સાધુ કલ્યાણબાપા અને સોનગઢ બોર્ડિંગ

07 January, 2020 03:05 PM IST  |  Kutch | Vasant Maru

સાધુ કલ્યાણબાપા અને સોનગઢ બોર્ડિંગ

અમેરિકાની જગપ્રસિદ્ધ નાસા નામની વૈજ્ઞાનિક સંસ્થામાં મંગળ મિશનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. અમેરિકા પોતાનું પ્રથમ સહમાનવ યાન મંગળ પર મોકલશે. આ મિશનમાં ચાવીરૂપ ભાગ ભજવનાર વૈજ્ઞાનિક ભારતના કચ્છી માડુ છે, તેમનું નામ છે અમર સાવલા! અમર કાનજી આસધીર સાવલા કોડાય ગામના છે. અમરભાઈએ ૧૯૭૮માં અમેરિકામાં કમ્પ્યુટર સાયન્સમાં એમએસ કરીને સીધા નાસામાં જોડાઈ જઈ ભારતીયોનાં માથાં ગર્વથી ઊંચાં કરી દીધાં. નાસાના વિવિધ વિભાગોમાં તેમણે સેવા આપી હાલમાં જ નિવૃત્ત થયા છે.  

બીજા એક કચ્છી માડુ નાનજી હીરજી ફુરિયા (બિદડા) પુણેની ફુટપાથ પરથી નિરાધાર, અશક્ત, બીમાર લોકોને શોધી પોતાની સંસ્થા ‘જનસેવા ફાઉન્ડેશન’ના ‘જ્યેષ્ઠ’ આશ્રમમાં લઈ જઈ સેવા કરે છે. અશક્ત નિરાધાર વડીલોને નવડાવે, જમાડે, તેમનાં મળમૂત્ર સુધ્ધાં સાફ કરી તેમને સાતા બક્ષે છે. આ જ્યેષ્ઠ આશ્રમ પુણેથી ૪૦ કિલોમીટર દૂર છે. પુણે પાસેના કાત્રજમાં તેમણે બેથી દસ વર્ષની અનાથ કન્યાઓ માટે અનાથાશ્રમ સ્થાપ્યો છે. તેમની સંસ્થાની નવેક ઍમ્બ્યુલન્સ પુણે અને આસપાસના વિસ્તારોમાં સતત ૨૪ કલાક સેવા આપે છે. નાનજીભાઈએ નિરાધાર બહેનો માટે નર્સિંગ કૉલેજ પણ સ્થાપી છે. માનવતાના મશાલચીની આ સંસ્થા ‘જનસેવા ફાઉન્ડેશન’ને રાષ્ટ્રપતિ અવૉર્ડ પણ મળી ચૂક્યો છે. પુણેના કચ્છી કાર્યકર્તાઓ હસમુખભાઈ ગાલા, ધીરેનભાઈ નંદુ, પોપટભાઈ ગડા દ્વારા સંચાલિત ‘ક. વી. ઓ. ક્લબ ૧૮’ નાનજીભાઈને જીવન ગૌરવ પુરસ્કાર પ્રદાન કરશે. 

એ જ રીતે મુંબઈ ક્રિકેટ અસોસિએશન સાથે સંકળાયેલી એકમાત્ર કચ્છી ક્રિકેટ ક્લબના સૂત્રધાર શ્રી પ્રવીણભાઈ ગોગરીએ ક્રિકેટ ક્ષેત્રે કચ્છીઓને ગર્વ થાય એવી કામગીરી બજાવી છે. આ અલગારી માણસે સંગીત અને લેખન સાથે ઘરોબો રાખી શકાય એ માટે મોબાઇલ સુધ્ધાં વસાવ્યો નથી! મુંબઈ શહેરમાં સાંજે ૭ વાગ્યે સૂઈને સવારે ૩ વાગ્યે ઊઠી જવાના તેમના નિત્યક્રમથી આજના યુવાનો અચંબિત થઈ જાય છે.

