મોંઘવારી કે સોંઘવારી! તમારો ફાળો કેટલો?

01 September, 2019 03:30 PM IST  |  મુંબઈ | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

મોંઘવારી કે સોંઘવારી! તમારો ફાળો કેટલો?

મોંઘવારી

સોનાથી માંડીને શાકભાજી સુધીની બધી ચીજવસ્તુઓની આપણને જરૂર તો પડે જ છે. શાકભાજી દરરોજ લેવી પડે છે અને સોનું પ્રસંગોપાત્ત. દરેક ખરીદીની પળે આપણે એવું ઇચ્છતા હોઈએ છીએ કે આપણી જરૂરિયાતનો આ પદાર્થ સસ્તા ભાવમાં મળે. ભાવ સસ્તો કોને કહેવાય એની તાક ચર્ચા થઈ શકે ખરી. જૉન રસ્કિને આ સોંઘવારી અને મોંઘવારી વિશે વાત કરતાં એવું કહ્યું છે કે જો દરેક ખરીદ કરનારના ખિસ્સામાં પૂરતા પૈસા હોય તો કોઈ ચીજ મોંઘી હોતી જ નથી. બધાને બધું જ સોંઘું લાગવા માંડે છે.

સોનાની ખરીદી કરતી વખતે આપણે ભાવતાલ ઠરાવતા નથી. આ ખરીદી હજારોમાં નહીં, પણ લાખોમાં હોય છે અને આમ છતાં આપણે જેની ખરીદી કરીએ છીએ એના ભાવતાલ કરતાં ડિઝાઇન કે રંગરોગાનને વધારે મહત્વ આપીએ છીએ. શાક ૧૦૦-૫૦ રૂપિયાનું હોય અને છતાં એમાં ભાવતાલ બે-ચાર રૂપિયા આગળ-પાછળ કરવા આપણે શાકવાળા સાથે ખાસ્સી કડાકૂટ કરીએ છીએ. કંટોલાં કે ફણસીનો ભાવ વધારે લાગતો હોય એટલે આપણે શાકભાજી કેટલાં મોંઘાં થઈ ગયાં છે એવો બળાપો કરીએ છીએ. આ વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે મોંઘાં કંટોલાં કે ફણસી સાથે જ સોંઘી દૂધી કે કોબી પણ શાકબજારમાં વેચાઈ જ રહી છે. આ સોંઘી દૂધી કે કોબી આપણે ખરીદી લઈએ તો પછી મોંઘવારી સામે ફરિયાદ કરવાનું કોઈ કારણ નહીં રહે. જે રીતે કંટોલાં કે ફણસી આપણા રોજિંદા ભાણામાં સ્વાદિષ્ટ શાક છે એ જ રીતે દૂધી કે કોબી પણ પોતાની વિશેષતા સાથે ભાણામાં પીરસી શકાય એવું શાક છે. (સુખી માણસ કોને કહેવાય એવા યક્ષના એક પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિરે મહાભારતમાં એવું કહ્યું છે કે જેના ભાણામાં શાક પીરસાતું હોય એ માણસ સુખી છે. આનો અર્થ એવો થયો કે ભાણામાં શાકનું હોવું એ જ સુખ છે. શાકના સોંઘા કે મોંઘા પ્રકાર તો આપણે ઘડી કાઢેલી રીત છે).

ડિમાન્ડ ઍન્ડ સપ્લાય એટલે કે માગ અને પુરવઠાની બજારભાવ પર થતી અસર વિશે આપણે બધા જ ઘણું જાણીએ છીએ. કંટોલાં અને ફણસી બજારમાં ઓછાં આવ્યાં છે એટલે એના ભાવ વધારે છે. આ સત્ય જાણ્યા પછી પણ આપણે કંટોલાં અને ફણસીનો આગ્રહ રાખીએ છીએ. એના ભાવતાલ ઠરાવીએ છીએ. બહુ-બહુ તો કિલોને બદલે અડધો કિલોની ખરીદી કરીને બજારને સ્થિર કરવાનો એક બાલિશ પ્રયત્ન કરીએ છીએ, પણ આ ખરીદીથી આ શાક વધુ મોંઘાં થશે એ વાત વીસરાઈ જાય છે. અજાણતાં પણ આપણે મોંઘવારી વધારવામાં સહાયક થઈ જઈએ છીએ. આપણને કોઈને મોંઘવારી ગમતી નથી, સોંઘવારી જ ગમે છે અને છતાં મોંઘવારી સામે બળાપો કરતાં-કરતાં કામ તો એવું જ કરીએ છીએ જેનાથી મોંઘવારી થોડી વધે.

