એવું શું બન્યું કે લતા મંગેશકર સાથે કામ કરવા માટે ખય્યામ બહુ રાજી નહોતા

08 December, 2019 02:17 PM IST  |  Mumbai | Rajni Mehta

એવું શું બન્યું કે લતા મંગેશકર સાથે કામ કરવા માટે ખય્યામ બહુ રાજી નહોતા

ખય્યામ સાથે લતાજી

હિન્દી ફિલ્મ-સંગીતના પ્લેબૅક સિંગર્સમાં જો લોકપ્રિયતાનો સ્ટ્રાઇક-રેટ કાઢવાની નોબત આવે તો એના વિજેતા છે મુકેશ. બીજા લોકપ્રિય સિંગર્સની સરખામણીમાં તેમણે હજારથી પણ ઓછાં (૯૦૦ પ્લસ) ગીતો ગાયાં છે, પરંતુ એમાંનાં ૯૦ ટકા જેટલાં ગીતો લોકપ્રિય થયાં છે. એટલું જ નહીં, આ ગીતો સંગીતપ્રેમીઓને કંઠસ્થ છે. મારા જેવા અનેક ‘બાથરૂમ સિંગર્સ’ આ ગીતોને આસાનીથી ગાઈ શકે અને મનમાં વિચાર કરે કે મુકેશ પછી આપણો જ અવાજ બેસ્ટ છે. તેમના અવાજની આ સરળતા અને સહજતાને કારણે તેઓ સંગીતપ્રેમીઓને પોતીકા લાગતા. આવાં ગીતોમાં જ્યારે તેમના અવાજની દર્દભરી મીઠાશ ભળે ત્યારે ગીત હૃદયસ્પર્શી ન બને તો જ નવાઈ લાગે.

મુકેશ સાથે ખય્યામની પહેલી હતી ‘ફિર સુબહ હોગી’. હીરો રાજ કપૂરે ખય્યામને કહ્યું, ‘ફિલ્મમાં સ્લૉ અને ઇમોશનલ ગીતો હોય એ મુકેશને આપજો અને બાકીનાં તમારે જે સિંગરને આપવા હોય તેને આપજો.’ ખય્યામનો જવાબ હતો ‘દરેક ગીત મુકેશ જ ગાશે’ અને મુકેશના અવાજમાં જે ભરોસો ખય્યામે મૂક્યો એ સાચો પડ્યો. ‘વોહ સુબહ કભી તો આયેગી’ જેવાં ગંભીર ગીતો માટે તેમનો અવાજ યોગ્ય હતો, પરંતુ ‘ચીન ઔર અરબ હમારા’, હિન્દોસ્તાં હમારા, રહેને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા’ જેમાં પૉલિટિકલ સિસ્ટમ પર કટાક્ષ હતો કે પછી ‘જિસ પ્યાર મેં યે હાલ હો, ઉસ પ્યાર સે તૌબા તૌબા’ જે એક રમતિયાળ ગીત હતું કે પછી ‘આસમાં પે હૈ ખુદા, ઔર ઝમીં પે હમ, આજ કલ વો ઇસ તરફ દેખતા હૈ કમ’ જેવું વૉલટ્ઝ સ્ટાઇલમાં કેચી ટ્યુન પર  ગવાએલું ગીત કે પછી ‘ફિર ના કીજે મેરી ગુસ્તાખ નિગાહીં કા ગિલા, દેખિયે આપને ફિર પ્યાર સે દેખા મુજકો’ જેવું રોમૅન્ટિક ડ્યુએટ હોય; આ દરેક પ્રકારનાં ગીતોમાં મુકેશ જાણે આપણા જીવનની કથા અને વ્યથા વ્યક્ત ન કરતા હોય એમ પોતાની આગવી છાપ છોડી જાય છે.

