ભારતનું કોઈપણ આસ્થિક દર્શન એવું નથી જે પુનર્જન્મ સિદ્ધાંત માન્ય ન રાખે

22 March, 2020 08:22 PM IST  |  Mumbai Desk | Chimanlal Kaladhar

ભારતનું કોઈપણ આસ્થિક દર્શન એવું નથી જે પુનર્જન્મ સિદ્ધાંત માન્ય ન રાખે

‘જીવન’ શબ્દથી સર્વ લોકો પરિચિત છે, જીવન એ કલ્પના કે સ્વપ્ન નથી, પણ એક જાતની ક્રિયા છે, તે આપણે અનુભવથી જાણી શકીએ છીએ કે ‘હું જીવું છું’ કે ‘અમે જીવીએ છીએ.’ કહેવાનો અર્થ એ જ મારામાં, આપણામાં જીવનની ક્રિયાઓ ચાલી રહી છે. જે પ્રાણ ધારણ કરે છે તે પ્રાણી કહેવાય છે, એટલે જ આપણે પ્રાણથી પરિચિત થવું જોઈએ. કેટલાક કહે છે કે ઉષ્ણતા એ જ પ્રાણ છે અને તે સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. તેને માટે આપણા ધર્મશાસ્ત્રોમાં ‘હિરણ્ય ગર્ભ’ શબ્દ વપરાયો છે. કેટલાક વાયુને પ્રાણ ગણાવે છે. તેની સાબિતી માટે કહે છે કે જો પ્રાણીનું શ્વાસોશ્વાસ લેવાનું બંધ થાય તો તે મૃત્યુ પામેલું કહેવાય છે. કેટલાકના મતે પ્રાણ એ એક જાતનો સૂક્ષ્મ પદાર્થ છે. તે રૂધિર શુદ્ધિનું જીવનોપયોગી કાર્ય કરે છે. આમ પ્રાણ વિશે ઘણાં મતમતાંતરો પ્રર્વતે છે પરંતુ ઊંડું વિચારતા તેનાથી આપણા મનનું સમાધાન થઈ શકતું નથી.

જો ઉષ્ણતા જ પ્રાણ હોય તો તેનાથી જીવન સંભવિત બનતું હોય અને મૃત્યુ પામેલા જીવને યોગ્ય પ્રમાણમાં ઉષ્ણતા આપવાથી તે સજીવન થવું જોઈએ પરંતુ તેમ થતું નથી. વાયુ એ જ પ્રાણ હોય તો મૃત્યુ પામેલા પ્રાણીને વાયુ આપવાથી તે પુનર્જિવિત થવું જોઈએ, પરંતુ તેમ થતું નથી. બીમાર મનુષ્યોને ઓક્સિજનના સિલિન્ડરથી પ્રાણવાયુ આપવા છતાં તેને મૃત્યુ પામતા અટકાવી શકાતા નથી. રૂધિરની શુદ્ધિ આદિ કાર્યો યોગશાસ્ત્ર અને આયુર્વેદના અભિપ્રાયથી પાંચ પ્રકારના વાયુનાં કર્મો છે. એટલે તે અંગે જે સૂક્ષ્મ પદાર્થની કલ્પના કરવામાં આવે છે તે પણ યોગ્ય ઠરી શકતી નથી. આ સંયોગોમાં પ્રાણ એ આત્માની-જીવની પોતાની જ વિશેષતા છે તેમ માનવું જ યથાર્થ ગણી શકાય.
જૈન શાસ્ત્રકારોએ પ્રાણના બે પ્રકાર દર્શાવ્યા છે : (૧) દ્રવ્ય પ્રાણ અને (૨) ભાવ પ્રાણ. તેમાં દ્રવ્ય પ્રાણ વડે જીવન શક્ય બને છે. ભાવ પ્રાણ વડે આત્માના જ્ઞાનાદિ મૂળ સુધી પહોંચી શકાય છે. આનો સીધો અર્થ એ જ છે કે જેના સંયોગોથી જીવને જીવનઅવસ્થા પ્રાપ્ત થાય છે તેને પ્રાણ સમજવો. આ વ્યાખ્યા પ્રમાણે કોઈ પણ પ્રાણી પ્રાણ વિનાનું ન હોઈ શકે. જૈન ધર્મ ગ્રંથોમાં દ્રવ્ય પ્રાણની સંખ્યા દસની દર્શાવવામાં આવી છે. આ દસમાંથી કોઈ પણ પ્રાણનો અતિપાત કરવો, અર્થાત્ વિયોગ કરવો તેને હિંસા કહી છે. એટલે જ કહેવાયું છે કે -
પંચ્ચન્દ્રિયાણી ત્રીવિધઁ બલં ચ,
નિશ્વાસેમુચ્છવાસથાન્ય દાયું :
પ્રાણા દશૈતે ભગવદભિરુક્તા,
સ્તષાં વિયોગીકરણં તું હિંસા

