અષાઢ અને ભાદરવો – બે છેડાની એક વાત

15 September, 2019 03:31 PM IST  |  મુંબઈ | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

અષાઢ અને ભાદરવો – બે છેડાની એક વાત

ભારે વરસાદ

આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘનું હોવું યક્ષને જેવું લાગ્યું એવું કાલિદાસે આપણને કહ્યું. કાલિદાસે કહેલી મેઘની આ વાત સેંકડો વરસો પછી પણ આપણા માટે તરોતાજા છે. હવે જો આ જ વાત ભાદ્રપદસ્ય અંતિમ દિવસે કહેવાની આવી હોત તો યક્ષના મનમાં શું હોત અને કાલિદાસે આપણને શી રીતે કહી હોત એ રસિક કલ્પનાનો વિષય છે.

તમે જ્યારે આ વાંચી રહ્યા હશો ત્યારે ભાદ્રપદસ્ય અંતિમ દિવસ તો નહીં હોય, પણ અંતિમ દિવસની લગોલગ પહોંચવા આવ્યા હશો એ નક્કી. આ વરસનો આષાઢસ્ય પ્રથમ દિવસ હવે તમે ભૂલી પણ ગયા હશો. પણ હવે જ્યારે તમે ભાદ્રપદસ્ય અંતિમ દિવસની લગોલગ આવી પહોંચ્યા છો ત્યારે આ મેઘ એવો ને એવો રૂડોરૂપાળો લાગે છે? આષાઢસ્ય પ્રથમ દિવસે મેઘનાં છૂટાંછવાયાં ટીપાં અથવા એની ઝરમર તન અને મનને પ્રસન્ન-પ્રસન્ન કરી મૂકતાં હતાં. સંદેશાની પ્રતીક્ષા કરતી કોઈક પ્રિયતમા અલકાનગરીના કોઈક ગવાક્ષમાં બેઠેલી તો ન જ હોય અને છતાં આપણને સંદેશો મોકલવાનું મન થાય એવો આ આષાઢસ્ય પ્રથમ દિવસ.

પણ ભાદ્રપદસ્ય અંતિમ દિવસનું શું? અલકાનગરીથી માંડીને દેવગિરિના પર્વતો સુધી આખા ભારતવર્ષમાં આ ત્રણ મહિનામાં મેઘે એવી મહેર કરી છે કે પૂજ્ય મોરારીબાપુ અને અન્ય કથાકારો જેને પરમાત્માની કઠોર કૃપા કહે છે એનો અપાર પ્રસાદ આપણને મળ્યો છે. આજે આ મેઘ ત્રણ મહિના પહેલાં લાગતો હતો એવો વહાલો-વહાલો નહીં લાગે. આષાઢસ્ય પ્રથમ દિવસે આંખ પર હથેળીનું નેજવું કરીને મેઘાડંબરની પ્રતીક્ષા કરતા હતા. હવે આજે બેય હાથ જોડીને આકાશને વીનવતા હોઈશું, ‘મહારાજ, હવે ખમૈયા કરો!’

વાત એકની એક. તમે પણ એના એ જ. વર્ષાઋતુ પણ એની એ જ અને છતાં માંહ્યલામાં આ ફેરફાર કેમ થઈ ગયો? વરસાદ નથી ગમતો એવું નથી, વરસાદ રુસણાં લઈને મોઢું ફેરવી લે તો શી હાલત થાય એનાથી આપણે અજાણ નથી. ભાદ્રપદસ્ય અંતિમ દિવસે એ અણગમતો નથી થયો, પણ આષાઢસ્ય પ્રથમ દિવસ જેવો મનગમતો પણ નથી રહ્યો. આવું કેમ થયું?

