શક્તિ: રમેશ સિપ્પીની ફાધર ઇન્ડિયા

14 December, 2019 01:05 PM IST  |  Mumbai | Raj Goswami

શક્તિ: રમેશ સિપ્પીની ફાધર ઇન્ડિયા

શક્તિ

સિગ્મન્ડ ફ્રૉઇડનો ‘વિજય’ : મેરે બાપને દો શાદીયાં કી હૈ, એક મેરી માંસે ઔર એક અપની નૌકરી સે. આપની માંકા બેટા મૈં હૂં... મેરી સૌતેલી માં યાની મેરે બાપ કી દૂસરી બીવી કા બેટા હૈ કાનૂન.

કો મને કહેતા હતા કે (‘શક્તિ’માં) મારી કારકિર્દીની વાટ લાગી જશે. મેં કહ્યું, કારકિર્દીની ઐસી કી તૈસી. આ જ તો તક હતી દિલીપકુમાર સાથે કામ કરવાની. તેમની સાથે કામ કરવાની મજા હતી અને એમાં પાછો લંબુ (અમિતાભ બચ્ચન) હતો. એ જ વર્ષે ‘બેમિસાલ’ આવી. મારે જો મારી જાતનાં વખાણ કરવાં હોય અને મને થોડી ક્રેડિટ આપવી હોય તો એક બાજુ ‘શક્તિ’ હતી અને બીજી તરફ ‘બેમિસાલ’ હતી અને મેં એમાં ગૂંચવાડો ઊભો નહોતો થવા દીધો. એમ તો અમિતાભે પણ બન્ને રોલ નિભાવ્યા હતા.’

એક દસકા પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં ઍક્ટ્રેસ રાખીના આ શબ્દો છે. ૧૯૮૩માં રમેશ સિપ્પીની ‘શક્તિ’ ફિલ્મમાં તે અમિતાભની માતાની (અને દિલીપકુમારની પત્નીની) ભૂમિકામાં હતી અને ઋષિકેશ મુખરજીની ‘બેમિસાલ’માં તે અમિતાભની પ્રેમિકાની ભૂમિકામાં હતી. બન્નેનું શૂટિંગ સાથે જ ચાલતું હતું. રાખી અમિતાભ કરતાં પાંચ વર્ષ નાની હતી. આગલા જ વર્ષે બન્નેની રોમૅન્ટિક ‘લાવારિસ’ આવી હતી.

‘શક્તિ’ રાખીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. ‘શક્તિ’ ફિલ્મ ખુદ એક ચૅલેન્જ હતી. દિલીપકુમારની આ કમબૅક ફિલ્મ હતી. રાખીની જેમ અમિતાભને પણ તેના ગમતા હીરો સાથે ઊભા રહેવાનું મન હતું. બન્ને સાથે હોય એવી આ પહેલી અને છેલ્લી ફિલ્મ. રમેશ સિપ્પીના ખભા પર ‘શોલે’ની ધુઆંધાર સફળતાનો ભાર હતો. ‘શક્તિ’એ દર્શકોમાં અપેક્ષાઓનો એટલો મોટો ડુંગર ખડો કરી દીધો કે રિલીઝ થતાંની સાથે જ ‘ના મઝા આયી’નો સૂર નીકળવા લાગ્યો. બાકી આજે જુઓ તો ખબર પડે કે ફરજચુસ્ત પિતા અને અન્યાયબોધના શિકાર પુત્રના સંબંધની ભાવનાત્મક જટિલતા અને એમાં ફસાઈ ગયેલી સમર્પિત પત્ની અને પ્રેમાળ માતાની આ કહાની ભારતીય સિનેમામાં માઇલસ્ટોન સમાન છે.

