એકતાનો સંદેશ - (લાઇફ કા ફન્ડા)

26 November, 2019 03:59 PM IST  |  Mumbai | Heta Bhushan

એકતાનો સંદેશ - (લાઇફ કા ફન્ડા)

ભગતસિંહ

મહાન ક્રાન્તિકારી યુવાન ભગતસિંહ. તેમનું દેશપ્રેમથી છલોછલ છલકાતું હૃદય. પોતાની જન્મભૂમિ અને દેશવાસીઓ માટે ભરપૂર પ્રેમ અને અંગ્રેજો તરફ અને ગુલામી પ્રત્યે નફરત. યુવાન ભગતસિંહને અંગ્રેજ સરકારે ફાંસીની સજા કરી.

જીવનના અંતિમ દિવસોમાં ભગતસિંહ પુસ્તકો વાંચતાં, દેશપ્રેમનાં ગીતો ગાતાં. પોતાનો અંત નજીક હોવા છતાં તેમના ચહેરા પર દુઃખની એક લકીર પણ ન હતી. દેશપ્રેમની ખુમારી હતી. આખા દેશનો પ્રેમ તેમની સાથે હતો. હજારો દેશવાસીઓ તેમને માટે રડી રહ્યા હતા. ફાંસીના બે દિવસ પહેલાં જેલરે પૂછ્યું, ‘ભગતસિંહ, તારી કોઈ ખાસ અંતિમ ઇચ્છા હોય તો કહે, હું એ પૂરી કરવાનો પ્રયત્ન કરીશ.’

જેલરની વાત સાંભળી ભગતસિંહ હસવા લાગ્યા અને બોલ્યા, ‘ઇન્કલાબ ઝિન્દાબાદ. મારી એક જ ઇચ્છા છે

મારા દેશની આઝાદી. શું તમે એ પૂરી કરી શકશો?’

જેલર કઈ ન બોલ્યા. ભગતસિંહે હસતાં-હસતાં કહ્યું, ‘અમારા બધા ક્રાન્તિકારીઓની એક ઇચ્છા છે કે સમાજમાં એકતા આવે એ માટે હું

તમને એક વિનંતી કરું છું અને તમે એ પૂરી કરી શકશો.’

જેલરે કહ્યું, ‘બોલો. હું એ સંતોષવાની જરૂર કોશિશ કરીશ.’

ભગતસિંહ પોતાના સાથીઓની સામે જોઈ બોલ્યા, ‘અમે ‘બેબે’ના હાથે બનાવેલું ભોજન જમવા માગીએ છીએ.’

બેબે જેલનો ઝાડુવાલો હતો. શૌચાલય સાફ કરનારો ભંગી હતો. તેને બોલાવીને જેલરે વાત કરી. બેબે આ સાંભળી રડવા લાગ્યો અને ભગતસિંહને કહેવા લાગ્યો, ‘હું ભંગી છું. ગંદા કામ કરનારા મારા હાથ તમારે માટે ભોજન કઈ રીતે બનાવી શકે? મારા હાથ એવા ચોખ્ખા નથી કે એ હાથે બનેલી રોટલી તમે ખાઈ શકો.’

ભગતસિંહ બેબે પાસે ગયા, તેને ભેટ્યા અને બોલ્યા, ‘બેબે, તું સાંભળ. એક મા પોતાના નાના બાળકનાં મળ-મૂત્ર દિવસમાં કેટલી વાર સાફ કરે છે અને પછી એ જ હાથે તેના માટે રસોઈ બનાવે છે અને એ જ હાથે પોતાના બાળકને જમાડે છે ને. શું કોઈ માના હાથ ગંદા ગણાય છે? તું સમાજ માટે ઉપયોગી કામ કરે છે. તારા કામથી સ્વચ્છતા રહે છે. તું કોઈ ચિંતા ન કર, જલદી ભોજન અને રોટલી બનાવ; અમારે તારા હાથનું જ ભોજન જમવું છે.’

ભંગી બેબેએ ભોજન બનાવ્યું. ભગતસિંહે પહેલો કોળિયો બેબેના હાથથી પ્રેમથી આરોગ્યો અને જીવનના અંત પહેલાં એકતા, પ્રેમનો સંદેશ આપ્યો.

bhagat singh columnists