મુકેશને યાદ કરતાં ખય્યામ કહે છે, ‘મારા તેમની સાથે કેવળ પ્રોફેશનલ રિલેશન નહોતા. હું તેમને મારા ભાઈ માનીને મુકેશભાઈ કહીને બોલાવતો. કામની બાબતમાં તે ચોક્કસ હતા. ગમે એટલાં રિહર્સલ કરવાં પડે, કદી તે કંટાળે નહીં. એક ગીત જ્યાં સુધી સંપૂર્ણ રીતે રેકૉર્ડ ન થાય ત્યાં સુધી તે  રાજીખુશીથી મહેનત કરવા તૈયાર હતા. તેમનો અવાજ યુનિક હતો. ખાવાપીવાના શોખીન હતા. મારે ઘરે રિહર્સલ કરવા આવે ત્યારે પહેલાં ફોન કરીને કહેતા, ‘ભાભીને કહેજો કે મારે માટે શાહી કબાબ બનાવે.’ પ્રેમથી ભરેલો તેમનો આ હુકમ અમને ગમતો. જે લાગણીથી તે અમને સન્માન આપતા એ કદી ન ભુલાય. કોઈ વાર રિહર્સલ પછી અમે સાથે ડ્રીન્કસ લેતા. સાચું કહું તો મુકેશજી યારોં કે યાર થે.’

‘ફિર સુબહ હોગી’નાં ગીતો રેકૉર્ડ થયાં ત્યારે એમને પાક્કો વિશ્વાસ હતો કે એના માટે તેમને ફિલ્મફેર અવૉર્ડ મળશે. જોકે એ વર્ષે તેમને અવૉર્ડ મળ્યો, પણ બીજા કોઈ ગીત માટે. (એ ગીત હતું ફિલ્મ ‘અનાડી’નું ‘સબ કુછ સીખા હમને, ના સીખી હોંશિયારી’ જે તેમનો પહેલો ફિલ્મફેર અવૉર્ડ હતો.) મને કહે, ‘ભલે મને બીજી ફિલ્મના ગીત માટે અવૉર્ડ મળ્યો, પરંતુ હું તો એમ જ માનું છું કે કે મને ‘ફિર સુબહ હોગી’ માટે અવૉર્ડ મળ્યો છે. આટલું કહી તેમણે મારાં ચરણ સ્પર્શ કર્યાં. ખરેખર તે મહાન વ્યક્તિ હતી.’

‘કભી કભી’ ફિલ્મનું નિર્માણકાર્ય ચાલતું હતું એ દરમ્યાન તેમને હાર્ટ-અટૅક  આવ્યો. એ દિવસોમાં હું લલિતકુટીર બિલ્ડિંગમાં ત્રીજે માળે રહેતો હતો. મેં તેમને ફોન કરીને કહ્યું, ‘હું રિહર્સલ માટે તમારે ઘેર આવું છું, કારણ કે તમે અહીં આવશો તો તમારે ત્રણ દાદરા ચડવા પડશે, પણ મારી વાત માને જ નહીં. કહે, ‘હું દર વખતે તમારે ત્યાં આવું છું, એમ આજે પણ ત્યાં જ આવીશ.’ જે દિવસે રેકૉર્ડિંગ હતું એ દિવસે લતાજીને વહેલાં જવાનું હતું એટલે તેમનો પાર્ટ પહેલાં રેકૉર્ડ કર્યો. મુકેશજીનો વારો આવ્યો ત્યારે તે એકદમ ચાર્જ્ડ હતા. જેવું તેમણે ગાવાનું શરૂ કર્યું, અમે સૌ રોમાંચિત થઈ ગયા.’

મુકેશને ખબર હતી કે નૉન–ફિલ્મી ગીતોમાં ખય્યામની માસ્ટરી હતી. તેમણે ખય્યામને વિનંતી કરી કે મારી સાથે એક આલ્બમ કરો અને આમ જાં નિસાર અખ્તરે લખેલી આઠ ગઝલનું એક આલ્બમ મુકેશના સ્વરમાં ખય્યામે રેકૉર્ડ કર્યું. એ યાદ કરતાં ખય્યામ કહે છે, ‘એ ગઝલો રેકૉર્ડ કરતી વખતે મુકેશના ચહેરા પર જે લાલી હતી, જે ખુશી હતી એ જોવા જેવી હતી. દિલ ખોલીને, પૂરી ઇન્વૉલ્વમેન્ટથી મજા લેતા તે ગાતા હતા. મારા કમ્પૉઝિશનને તેમણે સંપૂર્ણ ન્યાય આપ્યો. આજે પણ આ ગઝલો આપણે સાંભળીએ ત્યારે એમાં એટલી જ તાજગી મહેસૂસ થાય છે.’

