લખપતજીની આડી ચાલથી દેશળજીનું રાજ ગયું

12 November, 2019 02:37 PM IST  |  Kutch | Naresh Antani

લખપતજીની આડી ચાલથી દેશળજીનું રાજ ગયું

રાવ દેશળજીનું રાજ્ય નિર્વિઘ્ને ચાલતું હતું, પરંતુ આ સમયમાં જ કુમાર લખપતજીની તૃષ્ણાઓ વધતી ગઈ હતી. તેમના મોજશોખના ખર્ચાઓ પણ વધતા ગયા હતા. તેમના વિલાસી જીવનને કારણે રાજ્ય પર આર્થિક બોજ પણ વધ્યો. પરિણામે રાજ્ય વહીવટ અને રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતાં જેમાંથી અનેક રાજકીય ખટપટનો પણ જન્મ થયો

કચ્છની રાજગાદી મેળવવા કેટલાય દાવપેચ ખેલાતા હતા એવા અનેક કિસ્સાઓ કચ્છના ઇતિહાસમાં નોંધાયા છે. કચ્છ ઉપર રાજ કરી ગયેલા રાજવીઓ પૈકી લખપતજીને કલાપ્રિય રાજવી ગણાવાયા છે. જોકે એ હકીકત છે કે તેમના સમયમાં થઈ ગયેલા રામસિંહ માલમની મદદથી તેમના સમયમાં કચ્છમાં કળાકૌશલ્યનો સારો વિકાસ થયો હતો, પરંતુ તેમણે કચ્છની ગાદી કેવા દાવપેચ રમી અને કપટપૂર્વક મેળવી એ કિસ્સો પણ નવી પેઢી માટે જાણવો રસપ્રદ બની રહેશે.

મહારાઓ દેશળજી પહેલાએ માગસર વદ આઠમના દિવસે કચ્છની રાજગાદી સંભાળી એ સમયે કચ્છનું વાતાવરણ મહદ અંશે શાંત હતું. લોકો પણ સુખી હતા. ભાયાતો પણ પોતાનો વહીવટ શાંતિપૂર્વક ચલાવતા અને કચ્છ રાજ્યને જરૂર પડે ત્યારે હાજર થતા અને મદદ માટે હાજર પણ થતા. પરંતુ એક મોરબીના કાંયાજી તેમને પ્રતિકૂળ રહેતો અને તે કચ્છનું રાજ તેને કેવી રીતે મળે એ માટે કાયમ તેની તજવીજમાં રહેતો અને આ માટે તેણે અમદાવાદના સૂબા શેર બુલંદખાનને સાધ્યો અને કચ્છનું રાજ જો તે તેને અપાવે તો દર વર્ષે તેને મોટી ખંડણી આપવાની લાલચ આપી, આ લાલચથી આકર્ષાઈ શેર બુલંદખાને પચાર હજાર સૈનિકોનું લશ્કર લઈ ભુજિયા પર ચડાઈ કરી. નવાબના લશ્કરે માધાપર પાસેથી ભુજિયાને ઘેરો ઘાલ્યો અને ભુંડાગરો સહિત બે કોઠા પર પોતાનો કબજો જમાવ્યો. પરંતુ કચ્છના રાજવીની આ પરિસ્થિતિ જાણી પટરાણી બાઈરાજબાએ પોતાનો ખજાનો કચ્છ રાજ્યની મદદ માટે ખોલી આપ્યો અને લોહાણા દેવકરણ શેઠે પોતાની કુનેહથી નવાબના લશ્કરને વિખેરી નાખ્યું. શેર બુલંદખાન ગભરાયો. તેને કચ્છ લાવનાર  કાંયાજી પણ તેને છોડી નાસી છૂટ્યો હતો. આથી સૂબો નિરાશ થઈ કચ્છ છોડી નાસી ગયો. રાવ દેશળજીના પુત્ર કુમાર લખપતજી પરાક્રમી અને શૂરવીર હતા. તેમણે પણ આ ચડાઈમાં શેર બુલંદખાનને પરાજિત કરવામાં પોતાની કુનેહ બતાવી હતી. વીસ વરસની ઉંમરના લખપતજીના આ પરાક્રમથી કચ્છની પ્રજા તેમના વારી ગઈ હતી.

