૧૬ જાન્યુઆરીએ શો પહેલાં જે થયું એ ક્યારેય નહીં ભુલાય

20 February, 2020 05:11 PM IST  |  Mumbai Desk | Latesh Shah

૧૬ જાન્યુઆરીએ શો પહેલાં જે થયું એ ક્યારેય નહીં ભુલાય

કાંતિ મડિયા અને સુજાતા મહેતા.

જેમ સુથાર દુકાન કે ઘરમાં ઉદ્ઘાટનના છેલ્લા દિવસની છેલ્લી ઘડી સુધી ફર્નિચરની નાની-મોટી ભૂલો સુધારતો રહે અને છેવટે તેને ઉદ્ઘાટનના મુહૂર્ત સમયે પ્રેમથી કે ગુસ્સાથી બહાર કાઢી મૂકવો પડે એવું જ નાટકના પહેલા શોની રિલીઝ વખતે થયું. સુજાતાને એક લાંબીલચક સોલી લોકી છેલ્લી ઘડીએ આપેલી, જેને પાટકરના સ્ટેજ પર મૂવમેન્ટ-સેટ બપોરે બે વાગ્યે કરી. સેટ હજી ગોઠવાતો હતો. વિજય કાપડિયાનો ઊંચા સ્વરમાં સૂર સેટ પર અને સેટ લગાડનારાઓના કાને અથડાઈને આખા થિયેટરમાં પડઘાતો રહ્યો, સાડાત્રણ વાગ્યા સુધી, પહેલી બેલ વાગી ત્યાં સુધી. વિજયભાઈ બીજી બાજુ બે બારી પર બે કાચના ગ્લાસ લગાડીને રડતા, બરાડતા, ગ્લાસને ફોડવાની અલગ-અલગ તરકીબો અજમાવતા હતા. સુજાતાને આટલી ટેન્સ પહેલી વાર જોઈ. સુજાતા ૧૧ વાગ્યે ડાયલૉગ્સ વાંચતી-વાંચતી પાટકરના ગ્રીનરૂમમાં આવી. ૧૨ વાગ્યે તેના ત્રીજા અંકનાં કપડાં (સાડીઓ) આવ્યાં. એક વાગ્યા સુધી તો હું હજી બધાના ડાયલૉગમાં સુધારા-વધારા કરતો હતો. બધા ટેન્શનમાં હતા, પણ સંજય રિલૅક્સ હતો. તેનો એકેય ડાયલૉગ નહોતો. તે તો બુકિંગ પર જઈને બેસી ગયો હતો. એ જમાનામાં ટિકિટના ભાવ હતા ૧૫, ૩૦ અને ૫૦ રૂપિયા. બાપરે બપોરે એક વાગ્યા સુધી ૨૦૦૦ રૂપિયા ભેગા થયા હતા એટલે સંજય બૅકસ્ટેજમાં આવ્યો ત્યારે તેનો ઉદાસ ચહેરો જોઈને સમજાઈ ગયું કે પાટકરની બપોર ફળી નથી, પણ સંજયનો રોલ ત્રીજા અંકમાં આવતો હતો એટલે તે બુકિંગ પર જતો રહ્યો હતો. હું એક બાજુ સુજાતાના મોનોલોગને લાઇટ અને મ્યુઝિક સાથે સેટ કરતો હતો. બીજી બાજુ ત્રણ વાગ્યા સુધી ગ્લાસ ફોડવાની પ્રૅક્ટિસ ચાલતી હતી. ગ્લાસ ફોડવા માટે વિજયભાઈ ચોરબજારમાંથી ફૂલ રાખવાનો વજનદાર જગ લઈ આવ્યા હતા. સુજાતાએ એ જગથી ગ્લાસ ફોડવાનો અને બારીમાંથી બહાર વગરચંપલે કૂદકો મારવાનો. બહુ જ ખતરનાક અખતરો હતો. ટેન્શન અને ઉત્સુકતા, આતુરતા, પ્રાર્થના બધું એકસામટું મારા મનમાં ચાલતું હતું. સુજાતાએ ડાયલૉગ પાકો કર્યો ત્રણ વાગ્યે. ગ્લાસ ફોડવા માટે રિહર્સલ કરવાનો પૂરતો સમય જ ન મળ્યો. ક્યારેક જગ સેટની દીવાલ સાથે ભટકાય, તો ક્યારેક જગ કાચ પર વાગે પણ ફૂટે નહીં. બીજી બાજુ મ્યુઝિકની ક્યુ આગળ-પાછળ થવાથી મ્યુઝિક-ઑપરેટર આનંદ મટાઈ મૂંઝવણમાં હતો. તે