મને ભીંજવે યાદો તારી

24 July, 2019 01:12 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - સેજલ પોન્દા

મને ભીંજવે યાદો તારી

કબીર સિંહ

યાદનો સીધો સંબંધ મન-મગજ સાથે હોય છે. મગજ કેટકેટલી વાતો યાદ રાખે છે. મન કેટકેટલી વાતોને સંગ્રહી રાખે છે. વર્તમાનમાં ભૂતકાળની સ્મૃતિને યાદ કરીએ. યાદ ભૂતકાળની એવી સ્ક્રીન છે જેને સ્ક્રોલ કર્યા કરીએ અને એક પછી એક ઘટનાઓ ઊઘડતી જાય. આપણી સાથે ઘટેલી સારી-નરસી બાબતો, આપણી સાથે જોડાયેલા સારા-માઠા સંબંધોને આપણે વારંવાર યાદ કરતા હોઈએ છીએ. સ્મૃતિના આલબમ પરથી એક પછી એક પડ ઊઘડતાં જાય.

ઘડપણ પાસે યુવાની અને બાળપણની યાદ છે. યુવાની પાસે બાળપણનાં સ્મરણો છે. બાળપણ પાસે લાંબી યાદ નથી. બાળપણ યાદમાં નથી અટવાતું, બાળપણ ક્ષણને જીવી જાણે છે. બાળપણમાં યાદશક્તિ વધારવા ખાધેલી બદામની કિંમત ઘડપણમાં વધુ સમજાય છે. ઘડપણમાં અમુક પ્રસંગો ડિલીટ થઈ જાય છે તો અમુક વાત યાદ રહી જાય છે. ઘડપણ વીતી ગયેલા દિવસોને વાગોળ્યા કરે છે. જીવનમાં બનેલી અમુક ઘટના માનસપટ પર અનેરી છાપ છોડી જાય છે. એ જ રીતે રોજબરોજ મળતા માણસો કે પછી ગાઢ બનેલા સંબંધોમાં આપણને ગમતું હંમેશાં યાદ રહી જાય છે. ન ગમતી વાતોને, સંબંધોને ભૂલી જવાની ડાહીડમરી વાતો છતાંય આપણે યાદ રાખવાની ભૂલ કરી નાખીએ છીએ.

સુરેશ દલાલની ખૂબ સુંદર પંક્તિ છે:

તેં જે નથી કહી એ બધી વાત યાદ છે

તેં જે કહી એ વાતનું સ્મરણ નથી

ગમતા સંબંધમાં  અણકહી વાતો યાદ રાખવી અને કહેવાઈ ગયેલી વાતને વીસરી જવી. પ્રેમનું આનાથી વધારે સૌંદર્ય શું હોઈ શકે? પણ આપણે જેમ-જેમ સંબંધમાં આગળ વધતા જઈએ એમ કહેલી વાતોને પકડી રાખી પ્રેમનું સૌંદર્ય ગુમાવી બેસીએ છીએ. એકબીજાની સારી બાબત યાદ રાખીએ તો સાથે જિવાતા જીવનમાં ઘસરકા ઓછા પડે. જ્યારે મૌન બની એકબીજાને યાદ કરીએ ત્યારે હું તને યાદ કરું છું એમ કહી યાદને શબ્દોના વાઘા ન પહેરાવાય. હા, પણ સંબંધમાં ગેરસમજણ ઊભી થાય ત્યારે મૌન ઉઘાડું પડવું જોઈએ.

શયદાનો શેર છેઃ

યાદ તારી ઉરમાં માતી નથી

એટલે તો આંખથી છલકાય છે

યાદ જ્યારે આંસુરૂપે આંખથી છલકાય ત્યારે હૃદયમાં આનંદ કે પીડાના કોઈ પણ ભાવ હોઈ શકે. હૃદયનો ઊભરો આંખમાં ઝળઝળિયારૂપે અટકી જતો હોય છે. પોતાનાથી દૂર રહેતાં દીકરા-દીકરીને યાદ કરી મા-બાપની આંખના ખૂણા ભિંજાઈ જાય છે. જે કંઈ આપણાથી દૂર જાય છે એ હૃદયમાં સ્ટોર થઈ જાય છે. સમય જતાં આ સ્ટોરેજ કાં તો ખાલી થઈ જાય કાં તો વધુ ને વધુ ભરાવા લાગે. ડિપ્રેશન બીજું કંઈ નથી, આપણી યાદોનું ગૂંચળું છે.