તો અમેરિકામાં વસતા સવા લાખ જૈનોને એકસૂત્રે બાંધનાર બાડા ગામના રામ ગડાને એકેએક અમેરિકન જૈન જાણે છે. રામ ગડાએ અમેરિકામાં દેરાસર બનાવ્યું છે. ઉપરાંત ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓ અમેરિકન બાળકોને શીખવાડવાનું અભિયાન અમેરિકામાં ચલાવે છે. અમેરિકા અને કૅનેડામાં જૈન તત્ત્વજ્ઞાનનો પ્રસાર-પ્રચાર કરવા કાર્ય કરે છે. તેમનાં પત્ની નીનાબહેન પણ અમેરિકામાં આવાં કાર્યો કરવા સક્રિય છે. રામ ગડા ૧૯૬૫માં અમેરિકામાં એન્જિનિયરિંગની માસ્ટર્સ ડિગ્રી મેળવી ત્યાં સ્થાયી થયા છે. તેઓ જૈના અને કૉજૈના સક્રિય છે.  

વિવિધ ક્ષેત્રોમાં ટૉપ પર ઝળહળતા આ કચ્છી વીરલાઓનું આલેખન એટલા માટે મેં કર્યું છે કે તેમનું ઘડતર કરનાર ‘શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ, સોનગઢ’નો પરિચય વાચકોને મળી રહે. કચ્છીઓમાં સોનગઢ બોર્ડિંગ તરીકે પ્રખ્યાત આ સંસ્થાનમાં શિક્ષણ અને સંસ્કાર પામનાર અસંખ્ય કચ્છી વિદ્યાર્થીઓ આજે વિવિધ ક્ષેત્રમાં નેત્રદીપક કામગીરી કરી રહ્યા છે. હિન્દી ફિલ્મોના કોરિયોગ્રાફર કિરણ શાહ, રાજનેતાઓ અને ફિલ્મી દુનિયાનાં સંતાનોને સંગીત શીખવનાર સંગીતગુરુ સ્વ. વસંત ગડા, જેમણે સમગ્ર જીવન બોર્ડિંગને આપ્યું એ ૧૯૫૦માં સી.એ. થનાર શિવજી વિકમસી (વારાપધર) (જેમના પુત્ર કમલેશભાઈ વિકમસી અત્યારે એશિયન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અસોસિયેશનના પ્રેસિડન્ટ છે), સંસ્થાના હાલના મંત્રી તથા આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરનાર સી.એ. પંકજભાઈ ગોસર, નાટ્યકાર શુભમ ગાલા, પરેશ ગોસર, બાળકોમાં સાહસ અને ટ્રેકિંગની ટ્રેઇનિંગ આપનાર આંતરરાષ્ટ્રીય ટ્રેકર વિપુલ છેડા, અદ્ભુત અભિનેતા વરુણ કીર્તિ ગાલા, પ્રબુધ્ધ જીવનના તંત્રી સ્વ. ધનવંત શાહ ઈત્યાદિનાં નામ આ યાદીમાં ઉમેરી શકાય. બધાને સોનગઢ બોર્ડિંગ અને એના સ્થાપક જૈન સાધુ કલ્યાણ ચંદ્રબાપા અને ચારિત્રવિજયજી બાપા પ્રત્યે અન્યોન્ય પ્રેમ છે. 

 આ લેખના નાયક જૈનમુનિ કલ્યાણબાપા (કલ્યાણચંદ્રજી) કચ્છના ગેલડા ગામના હતા. માંડ પાંચ વર્ષના કલ્યાણજીના પિતાનું જ્યારે અવસાન થયું ત્યારે માતા સાથે નાનાના ગામ ભુજપુર રહેવા આવ્યા. ભુજપુરમાં એ વખતે રત્નચંદ્રમુનિનું ચોમાસું હતું. મૃગાપુત્રનો રાસ વાંચતા મુનિરાજને જોઈ કલ્યાણજીને દીક્ષા લેવાના ભાવ જાગૃત થયા. કિન્તુ ગરીબ  વિધવા માતાએ સાત વર્ષ સુધી દીક્ષાની પરવાનગી ન આપી. છેવટે કલ્યાણજીની જીદ સામે નમતું જોખી સંસાર ત્યાગવાની રજા તેમની માતાએ આપી ત્યારે તેમની ઉંમર બાર વર્ષની હતી, અને બાળક કલ્યાણજી બની ગયા સાધુ કલ્યાણચંદ્ર. એમની નાની વયમાં જ ખૂબ પરિપક્વતા હતી. સ્કૂલમાં ખાસ કાંઈ ભણ્યા નહોતા પણ એમની અંદર એક મહામાનવ જીવંત હતો. એટલે જ વર્ષો પછી અસંખ્ય એન્જિનિયરો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, ડૉક્ટર્સ બનનારા વિદ્યાર્થીઓના ભાગ્યવિધાતા બન્યા એ કુદરતની કેવી યોજના કહેવાય!

