મુંબઈકરને નવું વર્ષ ખરા અર્થમાં નવું-નવું ક્યારે લાગશે?

28 December, 2019 03:25 PM IST  |  Mumbai | Varsha Chitaliya

મુંબઈકરને નવું વર્ષ ખરા અર્થમાં નવું-નવું ક્યારે લાગશે?

નવું વર્ષ 2020

૩૧ ડિસેમ્બરની રાતના બારનો ટકોરો પડે એટલે આપણે સૌ ચિચિયારીઓ પાડી નવા વર્ષને વધાવતા પરસ્પર શુભેચ્છાઓ પાઠવવાની હોડમાં લાગી જઈએ છીએ. બીજા દિવસથી ફિર વહી રફ્તાર જેવી રૂટીન લાઇફમાં ગોઠવાઈને બધું ભૂલી જવાય. વર્ષના અંતે સરવૈયું કાઢો ત્યારે ખબર પડે કે નવું કશું થયું નહીં. ગાડરિયા પ્રવાહમાં તણાતા મુંબઈગરાઓને ન્યુ યરમાં એન્ટ્રી મારી છે એવી સાચેસાચી ફીલિંગનો વાસ્તવિક અનુભવ થતો નથી ત્યારે તેમને પૂછીએ કે ખરા અર્થમાં ન્યુ યરનું સેલિબ્રેશન કરવાની ઇચ્છા તેમને ક્યારે થશે.

નવું વર્ષ બારણે ટકોરા મારી રહ્યું છે. ગાડરિયા પ્રવાહની જેમ ચારે બાજુ લોકો ૨૦૨૦ને આવકારવા ઊમટી પડશે. રેસ્ટોરન્ટમાં, પબમાં, રિસૉર્ટ, ગેટવે ઑફ ઇન્ડિયા અને ચોપાટી જેવાં સાર્વજનિક સ્થળો પર જ્યાં જુઓ ત્યાં ભીડ જ ભીડ ને ખાણીપીણીનો જલસો. ૩૧ ડિસેમ્બરની રાતે બાર વાગે એટલે દસ, નવ, આઠ, સાત...હૅપી ન્યુ યરની ચિચ‌િયારીઓ પાડવાની. આવનારું વર્ષ જીવનમાં ખુશાલી લાવે એવી શુભેચ્છાઓ આપી છૂટા પડી જવાનું. બીજા દિવસથી ફરી એ જ રૂટીન. વાસ્તવમાં હૅપી ન્યુ યર કહેવાની મજા અને ઉત્સાહ માત્ર વ્યવહાર બનીને રહી ગયા છે. ખરેખર ન્યુ યરમાં હૅપી-હૅપી ફીલિંગ થાય એવું કશું જોવા મળતું નથી. મુંબઈગરાઓ પણ માને છે કે દર વર્ષે આમ જ થાય છે. આવું હોય નવા વર્ષનું આગમન? ચાલો કેટલાક મુંબઈગરાઓને મળીને જાણીએ કે તેમને નવા વર્ષના આગમન જેવો અનુભવ ક્યારે થશે? ક્યારે તેઓ ખરા અર્થમાં ન્યુ યરને સેલિબ્રેટ કરશે?