અર્થાત પાંચ ઇન્દ્રિયો, ત્રિવિધ બળ એટલે કાયબળ, વચન, બળ અને મનોબળ, નિશ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા અર્થાત્ શ્વાસોશ્વાસ તથા આયુષ્ય એ દસ પ્રાણો જિનેશ્વર ભગવંતોએ કહેલા છે. તેનો વિયોગ કરવો હિંસા છે. આમ પ્રાણનું સ્વરૂપ જાણીને આપણે સૌ જીવન અને મૃત્યુનો સાચો અર્થ સમજી શકીએ અને વિવિધ પ્રકારની હિંસાથી બચી શકીએ.
આજનું વિજ્ઞાન એમ કહે છે કે જ્યારે આ માનવશરીરના ખાસ ભાગો જીર્ણશીર્ણ થઈ જાય ત્યારે તે સમસ્ત યંત્ર બંધ પડી જાય છે. માનવશરીરના ખાસ ભાગો એટલે હૃદય, ફેફસાં, મગજ વગેરે છે. જ્યારે કોઈ બીમારી કે દુર્ઘટનાથી આ ભાગો જીર્ણ કે જખમી થઈ જાય ત્યારે કુદરતી રીતે જ માનવયંત્ર બંધ પડે છે અને તેને ‘મૃત્યુ’ નામ આપવામાં આવ્યું છે. આ વ્યાખ્યા પ્રથમ દૃષ્ટિએ તો ઠીક લાગે છે પરંતુ તે અનુભવની કસોટી પર ટકી શકતી નથી. કારણકે સમગ્ર વિશ્વમાં એવા અનેક ઉદાહરણો મળ્યાં છે કે જેમાં ૪૮ કલાક સુધી શ્વાસ તથા હૃદયની ગતિ બંધ રહ્યા પછી પણ માણસ જીવતો રહ્યો હોય. એવી ઘટનાઓ પણ બની છે કે જેમાં મનુષ્ય ૪૦ દિવસ સુધી એક લાકડાની પેટીમાં પુરાઈ રહ્યા પછી પણ જીવતો નીકળ્યો હોય. આ ઉદાહરણોમાં ૪૦ દિવસ સુધી પેટીમાં બંધ રહેલ માણસના હૃદય, ફેફસાં, મગજ એ ત્રણે ભાગોએ પોતાના કામ બંધ કરી દીધા હતા. કારણકે બાહ્ય પૌદ્ગલિક સામગ્રીના અભાવે તે પોતાનું કામ કરી શકતા ન હતા. આ સંયોગોમાં તેઓ મૃત્યુ પામેલા જ કહેવાય, પણ તેઓ ખરેખર મૃત્યુ પામ્યા ન હતા. ત્યારે એ ઘટનાનો ખુલાસો શો સમજવો? આજનું વિજ્ઞાન આ ઘટનાના ઉત્તરમાં મૌન સેવે છે, પણ જૈન શાસ્ત્રો તો છાતી ઠોકીને કહે છે કે તેનો આયુષ્ય-પ્રાણ અવશિષ્ટ રહ્યો હતો. એટલે જ તેના આધારે જીવન ટકી રહ્યું હતું અને ફરી પૌદ્ગલિક સામગ્રી પ્રાપ્ત થતાં બાકીના નવે-નવ પ્રાણો પોતાનું કામ કરવા લાગ્યા હતા. આ ખુલાસો સૌને ગળે ઊતરી જાય તેવો છે. એટલે વિજ્ઞાનની ‘વાઇટલ પાર્ટસ થિયરી’ કરતાં જૈન ધર્મના દસ પ્રાણનો સિદ્ધાંત વધુ વાસ્તવિક જણાય છે.
જીવશક્તિના ગુણને ધારણ કરવાને લીધે જ આત્મા જીવ કહેવાય છે. તેથી જ આપણા શાસ્ત્રો કહે છે કે ‘જીવિતવાન, જીવતિ, જિવિષ્યતી જીવ:’ એટલે કે જીવવાળો છે, જીવે છે અને જીવશે તે જીવ જાણવો. જન્મ એટલે જીવનની શરૂઆત અને મરણ એટલે જીવનનો અંત. એમ માનીને આપણે જીવનનો સઘ‍ળો વ્યવહાર ચલાવીએ છીએ, પણ આ વિચાર તર્કની કસોટી પર જરા પણ ટકી શકે તેમ નથી. જો જન્મ એ જ જીવનની શરૂઆત હોય તો બધાં જ બાળકો સરખાં કેમ જન્મતાં નથી? દરેક બાળકનો સ્વભાવ, વ્યક્તિત્વ, રૂપ, રંગ ભિન્નભિન્ન શા માટે? આ વાતનો ગંભીરતાથી વિચાર કરીએ તો એ નિર્ણય પર અવશ્ય આવવું પડે કે દરેક બાળક જન્મતી વખતે પોતાનાં કર્મની મૂડી લેતું આવે છે. આ કર્મની મૂડી તેને કયાંથી પ્રાપ્ત થઈ? તે પ્રશ્નનો ઉત્તર છે તેનું પૂર્વભવનું જીવન. અર્થાત્ પૂર્વજન્મમાં તેણે જે કર્મો બાંધ્યાં તે જ તેના નવા જન્મની સાથે આવ્યાં છે. જેમ જીવનનો પ્રવાહ ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં આવ્યો તેમ વર્તમાનકાળમાંથી ભવિષ્યકાળમાં જાય છે. મૃત્યુ પછી પણ તે ચાલુ જ રહે છે. એટલે મૃત્યુ એ અવસ્થાનું માત્ર રૂપાંતર છે, જીવનનો અંત નથી.
‘ભગવદ્ ગીતા’માં પણ મૃત્યુની વ્યાખ્યા આપતા કહ્યું છે કે-