લગ્નજીવનનાં દસ વરસ સુધી ખોળો ભરાયો નહીં એટલે સુરધનદાદાથી માંડીને કાળભૈરવ સુધીનાં અનેક દેવદેવીઓની માનતા માનેલી પછી ખોળો ભરાયો. કુળદીપક કે કુળદીપિકાનું આગમન થયું, આપણે રાજી-રાજી! વરસોવરસ ધામધૂમથી હૅપી બર્થ-ડે કર્યો પણ પછી શું થયું? કશુંક એવું બન્યું કે બધું બદલાઈ ગયું. હવે કોર્ટકચેરી ચાલે છે. અખબારોમાં સામસામે આમતેમ છપાય છે. અષાઢ અને ભાદરવા વચ્ચે જે ગાળો વીત્યો એમાં એવું શું બની ગયું?

ગઈ કાલે મને તારા વિના ગમતું નહોતું, તને મારા વિના મુદ્દલ ચાલતું નહોતું. મળવાનું બનતું નહીં ત્યારે કવિતા લખતા. ક્યાંક ચોરીછૂપીથી અવસર આંચકી લેતા. મળવાનું થતું ત્યારે કલાક સાઠ મિનિટનો નહોતો લાગતો, પંદર મિનિટનો થઈ જતો. મળવાનું થતું નહીં ત્યારે આ મિનિટો ઊલટાસૂલટી થઈ જતી.

પણ આ તો અષાઢ મહિનાની વાત છે. હવે વાત ભાદરવાના કૃષ્ણ પક્ષની છે. પેલું ગઈ કાલે લાગતું હતું એ આજે કેમ બદલાઈ ગયું છે? આ વીતેલા ત્રણ મહિનામાં ઓછા જલસા કર્યા છે એવું નથી. ભાદરવો અળખામણો થઈ ગયો છે એવુંય નથી. ભાદરવાના તડકાનો ઉકળાટ પણ કંઈ ઓછો નથી હોતો. આ ઉકળાટ વચ્ચે વાદળું વરસી જાય તો મનમાં હાશ પણ થાય છે અને છતાં આ હાશકારો પેલા અષાઢ જેવો કેમ નથી?

એવું પણ બને છે કે કેટલાક માણસોના જીવનમાં અષાઢ આવતો જ નથી. એવું પણ હોય કે અષાઢ આવ્યો હોય અને છતાં આ માણસે હાથનું નેજવું કરીને ફરફર થતાં ફોરાં નીચે પંડને પલાળ્યું જ ન હોય! ક્યારેક છબછબિયાં થાય, પણ આ છબછબિયાં વરસાદના પાણીને કારણે નહીં પણ એ તો સુકાયેલી નદીના કાંઠે ગાળેલા વીરડાને કારણે હોય! દુર્ભાગ્ય પાછું એ વાતનું પણ હોય છે કે આવા અષાઢ વિહોણા માણસે ભાદરવાના અંત સુધી પોતે અષાઢ વચ્ચે જ જીવે છે એવી ધોખેબાજી પણ કરવી પડે છે. ધોખેબાજીની આવી વાત કેવી રૂડીરૂપાળી લાગે છે એ જાણવા મહાભારતનું એક પૃષ્ઠ ઊથલાવીએ.

દ્રૌપદી સ્વયંવરમાં માછલીની આંખ વીંધવાની કપરી શરત અર્જુને પૂરી કરી હતી. દ્રૌપદીને પત્ની તરીકે પ્રાપ્ત કરવાનો અધિકાર માત્ર અર્જુનને જ હતો અને આમ છતાં યુધિષ્ઠિર દ્રૌપદીના પ્રથમ પતિ બન્યા. ભીમ, સહદેવ અને નકુળે કોઈ કારણ વગર દ્રૌપદીને પ્રાપ્ત કરી. અર્જુન એકમાત્ર હતો એને બદલે હવે પાંચ પૈકીનો એક બન્યો. મહાયુદ્ધના અંતે રાજ્યકાળ પૂરો થયો એ પછી પાંચેય પાંડવોએ પત્ની દ્રૌપદી સાથે સ્વર્ગારોહણ કરવા હિમાલય યાત્રા આરંભી. આ યાત્રામાં સૌપ્રથમ દ્રૌપદીનું પતન થયું ત્યારે ભીમે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો કે હે જ્યેષ્ઠ ભ્રાતા, દ્રૌપદીએ આપણા પાંચેયની પત્ની તરીકે પત્નીવ્રત ન‌િભાવ્યું છે, સતીત્વનું ઊજળું ઉદાહરણ આપ્યું છે છતાં તેણે આપણી વચ્ચેથી સૌથી પહેલાં કેમ વિદાય લીધી?   