સેલિબ્રેશનમાં મૉડર્નાઇઝેશન આવ્યું છે એવું વિચારોમાં આવે : રૂપલ બજરિયા, કાંદ‌િવલી

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દિવાળી જ નવું વર્ષ છે, પરંતુ આપણા ઘરનું કૅલેન્ડર પહેલી જાન્યુઆરીએ બદલાય છે. એ રીતે આપણે મૉડર્ન બન્યા છીએ એમ કહી શકાય. કાંદ‌િવલીનાં રૂપલ બજરિયા પોતાનો આભિપ્રાય આપતાં જણાવે છે, ‘પરિવારના સભ્યો સાથે મળી અમે નવા વર્ષનું સેલિબ્રેશન કરીએ છીએ. આજની જનરેશન આપણને જુનવાણી અને રૂઢિચુસ્ત ન માને એટલે આપણે અનેક એવા તહેવારો ઊજવવા લાગ્યા છીએ જે નાનપણમાં ઊજવ્યા નહોતા. જોકે સંતાનોની ખુશી માટે પોતાની જાતને મૉડર્ન પેરન્ટ્સની કૅટેગરીમાં તો મૂકી દઈએ છીએ, પણ મેં જોયું છે આ બધું એક દિવસ પૂરતું જ હોય છે. ફરી આપણે એ જ જૂની ઘરેડમાં ગોઠવાઈ જઈએ છીએ. વાસ્તવમાં નવું વર્ષ ત્યારે કહેવાશે જ્યારે સામાજિક વિચારધારામાં પરિવર્તન આવે. આ વર્ષે તમે કોઈ જૂની માન્યતાને ત્યજીને આગળ વધી શકો છો તો એ તમારું નવું વર્ષ. મુંબઈની વાત કરું તો ૨૦૨૦માં મારા શહેરમાં એક પણ આંદોલન અને વિરોધ-પ્રદર્શન ન થાય એવું વર્ષ જોવા માગું છું. લોકોને મિસગાઇડ કરવાની ટેવ બધાએ છોડવી પડશે. જો આ વર્ષ શાંતિથી પસાર થશે તો લાગશે કે નવા વર્ષમાં નહીં, નવા યુગમાં પ્રવેશ કર્યો છે અને એ ત્યારે શક્ય બનશે જ્યારે તમે પરિવર્તનને સ્વીકારશો.’

ટ્વેન્ટી ટ્વેન્ટીનું વર્ષ એટલે અમારા માટે બધું નવું-નવું  : ચાંદની ભટ્ટ, વિરાર

તમારી વાત સાચી છે. આપણે ત્યાં ૩૧ ડિસેમ્બરના સેલિબ્રેશન સિવાય નવા વર્ષમાં નવું કશું જ હોતું નથી. વર્ષના અંતે દર વખતે સેમ જ ફીલિંગ હોય છે કે ચાલો, વધુ એક વર્ષ પૂરું થયું. જોકે નજીકના ભવિષ્યમાં મારી લાઇફમાં ઘણુંબધું નવું થવાનું છે. અત્યારે એક્સાઇટમેન્ટ અને ટેન્શન બન્નેનું મિક્સઅપ ચાલે છે એવું ઉત્સાહભેર જણાવતાં વિરારની ચાંદની ભટ્ટ કહે છે, ‘આવતી કાલે મારાં લગ્ન થવાનાં છે. નવા વર્ષની સાથે જ દામ્પત્યજીવનની શરૂઆત થવાની છે. સાસરીમાં પપ્પાના ઘર જેવી ફ્રીડમ મળશે તો મારા માટે એ બેસ્ટ ન્યુ યર ગિફ્ટ બની રહેશે. પ્રતીકના અને મારા લાઇક્સ-ડિસલાઇક્સમાં સામ્ય છે તેથી મને તેના સપોર્ટની પૂરેપૂરી હોપ છે. સોસાયટીની વાત કરું તો આપણે દર વર્ષે ઇચ્છતા હોઈએ છીએ કે મુંબઈગરાઓની રૂટીન લાઇફ સ્ટ્રેસ-ફ્રી બને, પ્રગતિ થાય અને આસપાસ પૉઝિટિવ ઑરા બને. પણ મોટા ભાગે આવું બનતું નથી. બધે જ નકારાત્મક વાતો વધુ સાંભળવા મળે છે. રાતે મોડેથી ઘરે આવતી અથવા ટૂંકાં વસ્ત્રો પહેરતી યંગ ગર્લ્સને જોવાનો દૃષ્ટિકોણ પણ આટલાં વર્ષમાં ક્યાં બદલાયો છે? જે દિવસે લોકોનો આ નજરિયો બદલાશે અને રાતે બાર વાગ્યે પણ રસ્તા પરથી પસાર થતાં અસલામતી નહીં લાગે એ દિવસે હું ખરા અર્થમાં નવું વર્ષ સેલિબ્રેટ કરીશ.’

