રાષ્ટ્રપતિએ હાફિઝને મદદ કરવાની ઇચ્છા દર્શાવી ત્યારે તેમણે મદદ માગી?

13 November, 2019 03:06 PM IST  |  Mumbai | Pankaj Udhas

રાષ્ટ્રપતિએ હાફિઝને મદદ કરવાની ઇચ્છા દર્શાવી ત્યારે તેમણે મદદ માગી?

યાદગીરી : ઉસ્તાદ હાફિઝ અલી ખાંની ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી ટપાલટિકિટ.

આપણે ત્યાં સંગીતને પૂજ્ય માનવામાં આવે છે, મા સરસ્વતીની સાક્ષાત્ કૃપાને આશીર્વાદ તરીકે જોવામાં આવે છે. હું તો કહીશ કે સૂર એ જ ઈશ્વર છે. જેટલી શ્રદ્ધાથી તમે ઈશ્વરની પૂજા કરો એટલી જ શ્રદ્ધા સાથે તમારે સૂરની પૂજા કરવી જોઈએ. આપણે ત્યાં જે શાસ્ત્રીય સંગીતના કલાકારો થયા, વિદ્વાનો થયા અને અત્યારે જેકોઈ છે એ સંગીતની, સંગીતના સૂરની પૂજા કરે જ છે. સંગીતે તેમને આદર-સત્કાર અપાવ્યા પણ એનાથી આગળ હું કહીશ કે તેમણે સંગીતને ખૂબ જ આદર-સત્કાર સાથે જીવનમાં અપનાવ્યું.

સંગીત હંમેશાં સમર્પણ સાથે ખીલે. આજે આપણે જે સંગીત સાંભળીએ છીએ, સંગીત સાથે જેકોઈ સંકળાયેલા છે તેમને સાંભળીએ છીએ તે આ સમર્પણની નિશાની છે. સમર્પણની વાતને ખૂબ જ શાંતચિત્તે સમજવા જેવી છે. હું કહીશ કે સમર્પણ એટલે કોઈ જાતના સ્વાર્થ વિના, કોઈ જાતના ઉપાર્જનનો હેતુ રાખ્યા વિના કે પછી કોઈ પણ જાતનું અંગત હિત જોયા વિના જે કામ માટે જાતને અર્પણ કરી દેવામાં આવે એ સમર્પણ. આપણે ત્યાં અનેક કલાકારો એવા થઈ ગયા જેમણે પોતાની જાતને સંગીતને સમર્પિત કરી દીધી અને સંગીતની સાધના, સૂરોની સાધના સાથે પોતાનું જીવન જીવ્યા. હું તો કહીશ કે સંગીત એક દરિયો છે. જેમ દરિયાનો કોઈ અંત નથી એવું જ સંગીતની સાધનાનું છે. એનો કોઈ અંત નથી. તમે બધું સમર્પિત કરીને એમાં કૂદકો મારો અને આનંદ લેવાનું શરૂ કરો તો એનો ક્યારેય અંત આવવાનો નથી. આ દરિયામાં તમે કેટલું તરી શકો, કેટલો સમય તમે પાણી પર રહી શકો એ બધું તમારી મહેનત અને સાધના, સમર્પણ પર આધારિત છે.

કલા ક્યારેય આસાનીથી મનુષ્ય પામી નથી શકતો, પછી એ કોઈ પણ કલા હોય. સંગીતની કલા હોય, ગાયકીની કલા હોય કે પછી લેખન અને અભિનયકલા હોય. કલા તેને જ મળે જેને ઈશ્વરે વરદાન આપ્યું હોય, કલાને હું તો ભગવાનની ભેટ ગણું છું. આ કલામાં રુચિ દાખવી એમાં પ્રગતિ કરો એ ખૂબ જ જરૂરી છે. અન્યથા એ ઈશ્વરના અપમાન સમાન છે, પણ એવું ન બને એ માટે પ્રગતિ કરવી જરૂરી છે. પ્રગતિની જે વાત છે એ એ જ મેળવી શકે જે મહેનત કરે અને પોતાનું સર્વસ્વ આપી દે.

મારી સંગીતની આ જેકોઈ સફર છે એમાં મને ઘણા એવા કલાકારો મળ્યા જેની પાસેથી ઘણીબધી એવી વાતો સાંભળી જેણે મને મહેનત અને સમર્પણની હકીકતનો સામનો કરાવ્યો. જાણીતા સરોદવાદક ઉસ્તાદ અમજદઅલી ખાન સાથે મેં એક આલબમ કર્યું હતું. એ આલબમના રેકૉર્ડિંગ સમયે તેમની પાસેથી સાંભળેલી કેટલીક વાતો મને જિંદગીભર યાદ રહેવાની છે, ક્યારેય ભુલાવાની નથી. એ વાતમાંથી એક પ્રસંગ મને અત્યારે, આ ક્ષણે યાદ આવે છે.

રેકૉર્ડિંગમાં લંચટાઇમનો બ્રેક થયો અને અમે લંચ માટે બેઠા. ઉસ્તાદ વાતોના શોખીન અને હું વાતો સાંભળવાનો. તેમની સાથે ગપ્પાં મારતાં-મારતાં વાત તેમના પિતાશ્રી સુધી પહોંચી ગઈ. સરોજવાદક અમજદઅલી ખાંના પિતાશ્રી હાફિઝ અલી ખાં સાહેબ ગ્વાલિયર ઘરાનાના સરોદવાદક. આ સરોદ વાજિંત્ર જેમણે શોધ્યું કે બનાવ્યું એ બંગાસ કુટુંબ સાથે તેમનો સીધો સંબંધ એટલે સરોદ પર તેમની માસ્ટરીને ખૂબ જ સારી રીતે સમજી શકાય. હાફિઝ અલી ખાં પહેલાં ગ્વાલિયરમાં જ રહેતા પણ પછી તેઓ દિલ્હી શિફ્ટ થયા અને દિલ્હીમાં રહેવા માંડ્યા.

