સુપરહિટ સંજય ગોરડિયાની શરૂઆત સુપરહિટ ચિત્કારથી થઈ

13 February, 2020 04:56 PM IST  |  Mumbai Desk | Latesh Shah

સુપરહિટ સંજય ગોરડિયાની શરૂઆત સુપરહિટ ચિત્કારથી થઈ

ચિત્કાર નાટકના શુભારંભની તારીખ મળી ગઈ. સોળમી જાન્યુઆરી, ૧૯૮૩, રવિવારે બપોરે સાડાત્રણ વાગ્યે. રાજેન્દ્ર બુટાલાનો આભાર માનીને ભાગ્યા હું અને સંજય ભાંગવાડી રિહર્સલ કરવા. અમે પહોંચ્યા ત્યારે સુજાતા મહેતા, દીપક ઘીવાલા, ભૈરવી વૈદ્ય, ખ્યાતિ દેસાઈ, હંસુ મહેતા અને બીજા  બધા કલાકારો રાહ જોઈને બેઠા હતા. બધાના ચહેરા પર પ્રશ્ન ડોકાતો હતો કે નાટક થવાનું છે કે નહીં. અમે જ્યારે સમાચાર આપ્યા કે આવતા રવિવારે નાટક પાટકરમાં બપોરે સાડાત્રણ વાગ્યે રજૂ થશે ત્યારે બધાના શ્વાસ હેઠા બેઠા કે હાશ, આટલીબધી કરેલી મહેનત એળે નહીં જાય. ત્રણ મહિનાથી રિહર્સલ ચાલતાં હતાં. બે અંક નાટકના બધા કલાકારોને બરાબર કડકડાટ યાદ રહી ગયા હતા. દરેક કલાકારને બીજાઓના ડાયલૉગ્સ પણ યાદ હતા. માત્ર બીજા અંકના ક્લાઇમૅક્સમાં સુજાતા મહેતાની સલિલક્વિ લખાઈ નહોતી અને ત્રીજો આખો અંક લખાયો નહોતો. દિવસ બાકી સાત, એમાંથી કમ સે કમ બે દિવસ તો ગ્રૅન્ડ રિહર્સલ અને ટેક્નિકલ રિહર્સલમાં જાય. એટલે રહ્યા પાંચ દિવસ. ત્રીજા અંકની સ્ક્રિપ્ટ લખાઈ નહોતી અને મહારાજના પાત્રમાં કોઈ નહોતું. વચમાં નીરજ વોરા ઑડિશન આપવા આવ્યો હતો ત્યારે તે મ્યુઝિકનાં ટ્યુશન આપતો હતો. શોભિત દેસાઈના ભાઈ મંદીપને લીધે અને નીરજના પપ્પા વિનાયક વોરાના લીધે હું  તેને  ઓળખતો હતો. ત્યારે પણ યંગ નીરજમાં હ્યુમર ભારોભાર ભરેલું હતું. તેને વૉર્ડબૉય કે મહારાજના રોલ માટે પસંદ કરવાનો હતો. તેને હું અને મારાં ગુજરાતી એકાંકી નાટ્ય સ્પર્ધામાં થતાં અલગ પ્રકાર અને પ્રકૃતિનાં નાટકો બહુ પસંદ હતાં અને મારાં સ્ટ્રીટ પ્લે જોવા જ્યારે ટાઇમ મળે ત્યારે આવતો. હંમેશ હસતો-હસાવતો, બ્લૅક કૉમેડીનો બાદશાહ હતો. ત્યારે તેને ટ્યુશનને લીધે ફાવ્યું નહીં. બે દિવસ રિહર્સલ વૉર્ડબૉયનાં રોલમાં કર્યાં. સમયની પાબંદીને લીધે મન હોવા છતાં રોલ ન કરી શક્યો. પણ પછી તેણે ટ્યુશન ઓછાં કરીને નાટક પર ધ્યાન આપ્યું. એકાંકી કર્યાં, ફુલલેન્ગ્થ નાટકોમાં રોલ કર્યા, તેણે રંગભૂમિના અને ફિલ્મના લેખક, દિગ્દર્શક, અભિનેતા તરીકે બહુ નામના મેળવી. દુઃખ એ વાતનું છે કે તેણે વહેલી વયે વિદાય લીધી.

