બિગ બૉસ ચાહતે હૈં...

10 January, 2020 04:46 PM IST  |  Mumbai | Rashmin Shah

બિગ બૉસ ચાહતે હૈં...

બિગ-બૉસ

સીધી વાત, સીધો સવાલ. રિયલિટી શો ‘બિગ બૉસ’ તમને શું શીખવે છે? તમે એમાંથી શું શીખી રહ્યા છો?

જો આ પ્રશ્ન જાતને ન પૂછ્યો હોય અને માત્ર સ્ક્રીન પર ચાલતા ચીથરાફાડ કજિયા અને ગળામાં કીડા પડે એવી ગાળોનો આનંદ જ લેવાઈ રહ્યો હોય તો એક વખત એ આનંદ લેવામાંથી અટકીને જાતને પૂછજો, આ શો શું શીખવવા માગે છે? બહુ જરૂરી છે આ સવાલ જાતને પૂછવો, કારણ કે જો જાતને પૂછશો નહીં તો સાચે જ માત્ર મનોરંજન લઈને, બેચાર નવી ગાળ કે પછી એકબીજાને હેરાન કરવાની નવી રીત શીખીને બેસી રહેશો. પણ ‘બિગ બૉસ’ એટલા પૂરતું સીમિત નથી. એ કંઈક જુદું શીખવવાને સામર્થ્ય ધરાવે છે અને એમ છતાં તમે એ ગુમાવી રહ્યા છો. ‘બિગ બૉસ’ ચાહતે હૈં કિ આપ બહોત કુછ ઇસકે પાસ સે સિખો, ઝિંદગી મેં ઉસે સામેલ કરો. વાત ખોટી નથી અને વાત સાચી છે એ સમજાવતાં પહેલાં નાનકડો અમસ્તો ખુલાસો, આ આર્ટિકલ કોઈ પીઆર ઓરિએન્ટેડ ઍક્ટિવિટી પણ નથી. હવે મૂળ વાત. ‘બિગ બૉસ’ શું શીખવે છે? એની પાસેથી શું શીખવાની જરૂર છે?

‘બિગ બૉસ’ પાસેથી જો શીખ લેવી હોય તો જીવનની સૌથી મોટી શીખ એ લેજો કે ગમેતેવો વિરોધ હોય, ગમેતેવી તકલીફો એકબીજા સામે હોય તો પણ રહેવાનું એક છત નીચે અને સાથે જ છે. જુદા થવાનો અહીં કોઈ રસ્તો નથી. ઘર છોડીને નીકળવાની કે પછી જાતે જ પોતાનો રસ્તો બનાવી લેવાનો સ્વકેન્દ્રીય માર્ગ અહીં છોડવામાં નથી આવ્યો. નક્કી તમે કરો, કજિયો કરી લીધા પછી તમારે રહેવાનું અહીં જ છે એટલે કજિયો, ઝઘડો તમારે કેવો અને કેટલો ચલાવવો છે. ‘બિગ બૉસ’ એક દુનિયા છે. એવી જ દુનિયા જેવી તમારા ઘરની એક દુનિયા છે. ફરક માત્ર એટલો છે કે એ દુનિયાના દરવાજા ખુલ્લા છે એટલે મન પડે ત્યારે બહાર નીકળવાની તૈયારી રાખીએ છીએ અને મન ફાવે ત્યારે અને મનમાં આવે તેને જિંદગીના હાંસિયાની બહાર ધકેલી દેવાની તૈયારી રાખીએ છીએ. જીવનમાં બધું ગમે એવું ક્યારેય ન મળે, કોઈને પણ ન મળે અને એ પછી પણ એ મળ્યું હોય તો એને સાથે લઈને ચાલવાની તૈયારી રાખવી પડે, રાખવી જોઈએ. ‘બિગ બૉસ’ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સાથે રહેવાનું છે અને એ કમ્પલ્સરી છે. હવે અણગમો રાખીને સાથે રહેવું હોય, ચોવીસ કલાક ઝઘડા કરીને, કજિયા કરીને ગામ ગજાવતાં-ગજાવતાં સાથે રહેવું હોય તો તમને કોઈ રોકી શકે એમ નથી. પણ એવું કરીને તમે તમારા પર જ ભાર વધારી રહ્યા છો. બહેતર છે કે અણગમા સાથે રહેવાને બદલે જો તમે તમારી કડવાશ કાઢીને સાથે રહેવાનું પસંદ કરશો તો એનો લાભ તમને જ થવાનો છે, નકારાત્મકતા તમારી જ ઘટવાની છે અને ઘર પ્રત્યે સકારાત્મકતા પણ તમારી જ વધવાની છે. ‘બિગ બૉસ’ ચાહતે હૈં. બીજું કંઈ નહીં પણ ઍટ લીસ્ટ આ વાત તમે શોમાંથી શીખો અને જીવનમાં અપનાવો.

