ક્રીમ, લોશન અને જેલ આમાંથી કોણે શું વાપરવું?

24 December, 2019 02:30 PM IST  |  Mumbai | RJ Mahek

ક્રીમ, લોશન અને જેલ આમાંથી કોણે શું વાપરવું?

ત્વચા

સ્કિન કૅરની વાત આવે એટલે આપણી નજર સામે સૌથી પહેલાં આવે ક્રીમ, લોશન અને જેલની અલગ-અલગ કલર અને આકારની ટ્યુબ અને બૉટલ્સ.

પણ સવાલ એ થાય કે મારી સ્કિન ટાઇપ પ્રમાણે મારે શું વાપરવું જોઈએ?

તો આજે જાણી લઈએ ડીટેલમાં.

જેલ એટલે શું?

જે જેલી જેવું હોય, ઘણી વાર પારદર્શક હોય. સૉલિડ અને લિક્વિડ બન્ને હોય. એમાં પાણીનો ભાગ વધુ હોય છે અને લગાવતાંની સાથે જ સ્કિનમાં શોષાઈ જાય છે.

ક્રીમ એટલે શું?

ક્રીમ પણ મોટા ભાગે પાણીનો ભાગ હોય છે, પણ એમાં થોડોઘણો ઑઇલનો ભાગ હોય છે. ક્રીમ થોડાં ઘટ્ટ હોય છે. સ્કિનમાં શોષાવામાં જેલ કરતાં થોડો વધુ સમય લે છે.

લોશન એટલે શું?

લોશનમાં ઑઇલનો ભાગ પાંચથી લગભગ ૨૫ ટકા જેવો હોય છે. સ્કિનમાં આસાનીથી શોષાઈ જાય છે પણ ક્રીમ જેટલું ઑઇલી નથી હોતું, ખૂબ હળવું હોય છે. લોશનમાં અલગ-અલગ ઑઇલ્સ હોઈ શકે છે.

જેલ અને ક્રીમમાં શું ફરક હોય છે?

જેલ પારદર્શક છે, જ્યારે ક્રીમ નથી હોતું.

જેલ મોટા ભાગે કલર વગરની હોય છે. ક્રીમ કરતાં જેલ જલદીથી સ્કિનમાં મળી જાય છે.

જેલમાં ઑઇલ નથી હોતું, જ્યારે ક્રીમમાં ઑઇલ્સ હોય છે.

કઈ સ્કિન પર શું લગાવવું એ મૂંઝવણને પણ ચાલો દૂર કરીએ.

ઑઇલી સ્કિન માટે : તમારી સ્કિનમાં પહેલેથી જ કુદરતી તેલ વધુ હોય છે અને એના પર જો ઑઇલ બેઝડ કે ચીકણી વસ્તુ વધુ લગાવવામાં આવશે તો સ્કિન વધુ ચીકણી બનશે, જેના લીધે પિમ્પલ થશે અને સ્કિન વધુ શાઇની કે ઑઇલી બની જશે અને કોઈ ફ્રેન્ડ પૂછી મારે કે ફરસાણની દુકાન જેવી કેમ ઑઇલી-ઑઇલી દેખાય છે તું? એટલે ઑઇલી સ્કિનવાળા લોકોએ જેલ કે લોશનનો ઉપયોગ કરવો જોઈએ. સ્કિનને મૉઇશ્ચર પણ મળશે અને સ્કિન વધુ ઑઇલી નહીં લાગે.

ડ્રાય સ્કિન માટે : આ પ્રકારની સ્કિનને મૉઇશ્ચરની જરૂર વધુ હોય છે. એના પર લોશન કે જેલનું મૉઇશ્ચર ઓછું પડશે. ડ્રાય સ્કિનને ઑઇલની વધુ જરૂર પડે છે, જે લોશન કે જેલમાંથી પૂરતું મળતું નથી. ડ્રાય સ્કિન પર ક્રીમ લગાવવું જોઈએ અને શિયાળામાં જ્યારે સૂકી હવા હોય ત્યારે દિવસમાં બેથી ત્રણ વાર તમે ફેસ અને બૉડી પર ક્રીમ લગાવી શકો.

કૉમ્બિનેશન સ્કિન માટે : આ પ્રકારની સ્કિનવાળા લોકોને ફેસ પર કપાળ, નાક કે દાઢી પર મોટા ભાગે ઑઇલ હોય અને બાકીના ભાગે નૉર્મલ સ્કિન હોય તો જેલ કે લોશન લગાવી શકે છે. 

તો હવે મને આશા છે કે ક્રીમ, લોશન અને જેલ ક્યારે અને કોણે વાપરવું એ મૂંઝવણ દૂર થઈ હશે.

tips columnists