 કલ્યાણચંદ્ર મહારાજસાહેબ, ગુરુરત્નચંદ્ર અને દાદાગુરુ વ્રજપાળજીસ્વામીના લાડકા શિષ્ય હતા. તેમને વાંચનનો ઘણો શોખ હતો. એ વખતે મુંબઈમાં દેરાવાસી સંપ્રદાયના મુનિરાજ ચારિત્રવિજયજીનાં વ્યાખ્યાનો ખૂબ પ્રસિદ્ધ હતાં. એક વખત ચારિત્રવિજયજી મહારાજસાહેબનું ચોમાસું મસ્જિદ બંદરમાં હતું.  ક.વી.ઓ. દેરાવાસીની પાલાગલી હાઈ સ્કૂલમાં એમનાં વ્યાખ્યાનો યોજાતાં. એમને સાંભળવા જનમેદની ઊમટી પડતી. એ વખતના ધુરંધર સર ફિરોઝશા મહેતા ઇત્યાદિ મહાનુભાવો પણ એમના વ્યાખ્યાન સાંભળવા આવતા. મુનિરાજના ક્રાંતિકારી વ્યાખ્યાનો બીજા દિવસે અખબારોમાં છપાતાં અને ત્રણ-ચાર દિવસે અખબારો કચ્છમાં પહોંચતા. કચ્છમાં વિચરતા કલ્યાણચંદ્રજી એમના વ્યાખ્યાનો છાપામાં વાંચવા સદાય તલપાપડ રહેતા. ધીરેધીરે બન્ને મુનિરાજનો પત્રવ્યવહાર શરૂ થયો. ચારિત્રવિજયજી દેરાવાસી સંપ્રદાયના હતા અને કલ્યાણચંદ્રજી સ્થાનકવાસી હતા. કલ્યાણચંદ્રજી ચારિત્રવિજયજી કરતાં પાંત્રીસ વર્ષ નાના હતા છતાં બન્ને વચ્ચે મૈત્રીનો માંડવો રચાયો. છેવટે બન્ને મુનિરાજોએ પ્રત્યક્ષ મળવાનું નક્કી કર્યું. બન્ને વિહાર કરી જૂનાગઢના વંથલી ગામમાં મળ્યા. અત્યંત સહજતાથી ધર્મ અને માનવધર્મની ચર્ચાઓ થઈ. સ્વતંત્રતાની આરે આવીને ઊભેલા ભારતના ભવિષ્ય માટે શિક્ષણ દ્વારા શ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરવાની યોજનાઓ ઘડાઈ અને બન્ને એક વાતથી સહમત થયા કે ચારિત્ર અને સંસ્કૃતિના ઘડતર માટે એક છાત્રાલય શરૂ કરવું.