આ બન્ને મહાન કલાકાર વચ્ચેની ઘનિષ્ટતાનો એક કિસ્સો શૅર કરવો છે. મુકેશના અવસાનના થોડા દિવસો પહેલાં ખય્યામ તેમની પાસેથી અમુક રકમ ઉધાર લાવ્યા હતા. આ દુખદ ઘટના બની ત્યાર બાદ જ્યારે તે આ રકમ પરત કરવા તેમને ઘેર ગયા ત્યારે પરિવારની આંખોમાં આંસુ હતાં. ઇન્ડસ્ટ્રીમાં મુકેશ તેમના દિલદાર સ્વભાવ માટે જાણીતા હતા, પરંતુ તેમના અવસાન બાદ ખય્યામ જેવા એક-બે મિત્રો જ ઉધાર લીધેલી રકમ પાછી આપવા આવ્યા હતા. ખય્યામ માટે મુકેશ પરિવારના સ્વજન જેવા હતા. નીતિન મુકેશ સાથે તેમણે ફિલ્મ ‘નૂરી’, ‘નાખુદા’ અને ‘સવાલ’નાં ગીત રેકૉર્ડ કર્યાં.

ફિલ્મ ‘આરાધના’ પછી કિશોર કુમારની ગાયક કલાકાર તરીકેની સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઈ. એ અરસામાં કોઈ સંગીતકાર એવો નહોતો કે જેને કિશોરદા વિના ચાલ્યું હોય. ૧૯૫૪માં ફિલ્મ ‘ધોબી ડૉક્ટર’માં મજરૂહ સુલતાનપુરી અને અલી સરદાર જાફરીએ લખેલું ‘ચાંદની રાતોં મેં ચાંદ કહાં હૈં મેરા, ધૂંધ દો સિતારોં ઝરા’ આ ગીત ખય્યામે કિશોર કુમારના સ્વરમાં રેકૉર્ડ કર્યું હતું. જોકે આ ગીતની રેકૉર્ડ રિલીઝ નહોતી થઈ. બાવીસ વર્ષો બાદ ફરી એક વાર ‘કભી કભી’ માટે ખય્યામે કિશોર કુમાર સાથે ત્રણ ગીત રેકૉર્ડ કર્યાં. રિશી કપૂર માટે એ દિવસોમાં મોટે ભાગે શૈલેન્દ્ર  સિંહ પ્લેબૅક આપતા હતા, પરંતુ ખય્યામે કિશોર કુમારને પસંદ કર્યા અને સાબિત કર્યું કે તેમનો નિર્ણય સાચો હતો. એ દરેક ગીતો અત્યંત લોકપ્રિય થયાં. એ પછી બન્ને વચ્ચેનો તાલમેલ એવો જામી ગયો કે આ જોડીએ ‘ત્રિશુલ’ (૧૯૭૮), ‘થોડી સી બેવફાઈ’ (૧૯૮૦), ‘દર્દ’ (૧૯૮૦), ‘દિલ–એ–નાદાન’ (૧૯૮૧), ‘સવાલ’ (૧૯૮૧) અને ‘મહેંદી’ (૧૯૮૩); આ ફિલ્મો માટે  લોકપ્રિય ગીતો રેકૉર્ડ કર્યાં. કિશોર કુમારને યાદ કરતાં ખય્યામ કહે છે...