સરકાર ફિટનેસ કાર્ડ ફરજિયાત કરશે ત્યારે નવા વર્ષને આવકારીશ:  દામિની લીલાણી, બોરીવલી

આપણા દેશમાં આધારકાર્ડ, રૅશનકાર્ડ, ફલાણા ને ઢીંકણા ને કંઈ કેટલાય પ્રકારના કાર્ડધારકો છે. મારા માટે તો પહેલી જાન્યુઆરી ત્યારે આવશે જે દિવસે સરકાર તરફથી ફિટનેસ કાર્ડ ઇશ્યુ થશે એમ જણાવતાં દામિની લીલાણી કહે છે, ‘દેશના દરેક નાગરિકે શરીરથી ફિટ રહેવાની ખાસ્સી જરૂર છે. શરીર તંદુરસ્ત હશે તો સકારાત્મક વિચારો આવશે અને એનો પ્રભાવ પણ દેખાશે. મારું માનવું છે કે જેમ વિદેશના કેટલાક દેશોમાં કુટુંબમાંથી એક વ્યક્તિએ ફરજિયાત આર્મી જૉઇન કરવાનું હોય છે એ જ રીતે આપણા દેશમાં સ્વસ્થ રહેવાનું ફરજિયાત કરવું જોઈએ. જેની પાસે ફિટનેસ કાર્ડ હોય તેને પ્રાયોરિટી મળે એવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ. આ ઉપરાંત ડિગ્રી નહીં પણ ટૅલન્ટની વૅલ્યુ થાય એવા ચેન્જિસ લાવવા જોઈએ. આપણી શૈક્ષણિક પદ્ધતિમાંથી ગોખણપટ્ટી જેવું સિલેબસ કાઢી ક્રીએટિવિટીને સર્વાધિક પ્રાધાન્ય આપવાની શરૂઆત થશે તો યંગ જનરેશન માટે હૅપી-હૅપી યર આવી જશે. વ્યક્તિગત લેવલ પર વાત કરું તો મારા માટે દરરોજ નવું વર્ષ હોય છે, કારણકે મારી આસપાસ જે બનતું હોય એમાં મને મજા જ આવે. રસ્તા પર ઊભા રહીને ડાન્સ કરવાનું કહો તો એમાં પણ હું આનંદ શોધી લઉં. નવા વર્ષને આવકારવા મારે કૅલેન્ડરમાં ડેટ જોવાની જરૂર નથી.’

