અલવિદા, અલવિદા ઓ સનમ ચલ દિએ લેકે હમ તેરા ગમ ઓ સનમ

11 December, 2019 04:18 PM IST  |  Mumbai Desk | pankaj udhas

અલવિદા, અલવિદા ઓ સનમ ચલ દિએ લેકે હમ તેરા ગમ ઓ સનમ

ખુશી અપરંપાર : જગજિત અને ચિત્રાને કપલ ગઝલ સિંગર તરીકે મેળલી સક્સેસને જોઈને રાજેન્દ્રભાઈ અને નીનાબહેન ખૂબ ખુશ થતાં.

મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ દેશની પહેલી સિંગર-જોડી એવા રાજેન્દ્ર મહેતા અને નીના મહેતાની. મોટા ભાગના એવું માને છે કે જગજિત સિંહ અને ચિત્રા સિંહ પહેલી સિંગર જોડી હતી, પણ એવું નહોતું. રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા પહેલી જોડી હતી. રાજેન્દ્ર મહેતા પંજાબી અને નીના મહેતા ગુજરાતી. બન્ને મુંબઈમાં પહેલી વાર મળ્યાં અને પછી બન્નેએ મૅરેજ કર્યાં. બહુ સુખી કુટુંબ. પરિવારમાં એક દીકરો અને એક દીકરી. દીકરી નીરા ખૂબ સરસ ગાય. ભારતીય વિદ્યા ભવન્સે અમેરિકામાં કરેલા ‘ખઝાના’ કાર્યક્રમમાં નીરા અમારી સાથે આવી હતી અને તેણે ત્યાં પર્ફોર્મ પણ કર્યું હતું. અમુક વર્ષો પછી નીરાને કૅન્સર ડાયગ્નોસ થયું અને કૅન્સર સાથે જ તેનો દેહાંત થયો. નીરાની વિદાય પછી રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા બહુ ભાંગી પડ્યાં હતાં. એ એકલતા, એ પીડા દેખાઈ આવે. તેઓ કહે નહીં, પણ તમે અનુભવી શકો. નીરાની ગેરહાજરીમાં અમે એટલે કે મેં અને મારી વાઇફ ફરીદાએ તેમને ત્યાં જવાનું નિયમિત કરી નાખ્યું હતું. માણસ જ્યારે અંદરથી એકલો પડવા માગે ત્યારે તેમને બહારની કંપનીની, બીજાના સાથની આવશ્યકતા ઊભી થાય છે. રાજેન્દ્રભાઈ મક્કમ રહેતા, પોતાનું ધ્યાન બીજી દિશામાં કેન્દ્રિત કરવા માટે સજાગ રહેતા, પણ નીનાબહેને તેમનો સાથ છોડી દીધો. નીરાના અવસાન પછી ૨૦૧૧માં નીનાબહેનનું પણ અવસાન થયું.

