબ સપનું માનીને ગંગૂ અને શીલા આ વાત ભૂલી ગયાં, પણ થોડા સમય પછી શૌકત ફરી આવ્યો અને અગાઉની ઘટનાનું પુનરાવર્તન થયું. આ વખતે ગંગૂબાઈ શીલાની પરવાનગી વિના સીધી કરીમલાલાના હાજીઅલીના ઘરે પહોંચી ગઈ. ગંગૂબાઈની હિંમતથી કરીમલાલા પણ હેબતાઈ ગયા. ગંગૂબાઈની બધી ફરિયાદ સાંભળી લીધા પછી શૌકતને કામાઠીપુરામાં ગંગૂબાઈ અને અન્ય સેક્સવર્કર્સની હાજરીમાં ખૂબ માર મારવામાં આવ્યો અને ગંગૂબાઈની માફી પણ મગાવવામાં આવી. આ આખી ઘટના સમયે કરીમલાલા પણ ત્યાં હાજર હતા. એ સમયે કરીમલાલાએ બધાની હાજરીમાં કહ્યું કે ગંગૂ મારી નાની બહેન છે, કોઈએ તેને હેરાન નથી કરવાની અને કોઈ હેરાન થતું હોય તો ગંગૂને કહેજો, મેસેજ મારા સુધી પહોંચી જશે.

એ દિવસ પછી કામાઠીપુરામાં ગંગૂબાઈનો દબદબો શરૂ થયો, જેનો સકારાત્મક લાભ ગંગૂબાઈએ સૌને આપ્યો. કહેવાય છે કે ગંગૂબાઈએ પોતાના સમય દરમ્યાન ૧૦૦થી વધારે છોકરીઓને પોતાના ઘરે પાછી મોકલી હતી, જે આ લાઇનમાં ખોટી રીતે આવી ગઈ હતી. એ દિવસ પછી ગંગૂબાઈ કામાઠીપુરાના ઇલેક્શનમાં લાંબ સમય સુધી બિનહરીફ ચૂંટાતી રહી. કરીમલાલા સાથેના સંબંધ મજબૂત બનતાં ગંગૂબાઈ પાસે અનેક લોકો માંડવાળી કરાવવા પણ આવતા, જેમાં ગંગૂબાઈ મિડલમૅન બનીને સેટલમેન્ટ કરાવતી. અન્ડરવર્લ્ડ પર દબદબો વધતાં ગંગૂબાઈએ બીજા સ્ટેટમાંથી પ્રેમનું નાટક કરીને છોકરીઓને વેચી જતા લોકોને પકડવાનું પણ શરૂ કરાવ્યું હતું. ૧૨ વર્ષમાં ગંગૂબાઈએ ચાલીસેક જેટલા રમણીક જેવા લોકોને પકડ્યા હતા. ગંગૂબાઈ તેમને સજા પણ પોતાની રીતે આપતી. પ્રેમનું નાટક કરીને છોકરીઓને ભોળવનારાઓને ગંગૂબાઈ અમુક સમયમર્યાદા સુધી છોકરીઓનાં કપડાં પહેરાવીને બધી સેક્સવર્કર્સના ઘરનાં કામ કરાવતી.

સૂનો, પ્રધાનમંત્રીજી
કામાઠીપુરા બંધ થવો જોઈએ એવું નિવેદન જવાહરલાલ નેહરુએ કરતાં ગંગૂબાઈએ વડા પ્રધાન નેહરુને મળવા માટે અપૉઇન્ટમેન્ટ માગી હતી, જે તેમને આપવામાં પણ આવી હતી. ગંગૂબાઈએ એ સમયે નેહરુને ૧૦ મિનિટ સુધી બોલવા નહોતા દીધા અને કામાઠીપુરા જ નહીં, સેક્સવર્કરનું મહત્ત્વ તેમણે નેહરુને સમજાવ્યું હતું. ગંગૂબાઈ સાથેની મીટિંગ પછી કામાઠીપુરા બંધ કરાવવાની હરકતને અટકાવી દેવામાં આવી હતી.

કામાઠીપુરામાં રહેલી અનેક મહિલાઓનાં મૅરેજ પણ ગંગૂબાઈએ કરાવી આપ્યાં હતાં. ગંગૂબાઈ આ પ્રકારની મહિલાઓનું કન્યાદાન કરતી તો જે મહિલા બાળકને જન્મ આપવા માગતી હતી એ મહિલા પાસે તે લેખિતમાં લેતી કે જો દીકરી જન્મશે તો તે તેને ભણાવીને પોતાનાથી દૂર મોકલી દેશે. ગંગૂબાઈએ પોતાની આવકમાંથી લાખો રૂપિયાની ફી બીજાનાં બાળકોની ભરી હતી.
૧૯૭૭માં ગંગૂબાઈનું અવસાન થયું, પણ ત્યાં સુધીમાં ગંગૂબાઈએ કામાઠીપુરાની સેક્સવર્કર્સને ઇજ્જત અને સ્વમાનની ભેટ આપી દીધી હતી.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ઉપરાંત લોકો તેમને ‘ગંગૂબાઈ કોઠેવાલી’ પણ કહેતા અને કાથાવાળું પાન એકધારું મોઢામાં રહેતું હોવાથી તેમને ‘ગંગૂબાઈ કથ્થેવાલી’ તરીકે પણ ઓળખવામાં આવતી.

Rashmin Shah columnists weekend guide