મૉબ લિન્ચિંગ વગરનું વર્ષ જાય તો સેલિબ્રેટ કરું: કિશોર કામદાર, અંધેરી

લીધેલા સંકલ્પોને પૂરા કરવાનો આપણે નિષ્ઠાપૂવર્ક પ્રયાસ નથી કરતા અને આપણી ધારણા મુજબ કામ થતું નથી તેથી નવા વર્ષમાં કશું નવું જોવા મળતું નથી. આપણી આસપાસ પરિવર્તન જોઈતું હોય તો શરૂઆત સ્વયંથી કરવી જોઈએ એવો અભિપ્રાય આપતાં કિશોર કહે છે, ‘દર વખતે નવા વર્ષનું સ્વાગત કરીએ ત્યારે ઉમંગ અને ઉત્સાહ હોય છે કે આ વર્ષ સુંદર જશે, પણ છેલ્લે નિરાશા થાય છે; કારણ કે આપણે ભૂલોમાંથી બોધપાઠ લેતા નથી. ધાર્મિક બનવા કરતાં વાસ્તવિક બનવામાં મને નવી શરૂઆત દેખાય છે. આ વ્યક્તિગત સેલિબ્રેશનની વાત છે. મારા દેશ અને શહેરમાં જે દિવસે ફેક ન્યુઝ અને મૉબ લિન્ચિંગ બંધ થશે ત્યારે હું ધમાકેદાર સેલિબ્રેશન કરીશ. મોટા ભાગનાં રમખાણો ફેક ન્યુઝના લીધે થાય છે. વિરોધમાં પણ શિસ્તબદ્ધતા હોવી જોઈએ એટલી સમજ દરેક નાગરિક દાખવે તો ૨૦૨૦ના અંતે કંઈક નવું થયાની ફીલિંગ આવશે, બાકી આ વર્ષે તો એવું કશું દેખાતું નથી. જોકે મારી વાઇફની સેલિબ્રેશનની વ્યાખ્યા જુદી છે. તેનું કહેવું છે કે આજથી માત્ર એક દાયકા પહેલાં દાળ-શાકના જે ભાવ હતા એ ભાવ આ વર્ષે સાંભળવા મળે તો ગૃહિણીઓના ચહેરા પર નવા વર્ષની ગિફ્ટ મળી હોય એવો આનંદ દેખાય.’

રિક્ષા-ટૅક્સીવાળા આનાકાની કરતાં બંધ થશે ત્યારે સોનાનો સૂરજ ઊગશે:  જિજ્ઞેશ શાહ, કિંગ્સ સર્કલ

મુંબઈગરાઓ માટે કનેક્ટિવિટી મુખ્ય જરૂરિયાત છે. ઑટો કે ટૅક્સી મળવી એ જંગ જીતવા બરાબર છે એવો મત વ્યક્ત કરતાં કિંગ્સ સર્કલના જિજ્ઞેશ શાહ કહે છે, ‘ટૂંકા અંતરમાં જવું હોય ત્યારે વાહન મળતું નથી તેથી બહુ ત્રાસ પડે છે. જે દિવસે આ લોકો સુધરી જશે એ દિવસે મુંબઈમાં સોનાનો સૂરજ ઊગ્યો કહેવાશે. આ ઉપરાંત સરકારી ખાતાના કર્મચારીઓ પોતાના કામની ઝડપ વધારે અને રસ્તાના ખાડાની સત્વરે ભરણી કરે તેમ જ ઠેકઠેકાણે પે ઍન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરે તો ઘણા પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય અને નવા વર્ષમાં એન્ટ્રી મારી હોય એવી ફીલિંગ આવે. વાસ્તવમાં મારી નજરમાં ૩૧ ડિસેમ્બર કે પહેલી જાન્યુઆરી સામાન્ય દિવસ જ છે. અમે એને સેલિબ્રેટ પણ નથી કરતા. રાતના મોડે સુધી અંધારામાં છાકટા થઈને નાચવાના કલ્ચરનો હું વિરોધ કરું છું. આપણે માતા-પિતાનો કે વાઇફનો જન્મદિવસ નથી ઊજવતા. તેમને સવારે વિશ કરી કામધંધે નીકળી જઈએ છીએ, જ્યારે પાશ્ચાત્ય તહેવારો ઊજવવા રજા લઈએ છીએ. યંગ જનરેશનને હળવામળવા સ્થળ જોઈતું હોય છે. તેમને આપણી કલ્ચર સાથે સંકળાયેલા રાખવા પિકનિક સ્પૉટનું કમર્શિયલાઇઝેશન અટકાવવું જોઈએ. આ બધાં જ પરિવર્તનની શરૂઆત આપણી કલ્ચર પ્રમાણે ઊજવાતા તહેવારો અને નવા વર્ષની સાથે થાય તો જીવનનો આનંદ અને ઉત્સાહ બેવડાઈ જાય.        

new year columnists Varsha Chitaliya