પહેલાં દીકરી અને પછી વાઇફ. ટૂંકા ગાળામાં બબ્બે સ્વજનની વિદાય પછી રાજેન્દ્રભાઈ સાવ એકલા પડી ગયા. દીકરો તો પહેલેથી જ દુબઈ સ્થાયી એટલે એ રીતે પણ તેઓ સાવ એકલવાયા થઈ ગયા. મારા પક્ષની પણ વાત કહું. કામની વ્યસ્તતાને કારણે હું રૂબરૂ ન જઈ શકું, પણ તેમની સાથે સંપર્કની કોઈ તક જતી ન કરું. ફોન પર તેમની સાથે વાત કરું અને અઠવાડિયા-દસ દિવસે તો એકાદ ફોન અચૂક લાંબો ચલાવું. વાતો કરવાની પણ મજા આવે. અમારો એ ફોન એકાદ કલાક ઓછામાં ઓછો ચાલે. અલકમલકની વાતો કરીએ, હું મારા નવા અનુભવો શૅર કરું, તેઓ પોતાની જૂની વાતો કરે અને મજાનો સમય પસાર કરીએ. એ સમય દરમ્યાન હું સતત જોઉં કે તેઓ એવું દર્શાવે કે હી ઇઝ વેરી સ્ટ્રૉન્ગ, પણ આપણે સમજી શકીએ કે દીકરી અને જીવનસાથીની વિદાયે તેમને જે દુઃખ આપ્યું છે એ દુઃખ વચ્ચે તેઓ સતત પોતાની જાતને બિઝી રાખી રહ્યા છે.
પોતાના ફ્રી ટાઇમ માટે મને કહેતા કે સંગીત અને રીડિંગનો એટલો શોખ છે કે મારો વાંચવામાં જ સમય નીકળી જાય છે. ઉર્દૂના શાયરોની બુક્સનો તેમની પાસે ખજાનો હતો. તેઓ વાંચતા પણ એટલું. ગઝલનું અને ક્લાસિકલ મ્યુઝિકનું પણ જબરું કલેક્શન તેમની પાસે. નિરાંતે બધું સાંભળું છું, જૂના દિવસો વાગોળું છું અને મજાથી જીવું છું. બહાર નીકળવાનું તેમણે ખૂબ ઓછું કરી નાખ્યું હતું. હું તેમને ખૂબ જોર દઉં કે આ વખતે તમારે આપણા ‘ખઝાના’માં આવવાનું છે તો તેઓ હા પાડે, પ્રૉમિસ પણ કરે અને પછી આવે નહીં. ‘ખઝાના’ શરૂ કર્યાને ચારેક વર્ષ થઈ ગયાં હતાં. હું તેમને એ પણ સમજાવું કે ત્યાં કંઈ નહીં કરતા, આવો, અમને સાંભળો, નવી પેઢીને સાંભળો, મજા આવશે. તેઓ હા પાડે, નવેસરથી વચન આપે અને એ પછી પણ આવે નહીં. એ પછી તો પ્રૉમિસની વાત પણ નીકળી ગઈ. કહે કે જોઈશ, મન થશે તો આવીશ.
નીરા અને નીનાબહેન ગયા પછી તેમણે ગાવાનું બિલકુલ છોડી દીધું હતું. ધીમે-ધીમે સૌ પોતપોતાની દિશામાં આગળ વધવા માંડ્યા. તેઓ તેમની એકલતામાં અને અમે અમારી વ્યસ્તતામાં. સમયનું ભાન નહોતું રહ્યું અને એક દિવસ મને અચાનક સુધીરભાઈનો એટલે કે રાજેન્દ્રભાઈના સાળાનો ફોન આવ્યો કે રાજેન્દ્રભાઈની તબિયત બહુ ખરાબ છે અને ભાટિયા હૉસ્પિટલમાં તેમને ઍડ્‍મિટ કર્યા છે. રાજેન્દ્રભાઈ વેન્ટિલેટર પર હતા. ડૉક્ટર પણ કશું કહે નહીં અને મિરૅકલની રાહ જોવા કહેલ પણ મિત્રો, સાચે જ મિરૅકલ થયો. તેમની તબિયત એક દિવસ અચાનક જ સુધારા પર આવી ગઈ અને માનશો નહીં, વેન્ટિલેટર હટાવી લીધા પછી પણ એ ચમત્કારને તેમણે અકબંધ રાખ્યો અને રાજેન્દ્રભાઈની તબિયત મિરૅકલ સાથે એકદમ સુધારા પર આવી ગઈ. તેમને ફરીથી ઘરે લાવવામાં આવ્યા. એ સમયે જેટલો આનંદ તેમના ફૅમિલી-મેમ્બર્સને થયો હતો એટલી જ ખુશી મને પણ થઈ હતી કે ચાલો, હવે હું ફરીથી તેમની સાથે રૂબરૂ બેસીને વાતો કરીશ, મહેફિલ જમાવી શકીશ. એ સમયે હું દિલ્હી હતો.
