સમાજ કોઈ વ્યક્તિને ખોટી ઠેરવતો હોય છતાં મારે તેને મદદ કરવી કે નહીં?

06 January, 2020 05:54 PM IST  |  Mumbai Desk | sejal patel

સમાજ કોઈ વ્યક્તિને ખોટી ઠેરવતો હોય છતાં મારે તેને મદદ કરવી કે નહીં?

સવાલ : જીવનમાં કેટલીક પસંદગીઓ કરવાની આવે ત્યારે બહુ દ્વિધામાં મુકાઈ જવાય છે. હું અત્યારે એવી જ એક સ્થિતિમાં છું. હું બને ત્યાં સુધી મારે શું કરવું જોઈએ એ બાબતે બીજાની સલાહને કદી નથી અનુસરતો, પરંતુ મને અત્યારે એવું લાગે છે કે ભલે હું ડાયરેક્ટ શું કરવું જોઈએ એ વિશે ચર્ચા ન કરું, પરંતુ સિદ્ધાંત અને નૈતિકતાની દૃષ્ટિએ નિર્ણય લેતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે તો તમારું મંતવ્ય લઈ જ શકું છું. 

જ્યારે આપણને એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિને ખોટેખોટી ફસાવી દેવામાં આવી છે ત્યારે એક ત્રીજી વ્યક્તિ તરીકે આપણે શું કરવું જોઈએ? આપણને તે વ્યક્તિ ખોટી ન જણાતી હોય, પણ દુનિયા અને કાયદાની દૃષ્ટિએ ખોટું કર્યાનો તેની પર આરોપ હોય ત્યારે શું કરવું? શું તેની નિર્દો‌ષતા સાબિત કરવા માટે મદદ કરવી કે પછી તેને તેના હાલ પર છોડી દેવી? ઇન ફૅક્ટ, મને એવું દૃ‌ઢપણે લાગે છે કે તે વ્યક્તિ સાચી છે, પરંતુ પોતાની સચ્ચાઈના પુરાવા આપી શકે એમ નથી. પુરાવાના અભાવે સમાજ તેને દંડિત કરે તો શું કરવું? ધારો કે હું તેને મદદ કરું છું અને છતાં તેની સચ્ચાઈ પુરવાર ન થઈ શકી તો એ પછી લોકોની મારા તરફ જોવાની દૃષ્ટિનું શું? હા, એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે અહીં જે આરોપની વાત છે એ કોઈ કોર્ટ-કચેરીના નહીં, પણ સામાજિક ધોરણે સંબંધોને લગતા છે. મારા ફ્રેન્ડ્સ કહે છે કે જીવનમાં કેટલીક વાર પ્રૅક્ટિકલ થવું પડે છે અને હંમેશાં દિલથી નિર્ણયો ન લેવાના હોય.
જવાબ : જ્યારે પણ કોઈ અસમંજસભરી સ્થિતિમાંથી નિર્ણય લેવાનો હોય ત્યારે ડાયરેક્ટ કોઈકને નિર્ણય પૂછવાને બદલે સૈદ્ધાંતિક સ્પષ્ટતા કરીને જાતે જ અંતિમ ફેંસલો લેવાની તમારી રીત મને ગમી. હું પણ માનું છું કે દરેક વ્યક્તિએ પોતાના નિર્ણયો કદી કોઈકના કહેવાથી લેવા કે બદલવા ન જોઈએ.
હવે વાત તમારા સવાલની. જ્યારે પણ કોઈની પર વિશ્વાસ મૂકવો કે ન મૂકવો એ નિર્ણય લેવાનો હોય ત્યારે માત્ર દિલ અથવા માત્ર દિમાગનો ઉપયોગ ન કરવો. દિલ અને દિમાગ બન્નેને સાથે રાખીને નિર્ણય લેવો. તે વ્યક્તિ સાચી છે એ વાત તમને દિલ અને દિમાગ બન્નેથી લાગતું હોવું જરૂરી છે. એ પછીથી શું કરવું એ નક્કી કરવું બહુ અઘરું નથી. મને એવું લાગે છે કે તમે મનમાં નિર્ણય તો લઈ જ લીધો છે, પણ તમને આશંકા છે કે જો તમે પેલી વ્યક્તિને સાચી પુરવાર ન કરી શક્યા તો તેની સાથેસાથે તમે પણ ખોટા પુરવાર થશો. તમને એનો ખચકાટ છે. બરાબરને?
જો તમારા તે વ્યક્તિ સાથેના સંબંધો ખૂબ ઘનિષ્ટ હોય અને દિલથી તમે તેની સાથે જોડાયા હો તો આ ખચકાટને દૂર કરી દેવો જોઈએ. હા, એ સંબંધો ઉપરછલ્લા કે જસ્ટ ફ્રેન્ડશિપ કક્ષાના હોય તો તમે તમારી રીતે પ્રાયોરિટી પસંદ કરી શકો છો. ઘણી વાર આપણે સંબંધો ઉપરછલ્લા છે કે ઘનિષ્ટ એ બાબતે પણ મૂંઝાતા હોઈએ છીએ. જ્યારે આવી મૂંઝવણ હોય ત્યારે જાતને એક જ સવાલ પૂછવાનો. ધારો કે પેલી વ્યક્તિ પુરાવાના અભાવે ખોટી સાબિત થશે અને સમાજ તેને કલંકિત કરશે ત્યારે તમે કેવું ફીલ કરશો? તે ખોટી સાબિત થઈ એનું વધુ દુખ લાગશે કે પછી તમે તેને કોઈ જ મદદ ન કરી એનું દુખ તમને વધુ લાગશે?

sex and relationships columnists life and style