 બન્ને સાધુઓ ગિરનાર જઈ તીર્થંકરદેવ નેમિનાથ સામે પ્રતિજ્ઞા કરી કે ‘આજ પછી કોઈને શિષ્યો નહીં બનાવીએ, આજથી અમે સેવ્યમાંથી સેવક બનીએ છીએ, પ્રસિદ્ધિના મોહમાં કોઈ કામ નહીં કરીએ.’  ચારિત્રવિજયજીના અનુયાયીઓની મદદથી પાલિતાણા નજીક સોનગઢ ગામમાં જગ્યા લેવાઈ અને તેર વિદ્યાર્થીઓથી ‘સોનગઢ બોર્ડિંગ’ની શરૂઆત થઈ, ત્યાં હવે દર વર્ષે ચારસોએક વિદ્યાર્થીઓ વિનામૂલ્યે બોર્ડિંગમાં રહી બોર્ડિંગની સ્કૂલમાં ભણે છે. આજથી ૯૭ વર્ષ પહેલાં કોઈ જૈન સાધુ સંસ્થા શરૂ કરે એ સામેપૂર તરવા જેવી વાત હતી!  પણ બન્ને મહાત્માઓ વિરોધની પરવા કર્યા વગર મિશનમાં મચી પડ્યા. સામાન્ય રીતે ચારિત્રવિજયજી ગુજરાત-મહારાષ્ટ્રમાં વિહાર કરી બોર્ડિંગનો પ્રચાર-પ્રસાર કરતા અને કલ્યાણચંદ્રજી બોર્ડિંગમાં આજીવન સ્થાયી થયા. સમય જતા ચારિત્રવિજયજી કાળધર્મ પામ્યા અને સમગ્ર સંસ્થાનો ભાર કલ્યાણચંદ્રબાપા મહારાજ પર આવી પડ્યો.

 બન્ને મુનિરાજ પ્રખર દેશભક્ત હતા, રોજ રેંટિયો ચલાવતા, એમની વાતો સાંભળી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સોનગઢ આવીને એમની સાથે સમય વિતાવ્યો હતો. માભોમની મુક્તિ ઇચ્છતા સાધુઓની દેશભક્તિ જોઈ ગાંધીજી ગદ્ગદ થઈ ગયા અને યાદગીરીરૂપે ભારતમાતાની મૂર્તિનું અનાવરણ કર્યું. આજે પણ એ મૂર્તિ અને અખંડ ભારતનો દુર્લભ નકશો બોર્ડિંગમાં મોજૂદ છે.

કલ્યાણબાપાનું વૈદ્યકીય જ્ઞાન ખૂબ સારું હતું. વૈદ્ય તરીકે સોનગઢ વિસ્તારમાં ખૂબ પ્રસિદ્ધ હતા. ભાવનગરના રાજવી કૃષ્ણકુમારજી પથરીના દરદનો શિકાર બન્યા ત્યારે ડૉક્ટરોએ લંડન જઈ પથરીનું ઑપરેશન કરાવવાનું સૂચન કર્યું, પણ કોઈક દરબારીએ કૃષ્ણકુમારજીને મુનિ કલ્યાણબાપા પાસે ઉપચાર કરવાનું સૂચન કર્યું; રાજવી કૃષ્ણકુમારજીએ કલ્યાણબાપા પાસે આવી આયુર્વેદિક  ઉપચાર કરાવ્યા અને પથરી દૂર થઈ ગઈ. ત્યારથી મુનિ કલ્યાણબાપા અને રાજવી વચ્ચે મૈત્રી બંધાઈ. એ વખતે અલભ્ય કહેવાય એવી એમ્બેસેડર ગાડી બોર્ડિંગને ભેટ આપી. એમની સાથે અનેક રાજવીઓ અવારનવાર સોનગઢ બાપાની મુલાકાતે આવતા, ત્યારે આધુનિક દવાખાના ઓછા હોવાથી આજુબાજુના વિસ્તારના લોકો બાપા પાસે વિનામૂલ્યે દવા કરાવવા આવતા અને આ કચ્છી સાધુ ‘બારે આલમના બાપા’ તરીકે પ્રખ્યાત થઈ ગયા. આજની તારીખે પણ પ્રત્યેક હિન્દુ મહિનાની સુદ સાતમે બાપાના સન્માનમાં આખું સોનગઢ રજા પાડે છે. રોજ આજુબાજુના વિસ્તારના પસાર થતા રાહદારીઓનાં વાહનો આશ્રમ (બોર્ડિંગ) આગળ ગાડી ઊભી રાખી હૉર્ન વગાડીને બાપાની આલબેલ પોકારે છે.