એ વખતે આપણા દેશના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ. રાજેન્દ્ર પ્રસાદજીએ હાફિઝ ખાં સાહેબને મળવા માટે આમંત્રણ મોકલ્યું અને ખાં સાહેબ મળવા ગયા. બન્ને વચ્ચે અલકમલકની વાતો થઈ અને એ બધી વાતો પછી રાષ્ટ્રપતિએ ધીમેકથી તેમને પૂછ્યું કે હું તમારા માટે શું કરી શકું? હાફિઝ ખાં સાહેબને પહેલાં તો સમજાયું નહીં એટલે રાજેન્દ્ર પ્રસાદજીએ આછીસરખી સ્પષ્ટતા સાથે ફરી પૂછ્યું કે મારે લાયક કોઈ પણ કામ હોય, કોઈ મુશ્કેલી હોય કે મારાથી ઉપાડી શકાય એવી કોઈ જવાબદારી હોય તો મને વિનાસંકોચ આપ કહો.

હકીકત એવી હતી કે રાષ્ટ્રપતિને એવું કે આ પ્રકારના શાસ્ત્રીય સંગીતના કલાકારો એટલે તેમની પાસે બહુ પૈસાબૈસા મળે નહીં, એ લોકો કંઈ બહુ સધ્ધર હોય નહીં. આવું માનવું સ્વાભાવિક હતું અને પહેલાં એવું હતું પણ ખરું.

હાફિઝ ખાં સાહેબને આ પ્રશ્ન સમજાયો એટલે તેમણે પહેલાં તો ગંભીરતા સાથે બે મિનિટ વિચાર કર્યો અને વિચાર કર્યા પછી તેમણે કહ્યું કે હા, ઘણા વખતથી મને એક વાત ખૂબ સતાવે છે. હું બહુ ડિસ્ટર્બ રહું છું આ મામલાથી.

‘આપ બતાએ હમેં, હમ મદદ કરેંગે.’

રાષ્ટ્રપતિ ખુશ થયા કે તેમને આ મદદ કરવાની તક મળી. ખુશ થઈને જ તેમણે ઉત્સાહ સાથે હાફિઝ ખાં સાહેબને કહ્યું અને પછી ધ્યાનપૂર્વક ખાં સાહેબના ચહેરા સામે જોવા માંડ્યા. ખાં સાહેબે વધુ એકાદ મિનિટ લીધી અને પછી પોતાના મનની મૂંઝવણ કહી.

‘આજકાલ ભારતમાં જેકોઈ ગવૈયાઓ છે, જેકોઈ સંગીતકારો છે એ લોકો રાગ દરબારી સરખી રીતે પર્ફોર્મ નથી કરતા અને મને એ વાતની બહુ ચિંતા છે. જો તમે આ બાબતમાં મને મદદ કરી શકતા હો તો કરો, તમે જ નહીં, સરકાર પણ જો એમાં કંઈ કરી શકતી હોય કે પછી સરકારી અધિકારીઓ તરફથી એવી વ્યવસ્થા થઈ શકતી હોય જેથી એ લોકો રાગ દરબારી સરખી રીતે વગાડી શકે તો મને રાહત થાય.’

રાજેન્દ્ર પ્રસાદ હતપ્રભ રહી ગયા હતા!

સ્વાભાવિક છે કે આનો શું જવાબ હોય તેમની પાસે. આ વાત બીજા કોઈએ નહીં પણ ખુદ હાફિઝ ખાં સાહેબના દીકરા ઉસ્તાદ અમજદઅલી ખાને જ મને કરી હતી એટલે એમાં બીજી કોઈ જાતની શંકા-કુશંકાઓ પણ આવતી નથી. આ જવાબ જ દેખાડે છે કે જે સાચા કલાકારો હોય છે એ કેવા હોય છે, કેવી મહાનતા ધરાવતા હોય છે. જો તેમણે ધાર્યું હોત તો તેઓ સરકારી યોજનાનો લાભ માગી શક્યા હોત કે પછી દિલ્હીમાં બહુ સારું ઘર માગી શક્યા હોત. સરકારી નોકરીની માગણી કરી શક્યા હોત કે પછી બીજું કંઈ પણ માગી શક્યા હોત, પણ એવું માગવાનું તો તેમના મનમાં જ નહોતું. તેમને તો ચિંતા રાગ દરબારીની હતી કે એ આજકાલ સારી રીતે અને સાચી રીતે ગવાતો નથી.

હાફિઝ ખાં સાહેબનું નિધન ૧૯૭૨માં થયું, પણ તેમનો આ પ્રસંગ દેખાડે છે કે આ જ સાચા કલાકારની નિશાની છે જેના મનમાં, જેની રૂહમાં માત્ર ને માત્ર સંગીત વહ્યા કરે છે અને આવા જ કલાકારો દ્વારા આપણા દેશના સંગીતની સાધના થઈ છે. આ સાધનાને લીધે જ આપણો દેશ આજે પણ શાસ્ત્રીય સંગીતની બાબતમાં વિશ્વના કોઈ પણ દેશના સંગીતનો સામનો કરી શકે છે અને એ સામનો કર્યા પછી અડીખમ ઊભો પણ રહી શકે છે.

pankaj udhas columnists