‘કિશોર કુમાર એકદમ સીધેસીધું ગાતા. જરા પણ બેસુરા ન થાય. તેમના અવાજમાં જે કુદરતી મસ્તી અને વજન હતું એના કારણે સાવ સરળ ગીત પણ બેમિસાલ બની જતું. તેમની ગાયકીને લીધે ગીત એક એવી ઊંચાઈ પર પહોંચી જાય જેની આપણે કલ્પના ન કરી હોય. તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવતી, કારણ કે તેમની હાજરીને કારણે સ્ટુડિયોનું વાતાવરણ એકદમ ચીયરફૂલ રહેતું. રેકૉર્ડિંગ પહેલાં તે એટલી મસ્તી-મજાક કરે કે વાત ન પૂછો, પરંતુ એક વાર કામ શરૂ કરીએ ત્યારે એકદમ સિરિયસ થઈ જાય. ગંભીર ગીતોમાં તેમની રુચિ વિશેષ રહેતી. ગીતના મૂડને પારખીને જે સંવેદના સભર ગાયકીથી ગીતની રજૂઆત કરે ત્યારે એમ થાય કે તેમના જેવો મહાન કલાકાર બીજો જોવા નહીં મળે.’

૧૯૬૬માં ફિલ્મ ‘આખરી ખત’માં લતા મંગેશકર સાથે કામ કર્યા બાદ ૧૦ વર્ષ બાદ આ જોડીએ ફિલ્મ ‘કભી કભી’માં પોતાનો કમાલ દેખાડ્યો. ખય્યામના સમગ્ર સંગીતનું ઍનૅલિસિસ કરીએ તો  સાફ દેખાઈ આવે કે તેમનો ઝુકાવ આશા ભોસલે તરફ રહ્યો છે. ફિલ્મ, ટીવી સિરિયલ અને આલ્બમ સાથે ગણીએ તો ખય્યામના સંગીતમાં આશા ભોસલેએ ૧૧૧ ગીત ગાયાં છે, જ્યારે  લતા મંગેશકરે ૮૧. આ એક સરખામણી એવી છે જે ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવી છે. એ શું કેવળ યોગાનુયોગ હતો? કે પછી બીજું કઈ? જેના કંઠમાં કોયલ માળો બાંધીને બેઠી હોય એવા ઈશ્વરના વરદાન સમા લતા મંગેશકર વિના, એક ઓ.પી. નય્યરના અપવાદ સિવાય, કોઈને ચાલ્યું નથી. તેમને યાદ કરતાં ખય્યામ કહે છે...

‘વર્ષો પહેલાં રહેમાન વર્મા સાથે મેં કામ કરવાનું શરૂ કર્યું. એ દિવસોમાં સંગીતકાર ગુલામ હૈદર  ટોચ પર હતા. તેમની પ્રતિભા અને સંગીતની જાણકારી વિષે બેમત નથી. જ્યારે તેમણે ફિલ્મ ‘મજબૂર’ (૧૯૪૮)માં હિરોઇન માટે પ્લેબૅક આપવા એક નવી, યુવાન લતા મંગેશકર નામની છોકરીને પસંદ કરી ત્યારે સૌને નવાઈ લાગી. તેના વિષે કોઈ ખાસ જાણતું નહોતું. એટલે હું અને રહેમાન વર્મા ગુલામ હૈદરને મળવા સ્ટુડિયો ગયા અને વિનંતી કરી કે તમારી જે નવી શોધ છે તેનાં ગીતો સાંભળવાં મળશે? જરાપણ આનાકાની કર્યા વિના તેમણે રેકૉર્ડ કરેલાં બે ગીત સંભળાવ્યાં. ‘પિયા મિલને કો આ, મૈં તો જીતી હું તેરે ભરોસે’ અને ‘દિલ મેરા તોડા, ઓ મુજે કહીં કા ન છોડા તેરે પ્યારને’.

