ત્રિષષ્ઠિ શલાકા પુરુષ વિશે તમે શું જાણો છો?

22 December, 2019 03:17 PM IST  |  Mumbai | Chimanlal Kaladhar

ત્રિષષ્ઠિ શલાકા પુરુષ વિશે તમે શું જાણો છો?

મહાવીર સ્વામી

જૈન ધર્મમાં ત્રિષષ્ઠિ એટલે કે ૬૩ પુરુષની વાત આવે છે. પ્રશ્ન એ થાય છે કે ‘શલાકા’ એટલે શું? ‘શલાકા’ કોને કહેવાય? તેનો ઉત્તર છે જેમના મોક્ષગમનનો ચોક્કસ નિર્ણય થયેલો છે તેવા ઉત્તમ પુરુષોને શલાકા પુરુષ કહેવાય છે. જૈન શાસ્ત્રકારોના મત મુજબ આપણા ભરત ક્ષેત્રમાં ૬૩ શલાકા પુરુષ થયા છે. તેમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ,  ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવ એમ મળીને કુલ ૬૩ શલાકા પુરુષનો સમાવેશ થાય છે. આ શલાકા પુરુષોની નામાવલિ જૈન ગ્રંથોમાં નીચે પ્રમાણે જોવા મળે છે. ૨૪ તીર્થંકરો: (૧) ઋષભદેવ, (૨) અજિતનાથ, (૩) સંભવનાથ , (૪) અભિનંદન સ્વામી, (૫) સુમતિનાથ, (૬) પદ્મપ્રભસ્વામી, (૭) સુપાર્શ્વનાથ, (૮) ચંદ્રપ્રભસ્વામી, (૯) સુવિધિનાથ (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્યસ્વામી, (૧૩) વિમલનાથ, (૧૪) અનંતનાથ, (૧૫) ધર્મનાથ, (૧૬) શાંતિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિસુવ્રતસ્વામી, (૨૧) નમિનાથ, (૨૨) નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, (૨૪) મહાવીરસ્વામી.

૧૨ ચક્રવર્તીઓ : (૧) ભરત, (૨) સાગર, (૩) મધવા, (૪) સનતકુમાર, (૫) શાંતિ, (૬) કુંથુ (૭) અર, (૮) સુભૂમ (૯) પદ્મ, (૧૦) હરિષેણ, (૧૧)  જય અને (૧૨) બ્રહ્મદત્ત. ૯ વાસુદેવો : (૧) ત્રિપૃષ્ઠ, (૨) દ્વિપૃષ્ઠ, (૩) સ્વયંભૂ, (૪) પુરુષોત્તમ, (૫) પુરુષસિંહ, (૬) પુરુષ પુંડરિક, (૭) દત્ત, (૮)  લક્ષ્મણ અને (૯) કૃષ્ણ. ૯  પ્રતિ વાસુદેવો: (૧) અશ્વગ્રીવ, (૨) તારક, (૩) મેરક, (૪) મધુ, (૫) નિષ્કુંભ, (૬) બલિ, (૭) પ્રહલાદ, (૮) રાવણ (૯) જરાસંધ. ૯ બળદેવો : (૧) અચલ (૨) વિજય, (૩) ભદ્ર, (૪) સુપ્રભ, (૫) સુદર્શન, (૬) આનંદ, (૭) નંદન, (૮) પદ્મ, (રામચંદ્ર)  (૯) બલભદ્ર (રામ).

પહેલા  ચક્રવર્તી ભરત તે ભગવાન ઋષભદેવના સમયમાં થયા છે. બીજા ચક્રવર્તી સાગરશ્રી અજિતનાથ પ્રભુના વખતમાં થયા છે. ત્રીજા ચક્રવર્તી મધવા અને ચોથા ચક્રવર્તી સનતકુમાર અનુક્રમે શ્રી ધર્મનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનના સમયમાં થયા છે. પાંચમા ચક્રવર્તી શાંતિ, છઠ્ઠા ચક્રવર્તી કુંથુ અને સાતમા ચક્રવર્તી અર પોતે જ અનુક્રમે ૧૬, ૧૭ અને ૧૮મા તીર્થંકર હતા. આઠમા ચક્રવર્તી સુભમ અરનાથ અને મલ્લિનાથ પ્રભુના સમયમાં થયા. નવમા ચક્રવર્તી પદ્મ અને દસમા ચક્રવર્તી હરિષેણ શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં થયા. અગિયારમા ચક્રવર્તી જય શ્રી નમિનાથ અને શ્રી અરિષ્ટનેમિ પ્રભુના સમયમાં થયા. બારમા ચક્રવર્તી બ્રહ્મદત્ત શ્રી અરિષ્ટનેમિ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં થયા. આ રીતે બાર ચક્રવર્તી પહેલા તીર્થંકર ઋષભદેવ સ્વામીથી શ્રી પાર્શ્વનાથ પ્રભુના વચલા કાળમાં થઈ ગયા છે.

