દુનિયા રીમિક્સની: ઓરિજિનલનો આનંદ અદ્ભુત

06 November, 2019 01:16 PM IST  |  Mumbai | Pankaj Udhas

દુનિયા રીમિક્સની: ઓરિજિનલનો આનંદ અદ્ભુત

ફાઈલ ફોટો

ચાંદી જૈસા રંગ હે તેરા

સોને જેસે બાલ

એક તૂ હી ધનવાન હૈ ગોરી,

બાકી સબ કંગાલ

આપણે આ નઝમની સર્જનયાત્રા વિશે અગાઉ વાત કરી છે અને એનું સર્જન કેવી રીતે શક્ય બન્યું એ પણ તમને કહ્યું છે. છ મહિના, સતત છ મહિના સુધી એક જ વાત મારા મનમાં, દિલમાં ચાલ્યા કરતી કે કઈ રીતે હું આને કમ્પ્લીટ કરું અને કતિલ શિફાઈની આ રચનાને હું તેમણે જે લખ્યું છે એનાથી વધારે નવી ઊંચાઈ પર લઈ જઉં. મારે જરા પણ એવી ઉતાવળ કરવી નહોતી કે જેમાં આ રચનાનું, આ સર્જનનું અને એના સર્જકનું અપમાન થઈ બેસે. આગળ જતાં એમાં જે જરૂરી સુધારાઓ દેખાતા હતા એની માટે મેં તેમને પત્રો લખ્યા, ફોન કર્યા જેની અગાઉ ચર્ચા થઈ ગઈ છે અને કેવી રીતે મુમતાઝ રાશિદે આગળનું ગીત લખી આપ્યું અને કતિલ શિફાઇએ કેવી રીતે એની મંજૂરી આપી એ વાત પણ આપણે કરી છે એટલે આપણે એ બધી વાતોનું અહીં નવેસરથી પુનરાવર્તન નહીં કરીએ.

જરા વિચારો તમે, એક ગીત માટે છ મહિનાનો સમય, આટલા બધા ગુણી લોકોની મહેનત અને સાચા મનની લગન. સતત એક જ વિચાર કે કઈ રીતે શ્રેષ્ઠ સર્જન કરવું છે અને કઈ રીતે કોઈના સર્જનને ચાર ચાંદ લગાવવા છે. આ જ નહીં, બીજી અનેક ગઝલો એવી છે જેના એકેક શબ્દએ એવરેસ્ટ ચડવા જેવી મહેનત માગી લેતા હોય એમ એ આખી ગઝલ કે ગીત બન્યું હોય. અઢળક મહેનત અને તકલીફો પણ પડી હોય અને એ પડ્યા પછી એ સર્જન પૉપ્યુલર થાય ત્યારે આત્મસંતોષ પણ મળ્યો છે કે મહેનત લેખે લાગી, હવે જરા વિચાર કરો કે મહિનાઓની મહેનત અને મહિનાઓની એકધારી તસ્દીઓ લીધા પછી કોઈ વ્યક્તિ એ ગઝલને માત્ર ચાર કલાક સ્ટુડિયોમાં બેસીને રીમિક્સ તૈયાર કરી નાખે તો તમને કેવું ફીલ થાય? તમારી પાસે એ લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો ન હોય અને તમારી પાસે એ વાત વ્યક્ત કરવા માટે કોઈ પ્રકારના પ્રતિભાવ પણ ન હોય. બસ, મને પણ એવું જ ફીલ થતું હોય છે જ્યારે વાત રીમિક્સની આવે.