આ ગીતોમાં જે એક્સ્પ્રેશન અને માધુર્ય હતું એ સાંભળી અમે બન્ને ખૂબ જ પ્રભાવિત થયા.  ગુલામ હૈદર (માસ્ટરજી) મૂડમાં હતા. અમને કહે, ‘પુત્તર, આ સ્ટુડિયોવાળાને ચા બનાવતા નથી આવડતું. ચાલો, ઘરે જઈને સરસ ચા પીશું. ‘રસ્તામાં મેં તેમને પૂછ્યું, ‘માસ્ટરજી, તમે આ નવી છોકરીને કેવી રીતે પસંદ કરી? તો કહે, ‘પુત્તર, યે તો અપને દિને કી લડકી હૈ – માસ્ટર દિનાનાથ. બડા અચ્છા સિંગર થા. વો નાટ્યસંગીત ઔર ક્લાસિક્લ સંગીત કે જાનકાર થે. જબ મુજે પતા ચલા કે લતા ઉનકી બેટી હૈં તબ મૈંને ઉસકી ટ્રાયલ લી. મુજે ઉસકી આવાઝ બહુત પસંદ આયી.’

ખય્યામ આજે પણ એ દિવસની વાત કરતાં જાણે ગઈ કાલની વાત  ન હોય એમ રજેરજ, ઝીણવટથી એ પૂરી ઘટનાનું વર્ણન કરતાં આગળ કહે છે, ‘મેં માસ્ટરજીને પૂછ્યું, ‘તમને આનું ભવિષ્ય કેવું લાગે છે?’ તો ભવિષ્યવાણી કરતાં હોય એમ તે બોલ્યા, ‘પુત્તર, ઇસ લડકી કે ગાનેમેં વો જાદુ હૈ કી ઇસકી શોહરત આસમાં કો છુએન્ગી. અગર ઇસકે પાંવ ઝમીન પર રહેંગે, તો વો આસમાં સે ભી ઉપર જાયેગી.’ જાણે કોઈ દેવતાનું વરદાન મળ્યું હોય એમ આ વાત સાચી પડી.’   

‘અમને પહેલી વાર ફિલ્મ ‘હીર રાંજા’ (૧૯૪૮)માં સંગીત આપવાનો મોકો મળ્યો. આ પહેલાં સંગીતકાર અઝીઝ હિન્દીએ આ ફિલ્મ માટે લતા મંગેશકરના  સ્વરમાં ગીતો રેકૉર્ડ કર્યાં હતાં, પરંતુ પ્રોડ્યુસર વલીસા’બને ગીતોમાં જે પંજાબી ફ્લેવર જોઈતી હતી એની કમી લાગતી હતી એટલે બાકીનાં ગીતો માટે અમને પસંદ કર્યા. એક કન્ટિન્યુટી માટે પણ અમે ઇચ્છતા હતા કે લતા મંગેશકરના સ્વરમાં ગીતો રેકૉર્ડ કરીએ, પરંતુ અમને તેમની ડેટ્સ ન મળી. છેવટે અમે ગીતા રૉય (દત્ત)ને પસંદ કર્યાં. આખરે ફિલ્મ ‘પ્યાર કી બાતેં’ (૧૯૫૧)માં તેમની સાથે પહેલી વાર ગીત રેકૉર્ડ કર્યું. ‘અબ કહાં જાયે કે અપના મેહરબાં કોઈ નહીં.’ 

જીવનમાં એવું બનતું હોય છે કે પહેલી મુલાકાત અથવા અનુભવ, આપણી ધારણાથી વિપરીત ઘટે ત્યારે સામી વ્યક્તિ માટે આપણા મનમાં એક ગ્રંથિ બંધાઈ જાય છે. કોઈની મજબૂરીને કે સંજોગના તકાજાને, મન સાચી રીતે સમજવાને બદલે, સામી વ્યક્તિને જવાબદાર સમજે છે. આમાં વાંક જો હોય તો એ સમજનો હોય છે. મોટે ભાગે એવું બનતું હોય છે કે You are right but I am not wrong જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. જ્યારે બે દિગ્ગજ કલાકારો વચ્ચે પહેલો જ અનુભવ મનમાં કડવાશ ઊભો થાય એવો હોય ત્યારે સમય જતાં બન્ને એકમેકની પ્રતિભાને આદર આપતા થઈ જાય છે. આવું જ કૈંક ખય્યામ સાથે લતા મંગેશકર બાબતે થયું હતું.

લતાજી સાથે કામ કરવાનો તમારો પહેલો અનુભવ કેવો રહ્યો?  આ સવાલનો જવાબ આપતાં નિખાલસતાથી એકરાર કરતાં ખય્યામ કહે છે...

