કૉલમ: સંબંધોમાં સ્વાર્થ વાજબી છે

05 July, 2019 12:45 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

કૉલમ: સંબંધોમાં સ્વાર્થ વાજબી છે

Ki And Kaa

વાત-વાતમાં અને ડગલે ને પગલે કોઈના માટે એવું બોલી નાખવામાં આવે કે તે સ્વાર્થી છે, કામ હોય ત્યારે જ યાદ કરે છે; પણ હકીકત એ છે કે એમાં કશું ખોટું નથી. સંબંધોમાં સ્વાર્થ હોવો જોઈએ અને એ સ્વાર્થ કાયમ અકબંધ રહેવો જોઈએ. યાદ રાખજો, જગતના બે-ચાર કે છ-આઠ સંબંધો જ એવા છે જેમાં સ્વાર્થભાવ નથી હોતો, બાકી સ્વાર્થનું મોણ દરેક સંબંધમાં હોય જ હોય અને હોવું પણ જોઈએ.

વારંવાર અને દરેક મુદ્દે સામેવાળાના પક્ષે એક વાત ઉધારી દેવામાં આવે છે.

એ તો સ્વાર્થી છે. કામ હોય ત્યારે જ તેને આપણે યાદ આવીએ.

પ્રશ્ન એ નથી કે તમે શું છો અને તમે આ કૅટેગરીમાં આવો છો કે નહીં પણ પ્રશ્ન એ છે કે આવું હોવું જોઈએ કે નહીં અને જો એવું હોય, સ્વાર્થ સમયે જ તમે યાદ આવતા હો તો એ વાજબી છે કે નહીં?

જવાબ છે હા, એવું હોવું જોઈએ અને એવું જો તમારી સાથે વધારે પ્રમાણમાં બનતું હોય તો એના માટે પ્રભુનો પાડ માની લેવો અને પ્રભુને રિક્વેસ્ટ પણ ફૉર્વર્ડ કરી દેવી કે જગત આખું તમારી સાથે સ્વાર્થથી સંબંધ રાખે અને એ લોકોને સતત તમારું કામ પડ્યા કરે. તમારાથી તેમનું કામ થઈ શકે એવી ક્ષમતા પણ ઈશ્વર તમને બક્ષે એ માટે યાચના પણ કરી લેવી.

મુદ્દો જ ખોટો છે, પ્રથા જ ખોટી સમજાવવામાં આવી છે કે સંબંધ સ્વાર્થ વિનાના હોવા જોઈએ. હા, આ વાત લાગુ પડે, પણ એ ચાર-છ કે આઠ-દસ સંબંધો માટે લાગુ પડી શકે અને એ જ હકીકત છે કે જગત આખામાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ સંબંધો નિસ્વાર્થ હોય છે. એટલા જ સંબંધોમાં સ્વાર્થ નીતરતો નથી હોતો. બાકીના તમારી સાથે જોડાયેલા સૌકોઈ સ્વાર્થથી જ જોડાયેલા હોય છે. આજના તાજા સ્વાર્થથી કે પછી ભવિષ્યમાં તમારી જરૂર પડશે ત્યારે તમે બાજુમાં ઊભા રહેશો એવા ગણતરીના સ્વાર્થ સાથે. સ્વાર્થ વિનાનું જીવન શક્ય જ નથી અને એવું જો તમે માનતા હો, એવો દાવો તમે પણ કરતા હો કે તમે તમામ સાથે સ્વાર્થ વિના સંબંધો રાખો છો તો તમારી એ માન્યતામાં દંભ છે. અગેન, આઇ રિપીટ, જીવનકાળ દરમ્યાન ચાર-છ કે આઠ-દસ અને વધીને બાર-તેર સંબંધો એવા હોય જેમાં સ્વાર્થ હોતો નથી. તેમના પક્ષે પણ અને તમારા પક્ષે પણ, પણ બાકીના તમામ સંબંધોમાં પેલી કૅડબરીઝ અેક્લેરની અંદર આવતી સૉફ્ટ ચૉકલેટની જેમ સ્વાર્થ ભરાયેલો હોય છે. આગળ કહ્યું એમ, સ્વાર્થ વિનાનું જીવન શક્ય નથી. આનંદ માટે અને શોખ ખાતર નોકરી કરતા કર્મચારીને પણ જો પહેલી તારીખે સૅલરી ન મળે તો તેના પેટમાં સનેપાત ઊપડે છે. પ્રેમથી લખવાનું કામ કરનારા રાઇટરને પણ જો પેમેન્ટ સમયસર ન મળે તો તેને પણ પેડુમાં શૂળ ઊપડે છે અને એમાં કશું ખોટું પણ નથી. સ્વાર્થ છે તો સંબંધો છે, સ્વાર્થ છે તો વ્યવહાર છે અને સ્વાર્થ છે તો સ્વસ્થતા છે.