ઉઘાડે છોગ ફરતી યાદને અટકાવવી પડશે

ખૂણામાં લઈ જઈને વાત આ સમજાવવી પડશે

અનંત રાઠોડનો આ શેર જાતને સમજાવવાનો છે. કોઈકની યાદ ઉઘાડે છોગે ફરતી હોય તો ઉઘાડા પડી જવાની બીક કવિને સાલે છે. ત્યારે એકાંતના ખૂણામાં જાતની સમજાવટ કરી લેવી વધુ હિતાવહ છે.

અમુક સમયથી જો સંપર્કમાં ન રહી શકીએ તો તરત લોકો સંભળાવે કે મોટા માણસોને તો યાદ જ ન આવે અમારી. ત્યારે કહેવાનું મન થાય કે યાદના પુરાવા હોય જ નહીં. હવે તો લોકો ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી આપણે એને યાદ કરીએ છીએ કે નહીં એની ખણખોદ કરતા હોય છે. ડૉક્ટર મડદાની તપાસ કરે એમ લોકો સંબંધનું પોસ્ટમૉર્ટમ કરી આપણે છેલ્લે ક્યાં, કયારે, કેટલા વાગ્યે વાત થઈ હતી એનું સર્ટિફિકેટ હાજર કરી દે. સંબંધને સર્ટિફિકેટની નહીં, સહજતાની જરૂર હોય. વર્ષો પછીયે મળીએ તોય પહેલી વાર મળ્યા જેવો જ ઉમળકો હોય ત્યારે એ વ્યક્તિ સાથે જોડાયેલી યાદ વાસી નહીં, પણ વહાલી લાગે છે. ત્યારે મુકુલ ચોકસીનો શેર યાદ આવે :

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ

નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

નકામી વાતો ભૂલી જવા જેવું સુખ કોઈ નહીં. માઠા પ્રસંગો કે પછી દુભાયેલા દિલને વાગોળવાની ભૂલ ન કરવી, પણ એને ભૂલી જવાની લિજ્જત માણવી. શું મળશે એ યાદ રાખીને? આપણે જાતને જ દુઃખી કરીશું. આપણા મનમાં જ કડવાશ ભરતા રહીશું. અરે! યાદ તો એ કરવાનું હોય જેનાથી આપણા અને બીજાના જીવનમાં આનંદ છવાયો હોય.

આ પણ વાંચો : મેરે દુશ્મન ભી જાનતે હૈં યે, કિતના તરસા હૂં દોસ્તી કે લિએ

ક્યારેક કંઈ છૂટી જાય તો એની સાથે જોડાયેલી યાદને પણ છૂટી કરી દેવાની. સંબંધની આવનજાવનમાં સ્વતંત્રતા હોવી જ જોઈએ. સહજતાથી જે આવે તેને આવવા દેવાના. જાય તેને જવા દેવાના. સંબંધમાં સ્થિરતા ત્યારે જ આવે જ્યારે સ્વતંત્રતા મળે. બે જણનું હોવું ઘટના નહીં, પણ આશીર્વાદ કહેવાય. યાદ ક્યારેક સીઆઇડીની જેમ આપણી પાછળ પડી જાય ત્યારે એવી પ્રવૃત્તિમાં જોતરાઈ જવું કે જે પછીથી મીઠી યાદ બની જાય અને પેલી સીઆઇડી જેવી યાદની એની મેળે બાદબાકી થઈ જાય. યાદ આપણને અધૂરપનો અહેસાસ ન કરાવે એવી હોવી જોઈએ.

આ લખતાં-લખતાં મારી પણ કેટલીબધી યાદો તાજી થઈ ગઈ. યાદને હાઇકુરૂપે શબ્દસ્થ કરી મહેંકવાની ઇચ્છા સાથે યાદ કરતી રહીશ બધાને.

મને ભીંજવે યાદો તારી મહેંકી જાઉં તારામાં

- સેજલ પોન્દા

Sejal Ponda columnists