મુનિ કલ્યાણબાપાની આયોજનશક્તિ કાબિલેતારીફ હતી. એના ઉત્તમ ઉદાહરણ રૂપે આજે પણ બોર્ડિંગની ૫૦ એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે જેના શાકભાજી ઇત્યાદિ વિદ્યાર્થીઓ માટે વપરાય છે. બોર્ડિંગનાં બાળકોને સ્વાવલંબી બનાવવા અથાણાં,  સાબુ,  વેસલીન ઇત્યાદિ બનાવતા શીખવાડીને કિફાયતી ભાવે વેચાણ કરાય છે. બોર્ડિંગની શરૂઆતથી જ ગૌશાળા બંધાઈ હતી જેમાં અત્યારે સોથી વધુ ગાયો છે. એ સમયે હાજા રબારી નામના પશુપાલક ગાયોની સંભાળ લેવા બોર્ડિંગ સાથે જોડાયા, હાજા રબારીની પાંચમી પેઢી અત્યારે બોર્ડિંગમાં કાર્યરત છે. એમના પ્રપૌત્ર ભરતભાઈ અત્યારે બોર્ડિંગના સુપરિન્ટેડન્ટ તરીકે સેવા આપે છે. કલ્યાણબાપા ‘બાળકોની મુછાળી મા’ બનીને સ્વાવલંબન, સ્વચ્છતાના પાઠ ભણાવતા. એમણે કલા-કારીગીરી માટે પણ જબરું કાર્ય કર્યું. પરિણામે ૧૪૦ જેટલા સંગીતવિશારદ, ૨૦૦ જેટલા ચિત્રકારો, ૧૦૦ જેટલા રાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર થયા. તાજેતરનાં વર્ષોમાં બૅન્ગલોર ખાતેની આઇટી ક્વિઝમાં ૧૮ લાખ બાળકો વચ્ચે બોર્ડિંગના બે વિદ્યાર્થીઓએ વિજેતા બની ગુજરાતને પ્રથમવાર આઇટી ક્વિઝમાં ચૅમ્પિયનશિપ અપાવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

મુનિ કલ્યાણબાપાને સાહિત્યકારો માટે વિશેષ લાગણી હતી. રમણલાલ વસંતલાલ દેસાઈથી માંડી ચં. ચી. મહેતા સુધીના અનેક સાહિત્યકારોએ સોનગઢ બોર્ડિંગની આંબાવાડીમાં મહિનો મહિનો રહીને મબલક સાહિત્યસર્જન કર્યું છે. કચ્છના ધુરંધર સાહિત્યકાર દુલેરાય કારાણીએ કચ્છના શિક્ષણ અધિકારી તરીકે નિવૃત્ત થઈ છેલ્લાં ૩૫ વર્ષ સુધી બોર્ડિંગમાં સ્થિર વાસ કર્યો હતો. દુલેરાય કારાણીએ કચ્છની લોકકથાઓ, કાવ્યો, વાર્તાઓ નાટકોનું લેખન કરી જગત આખાને ‘કચ્છીયત’નો અદ્ભુત પરિચય કરાવ્યો. કલ્યાણબાપાના કાળધર્મથી થોડાંક વર્ષો પહેલાં જ બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાના સંચાલનનો પડકાર સ્વીકાર્યો, દામજીભાઈ એન્કરવાલા, નવનીત પરિવાર, ચંદ્રકાંતભાઈ ગોગરી ઈત્યાદિની હૂંફ બોર્ડિંગને મળી રહી છે. પંકજભાઈ ગોસર જેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બોર્ડિંગને હજી વધુ ઊંચાઈએ લઈ જવા તનતોડ મહેનત કરે છે. એના શ્રેષ્ઠ ઉદાહરણ રૂપે ગુજરાતની પહેલી રોબોટિક લૅબ ત્યાં આકાર પામી રહી છે. સોનગઢ બોર્ડિંગના સર્જક બે જૈનસાધુ ચરિત્રબાપા અને કલ્યાણબાપાની વાતોથી ગદ્ગદિત થઈ, ‘મિડ-ડે’ના કચ્છી કૉર્નર વતીથી માનવંદના કરી વિરમું છું. અસ્તુ.

kutch columnists