થોડા વખત પહેલાં મહારાષ્ટ્રના દૂધ ઉત્પાદકોને દૂધના બજારભાવ સામે વાંધો પડી ગયો. સરકાર તેમને વધારે ભાવ ચૂકવે એવો તેમનો આગ્રહ હતો. આ આગ્રહ વાજબી પણ હોઈ શકે, પણ સરકાર જો તેમની વાત સ્વીકારે તો દૂધનો છૂટક બજારભાવ વધારવો પડે અને આ ભાવવધારાને આપણે મોંઘવારી કહીએ. આ મોંઘવારી માટે આપણે સરકારને દોષ પણ દઈએ અને શહેરોમાં સરઘસ કાઢીને બજારો બંધ કરીએ અને તોડફોડ પણ કરીએ. આ તોડફોડ કરવાથી દૂધ સસ્તું નથી થવાનું, ઊલટું આ તોડફોડથી જે નુકસાન થાય એને સરભર કરવા માટે મોંઘવારી થોડી વધવાની. સરકાર પક્ષે તેમના હિતની વિચારણા પણ થાય જ. દૂધઉત્પાદકોએ સરકારી નીતિથી નારાજ થઈને દૂધ ભરેલાં ટૅન્કરો રસ્તા પર ઢોળી નાખ્યાં. આ દૂધ ઢોળાઈ જવાથી વેડફાઈ ગયું. પુરવઠો આ રીતે ઘટ્યો અને દેખીતી રીતે જ એને કારણે દૂધનો બજારભાવ વધી ગયો. આપણે રોજેરોજ બજારમાંથી દૂધ ખરીદનારાઓ આ ભાવવધારાને મોંઘવારી કહીશું. આ મોંઘવારી માટે કોની જવાબદારી ગણાય?

શૅરબજારમાં જ્યારે ભાવ વધે છે ત્યારે આપણે સૌ એને સુધારો કહીએ છીએ. અર્થશાસ્ત્રના નિષ્ણાતો અને અખબારોના વ્યાપારી પ્રતિનિધિઓ પાનાં ભરી-ભરીને આ ભાવવધારાને વિકસતું અર્થતંત્ર એમ કહીને આવકારશે. આને સૈદ્ધાંતિક રીતે કદાચ વિકાસ કહી પણ શકાતો હશે, પણ શૅરબજારમાં ભાવવધારો અથવા તો ભાવઘટાડો કોણ અને કેવી રીતે કરી શકે છે એની માયાજાળથી કોણ અજાણ છે? માર્કેટ પર પડદા પાછળ રહીને, કોથળો ભરીને રૂપિયા ઠાલવનાર અથવા સંઘરનાર રાજ કરતા હોય છે અને આ ભાવની અસર થતી હોય છે. હંમેશાં આવું થતું નથી, પણ આવું ક્યારે થાય છે અને ક્યારે નથી થતું એ કોઈ કહી શકતું નથી. શૅરબજાર સાથે દેશની વસ્તીના છેક નગણ્ય અંશને સીધો સંબંધ છે. લોકોને આ શૅરબજાર ભલે લાંબા ગાળે પરોક્ષ રીતે અસરકારક થતું હોય, પણ વ્યવહારમાં વાસ્તવિક રીતે શાકભાજી અને દૂધના ભાવની જે અસર થાય છે એ અસર શૅરબજારને થતી નથી અને આમ છતાં શૅરબજારના ભાવતાલ સાથે આ મોંઘવારી કે સોંઘવારીનો આંક નિષ્ણાતો માંડે છે. શૅરબજારનો ભાવવધારો મોંઘવારી નથી ગણાતો એને ફૂલગુલાબી તેજી કહેવામાં આવે છે!

