ક્યારેય વિચાર્યું છે ખરું, શું કામ દરેક માટે આપણને ફરિયાદ છે?

29 March, 2019 12:40 PM IST  |  | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

ક્યારેય વિચાર્યું છે ખરું, શું કામ દરેક માટે આપણને ફરિયાદ છે?

પ્રતીકાત્મક તસવીર

દરેક સામે, એકેક વ્યક્તિ સામે ફરિયાદ છે અને એ ફરિયાદને કારણો જ તો તકલીફ છે, પણ અફસોસની વાત એ છે કે આ ફરિયાદ સાથે ઊભી થતી તકલીફો દેખાય છે, પણ એ તકલીફ ઊભી કરનારી ફરિયાદ પાછળનું કારણ સમજવા જેટલી ક્ષમતા કેળવવામાં નથી આવતી. એક વખત કહ્યું હતું, ધાયુર્મ ન થાય એનું નામ દુ:ખ અને એનાથી બિલકુલ વિપરીત, ધાર્યું થાય એનું નામ સુખ. ઘરમાં સાસુનું ધાર્યું થાય તો એ સુખી છે. સુખી પણ છે અને વહુથી ખુશ પણ છે. શબ્દો પણ તેમણે ચોરવા નથી પડતા અને જાહેરમાં કહેવામાં પણ ખચકાટનો અનુભવ નથી થતો કે વહુની બાબતમાં એ સૌથી સુખી છે, પણ ધારો કે, ધારો કે એ જ વહુ સાસુનું ધાર્યું નથી કરતી તો સાસુ જેટલું દુ:ખી જીવનમાં બીજું કોઈ નથી. દુ:ખી પણ બીજું કોઈ નથી અને તેમના જેટલી ફરિયાદો પણ બીજા કોઈ પાસે નથી. ધાર્યું થાય એનું નામ સુખ અને આ સુખ સૌ કોઈને જોઈએ છે. આ જ કારણ છે જે કારણ સતત દુ:ખ આપવાની પ્રક્રિયા અકબંધ રાખે છે. જો તમને ડિક્ટેટર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા તો કોઈ પ્રશ્ન નથી અને ધારો કે તમારી ડિક્ટેટરશિપને, તમારી સરમુખત્યારશાહીનો અનાદર કરી દીધો તો તમારા જેવું કોઈ ખરાબ નથી. આ હકીકત છે, સનાતન સત્ય છે. દરેકેદરેક વ્યક્તિમાં એક ડિક્ટેટર fવસે છે. દરેકેદરેક વ્યક્તિમાં ક્યાંક ને ક્યાંક એક સરમુખત્યાર જીવે છે અને આ સરમુખત્યાર સતત ઇચ્છે છે કે તેની વાત માનવામાં આવે, તેની વાત સ્વીકારવામાં આવે અને એના કહ્યા મુજબ બધું ચાલ્યા કરે. દરેકમાં એક સરમુખત્યાર છે અને એ સરમુખત્યારની નારાજગી પર તમારા દુ:ખના ગુણાકાર થયા કરે છે. જો એ સરમુખત્યારને કાબૂમાં કરી લીધો, જો એ ડિક્ટેટરને શાંત કરી દીધો તો માનજો એક પણ વાતની તકલીફ નહીં રહે. આ ડિક્ટેટરને શાંત કરવાનો એક સરળ રસ્તો છે અને સહજ કહેવાય એવી રીત પણ છે. જો એ રસ્તો અપનાવી શકશો તો જ શાંતિ અકબંધ રહેશે અને યાદ રહે, તમારી શાંતિ એ તમારી જવાબદારી છે. બીજું કોઈ આવીને તમને ખુશ કરી શકે, પણ જાતને સુખ આપવાનું કામ તો તમારે જ કરવું પડશે. એમાં કોઈ વચેટિયો કામ નહીં લાગે.