જો તમારે સાથે રહેવાનું છે, જો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તો પછી ભૂતકાળનું બૅગેજ પણ સાથે નહીં રાખો. એ બૅગેજ તમને જીવવા નહીં દે, એ ભાર તમને વર્તમાન સાથે જોડાવા નહીં દે. આ કોઈ સુફિયાણી સલાહ નથી કે પછી આ શબ્દોમાં કોઈ રૉકેટ સાયન્સ પણ નથી. આજનું, અત્યારનું જ ‘બિગ બૉસ’ જોઈ લો તમે. ભૂતકાળ લઈને જે કોઈ આવ્યા છે એ બધાને ત્રાસ વર્તમાનનો નહીં, પણ સાથે જોડાયેલા ભૂતકાળનો છે. ભૂતકાળને પાછળ મૂકી દેશો તો શસ્ત્ર તરીકે એનો ઉપયોગ કરવાનું મન નહીં થાય. ગોફણમાં ભરીને એને ફેંકવાનું મન નહીં થાય. વર્તમાન સાથે જોડાયેલા રહેશો તો વર્તમાનની કોઈ ભૂલને ભૂતકાળથી ભરી દેવાની ઇચ્છા નહીં થાય. જ્યારે પણ ભૂતકાળને સાથે રાખવામાં આવ્યો છે ત્યારે એ સમયકાળે વર્તમાનને વેરણ કરવાનું કામ કર્યું છે. ઝઘડાનો એક સ્વભાવ છે. એ ભૂતકાળને ઉલેચીને એ સમયગાળામાં થયેલા કડવા અનુભવોને સપાટી પર લઈ આવવાનું કામ કરે છે. આ સહજ છે, પણ આ સહજ પ્રક્રિયામાં પિસાવાનું ન હોય તો તમારે સજાગ રહેવું પડશે. સજાગ બનીને ભૂતકાળને તમારાથી જુદો કરવો પડશે. બહાર જવાની પરવાનગી તમને નથી એ સમજીને તો ખાસ આ કાર્ય કરવું પડશે. યાદ રાખજો, ‘બિગ બૉસ’નું ઘર એ જ તમારું ઘર છે. કોઈ સંબંધોને તમે તરછોડી નથી શકવાના અને ધારો કે એ તરછોડી પણ દીધા તો એમાં તમારી જીત નથી. ડિટ્ટો ‘બિગ બૉસ’ હાઉસની જેમ, રિયલિટી શોની જેમ. ટકવાનું છે. સંબંધોની દુનિયાને સાચવી રાખવાની છે. આ દુનિયાને સાચવી રાખવી એક કળા છે અને એ કળામાં જો મહારત હાંસલ કરશો તો જ રિયલ લાઇફનો આ રિયલિટી શો તમે જીતી શકશો. ટીવીના શોમાં અને લાઇફ-શોમાં માત્ર એક ફરક છે. ટીવી-શો તમારું બૅન્ક-બૅલૅન્સ વધારશે અને લાઇફ-શો આત્મસંતોષ. પણ ભૂલતા નહીં સાહેબ, બૅલૅન્સ ખતમ થઈ શકે; આત્મસંતોષ નહીં.

‘બિગ બૉસ’ પાસેથી કેમ ટકવું એ શીખજો, કેમ લડવું એ નહીં. ‘બિગ બૉસ’ પાસેથી સંબંધોને સ્થાયી રાખવાનું શીખજો, કેમ સંબંધોમાં રમવું એ નહીં. ‘બિગ બૉસ’ પાસેથી ભૂતકાળને ફીંડલું વાળવાની નીતિ અપનાવજો, વર્તમાનને વસમો બનાવવાની રીત નહીં. ફિનાલે જીત્યાનો આનંદ જિંદગીભર રહેશે.   

Bigg Boss columnists Rashmin Shah