૧૯૭૮માં યશ ચોપડાની ‘ત્રિશૂલ’માં સલીમ-જાવેદે પિતા-પુત્રનો આનાથી પણ પાવરફુલ રોલ લખ્યો હતો, પણ એમાં સહાનુભૂતિનું પલ્લું સહેજ અમિતાભ તરફ નમેલું હતું; કારણ કે તે લગ્ન-બાહ્ય સંબંધનું લાવારિસ સંતાન હતો. ‘શક્તિ’માં દર્શકો એ નક્કી ન કરી શક્યા કે હમદર્દીનાં આંસુ કોના માટે વહાવવાં? ફરજપરસ્ત, સિદ્ધાંતવાદી પિતા અશ્વિનીકુમાર માટે જે દીકરાને ‘આઇ લવ યુ’ કહી શકતો નથી અને અંદરોઅંદર પીડાય છે? કે પછી અન્યાયી અને અનુચિત દુનિયા સામે ખફા પુત્ર વિજય માટે જેને પિતાને પ્રેમ કરવા સિવાય કશું કરવું નથી? એમાં દિલીપકુમારનો પર્ફોર્મન્સ ખૂબ વખણાયો. ‘શક્તિ’ આમ તો ઈમાનદાર પોલીસ-ઑફિસર અને પ્રેમાળ પિતાની કશ્મકશની કહાની હતી અને અમિતાભે ‘મુગલ-એ-આઝમ’ના સલીમની માફક નીચી મૂંડીએ ‘સહન’ કરવાનું હતું. એમાં અમિતાભના ચાહકોને છેતરાયાની લાગણી થઈ.

જાવેદ અખ્તર એક ઇન્ટરવ્યુમાં કહે છે કે ‘અમિતાભને એક પાવરફુલ પિતા સામે આજ્ઞાંકિત અને સહનશીલ પુત્રની ભૂમિકા કરવાની હતી અને તેણે ઉત્તમ પર્ફોર્મન્સ આપ્યો હતો, પણ દર્શકોએ એને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની કમજોરી તરીકે જોયું. કદાચ અમિતાભ કરતાં ઊતરતા અભિનેતાએ ‘શક્તિ’ કરી હોત તો જુદો જ ઇતિહાસ હોત.’

એ યાદ કરીને અમિતાભ કહે છે, ‘તમે જ્યારે દિલીપસા’બ સાથે કામ કરતા હો તો સમાન ભૂમિકાની અપેક્ષા રાખી ન શકો. ઇન ફૅક્ટ, સલીમ-જાવેદે મને કહ્યું હતું કે પિતા-પુત્રની ભૂમિકામાં ઉન્નીસ-બીસ કા ફર્ક રહેગા... અને મારી ભૂમિકા ઉન્નીસ હશે.’

બહુ શરૂઆતમાં પુત્રની ભૂમિકા માટે રાજ બબ્બરનું નામ ચર્ચાયું હતું. એક ઇન્ટરવ્યુમાં રમેશ સિપ્પી કહે છે, ‘પિતાની ભૂમિકા બહુ શક્તિશાળી હતી એટલે અમે રાજ બબ્બરનો વિચાર કર્યો હતો. અમે તેનો સ્ક્રીન-ટેસ્ટ પણ લીધી હતી. મેં પટ્ટીઓ સાચવી રાખી નથી. મારે દિલીપકુમારને લઈને ‘મધર ઇન્ડિયા’ જેવી ફિલ્મ બનાવવી હતી જેમાં તે પોતાના સિદ્ધાંતો માટે પુત્રનું બલિદાન આપતા હોય. તમે એને ‘ફાધર ઇન્ડિયા’ નામ આપી શકો.’

જાવેદે કહ્યું હતું કે ‘હું દુનિયામાં એવા લોકોને મળ્યો છું જે કહે છે કે ‘શક્તિ’ અમારી સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. ઍક્ટિંગમાં એવું છે કે તમે તમારા સહકલાકારની સામે નહીં, સાથે કામ કરો છો અને ‘શક્તિ’ એનું ઉત્તમ ઉદાહરણ છે. બન્ને કલાકારોએ તેમના પાત્રોની ગહેરાઈને જબરદસ્ત રીતે પકડી હતી. એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ દૃશ્ય છે જેમાં શીતલ (રાખી)નો મૃતદેહ ઘરમાં પડ્યો છે અને બન્ને ઍક્ટર એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર એકબીજાને જોઈને જ ઘણુંબધું કહે છે.’

જાવેદની આ વાત સાચી છે. તમને ફરી વાર તક મળે તો આ દૃશ્ય જોજો. ગુંડાની ગોળીએ વિંધાયેલી શીતલના દેહની આ તરફ કાનૂનને નફરત કરતો પુત્ર છે અને પેલી તરફ કાનૂનનો રખેવાળ પિતા છે અને એ અંતરમાં બન્ને વચ્ચે એકમાત્ર પુલ પીડાનો અને બેબસીનો છે. અમિતાભ કહે છે, ‘એ સીનમાં મારે ચાર પાનાંનો સંવાદ બોલવાનો હતો. મેં સૂચન કર્યું હતું કે એના બદલે આખો સીન પિન-ડ્રૉપ સાઇલન્સમાં કરવો જોઈએ. રમેશજી અને સલીમ-જાવેદ તરત તૈયાર થઈ ગયા અને એ સીન હચમચાવી નાખે એવો અનોખો સાબિત થયો.’