 ‘સાચું કહું તો મને તેમની સાથે કામ કરવાનો કોઈ ઊમળકો નહોતો. ફિલ્મ ‘હીર રાંજા’ સમયે જે બન્યું એ હું હજી ભૂલ્યો નહોતો. અધૂરામાં પૂરું હોય એમ એક બીજી ફિલ્મ માટે તેમણે છેલ્લી ઘડીએ રેકૉર્ડિંગ કૅન્સલ કર્યું અને મેં એ ફિલ્મ ગુમાવી. મારે માટે આ કડવો અનુભવ હતો એટલે આ ગીત માટે મેં નહીં, પણ પ્રોડ્યુસરે તેમની સાથે વાત કરીને રેકૉર્ડિંગની તારીખ નક્કી કરી હતી.  રિહર્સલ અને રેકૉર્ડિંગ સમયે અમે બન્ને નૉર્મલ હતાં, પરંતુ અમારી વચ્ચે એક પ્રોફેશનલ રિલેશન સિવાય કોઈ પર્સનલ રેપ્પો નહોતો.’

એ પછી ‘બમ્બઈ કી બિલ્લી’ (૧૯૬૦) અને ‘બારૂદ’ (૧૯૬૦)માં અમે સાથે કામ કર્યું. હું પ્રોડ્યુસર અસ્પી ઈરાની સાથે ખૂબ ઝઘડ્યો, જ્યારે તેમણે ‘બમ્બઈ કી લડકી’નું નામ બદલીને ‘બમ્બઈ કી બિલ્લી’ કરી નાખ્યું. આ ફિલ્મો માટે પણ મેં તેમને કહ્યું કે તમે જ લતાજી સાથે ડેટ્સ નક્કી કરો, કારણ કે હું બીજી વાર દુખી થવા માટે તૈયાર નહોતો. જોકે બન્યું એવું કે ‘બારૂદ’ના (લતાજીનાં સાત ગીતોમાંથી) ‘રંગ રંગીલા સાંવરા, મોહે મિલ ગયો જમુના પાર’ અને ‘તેરી દુનિયા મેં નહીં કોઈ હમારા અપના’;  આ બે ગીતો તેમને ખૂબ ગમ્યાં. ધીરે-ધીરે અમારા વચ્ચે જે એક અંતર હતું એ ઘટવા લાગ્યું. આ ગીતોમાં મેં તેમને ગામડાની યુવતીઓ લોકગીતો કેવી રીતે ગાય એની સમજણ આપી. એ ઉપરાંત એક ગીતમાં ક્લાસિક્લ રાગ પર આધારિત ગીતને વેસ્ટર્ન ટ્યુનમાં કમ્પૉઝ કરવાથી કેવી અસર થાય એ તેમણે અનુભવ્યું. આમ પરસ્પર અમે એકમેકને સંગીતની દૃષ્ટિએ વધારે માન આપતા થયા. ત્યાર બાદ અમે જ્યારે ગીતો રેકૉર્ડ કર્યાં છે એ સમયે અનેક વાર તે મારા સંગીત પ્રત્યે જે રીતે રિએક્ટ કરે, એ તેમના ચહેરા પર સાફ-સાફ દેખાઈ આવે. મને લાગે છે કે તેમને મારી પ્રતિભા અને કાબેલિયત પર ભરોસો આવી ગયો હશે. જોકે પછીનાં વર્ષોમાં તેમણે શબ્દો દ્વારા આ વાત કદી વ્યક્ત કરી નથી. જ્યારે મારી કોઈ ધૂન તેમને ખૂબ પસંદ આવે ત્યારે તેમની આંખોમાં એક જુદી જ ચમક દેખાય. તેમનો ચહેરો ખીલી ઊઠે અને એક ધીમી મુસ્કરાહટ આવી જાય. એક મહાન ગાયિકા પાસેથી આવો પ્રતિભાવ મળે એ બહુ મોટી વાત છે.’

weekend guide columnists lata mangeshkar