જ્યારે રીમિક્સની શરૂઆત થઈ ત્યારે લોકોએ એ સંગીત પસંદ કર્યું હતું, જેનું કારણ પણ સ્પષ્ટ હતું. લોકોને એવું લાગતું હતું કે કંઈક નવું થઈ રહ્યું છે અને નવું મળવાનું છે. આમ રીમિક્સની શરૂઆત સારી રહી અને બહુ સારું ઑડિયન્સ રીમિક્સનું બની ગયું, પણ પછી જે થયું એ ખરેખર મ્યુઝિકનું અપમાન કહેવાય એવી ઘટના હતી જે ખરેખર દુઃખ પહોંચાડનારી વાત હતી. એ પછીના સમયમાં દરેકને મ્યુઝિકમાં રીમિક્સ સૉન્ગ જોઈતાં હતાં. દરેક મ્યુઝિક કંપની પોતાના આલબમનું પ્લાનિંગ કરે ત્યારે એમાં એક ઓરિજિનલ સૉન્ગનાં બે કે ત્રણ રીમિક્સ વર્ઝન ઉમેરાવા માંડ્યાં. રીમિક્સ માટે અનેક પ્રકારની આગ્યુર્મેન્ટસ થાય છે. રીમેક માટે પણ એવું જ છે. ‘શોલે’ કે પછી ‘અભિમાન’, ‘મુગલ-એ-આઝમ’ જેવી ફિલ્મની રીમેક ન થવી જોઈએ એવું કહેનારો બહોળો વર્ગ છે તો આ જ વાત મ્યુઝિક સાથે પણ લાગુ પડે છે. અમુક કલ્ટ કે પછી લૅન્ડમાર્ક બની ગયા હોય એ સૉન્ગનું રીમિક્સ વર્ઝન તૈયાર ન થવું જોઈએ.

એવું શું કામ તો મેં આગળ કહ્યું એમ કે તમે જ્યારે કોઈ નવી રચના તૈયાર કરતા હો ત્યારે તમે એમાં તમારો અને તમારી ટીમનો સમય ઇન્વેસ્ટ કરતા હો છો. બધા લોકોની વેવલેન્ગ્થ મળે, કલાકોના કલાકો સુધી ક્રીએટિવ ચર્ચાવિચારણાઓ ચાલે એ પછી એ ગીતનું નિર્માણ થતું હોય છે. આ જ કૉલમમાં મેં અગાઉ ‘નામ’ ફિલ્મના ચિઠ્ઠી આઇ હૈ... ગીતની સર્જનયાત્રા પણ કહી હતી. સળંગ બેઠકો પછી એ ગીતનું સર્જન થયું હતું, જે આજે પણ એવરગ્રીન છે. આપણે ત્યાં કૉન્સર્ટમાં એ ગીત લેવામાં ન આવ્યું હોય તો કૉન્સર્ટ અધૂરી ગણાય છે અને ફૉરેનમાં એ ગીત વિના કૉન્સર્ટ પૂરી નથી થતી. આંખોમાં આંસુ લાવી દેનારા એ ગીતની સર્જનયાત્રા વાંચ્યા પછી મને અનેક વાંચકોના પણ મેસેજ, ઈ-મેઇલ અને ફોન આવ્યા હતા. હવે વિચારો કે એ ગીતના નિર્માણ સમયે બધાએ એ પ્રકારનું પેઇન સહન કર્યું હતું જે પ્રકારનું પેઇન એક બાળકના જન્મ સમયે મા અનુભવ કરતી હોય છે. હવે જ્યારે એ જ ગીતના રાઇટ્સ મ્યુઝિક કંપની પાસે છે એટલે સ્ટુડિયોમાં બેસીને માત્ર ડેડલાઇન પાળવા કે પછી હમણાં અત્યારે રિલીઝ માટે હાથમાં બીજું કંઈ નથી એટલે સમય સાચવી લેવા કે પછી ફિલ્મની સ્ટોરીમાં જે સિચુએશન છે એ સિચુએશનને અનુરૂપ ગીત નથી મળતું એટલે ત્યાં કોઈ હિટ સૉન્ગનું રીમિક્સ મૂકી દેવું એ તદ્દન ખોટી પ્રૅક્ટિસ છે. આવું કરીને તમે ઓરિજિનલ સૉન્ગ, એ ગીતના ગીતકાર, એના કમ્પોઝર, સિંગર અને એ ગીત સાથે જોડાયેલા નાનામાં નાના આર્ટિસ્ટનું અપમાન કરો છો. આજે હવે કમ્પ્યુટરાઇઝેશન આવી ગયું છે, પણ પહેલાં એવું નહોતું. મ્યુઝિકમાં આવતી એકેક બીટ માટે ખાસ સાજિંદા કામ કરતા, બાંસુરીવાદક આવતા અને શરણાઈ તથા ઢોલક વગાડવા માટે પણ ખાસ આર્ટિસ્ટ આવતા. હવે એની જરૂર નથી પડતી. કમ્પોઝર રિધમ બનાવવા માટે કલાકો જ નહીં, દિવસોના દિવસો સુધી મહેનત કરતા અને એ મહેનત પછી એક ગીતનો રિધમ તૈયાર થતો. બધું રેડી હોય એ સમયે એના પર કામ કરવું જરા પણ અઘરું નથી અને એ કોઈ બહુ મોટું તીર મારી લેવા જેવું કામ પણ નથી.