એમાં માતાના શિર પર હાથ પસવારીને અમિતાભ નજીકમાં દીવાલને અઢેલીને બેઠેલા દિલીપકુમાર પાસે જાય છે, તેમના ગોઠણ પર હથેળી મૂકે છે અને હથેળીની પીઠ પર એક આંસુ પડે છે. બન્ને વચ્ચે એ એકમાત્ર આંસુનો સંવાદ હતો. બીજા જ દૃશ્યમાં અમિતાભ ઊભો થઈને રવાના થાય છે (તે પોલીસ કસ્ટડીમાં આવ્યો હોય છે) અને દરવાજાની બહાર નીકળતાં પહેલાં પાછું વળીને માતાને છેલ્લી વાર જુએ છે. તેની જમણી આંખમાં રતાશ ઊભરી આવે છે અને એક બાજુના જડબાની નસો તંગ થાય છે. તેણે અંદર દાંત ભીંસ્યા હતા અને દર્શકોને પોતાના દાંત ભીંસાયા હોય એવું લાગ્યું હતું!

‘શક્તિ’નો વિચાર સલીમ-જાવેદનો હતો અને તેમણે રમેશ સિપ્પી પાસે દાણો દબાવી જોયેલો કે સિપ્પી ફિલ્મ્સના બૅનર બહાર કામ કરવામાં રસ ખરો કે નહીં. શરૂઆતમાં રમેશ સિપ્પી અચકાતા હતા. એવામાં સલીમ-જાવેદે લૉલીપૉપ બતાવી કે દિલીપકુમાર અને અમિતાભને ભેગા કરીએ તો ફિલ્મ કરો કે નહીં? સિપ્પીએ તાબડતોબ હા પાડી દીધી. સલીમ-જાવેદની આ છેલ્લી ફિલ્મ.

એક આડવાત : ‘શક્તિ’ એમ. આર. પ્રોડક્શનની હતી. ‘એમ’ એટલે મુશીર આલમ અને ‘આર’ એટલે મોહમ્મદ રિયાઝ. ‘શક્તિ’ રિલીઝ થવાની હતી એના એક મહિના પહેલાં ૨૦ લાખ રૂપિયા પડાવવા માટે મુશીર આલમને મુંબઈના હાજી અલી રોડ પર કાર રોકીને અમીરજાદા-આલમઝેબની ગૅન્ગે કિડનૅપ કર્યો હતો. તાત્કાલિક બે લાખનો બંદોબસ્ત કર્યો એટલે તેને છોડ્યો હતો. ત્યારે મુંબઈના પોલીસ-કમિશનર જુલિયો રિબેરો હતા અને દિલીપકુમાર મુશીર આલમને લઈને તેમને મળવા ગયા હતા. ત્યાં રિબેરોની ઑફિસમાં જ પોલીસ-ઇન્સ્પેકટર મધુકર ઝેંડે અને ઇશાક ભગવાને મુશીરને આખી ઘટના અને રસ્તા-ઇલાકા અંગે સવાલો કરીને તાળો મેળવ્યો હતો કે આ નાગપાડાનો કેસ છે. ઇશાક ભગવાન તેના એક પુસ્તકમાં લખે છે કે દાઉદને મારી નાખવાના ઉધામામાં અમીરજાદા-આલમઝેબ કંગાળ થઈ ગયા હતા અને પૈસા એકઠા કરવા મુશીર આલમને ઉપાડી ગયા હતા.

ખેર, તમે ‘દીવાર’ (૧૯૭૫), ‘ત્રિશૂલ’ (૧૯૭૮) અને ‘શક્તિ’ (૧૯૮૨)ને સલીમ-જાવેદની ટ્રિલજી અથવા ત્રણ ભાગ કહી શકો. ‘ઝંજીર’વાળો ઍન્ગ્રી યંગ મૅન ‘વિજય’ આ ત્રણેમાં એકદમ ગુસ્સામાં હતો. કંઈક અંશે એમાં સલીમ-જાવેદના, ખાસ કરીને જાવેદના બાળપણ અને પિતા સાથેના સંબંધોનું પ્રતિબિંબ હતું. એક ઇન્ટરવ્યુમાં જાવેદે એકરાર કર્યો હતો કે ‘મારા પિતા સાથેનો મારો સંબંધ બહુ મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો. તે સામ્યવાદી વિચારસરણીના માણસ હતા. તેમના નામે ધરપકડનું વૉરન્ટ જાહેર થયું હતું અને બે બાળકો સાથે માતાને પાછળ છોડીને તેઓ મુંબઈમાં ભૂગર્ભમાં જતા રહ્યા હતા.’

ત્રણે ફિલ્મોમાં પરિવારના સામાજિક સંઘર્ષને જુદી-જુદી રીતે ચીતરવામાં આવ્યો હતો, જે બુનિયાદી રૂપે સલીમ-જાવેદની અંદરનો આક્રોશ હતો. 

એક રીતે ‘શક્તિ’માં ‘દીવાર’ને જ ફરી વાર લખવામાં આવી હતી, પણ જુદા જ પરિપ્રેક્ષ્યથી. ‘દીવાર’માં કામદારોનું શોષણ કરતા ધનવાનો અને ગુંડાઓ મુસીબત ઊભી કરે છે અને તેનો શિકાર બનેલા પરિવારનો એક દીકરો પોતાની રીતે એ મુસીબતને સૉલ્વ કરે છે. ‘ત્રિશૂલ’માં પૈસાનો લાલચી પિતા તેની મંગેતરને ત્યજીને મુસીબત સર્જે છે અને એ મંગેતરનો દીકરો મોટો થઈને એ મુસીબતને સૉલ્વ કરે છે. ‘શક્તિ’માં એક અપરાધી દીકરો પરિવાર અને કાનૂન માટે મુસીબત ઊભી કરે છે અને પિતા એને સૉલ્વ કરે છે.

મહાન મનોવૈજ્ઞાનિક સિગ્મન્ડ ફ્રૉઇડે એક ચર્ચાસ્પદ થિયરી આપી હતી કે દરેક પુત્ર બચપણમાં તેની માતા પ્રત્યેના પ્રેમમાં પિતા સામે હરીફાઈ કરતો થાય છે અને પિતાની જગ્યા લેવા ઇચ્છતો હોય છે. ‘શક્તિ’માં જાવેદ અખ્તરે વિજય માટે આવો જ એક પાવરફુલ સંવાદ લખ્યો હતો જે ‘શક્તિ’ ફિલ્મના સંઘર્ષને ઉજાગર કરે છે; મેરે બાપને દો શાદીયાં કી હૈં, એક મેરી માં સે ઔર એક અપની નૌકરી સે. અપની માં કા બેટા મૈં હૂં. મેરી સૌતેલી માં યાની મેરે બાપ કી દૂસરી બીવી કા બેટા હૈ કાનૂન.

વચ્ચે એવા ફેક ન્યુઝ આવ્યા હતા કે નિર્માતા હરીશ સુગંધ ‘શક્તિ’ની રીમેક બનાવી રહ્યા છે. ‘ખોટી વાત છે,’ હરીશે કહ્યું હતું, ‘એ ક્લાસિક ફિલ્મ છે. શું કરવા બનાવવી જોઈએ? અને હું દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનને ક્યાંથી લાવું?’ એક ઇન્ટરવ્યુમાં રમેશ સિપ્પીને તુક્કો લડાવવા માટે પૂછવામાં આવ્યું હતું કે ‘શક્તિ’ ફરીથી બને તો તમે એમાં કોને લો? તેમણે કહ્યું હતું, ‘હું ક્યારેય મારી ફિલ્મોની રીમેક નહીં બનાવું. હું અમિતાભ બચ્ચન સાથે કામ કરતો હતો ત્યારે મને પૂછવામાં આવતું હતું કે તે બીજો દિલીપકુમાર બનશે? હું જ્યારે શાહરુખ ખાન સાથે કામ કરતો હતો ત્યારે પૂછવામાં આવતું હતું કે તે બીજો અમિતાભ બચ્ચન બનશે? ભવિષ્યમાં બીજા ઍક્ટરને પૂછવામાં આવશે કે તે બીજો શાહરુખ ખાન બનશે?’

weekend guide columnists