નૂરાની રેશમા (જજસાહેબની દ્વિધા)

19 January, 2020 05:21 PM IST  |  Mumbai Desk | vivek agarwal

નૂરાની રેશમા (જજસાહેબની દ્વિધા)

ઈ. સ. ૨૦૧૨માં આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે દાઉદના નાના ભાઈ નૂરાની આર્થિક સ્થિતિ એટલી સધ્ધર નથી રહી, જેટલી બાકીના ભાઈઓની હતી.
એ દિવસોમાં નૂરા અને તેની પત્ની રેશમા પાકિસ્તાન, ભારત અને ખાડીના દેશોમાં કોઈ પણ કામ કરાવી આપવાનું બીડું ઝડપતાં હતાં. લાઇઝનિંગ અને કોઈ પણ કામ કરાવવા માટે રેશમા તેના પતિના નેટવર્કનો ઉપયોગ કરવા માંડી. આ રીતે તે તેના પરિવાર માટે મોટી રકમ એકઠી કરવા માટે કામે લાગી ગઈ હતી. જાણવા મળ્યું છે કે ભારત અને પાકિસ્તાનમાં એવા ઘણા લોકો છે, જેમને કામકાજ અને ધંધામાં કોઈ ને કોઈ મુસીબતનો સામનો કરવો પડે છે. જેમની પાસે ડી-કંપનીના સંપર્કો છે તેઓ રેશમાના માધ્યમથી તેમનાં કામ કરાવે છે.
એવી માહિતી પણ મળી કે કામ કરી આપવા બદલ રેશમા લોકો પાસેથી સારીએવી રકમ વસૂલે છે. સામ, દામ, દંડ, ભેદની નીતિથી તે કામ કરાવે છે.
દબાયેલા અવાજે તે બોલ્યો : ભાઈ તો ભાઈ, ભાભીઓનું પણ વર્ચસ્વ છે કંપનીમાં.

જજસાહેબની દ્વિધા
એક દિવસ આવશે જ્યારે હું જ પોલીસ હોઈશ. એક દિવસ આવશે જ્યારે હું જ જજ હોઈશ. એક દિવસ આવશે જ્યારે હું જ જલ્લાદ હોઈશ. એ દિવસે તું શું કરીશ?
આ ફિલ્મી ડાયલૉગ સાંભળી-સાંભળીને સેંકડો લોકોએ થિયેટરોમાં તાળીઓ વગાડી હશે, પણ સાચી અદાલતમાં તો શું નથી થતું. ક્યારેક-ક્યારેક તો મુંબઈ માફિયાના ગુંડા અને સુપારી લેનારા હત્યારાઓના પરિવારો અજીબો-ગરીબ સ્થિતિ પેદા કરે છે.
એક ગૅન્ગના ગુંડાને પોલીસે ઝડપી લીધો. તેને અંધેરીમાં જજ સમક્ષ રજૂ કર્યો. જજે તેને પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધો. આ ક્રમ આગળ પણ ચાલતો રહ્યો. ઘણી તારીખો પડી. દરેક વખતે અદાલતમાં ગુંડાની પત્ની એવી આશાએ આવતી રહી કે આજે તેના પતિને જામીન મળી જશે અને દર વખતે તે નિરાશ થઈને પાછી ફરતી.
એક વખત એ મહિલા તેનાં ત્રણ નાનાં બાળકો સાથે અદાલત પહોંચી.
આરોપી ગુંડો અદાલતમાં હાજર થયો. પોલીસે તેને જજસાહેબ સમક્ષ ઊભો રાખ્યો. પોલીસે તેની કસ્ટડી વધારવા માટેની અરજી સુપરત કરી.
આ જોઈને પેલી સ્ત્રી બોલી ઊઠી, ‘સાહેબ, આ મારો ઘરવાળો છે. ઘરમાં તે એકલો કમાનારો છે. મારી હાલત એવી નથી કે તેના જામીન આપી શકું. તેને પર્સનલ બૉન્ડ પર છોડી દો.’
જજે કહ્યું, ‘ના... તમારે જામીન કરાવવા હોય તો શ્યૉરિટી અને જામીનગીરીની રકમ જમા કરાવવી પડશે. આ ત્યારે જ છૂટશે...’
‘તો ભલે સાહેબ, એક કામ કરો, આ ત્રણેય બાળકો તેનાં જ છે. તેમને આની સાથે જેલમાં મોકલી દો. ગમે ત્યાં નાખો... હું આ લોકોનો ખર્ચ ઉઠાવી શકતી નથી. ત્રણેય બાળકો તમારા હવાલે કરું છું. હું તેમને ઉછેરી શકું એમ નથી.’
આટલું કહીને તે સ્ત્રી બાળકોને અદાલતમાં મૂકીને ઝડપથી બહાર નીકળી ગઈ. જજસાહેબ તો અવાચક્ થઈ ગયા, ‘ભલા આ માસૂમ બાળકોનું હું શું કરું!’
જજસાહેબ તરત બરાડી ઊઠ્યા, ‘એ બાઈને બોલાવો, એ બાઈને બોલાવો.’
અદાલતમાં હાજર પોલીસ-કર્મચારીઓ ઝટપટ બહાર દોડ્યા. ત્યાં સુધીમાં તો એ સ્ત્રી અદાલતના બહારના દરવાજા સુધી પહોંચી ચૂકી હતી. તેને મહામહેનતે મનાવીને કોઈક રીતે પોલીસ-કર્મચારીઓ અદાલતમાં પાછી લાવ્યા.
તેને જોઈને જજસાહેબ બોલ્યા, ‘તેના પર્સનલ બૉન્ડનો આદેશ આપું છું, પણ એ અહીંથી નહીં છૂટે, જેલ લઈ જવાશે. ત્યાં કાર્યવાહી પૂરી કરીને તેને છોડી મુકાશે.’
‘હા, બરાબર છે... એવું ચાલશે.’
સ્ત્રી જ્યારે આવું બોલી ત્યારે જજસાહેબના જીવમાં જીવ આવ્યો. તેમના જીવનનો આ સૌથી મુશ્કેલ મામલો હતો. બિચારાં બાળકોને ક્યાં મોકલવાં? માતા હોવાથી બાલઘરમાં મોકલી શકાય એમ નહોતું, પિતા સાથે જેલમાં મોકલવાની વ્યવસ્થા નહોતી.
આ સંભળાવતાં તે શખ્સ હસવું ખાળી નહોતો શકતો. જ્યારે આંખોમાં પાણી આવી ગયું ત્યારે જ તે હસતો બંધ થયો અને બોલ્યોઃ
કોરટ કો બી સજા કૈસે લગતા હૈ, દેખ લો સા’બ.

vivek agarwal columnists weekend guide