‘વાસાંસિ’ જિર્ણાની યથા વિહાય, નવાની ગૃહણાતિ નરોડ પરાણિ;
તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યનાની સંયાતી નવાની દેહી.’

જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો તજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂના શરીરને તજીને બીજા નવા શરીરને ધારણ કરે છે. તાત્પર્ય એ જ છે કે તેમાં જીવનનો મૂળ પ્રવાહ છે તે બીજા સ્વરૂપે ચાલુ જ રહે છે. આ સિદ્ધાંતને ‘પુનર્જન્મ’નો સિદ્ધાંત કહેવામાં આવે છે. આ સિદ્ધાંતને શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ એ ત્રણેનો પ્રબળ ટેકો છે. ભારતનું કોઈ પણ આસ્થિક દર્શન એવું નથી કે જે આ સિદ્ધાંતને માન્ય રાખતું ન હોય. પ્રશ્ન એ જ છે કે આત્મા શા માટે પુનર્જન્મ ધારણ કરે છે? તેનો ઉત્તર એ જ છે કે આત્માએ તેના ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં જે જે કર્મો બાંધ્યાં છે તેનું ફળ ભોગવવાનું બાકી રહેતા તેને આ રીતે પુનર્જન્મ ધારણ કરવો પડે છે. આત્માને તેનાં કર્મોને લીધે જ ચાર ગતિ અને ૮૪ લાખ જીવોની યોનિમાં પરિભ્રમણ કરવું પડે છે.

chimanlal kaladhar columnists weekend guide