કચ્છ રાજ્યની આ ફતેહથી ખુશ થઈ રાવ દેશળજીએ દેવકરણની કુનેહથી કદર કરી રાજ્યના દીવાન બનાવ્યા. દેવકરણે દીવાનની ધૂરા સંભાળી પોતાનું બધું ધ્યાન રાજ્યના વિકાસમાં ખાસ કરીને ખેતી અને વેપાર તરફ કેન્દ્ર‌િત કર્યું. પરિણામે રાજ્યની તિજોરીની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થયો. એક વર્ષમાં અઢાર લાખ કોરી મહેસૂલની તથા દસ લાખ અન્ય આવક મળી અઠ્યાવીસ લાખ કોરીની આવક એ સમયે નોંધાઈ છે. આ આવકનો ઉપયોગ રાજ્યની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં કરાયો હતો. આ આવકમાંથી ભુજિયા કિલ્લાનો જીર્ણોદ્ધાર, ભુજનો આલમપન્નાહ ગઢ ઉપરાંત અંજાર, મુંદરા અને રાપરના ગઢનું નિર્માણ એ સમયે કરાયું હતું. વીરાવાવમાં થાણાં ઊભાં કર્યાં, ઓખાના ચાંચિયાઓથી વહાણોના રક્ષણ માટે ઓખા બેટ પાસે કચ્છી ગઢ કિલ્લો બનાવાયો તથા રાયમાઓના રક્ષણ માટે સિંધમાં રાયમાબજારના કિલ્લાનું પણ નિર્માણ કરાયું.

કચ્છ રાજ્ય આમ નિર્વિઘ્ને ચાલતું હતું, પરંતુ આ સમયમાં જ કુમાર લખપતજીની તૃષ્ણાઓ વધતી ગઈ હતી. તેમના મોજશોખના ખર્ચાઓ પણ વધતા ગયા હતા. લખપતજીના વ્યક્તિત્વ વિશે અનેક મતમતાંતર પ્રવર્તે છે. લખપતજી યુવરાજ તરીકે સંવત ૧૭૮૬માં દિલ્હી ગયેલા ત્યારે ત્યાંના મોજશોખ, ગીત–સંગીતની મહેફિલ, મુજરાની દુનિયાથી અંજાઈ ગયા હતા. પોતે પણ કુશળ ગવૈયા અને નર્તક હોઈ દિલ્હીની ૧પ રાજનર્તકીઓ તેમના પર મોહી પડી હતી અને આજીવન તેમની સાથે રહેવાના કોડ સાથે તેમની સાથે ભુજ આવી હતી. 

પોતાના આ ખાનગી ખર્ચાઓ માટે મોટી રકમ તેણે દેશળજી પાસે માગી, પરંતુ રાજ્યની તિજોરીનો ઉપયોગ લોકહિતાર્થે કરવો જોઈએ અને સંકટમાં આ નાણાં ઉપયોગી બને અને વળી કુમારના આવા ઉડાઉ ખર્ચા તેમને પસંદ પણ નહોતા. એ માટે તેમણે લખપતજીની આ માગ ન સ્વીકારી અને આવા ખર્ચ ન કરવા સલાહ પણ આપી, પણ આની કોઈ અસર લખપતજી પર ન થઈ અને તેમણે ઉદયપુરના રાણા પાસે જતા રહેવાની ધમકી આપી.

તેમના વિલાસી જીવનને કારણે રાજ્ય પર આર્થિક બોજ પણ વધ્યો. પરિણામે રાજ્ય વહીવટ અને રાજકીય સ્થિતિ ડામાડોળ રહેતી જેમાંથી અનેક રાજકીય ખટપટનો પણ જન્મ થયો. લખપતજીએ જોયું કે આ બધાના મૂળમાં દીવાન દેવકરણ શેઠ છે અને એ છે ત્યાં સુધી તેનું કંઈ વળવાનું નથી. આથી તેમણે એક ષડયંત્ર રચી દેવકરણશેઠનું ખૂન કરાવ્યું. આ પછી પણ કચ્છ રાજ્યની ધૂરા પોતાના હાથમાં કરી લેવાની લાલસાથી લખપતજીએ પિતા દેશળજીને પોતાના મહેલમાં ભોજન માટે નિમંત્રણ આપ્યું અને છળકપટથી તેમને કેદ કરી લીધા. પોતાની યોજના અનુસાર કચ્છના કિલ્લાઓ અને મોટી જાગીરો પોતાના કબજામાં કરી લીધા. રાવ દેશળજીને તેમણે દસ વર્ષ સુધી કેદમાં રાખ્યા અને સંવત ૧૮૦૮માં તેમનું અવસાન થયા પછી વિધિવત્ કચ્છની શાસન ધૂરા સંભાળી.

આમ કચ્છના કલાપ્રેમી રાજવીના પ્રપંચના એક રસપ્રદ પ્રકરણ કચ્છના ઇતિહાસના પાને નોંધાયું.

kutch columnists