સમય (લાઇફ કા ફન્ડા)

13 February, 2020 05:30 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

સમય (લાઇફ કા ફન્ડા)

એક વાર અમુક અમેરિકન યાત્રીઓ વેટિકન સિટીના પોપને મળવા ગયા. થોડી વાતો થઈ. વાતમાંથી વાત નીકળતા પોપે એક અમેરિકન યાત્રીને પૂછ્યું ‘તમે ફ્રાન્સમાં કેટલો સમય રોકાવાના છો?’ યાત્રીએ જવાબ આપ્યો ‘૨૫ અઠવાડિયાં સુધી અહીં જ છું.’ પોપ બોલ્યા ‘સારી વાત છે, તો પછી તમે થોડુંઘણું ફ્રાન્સ તો જોઈ લેશો.’
પોપે બીજા યાત્રીને પૂછ્યું ‘તમે કેટલા સમય માટે ફ્રાન્સમાં છો?’ બીજા યાત્રીએ જવાબ આપ્યો, ‘હું ચાર અઠવાડિયાં માટે જ આવ્યો છું.’ પોપે કહ્યું, ‘સારું, તો તમે ઘણુંખરું ફ્રાન્સ જોઈ લેશો.’ ત્રીજા યાત્રીને પોપે પૂછ્યું ‘તમે કેટલો સમય છો?’ યાત્રીએ કહ્યું, ‘નામદાર પોપ હું માત્ર સાત દિવસ જ અહીં છું.’ પોપે કહ્યું, ‘તો તો, તમે પૂરું ફ્રાન્સ જોઈ લેશો!’
પોપની આવી વિસંગત વાત સાંભળી બધા યાત્રીઓને નવાઈ લાગી. પહેલા યાત્રીએ પૂછ્યું ‘નામદાર પોપ, આપ કેવી વાત કરો છો, કંઈ સમજાયું નહીં. હું સૌથી વધારે છ મહિના જેટલું રોકાવાનો છું તો મને કહો છો કે થોડુંઘણું ફ્રાન્સ જ જોઈ શકશો અને આ ચાર અઠવાડિયાં માટે રોકાનાર યાત્રીને કહો છો ઘણુંખરું ફ્રાન્સ જોઈ શકશો અને આ જે માત્ર સાત દિવસ છે તેને કહો છો આખું ફ્રાન્સ જોઈ શકશો. આમ કહેવાની પાછળનો આશય સમજાતો નથી.’
પોપ બોલ્યા ‘આ મારા જીવનનો અનુભવ છે કે આ સમય બહુ અનન્ય છે. જે માણસને એમ લાગે છે કે મારી પાસે બહુ સમય છે તે આળસમાં પડી જાય છે, બધું આરામ-આરામથી કરે છે. મોટાભાગનો સમય આળસમાં વેડફી નાખે છે. કોઈ વાતમાં ઉતાવળ કરતો જ નથી, કારણ તે માને છે કે મારી પાસે તો બહુ સમય છે, ધીમે ધીમે-મોડે મોડે કોઈ પણ કામ શરૂ કરે છે...અને તે કામ પણ ધીમે ધીમે કરે છે તેથી અંતમાં એવું થાય છે કે તેની પાસે રહેલો ‘ઘણોબધો સમય’ જલદી પૂરો થઈ જાય છે અને કામ અધૂરું રહે છે. અને જે માણસને એમ લાગે છે કે મારી પાસે સમય ઓછો છે તે બધી વાત અને બધાં કામમાં ઝડપ કરે છે. તે ઝડપથી દોડતો રહે છે. સતત મનમાં ઉતાવળ રાખી એક પછી એક કામ પૂરું કરતો રહે છે, કારણ તે સતત એમ વિચારે છે કે મારી પાસે સમય ઓછો છે, જે સમય છે તે અતિ કીમતી છે, તેનો બરાબર ઉપયોગ કરવો જરૂરી છે. જેથી કોઈ કામ બાકી ન રહી જાય.’
જે લોકો જાણે છે કે જીવનમાં સમય ઓછો છે તેઓ વધુ સજાગ અને ઝડપી અને જીવંત બની જીવનની એક-એક પળને જીવી શકે છે, માણી શકે છે, જાણી શકે છે.

heta bhushan columnists