મેં  વૉર્ડબૉય તરીકે તો બૅકસ્ટેજ કરતા નરેન્દ્ર કાથરાની અને કે. સી. કૉલેજના પ્યુન રાજેન્દ્રને લઈ લીધા, પણ મહારાજ મળતો નહોતો. દિલીપ જોષી, કિરણ મર્ચન્ટને પૂછ્યું હતું પણ સમયને લીધે જામ્યું નહીં. એ સમયમાં મોટા ભાગના કલાકારો બૅન્કમાં નોકરી કરતા. બૅન્કો ગુજરાતી, મરાઠી, હિન્દી કલાકારો અને ક્રિકેટરોને જૉબ આપતી. એ સમયમાં કલાકારો પાસે નાટક હોય, પણ અઠવાડિયે એકાદ-બે શો થાય. સોલ્ડ આઉટ શો લેવા વળી સંસ્થાઓ નહોતી, ટીવી પર ચૅનલો નહોતી એટલે ભરણપોષણ માટે નોકરી કે બિઝનેસ અનિવાર્ય હતા. રિહર્સલ સાંજે જ થાય. અમારે નોકરીવાળા આર્ટિસ્ટ્સ જ નહોતા એટલે અમે રિહર્સલ બપોરથી કરતા. નાટકના સોકૉલ્ડ પંડિતો અમારા પર હસતા કે પાંચ શો ચાલવાવાળા નાટકના લતેશ એક નાટકના પેમેન્ટમાં ત્રણ નાટકનાં રિહર્સલ કરાવે છે એટલે અમુક કલાકારોને પૂછવા સાથે નબળા બહાના સાથે નનૈયો ભણી દેતા.   હવે ત્રીજો અંક લખવા પહેલાં મહારાજ મળે તો એ કલાકારની તાસીર પ્રમાણે રોલ લખવાની મજા આવે.

હું અને સંજય પાટકર પરથી ભાંગવાડી આવ્યા એટલે સમાચાર આપ્યા પછી તરત જ સમય બગાડ્યા વગર ત્રીજા અંકનો પહેલો સીન લખ્યો અને સેટ કરવાનું શરૂ કર્યું. મહારાજના રોલમાં સંજયને પ્રૉક્સિમાં ઊભો રાખ્યો. તેના હાવભાવ મૂંઝવણ ભરેલા હતા. એ જોઈને હું હસવા લાગ્યો ને સંજયને કહ્યું કે મહારાજનો રોલ તું જ કર. એ વખતે તે ચોંકી ગયો, પણ ના ન પાડી  શક્યો. એ જમાનામાં નાટ્યજગતના લોકો સંજયને મારો હનુમાન ગણતા. તેણે ક્યારેય કોઈ કામની ના નહોતી પાડી. પ્રોડક્શન હોય કે જાહેરાત આપવા જવાનું હોય કે થિયેટરની ડેટ લેવા જવાનું હોય કે ફાઇનૅન્સર નિર્માતા પાસે પૈસા લેવા જવાનું હોય, તેણે ક્યારેય મોઢું બગાડ્યું હોય એવું યાદ નથી. હમેશાં તૈયાર. ત્યારે સંજયે જે હાવભાવ આપ્યા કે મેં તેના બધા ડાયલૉગ્સની બાદબાકી કરી નાખી. સંપૂર્ણ ત્રીજા અંકમાં સંજય એકાદ વખત જ બોલતો દેખાય, પણ તેના મૂંઝવણભર્યા હાવભાવ જ હાસ્યમાં પ્રેક્ષકોને તરબોળ કરી નાખ્યા. સંજયના જીવનનું, નસીબનું પાનું પલટાયું અને તેની ઓળખ પ્રોડક્શન મૅનેજર કરતાં ઍક્ટર તરીકે થવા લાગી. એમ તો મેં તેને બાળનાટક ‘છેલ અને છબો’માં ટાઇટલ રોલ આપ્યો હતો, પણ એ બાળનાટક હતું. એમાં પણ સંજયે સરસ પર્ફોર્મ કર્યું હતું. ‘ચિત્કાર’એ સંજય અને નાટકવાળાઓની સંજયને જોવાની દૃષ્ટિ બદલી નાખી. તે ઓવરનાઇટ એક ઍક્ટર તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયો.