આઇએનટીનો સીઝન્ડ મ્યુઝિક ઑપરેટર હતો. બીજી બાજુ લાઇટ મેં જ ડિઝાઇન કરી હતી અને હું જ ઑપરેટ કરવાનો હતો. ત્રીજા અંકમાં મારી કચ્છી કેટરર તરીકે એન્ટ્રી હતી. લખવામાંથી અને ડિરેક્ટ કરવામાંથી મને ઍક્ટર તરીકે રિહર્સલ કરવાનો ચાન્સ જ નહોતો મળ્યો. મારા રોલની ગુણવંત સુરાણી પાસે પ્રૉક્સી કરાવીને સીન બીજા બધા આર્ટિસ્ટો સાથે સેટ કર્યો હતો. ત્રણ વાગીને પાંચ મિનિટ થઈ, બધાને સ્ટેજ પરથી મેકઅપ-રૂમમાં ધકેલ્યા. મેં લાઇટ અને મ્યુઝિકના દરેક સીનની શરૂઆત અને અંતનાં રિહર્સલ કર્યાં. વિજયભાઈ હજી સેટવાળાઓ સાથે માથાફોડી કરતા હતા. મારે ફાઇનલી તેમની સાથે ઝઘડીને તેમને બહાર કાઢવા પડ્યા. શો બાદ મેં તેમને મનાવી, પટાવી, ફોસલાવી સમજાવી લીધા. વિજયભાઈ તદ્દન બાળક જેવા હતા અને એટલે જ સર્જનશીલ હતા.
સાડાત્રણ વાગ્યા, બધાનાં ટેમ્પર, ટેમ્પરામેન્ટ ઍન્ડ ટેમ્પરેચર હાઈ હતાં. બધા નર્વસ, ટેન્સ અને સતર્ક પણ હતા. ત્રણ અને પાંત્રીસ મિનિટે થિયેટરના અસિસ્ટન્ટ મૅનેજરે પહેલી બેલ વગાડી અને પ્રેક્ષકોને થિયેટરમાં પ્રવેશ આપવો પડ્યો. અમારા શો પશ્ચાત સાંજે કાંતિ મડિયાના નાટકનો શો હતો. જો અમારો શો સમયસર શરૂ ન થાય તો સાંજનો શો મોડો શરૂ થાય.
અમારા શોમાં ટિકિટો ઓછી વેચાઈ હતી. એનું ટેન્શન સંજયને સોંપીને હું મારા કામમાં ઓતપ્રોત રહ્યો.
હું બિલકુલ કૂલ હતો. કોણ જાણે કેમ હું કૉન્ફિડન્ટ હતો કે મારું નાટક સુપરહિટ છે. કમાલ છે, છેલ્લી ઘડી સુધી મને ઉચાટ નહોતો. હું રિલૅક્સ હોવાને લીધે બધા ડિપાર્ટમેન્ટને સપોર્ટ કરતો હતો. બપોરના શોને લીધે ટિકિટ ખરીદીને આવનારા પ્રેક્ષકો ઓછા હતા, પણ કલાકારમિત્રો પુષ્કળ હતા. ખબર નહોતી કે એમાં શુભેચ્છકો-શુભચિંતકો કેટલા હતા અને અશુભચિંતકો અને હિતશત્રુ કેટલા હતા? મેં સંજયને સૂચના આપી હતી કે જે પણ આવે તેને આવવા દેજે. કમસે કમ થિયેટર થોડુંઘણું ભરાયેલું લાગશે.
અમારે રંગભૂમિના શો શરૂ થતાં પહેલાં પ્રેયર કરવાની હોય. નટરાજ એ રંગદેવતા ગણાય. સ્ટેજ પર સેટમાં ત્રણ દીવાલ હોય અને ચોથી દીવાલની જગ્યાએ પડદો હોય. જેવો પડદો ખૂલે એટલે પ્રેક્ષકો એ ચોથી દીવાલમાંથી નાટક જુએ, જેને પ્રોસિનિયમ આર્ચ કહેવાય. પહેલી બેલ વાગે એટલે પ્રેક્ષકો હૉલમાં પ્રવેશે. કર્ટન બંધ હોય, બધા રંગકર્મીઓ ભેગા મળીને રંગભૂમિના અધિષ્ઠાતા નટરાજ (મહાદેવ) ભગવાનની સ્વસ્તિક કરીને પ્રાર્થના કરીએ. પહેલાં ગણેશની સ્તુતિ થાય, એ પછી રંગભૂમિના દેવતાની પૂજા થાય ઃ આંગિકમ ભુવનમયસ્ય, વાચિકમ સર્વ વાંગ્મયમ, આહાર્યમ ચંદ્ર તારાદિ, ત્વં નમઃ સાત્ત્વિકમ શિવમ. (3). ૐ શાંતિ, ૐ શાંતિ, ૐ શાંતિ. બોલો પાર્વતી પતયે હર હર મહાદેવનો નાદ લાગે. બધા રંગદેવતાને પગે લાગે. નારિયેળ ફોડવામાં આવે. પહેલી વારમાં નારિયેળ ફૂટે તો શો સારો જવાનાં એંધાણ કહેવાય. એકથી વધારે વાર નારિયેળ ફોડતાં લાગે તો કહેવાતું કે આ શોના પ્રેક્ષકો કઠણ છે. અંધવિશ્વાસ અને વહેમનું કોઈ ઓસડ નથી. નારિયેળ ફૂટ્યા પછી બધા હાથ મિલાવી કે ભેટીને એકબીજાને બેસ્ટ ઑફ લક વિશ કરે. બધા શો માટે તૈયાર થઈ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જાય.
અમારા પહેલા શોની પ્રેયર બાદ બધાની આંખોમાં ભીનાશ ફૂટી નીકળી હતી. સુજાતાને ભેટીને મેં શુભેચ્છા વ્યક્ત કરી અને અચાનક તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. બધા અવાચક થઈ ગયા. સંજય આઘોપાછો થઈ ગયો. દીપક ઘીવાલા અને હન્સુ મહેતા બૅકસ્ટેજમાં જતા હતા તેઓ પાછા વળ્યા. હું હતપ્રભ થઈ ગયો કે અત્યાર સુધી સવાત્રણ મહિના સતત રિહર્સલ કરતી, બીજા કલાકારોને પ્રોત્સાહિત કરતી સુજાતાને અચાનક શું થયું? તેનું રડવાનું રોકાય નહીં, શું કરવું એની સમજ ન પડે. બધા કલાકારો સ્ટેજ પર ભેગા થઈ ગયા. બધાનો ચહેરો ચિંતાગ્રસ્ત હતો. અમુક ચહેરા પર ભય પ્રસ્થાપિત થઈ ચૂક્યો હતો. ત્રીજી બેલ આપવામાં વિલંબ થતો હતો. અસિસ્ટન્ટ મૅનેજર ઉપર-નીચે થઈ રહ્યો હતો. નાટક પૂરા ત્રણ કલાકનું હતું. અમારું નાટક પૂરું થાય એ પછી અમારો સેટ નીકળે અને સાંજના નાટકનો સેટ લાગે. તેમનો શો લેટ થાય. કાંતિ મડિયા કડક, પણ અમને કહેલું કે શો સારો કરો, વહેલા-મોડાની ચિંતા ન કરતા. હું સંભાળી લઈશ. પ્રેક્ષકો ઊહાપોહ કરે એ પહેલાં શો શરૂ થવો જોઈએ. થોડી વાર થપથપાવીને સુજાતાને શાંત, સ્વસ્થ સ્થિતિમાં લાવીને  પૂછ્યું, ‘શું થયું?’ તેણે કહ્યું કે છેલ્લાં ચાર નાટકો વખણાયાં હોવા છતાં કમર્શિયલી ફ્લૉપ ગયાં હતાં. બીજા અંકનો છેલ્લો ડાયલૉગ બરાબર બોલાશે કે નહીં એનું ટેન્શન, ઉપરથી ત્રીજા અંકમાં કાચ ફોડીને બારીમાંથી કૂદકો મારવાનો, જેનું રિહર્સલ સુજાતા સાથે નહોતું થયું. તેણે રડતાં-રડતાં કહ્યું કે આ નાટક ફ્લૉપ થયું તો નાટકલાઇન છોડી દઈશ. ટૂર અને ટ્રાવેલિંગ કે જ્વેલરી ડિઝાઇનના પ્રોફેશનમાં જોડાઈ જઈશ. બધાના ચહેરા જોવા જેવા હતા. બધાને ઘડીભર તો થઈ ગયું કે શો થશે કે નહીં? સંજયનો ચહેરો ટેન્શનમાં લાલઘૂમ થઈ ગયો હતો. જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં શો કૅન્સલ થયો તો?

latesh shah columnists