શાંતિ જોઈતી હોય, શાંતિ સાથેનું સુખ જોઈતું હોય તો સ્વીકાર કરો. પરિસ્થિતિનો પણ સ્વીકાર કરો અને સંજોગોનો પણ સ્વીકાર કરો. પરમ સ્વીકાર. જો સ્વીકારતાં શીખી જશો તો સુખી થતાં આપોઆપ આવડી જશે અને એટલે જ સીધું અને દેશી હિસાબ માંડીને કહું છું સુખી થવું હોય તો સ્વીકારતાં શીખી જાવ. જો સ્વીકાર કરશો તો કોઈ ઇચ્છતું હશે તો પણ તમને દુ:ખી નહીં કરી શકે. જો સ્વીકાર કરતાં શીખી જશો તો પારકા પાસેથી સુખની અપેક્ષા નીકળી જશે અને જો સ્વીકાર કરતાં થઈ ગયા તો ફરિયાદો અને એ ફરિયાદોમાંથી પ્રગટતી તકલીફોનું બાષ્પીભવન થઈ જશે. પરિસ્થિતિ જે હોય, જેવી હોય એને સ્વીકારી લો. એક વખત સ્વીકારી લેશો તો એ પરિસ્થિતિમાં ઝઝૂમવાની ક્ષમતા આવી જશે અને જો ઝઝૂમવાનું ઝનૂન આવી જશે તો પરિસ્થિતિને અનુલક્ષીને લડવાનું ધૈર્ય આવી જશે. સ્વીકાર માટે ધીરજ જોઈશે અને એ ધીરજ ક્યાંક ને ક્યાંક તમે જ અંદર ધરબી દીધી છે. શોધો, એ ધીરજને શોધો અને સ્વીકારની આદત પાડો. સ્વીકારી શકશો તો જ અકળામણ દૂર થશે અને સ્વીકાર કરશો તો જ સંજોગને આધીન થઈને રસ્તો કાઢવાનો વિચાર મનમાં લાવી શકશો. અઘરું હોઈ શકે અને અકળામણ આપનારું પણ હોઈ શકે, પણ એ પછી આ જ અંતિમ ઉપાય છે. સ્વીકાર.

આંખ સામે જે છે એ સ્વીકારી લો. સંબંધો કોઈ પણ હોય, અવસ્થા કોઈ પણ હોય અને પ્રતિકૂળતા ગમે એવી આકરી હોય. સ્વીકારી લો. સ્વીકારી લેશો તો જ વિપરીત કાળને તમારા મુજબનો આકાર આપી શકશો. પાણીનો એક નિયમ છે, ડુબાડવું અને માણસનો ધર્મ છે તરી જવું. જો સંજોગો પાણીના નિયમને પાળવા માટે રાજી હોય તો તમારે માનવ-ધર્મના નિયમને અનુસરવાનું છે. એ ડુબાડશે જ ડુબાડશે, પણ તમે ડૂબીને એના કર્મને બળકટ બનાવવાનું કામ અજાણતાં જ કરી બેસો છો. જો ન કરવું હોય એવું તો તરી જાવ, પણ અહીંયાં, આ સ્થાને સ્વિમિંગનો એક નિયમ યાદ કરી લેવાનો છે. પાણીમાં પડ્યા પછી વ્યાકુળ થશો તો પાણી પોતાનો નિયમ ફૉલો કરવા માંડશે અને તમને ડુબાડીને જંપશે, પણ જો વ્યાકુળતા છોડી દીધી હશે, અકળામણ ત્યજી દીધી હશે તો પરિસ્થિતિ એવી આવશે તમે તરી જશો, પણ ભૂલવાનું નથી, વ્યાકુળતા છોડી દેવાની છે, અકળામણ ત્યજી દેવાની છે અને અપનાવી લેવાની છે પરમ શાંતિ.

વહુ હોય કે જમાઈ હોય, સાસુ હોય કે ગર્લફ્રેન્ડ હોય, એક વખત સ્વીકારી લો. જો સ્વીકારી લીધું તો શાંતિ તમને જ મળવાની છે અને તમારી શાંતિ માટે તમે જ જવાબદાર છો. તમારા સુખ માટે આ શાંતિ જરૂરી છે. જો રીંગણાં નહીં ભાવતાં હોય અને એ ઘરે બની ગયાં હોય તો થાળી પછાડવાથી રીંગણાં પોતાનું રૂપ બદલાવી નથી નાખવાનાં. રૂપ પણ નહીં બદલે અને સ્વભાવ પણ નહીં બદલે. જો એ બદલવાનું ન હોય તો તમારી એ જ અવસ્થાને સ્વીકારી લેવાની છે, યાદ રાખીને, સ્વીકાર જ શાંતિનો પર્યાય છે.

Rashmin Shah columnists