- તો પછી વાત એ આવે કે મ્યુઝિક કંપની કે પછી પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલી વ્યક્તિ રીમિક્સનો ઑપ્શન કેમ પસંદ કરે છે?

હવે આજના સમયમાં જે ફિલ્મો કે મ્યુઝિક બને છે એ કૉર્પોરેટ કંપની દ્વારા બનાવવામાં આવે છે જ્યાં માર્કેટિંગ પ્રોફેશનલ્સની એક આખી એવી ટીમ બેઠી છે જે ફૉરેન ભણી છે. તેમને માર્કેટિંગનાં તમામ પાસાંનું નૉલેજ છે, પણ તેમની પાસે ‘મિટ્ટી કી ખુશ્બૂ’ની વાત નથી. આ માર્કેટિંગ પ્રોફેશનલ્સ પાસે માર્કેટિંગનું નૉલેજ છે, પણ તેમની પાસે ઇન્ડિયન કલ્ચરલ મ્યુઝિકનું કોઈ બૅકગ્રાઉન્ડ નથી. રાગ શું કહેવાય કે સૂર કોને કહેવાય, તાલ કે લય કેવા હોય એનો ખ્યાલ તેમને નથી અને સંગીતની બીજી બધી સૂઝ પણ તેમનામાં નથી. તેમનો ટાર્ગેટ છે સૅલેરી અને એની સામે કંપનીને પૂરું વળતર આપવું અને એમાં કશું ખોટું પણ નથી. આવી અવસ્થામાં અને તેમની લાઇનદોરી પ્રમાણે મ્યુઝિક પ્રોડ્યુસ થાય છે.

પહેલાં તો દરેકે સમજવાની જરૂર છે કે જે એજ ગ્રુપને તે લોકો ટાર્ગેટ ઑડિયન્સ માને છે એ એજ ગ્રુપને બીજું મ્યુઝિક સાંભળવું નથી એવું જરા પણ નથી, પણ તમે તેમને એ જ પીરસો છો જે તમારી પાસે તૈયાર હોય. આવી સિચુએશનમાં એ લોકો પોતાની માગ મૂકે ક્યાં? તમારી પાસે પીરસવા માટે એક થાળીમાં હોય એ બધાં બત્રીસ જાતનાં પકવાન છે, પણ તમારે માત્ર બે મિનિટમાં બનતાં નૂડલ્સ જ પીરસવાં છે એટલે રીમિક્સ વચ્ચે બધા અટવાઈ ગયા છે અને અટવાયેલા જ રહેશે.

મ્યુઝિક કંપની પોતાના સેલ્સ-ટાર્ગેટ પૂરો કરવાને બદલે માર્કેટમાં લોકોની શું ડિમાન્ડ છે એનું ધ્યાન રાખે તો ખૂબ જ સરસ રિઝલ્ટ આવશે અને લાંબા ગાળે તેમને પણ ફાયદો થશે. લકી અલી, અદનાન સમી, અરિજિત સિંહ, જગજિત સિંહ બધા અલગ-અલગ ગાયકી ધરાવતા તેમ છતાં આ બધાને સાંભળતા, એમ કેમ? કારણ કે તેમનું સંગીત તેમના સુધી પહોંચતું કરવામાં આવતું અને લોકો પોતાની ઇચ્છા, પોતાના ટેસ્ટ મુજબ એ સાંભળતા અને હવે તમે એ જ લકી અલી અને અદનાન સમીનાં જૂનાં ગીતોને રીમિક્સ કરીને આપો છો. હજી પણ જો નવી રચના બનાવવામાં આવે તો એ સંભળાય જ છે. આર્ટિસ્ટ કે મ્યુઝિક કમ્પોઝર સક્ષમ નથી એવું નથી અને એવું પણ નથી કે ગીતકારો સારાં ગીતો નથી આપતા. બધું પોતપોતાની જગ્યાએ બેસ્ટ છે, પણ ફરક માત્ર એટલો છે કે એનું માર્કેટિંગ કરનારાની જરૂરિયાતો બદલાઈ ગઈ છે.

pankaj udhas columnists