સંજયને રોલ આપ્યો વગર ડાયલૉગ્સનો અને બાકી બધાને સીન આપ્યા, દરેક કલાકારની   આવડત પ્રમાણે રોલ લખતો ગયો અને બધાં પાત્રો અને ઍક્ટરોના પર્ફોર્મન્સ વખણાયા. પણ પાંચ દિવસમાં ત્રીજો અંક લખવાનો, ભજવવાનો અને નાટકને ખભે ઉપાડવાની જવાબદારી જાણે બધાએ ઉપાડી લીધી ન હોય એ રીતે બધાએ મહેનત કરી. ચોથા દિવસે નાટક સેટ થયું. પાંચમે દિવસે મ્યુઝિક રેકૉર્ડ થયું અને છઠ્ઠે દિવસે સેટ અડધોપડધો લાગ્યો, સાતમે દિવસે ગ્રૅન્ડ રિહર્સલ શરૂ થયું પાટકરમાં ત્યારે છેલ્લા ત્રણ સીન લખાયા નહોતા. સવારથી રાતના બાર વાગ્યા સુધી રિહર્સલ કર્યું, પણ છેલ્લા ત્રણ ક્લાઇમૅક્સ સીન બનતા નહોતા. એ સીન લખાયા સાતમા દિવસે રાત્રે એક વાગ્યે. ત્રણ વાગ્યે સીન સેટ થયા. મેં નક્કી કર્યું ભવાનજી શામજી ગાલા, જયશ્રી કેટરરવાળાનો રોલ કરવાનું. એન્ડ મળતો નહોતો. અચાનક રાત્રે ત્રણ વાગ્યે મારા મનમાં આવ્યું બારીમાં ગ્લાસ લગાડીએ અને એને ફોડી નાખીએ. મેં સેટ-ડિઝાઇનર વિજય કાપડિયાને વાત કરી. પૂરો સેટ રાતના ૧૧ વાગ્યે આવ્યો હતો. સેટ હજી લાગતો હતો. એનો સેટિંગ સર્વિસવાળો મરાઠી સ્ટેજનો પ્રદીપ હતો, તેની અટક ભૂલી ગયો છું. તેનો સેટ હતો પણ અમારા મોસ્ટ ક્રેઝી સેટ-ડિઝાઇનર વિજય કાપડિયા ગજબના ક્રીએટિવ હતા. મને કહે, ચાલો ફોડીએ. મેં કહ્યું, વિજયભાઈ, કાલે બપોરે શો છે. વિજયભાઈ કહે, તો શું થઈ ગયું? ગ્લાસ ફોડવાનો, સુજાતાએ ગ્લાસ ફોડી ત્યાંથી જમ્પ મારવાનો અને લોકોને લાગવું જોઈએ કે પાંચમે માળથી જમ્પ માર્યો. ઇમ્પૉસિબલ. ગ્લાસ ફોડવો, સુજાતાનું બારીમાં થઈ કૂદવું અને પ્રેક્ષકોને લાગવું કે સુજાતાએ પાંચમે માળ થઈ જમ્પ માર્યો. અશક્યને શક્ય કરવું એ વિજય કાપડિયાનો શોખ હતો. બીજી બાજુ સુજાતાને રાત્રે બાર વાગે સલિ‌લક્વિ લખીને આપી. રાત્રે સાડાબાર વાગ્યે, જે સાત મિનિટની હતી. બીજા દિવસે બપોરે શુભારંભ શો હતો. ઓહ માય ગૉડ! કેમ થશે? સુજાતાનો ચહેરો જોવા જેવો હતો! તેને થયું કે કાલે એટલે કે આજે નાટક રજૂ  થશે? હજી બારીમાંથી જમ્પ મારવાનું રિહર્સલ થયું નહોતું. આર્ટિસ્ટ્સને ચાર વાગ્યે છોડવા પડ્યા. બધા ઊંઘશે ક્યારે, જાગશે ક્યારે અને થિયેટર પર આવશે ક્યારે, શો પહેલાંનું રિહર્સલ કરશે ક્યારે? જોઈએ આવતા ગુરુવારે.

latesh shah Sanjay Goradia columnists