નવ વાસુદેવોમાં પહેલા ત્રિપૃષ્ઠ વાસુદેવ શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં થયા. બીજા દ્વિપૃષ્ઠ વાસુદેવ શ્રી વાસુપૂજ્ય સ્વામીના સમયમાં થયા. ત્રીજા સ્વયંભૂ વાસુદેવ શ્રી વિમલનાથ પ્રભુના સમયમાં થયા. ચોથા પુરુષોતમ વાસુદેવ શ્રી અનંતનાથ પ્રભુના સમયમાં થયા. પાંચમા પુરુષસિંહ વાસુદેવ શ્રી ધર્મનાથ પ્રભુના સમયમાં થયા. છઠ્ઠા પુરુષ પુંડરિક વાસુદેવ અને સાતમા દત્ત વાસુદેવ શ્રી અરનાથ અને શ્રી મલ્લિનાથ પ્રભુના સમયમાં થયા. આઠમા લક્ષ્મણ વાસુદેવ શ્રી મુનિસુવ્રતસ્વામી અને શ્રી નમિનાથ પ્રભુના સમયમાં થયા. નવમા કૃષ્ણ વાસુદેવ શ્રી અરિષ્ટનેમિ પ્રભુના સમયમાં થયા. વાસુદેવો અને બળદેવો ભાઈઓ હોવાથી એક સમયમાં જન્મે છે. તેમ જ પ્રતિવાસુદેવ વાસુદેવથી પરાજિત થતા હોવાથી તેમનો સમય પણ એ જ સમજવો.

૨૪ તીર્થંકરો તે જ ભવમાં મોક્ષે ગયા છે. બાર ચક્રવર્તીઓ પૈકી આઠ તે જ ભવમાં મોક્ષે ગયા છે. બે સ્વર્ગમાં ગયા છે, બે નરકમાં ગયા છે. નવ વાસુદેવો અને નવ પ્રતિવાસુદેવો બધા જ નરકમાં ગયા છે. નવ બ‍ળદેવો પૈકી પહેલા આઠ મોક્ષે ગયા છે, અને નવમા રામ (બ‍ળભદ્ર)  સ્વર્ગે ગયા છે. આ શલાકા પુરુષોમાંથી જેઓ સ્વર્ગે તેમ જ નરકે ગયા છે તે આગામી કાળે મનુષ્યભવ પ્રાપ્ત કરીને અવશ્ય મોક્ષે જવાના છે.

૬૩ શલાકા પુરુષોના સ્વરૂપ ૬૦ છે, કારણકે શ્રી શાંતિનાથજી, શ્રીકુંથુનાથજી અને શ્રી અરનાથજી તે ભવમાં ચક્રવર્તી થયા હતા. ૬૩ શલાકા પુરુષોના જીવ ૫૯ છે કારણકે ૬૦ સ્વરૂપમાં શ્રી મહાવીરસ્વામીનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ થયો હતો. ૬૩ શલાકા પુરુષોના વિસ્તૃત ચરિત્રો કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે તેમના ‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર’ નામના મહાકાવ્યમાં વર્ણવેલા છે. ‘સકલાર્હત’ નામથી પ્રસિદ્ધ થયેલ ચૈત્યવંદન એ આ મહાકાવ્યનું મંગલાચરણ છે. ‘ચઉપન્નમહાપુરિસચરિયં’ નામના ગ્રંથમાં શલાકા પુરુષની ગણના ૫૪ની કરેલી છે તથા ‘કાલસિત્તરી પ્રકરણ’ નામના ગ્રંથમાં ૧૧ રૂદ્ર અને ૯ નારદનો સમાવેશ પણ શલાકા પુરુષોમાં કરીને તેમની સંખ્યા ૮૩ની ગણાવી છે, પરંતુ આ ગણનાઓ અપવાદિક છે, એટલે ૬૩ ગણના જ મુખ્ય અને માન્ય છે.

શલાકા પુરુષોના ચરિત્રમાંથી જીવનું પતન  અને ઉત્થાન કેવી રીતે થાય છે? અને સંસાર સાગર તરવાનો ઉપાય શું છે? તે ખૂબ વિસ્તારથી જાણી શકાય છે. એ ઉપાયોનો આપણા જીવનમાં અમલ કરીને આપણે પણ આ ભયાનક ભવસાગરનો પાર પામી શકીએ છીએ. ઉપરાંત શ્રી ઋષભદેવ ભગવાનથી માંડીને શ્રી મહાવીરસ્વામી સુધીનો પ્રાચીન ઇતિહાસ પણ અવશ્ય જાણી શકીએ છીએ. ત્રિષષ્ઠિ શલાકા પુરુષો જેવા ઉત્તમ પુણ્યાત્માઓ વિશે પ્રત્યેક જૈનોએ પૂરા પરિચિત થવું જરૂરી છે. આથી જ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રનું વારંવાર વાંચન, અધ્યયન કરી આપણે આપણું શ્રેય સાધવું જોઈએ.

weekend guide columnists