મારા ભત્રીજાનાં લગ્નમાં બે દિવસ રહીને હું દિલ્હીથી પાછો આવ્યો ત્યાં જ સુધીરભાઈનો ફોન આવ્યો કે આજે સવારે પાંચ વાગ્યે રાજેન્દ્રભાઈએ વિદાય લઈ લીધી છે. મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. હજી ઍરપોર્ટ પર હું મનમાં એવું વિચારી રહ્યો છું કે થોડો આરામ કરીને હું રાજેન્દ્રભાઈને ત્યાં જઈશ અને અમે નિરાંતે બેસીશું એને બદલે આ સમાચાર. મારી આંખો સામે તેમની સાથે વિતાવેલી એ દરેક ક્ષણ આવી ગઈ જેમાં તેમણે અમને ઘડવાનું કામ કર્યું હતું. એક પણ કલાકાર એવો નહોતો જેમને તેમણે શીખવવાનું કામ ન કર્યું હોય. તમે કોઈનું પણ નામ લો, કોઈને પણ યાદ કરો. એ કલાકારના જીવનમાં રાજેન્દ્રભાઈનો ફાળો ખરો જ ખરો. દિગ્ગજ દરજ્જાના કલાકાર અને સૌથી સારી વાત એ કે તેઓ પોતાનું જ્ઞાન બધાને પીરસવા તૈયાર રહેતા.
આપણી વચ્ચેથી એક એવા કલાકાર ચાલી ગયા જેમણે ભારતીય ગઝલગાયકીના ક્ષેત્રમાં એટલુંબધું મોટું યોગદાન આપ્યું કે આપણે તેમને સલામ કરવી જ પડે. એક એવા કલાકાર જેણે ઉર્દૂ ગાયકી અને ગઝલગાયકીમાં ક્યારેય કોઈ જાતનું કૉમ્પ્રોમાઇઝ કર્યું નથી. કોઈ દિવસ કોઈ કમર્શિયલ કે સસ્તી ગિમિકમાં ફસાયા નહીં અને પોતાની શુદ્ધતા અને આલા દરજ્જાની અદાકારી મેઇન્ટેન કરી રાખી. તેમની જ્યારે બોલબાલા હતી એ સમયે અમારા જેવા કેટલા નવા અને યંગ કલાકારો આવ્યા; અનુપ જલોટા, અશોક ખોસલા, ચંદન દાસ, હું, જગજિત સિંહ, પીનાઝ મસાણી, તલત અઝીઝ.
આ અને આ ઉપરાંતના પણ બધા કલાકારો માટે તેઓ હંમેશાં પ્રેરણાસ્રોત રહ્યા. અમને બધાને એવું લાગે છે કે અમે જાણે અમારા જ નહીં, આગામી પેઢીના ગઝલગાયકી ક્ષેત્રના બહુ મોટા ગુરુ ગુમાવ્યા. રાજેન્દ્ર મહેતા અને નીના મહેતાનાં આલબમ સાંભળો તો તમને સમજાશે કે એમાં કેવી અદ્ભુત સુંદરતા હતી, એક છટા હતી. તેમના અવાજમાં એક અલગ જ કશિશ હતી. તેમના થકી ગઝલની દુનિયાને જે મળ્યું, તેમણે જે ગઝલની દુનિયાને આપ્યું એ સાચે જ પ્રાઇસલેસ છે, તમે ક્યારેય કલ્પી જ ન શકો કે તેમના પ્રદાનનું મૂલ્ય આંકી ન શકો. આપણે આ વિષય પર વાત શરૂ કરી ત્યારે મેં રાજેન્દ્ર મહેતા માટે એક શબ્દ વાપર્યો હતો, ‘અનસંગ’. હા, તેઓ સાચે જ અનસંગ રહ્યા.
રાજેન્દ્ર મહેતા અને નીના મહેતાને એટલી પૉપ્યુલરિટી નહીં મળી હોય જેટલી જગજિત સિંહ અને ચિત્રા સિંહને, પણ એ વાતનો તેમને કોઈ રંજ નહોતો, કોઈ દુઃખ નહોતું. ઊલટું તેમને આનંદ હતો, હરખ હતો કે જગજિત અને ચિત્રાને આટલું મોટું નામ કમાવા મળ્યું, તેઓ બન્ને આટલાં ફેમસ થયાં. કોઈ વખત આવી વાત નીકળે ત્યારે તેઓ કહે પણ ખરા કે બધું જો કોઈ એકને આપી દેવામાં આવે તો આવતી પેઢી શું કરવાની. બધાને બધું નથી મળતું, એક પછી એક તબક્કે મળતું જાય. કોઈ એકે શરૂઆત કરવાની હોય. બીજો એના પર ઇમારત બનાવે, ત્રીજો એ ઇમારતની છત પર જઈને દુનિયા જુએ. મેં અને નીનાએ શરૂઆત કરી, જગજિત-ચિત્રાએ નામનાની ઇમારત બનાવી. હવે ત્રીજાને એનાથી વધારે લાભ મળશે. આ પ્રક્રિયા છે અને એ ચાલુ જ રહેવી જોઈએ. રાજેન્દ્રભાઈ ખૂબ દરિયાદિલ ઇન્સાન હતા. ગઝલની ખૂબ સેવા કરી હતી. હું એમ કહીશ કે તેમના જવાથી આપણે ગઝલના ખઝાનામાંથી એક ખૂબ કીમતી મોતી ગુમાવ્યું છે. આ મોતીનું મૂલ્ય ક્યારેય આંકી શકાશે નહીં, ક્યારેય વર્ણવી શકાશે નહીં. રાજેન્દ્રભાઈની જ ફેવરિટ ગઝલના શેર સાથે જ વાત અહીં અટકાવીએ.
ક્યા ખબર ઝિંદગી જાએગી અબ કહાં,
કોઈ મંઝિલ નહીં, રાહ ભી બેનિશાં
કમ નહીં ઝિંદગી કે સિતમ ઓ સનમ
જાનેજાં ચલ દિએ લેકે હમ તેરા ગમ
અલવિદા, અલવિદા, ઓ સનમ...

pankaj udhas columnists