સ્વાર્થ સંબંધોને ટકાવી રાખવાનું કામ કરે છે. સ્વાર્થ સંબંધોમાં ઑક્સિજન ભરવાનું કામ કરે છે અને સ્વાર્થ સંબંધોને સ્વસ્થ રાખવાની જવાબદારી ઉપાડે છે. જો તમે ઇચ્છતા હો કે સંબંધો લાંબો સમય ટકે, ટકેલા એ સંબંધોમાં તમારું મહત્ત્વ અકબંધ રહે, તમારું માન જળવાયેલું રહે અને તમે એ સંબંધોમાં કેન્દ્ર સ્થાનમાં રહો તો તમારે બે વાત મગજમાં ઠસાવી લેવાની છે. એક, સામેના પક્ષના સ્વાર્થને આધીન થવાનું છે અને બીજું, સામેના પક્ષ માટે ઘસાવાની તૈયારી રાખવાની છે. કબૂલ કે બધા માટે ઘસાવાની તમારી તૈયારી નથી તો જાતને અટકાવી દો, રોકી દો એ ઘસારાને પણ એવું ધારવું કે તે ઘસાવા રાજી નથી તો એ માન્યતા બિલકુલ ગેરવાજબી છે. તે નહીં જ કરે એવી અપેક્ષા રાખીને સંબંધોને ટકાવી રાખવાની પ્રક્ર‌િયા સરળ છે, આસાન છે, ઓછી વેદના આપનારી છે; પણ જો ભૂલથી પણ એવી ધારણા રાખી હશે કે તે પણ તમારા માટે ઘસરકા સહન કરે તો એવું ક્યારેય બોલતા નહીં કે તમે આ સંબંધો સ્વાર્થહીન બનીને રાખ્યા હતા. તમે જે કંઈ કર્યું એના બદલાની અપેક્ષા પણ સ્વાર્થભાવ છે. આ કોઈ ઉપદેશ નથી, આ કોઈ મિથ્યાભાવ પણ નથી. આ નરી વાસ્તવિકતા છે, આ કપડાં વિનાની રિયલિટી છે અને આ રિયલિટીને તમારે સ્વીકારવાની છે.

ઉપદેશ તો ત્યાં છે જ્યાં એવું કહેવામાં આવે કે સ્વાર્થ નહીં રાખવો. શું કામ નહીં રાખવાનો સ્વાર્થ અને શું કામ સ્વાર્થભાવને અનુસરવાનું નહીં? સ્વાર્થ છે તો સંબંધો છે અને ડિટ્ટો એનાથી ઊલટું સંબંધો છે તો સ્વાર્થ છે. જ્યાં ઓળખાણ નથી ત્યાં કોઈ સ્વાર્થ નથી. લોકલમાં તમે એવી અપેક્ષા નથી રાખતા કે કોઈ તમારા પગની પીડાને પારખીને તમારા માટે જગ્યા ખાલી કરે. રસ્તા પરથી પસાર થતી વખતે તમારી તૃષાને અનુભવીને કોઈ તમને પાણીનો એક ઘૂંટડો આપવા રાજી નથી થતું, પણ આ જ અપેક્ષા તમે તમારા સહાધ્યાયી પાસેથી રાખો છો અને રાખવી જ જોઈએ.

આ પણ વાંચો : કૉલમ: પેન-ફ્રેન્ડ્સની એ દુનિયા અને ફૉરેનથી આવતા પત્રો

જો આવી અપેક્ષા તમારા માટે વર્જ્ય હોય તો ધારવું કે તમે દૈવી આત્મા છો અને તમારું આ પૃથ્વી પર કોઈ કામ નથી. આપશ્રીએ તો વૈકુંઠમાં જ રહેવું જોઈએ, પણ જો તમે આ સૃષ્ટ‌િ પર રહેતા હો તો સ્વીકારી લો કે તમારી આજુબાજુમાં છે એ, જે કોઈના ચહેરા તમને દેખાય છે એ અને અત્યારે મહેનત કરીને જે કોઈ સગાંસંબંધીઓના ચહેરાઓ તમે યાદ કરો છો, ફ્રેન્ડ્સને યાદ કરો છો એ સૌને તમારી સાથે સ્વાર્થના સંબંધો જ છે. એવા સ્વાર્થના સંબંધો જે જીવનમાં જરૂરી છે, વાજબી અને ‌અનિવાર્ય છે. સંબંધોમાં સ્વાર્થ હોવો જોઈએ અને એટલું જ નહીં, એ સ્વાર્થ કાયમ અકબંધ પણ રહેવો જોઈએ. બધા સંબંધોને નિસ્વાર્થ બનાવવાની અને માનવાની ભૂલ ક્યારેય કરવી નહીં. એવી ભૂલ કરનારાઓની સંબંધોની યાદી મોટા ભાગે કોરી રહેતી હોય છે.

Rashmin Shah columnists