સોંઘવારી સૌને ગમે છે એ વાત સાચી, પણ આ સોંઘવારી પોતાના બજારમાં ન હોય એવું પણ સૌકોઈ ઇચ્છે છે. છેલ્લાં થોડાં વર્ષોથી જમીનબાંધકામના ક્ષેત્રે ભારે ભાવવધારો થયો છે. સરેરાશ માણસ માટે છાપરાજોગ જગ્યા મેળવવી પણ દુષ્કર બની જાય એવા આ ભાવવધારાને બિલ્ડર-લૉબી ‘બજાર બહુ સારું છે’ એમ કહેતી. હવે થોડા સમયથી કૂદકે ને ભૂસકે વધતો આ ભાવવધારો થંભી ગયો છે. પરિણામે પૂરતું બાંધકામ થયું હોવા છતાં મોટા નફાથી ટેવાઈ ગયેલા આ બિલ્ડરો પોતાનો માલ ઝડપથી વેચતા નથી. આ ઘટેલા ભાવને તેઓ ‘માર્કેટ સાવ બગડી ગયું છે’ એમ કહીને વખોડે છે.

વધતીજતી મોંઘવારીને ક્યારેક વિકસિત થતું જતું અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. વિકાસ અને મોંઘવારી જાણે એક સિક્કાની બે બાજુ હોય એવું પણ આપણા ગળે ઠાંસી-ઠાંસીને ઉતારી દેવામાં આવે છે. માણસની પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, તબીબી સારવાર, શિક્ષણ સહજતાથી મળતાં રહે અને આ સહજતા પ્રત્યેક માણસને પૂરતા પરિશ્રમ પછી પ્રાપ્ત થાય એવું માળખું એ સૌથી આદર્શ પરિસ્થિતિ છે, પણ આ પરિસ્થિતિ માણસજાતના ઇતિહાસમાં ક્યાંય ક્યારેય મૂર્તિમંત થઈ નથી.

આ પણ વાંચો : આર્થિક મંદીનું અલાર્મ

રશિયાના મુઠ્ઠીઊંચેરા પ્રબુદ્ધ વિચારક કાઉન્ટ લિયો ટૉલ્સટૉયનું એક પુસ્તક જે ગુજરાતીમાં ‘ત્યારે કરીશું શું?’ નામે પ્રકાશિત થયેલું એમાં આ વિષય પર સરસ વિચારણા થઈ છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં રશિયામાં કારમી કંગાળિયત વ્યાપી હતી. ટૉલ્સટૉય આ કંગાળો વચ્ચે રાહતની કામગીરી કરી રહ્યા હતા. પોતાની પાસે જેકંઈ હાથવગી ધનરાશિ હતી એનાથી તેઓ આ ગરીબોને અન્ન-વસ્ત્રની સહાય કરી રહ્યા હતા, પણ એકલા હાથે તો શી રીતે પહોંચી શકાય એટલે તેમણે પોતાના પરિચિતો અને મિત્રો પાસેથી ભંડોળ ઊઘરાવ્યું. ટૉલ્સટૉય સંકળાયેલા હતા એટલે આ સૌએ ભંડોળ આપ્યું પણ ખરું, પરંતુ આવા ભંડોળ પછી પણ નાણાં તો ઓછાં જ પડતાં હતાં. નજર સામે જે કંગાળિયત મોં ફાડીને ઊભી હતી એનું નિરાકરણ કાયમ માટે આ રીતે માગીભીખીને થાય એમ નહોતું. આવા સંજોગોમાં દરેક માણસની અન્ન, વસ્ત્ર અને રહેઠાણ શી રીતે મેળવી શકાય એની વિચારણા ટૉલ્સટૉયે કરી છે. માણસ પોતે જ સમજીને પોતાની જરૂરિયાતો ઘટાડે અને વધુ ને વધુ મેળવવાની દોટ ઓછી કરે એ જ એકમાત્ર નિરાકરણ છે એવું ટૉલ્સટૉયે આ પુસ્તક ‘ત્યારે કરીશું શું?’માં ઇંગિત કર્યું છે અન્યથા મોંઘવારી કે સોંઘવારી કાયમ માટે એક માયાજાળ જ બની રહેશે.

weekend guide columnists