આના જવાબમાં યુધિષ્ઠિરે કહ્યું છે – ‘દ્રૌપદી આપણા પાંચેય ભાઈઓની સંયુક્ત પત્ની હતી. તેનો ધર્મ આ પાંચેય પતિઓને એકસરખો પ્રેમ કરવાનો હતો. તેણે એમ નથી કર્યું. તેણે આજીવન અર્જુન પ્રત્યે વિશેષ પ્રેમ દાખવ્યો છે. આમ તેણે પત્નીધર્મનું ઉલ્લંઘન કર્યું છે. આમ હોવાથી તેનું પતન સૌથી પ્રથમ થયું.’

યુધિષ્ઠિરની આ વાત તર્કશાસ્ત્રના ત્રાજવે તોળવાથી નહીં સમજાય. અહીં કોઈ માપદંડ પ્રયોજવો મુશ્કેલ છે. સમજવા જેવી એક જ વાત છે. દ્રૌપદી જે જાણતી હતી એ કોઈનેય જણાવ્યા વિના પોતાના અષાઢને ભાદરવાના અંત સુધી તેણે ન‌િભાવ્યો. અર્જુન આ વાત જાણતો હશે કે નહીં એ આપણે કોઈ જાણતા નથી, પણ તેણે આખું ચોમાસું અષાઢને બદલે ભાદરવાને ભરપૂર માણ્યો.

બહુ દૂરના ભૂતકાળ સુધી જવાની જરૂર નથી. ગ્રામ્ય વિસ્તારોમાં પચાસ કે સાઠ વરસ પહેલાંનું એક દૃશ્ય યાદ કરીએ. પત્ની હંમેશાં પતિ ભોજન કરી લે એ પછી જ ભોજન કરતી. કેટલાક કિસ્સાઓમાં તો પતિની એંઠી થાળીમાં જ તે ભોજન લેતી. આજે આ દ્રશ્યની આપણે કલ્પના સુધ્ધાં કરી શકીએ એમ નથી. પ્રેમ પછી એ પતિપત્ની વચ્ચે હોય કે પછી અન્ય કોઈ પણ સંબંધમાં હોય, એના અષાઢ અને ભાદરવા એ બે છેડાને બુદ્ધિપૂર્વક સમજવા એમાં શાણપણ છે. પ્રેમને નિકટતા સાથે સાંકળીને એને મસળવાથી થોડીક સૌરભ વધે ખરી, પણ પાંદડી મસળાઈ જાય અને ભાદરવો ઓરો આવી જાય.

આ પણ વાંચો : ચાંદ કે પાર ચલો

સંબંધોની સુંવાળપ માણસને અન્ય પ્રજાતિઓથી વિશેષ પ્રકારના જીવનથી સભર કરે છે પણ આ સુંવાળપને એક ખાસ મર્યાદા છે એનું સતત સ્મરણ રાખવા જેવું છે. એમાં નૈકટ્ય એક ઝંખના છે, પણ દૂરી એક અનિવાર્ય ઘટક છે. આ દૂરીને જે સમજે છે તેને માટે પેલી સુંવાળપ નૈકટ્યથી વિશેષ સભર બની રહે છે.

weekend guide mumbai monsoon columnists