પ્રસિદ્ધિથી પસ્તી સુધી

21 August, 2019 02:49 PM IST  |  | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

પ્રસિદ્ધિથી પસ્તી સુધી

નરેન્દ્ર મોદી

કાલના અખબારમાં ફોટો છપાયો શાનથી,
એ જ પાનું ભેળ મૂકવા આજની પતરાઈ થઈ

- કીર્તિકાન્ત પુરોહિત

છાપાં, મૅગે‌ઝિન કે પુસ્તકમાં તમારા કામની નોંધ લેવાય એ ગર્વની વાત છે. સરસ મજાના ફોટો સાથે તમારી લાઇફ સ્ટોરી, તમારી સ્ટ્રગલ, તમારાં સપનાં, જીવન તરફનો તમારો અભિગમ છપાય ત્યારે પોતાની જાતને ફોટો સાથે અપલોડ થયેલા જોઈ મનનો હરખ માતો ન હોય. દુનિયા સામે લેવાયેલી આપણી નોંધ આપણને સામાન્યમાંથી અસામાન્ય બનાવી દે. આપણે કંઈક અલગ છીએ, નોખા છીએ એવી અનુભૂતિ થાય. માન-પાન અને અભિનંદનનો વરસાદ વરસવા લાગે.

આપણે જેવા છીએ એવા જો આપણા વિશે લખાયેલા લેખમાં પણ દેખાઈ આવતા હોઈએ તો કેવું સારું! જ્યારે આપણે ફોટો સાથે અપલોડ થવાના હોઈએ ત્યારે આપણા વિશેની કેટલીયે બાબતો વિશે ખુલ્લા મને વાતો કરીએ છીએ. તોય એવું ઘણુંય હોય છે જે ખુલ્લું પડવા દેતા નથી. કોઈ પણ માણસ સો ટકા પોતાના વિશે બધું સાચું ક્યારેય ન કહી શકે. એવી ઘણી બાબતો, ઘટના કે પ્રસંગો હોય છે જેને એ ઉઘાડાં પાડી શકતો નથી. લોકો સમક્ષ આવતી વખતે આપણે કેટલા ટ્રાન્સપરન્ટ બનવું એ વ્યક્તિગત નિર્ણય છે. લોકો આપણને ઓળખે એ તો બહુ ગમે, પણ લોકો આપણને ઓળખી જાય એ આપણે સહન કરી શકતા નથી. છાપાં-મૅગેઝિનોમાં ઇન્ટરવ્યુ આપતી વખતે માણસ પોતાના સંઘર્ષની વાતો કરે છે, પરિવાર-મિત્રો દ્વારા મળેલા સપોર્ટની વાતો કરે. પણ તે ખુદ હકીકતમાં કેવો છે એનો ઢાંકપિછોડો તો કરી જ લે છે. દુનિયાની સામે પોતાની ઇમેજ સ્ટ્રૉન્ગ ઊભરી આવે એના પ્રયત્ન માણસ જરૂર કરી લે છે.

છાપાં વંચાઈ ગયા પછી પસ્તી બની જાય છે અને માણસો વંચાઈ ગયા પછી ખુલ્લી કિતાબ બની જાય. જ્યાં આપણી નોંધ લેવાઈ હોય એની કેટલીયે કૉપી આપણે મંગાવી લઈએ. સગાંવહાલાંને પણ કૉપી સાચવવાનાં સૂચનો કરીએ. આપણી લેવાયેલી નોંધની તારીખ આપણા માટે ઐતિહાસિક દિવસ બની જાય. અને વાચકો માટે પસ્તી. સવારની આપણી હસ્તી રાત સુધીમાં પસ્તીરૂપે માળિયા પર ગોઠવાઈ ગઈ હોય. ક્યારેક આપણે કોઈકના દિલમાં પણ ગોઠવાઈ જઈએ ત્યારે ખરેખર એ ઐતિહાસિક દિવસ સફળ થયો કહેવાય, કારણ કે આપણે એક માણસ તરીકે ઊભરી આવવામાં સફળ થયા એમ કહેવાય.

aપ્રસિદ્ધિનું આયુષ્ય ટૂંકું હોય એ અણગમતી હકીકત છે. પ્રસિદ્ધિ મળ્યા પછી એને ટકાવી રાખવા રાતની ઊંઘ હરામ કરવી પડે એ પણ હકીકત છે. પ્રસિદ્ધિ મળ્યા પછી ડાઉન ટુ અર્થ રહેવું એનાથીય વધારે મુશ્કેલ છે. પ્રસિદ્ધિનો કેફ બીજા માટે કોલાહલ પેદા ન કરે એ આપણી જવાબદારી. ઊંચે પહોંચ્યા પછી બીજાને નીચા સમજવા, બીજાને નીચા પાડવા એ બહાદુરી નહીં પણ બેવકૂફી છે. પ્રસિદ્ધિ સાથે અહંકાર, તોછડાઈ નહીં પણ નરમાશ, સૌમ્યતા, કોઈકને મદદરૂપ થવાની ભાવના છલકવી જોઈએ.

ક્યાંક આપણે છાપાંના કટિંગરૂપે કોઈકના ઘરમાં, પુસ્તકરૂપે કોઈક લાઇબ્રેરીમાં જળવાઈ ગયા હોઈએ તો એ આપણાં સદ્નસીબ. હવે મોબાઇલના સ્કૅનરમાં સ્કૅન થઈ ડિવાઇસ સ્ટોરેજમાં પડ્યા રહીએ છીએ. ભૂતકાળ પણ પસ્તી જેવો જ છે. એનેય માળિયા ભેગો કરી દઈ એનું નિકંદન કરી દેવું જોઈએ. સારી યાદો ક્યારેય પસ્તી નથી બનતી, પણ પદવી બની જાય છે. આપણી પ્રસિદ્ધિ બીજાને પરવશ ન બનાવે એવું વર્તન રાખીએ. આપણી પ્રસિદ્ધિ બીજાને કનડે નહીં એવું આચરણ કરીએ. છાપામાં આવેલો આપણો ફોટો આપણા ઘરમાં સચવાતો હોય. બીજાના ઘરે તો આપણા કરેલાં સદ્કાર્યોની ફોરમ સચવાતી હોય છે.

આ પણ વાંચો : પાવર પળોજણઃ કુદરતી ઊર્જાનો વપરાશ વધે એ જ છે આજના સમયની અનિવાર્યતા

છે કેફ એને ખુદ પ્રસિદ્ધિનો ઘણો સાહેબ
ને ઓળખાઈ જવાની બીકે આંખ ઢાંકતો ફરે

- સેજલ પોન્દા

Sejal Ponda columnists