વાત છેલ અને છબોના શો કરવાની તેમ જ કૅન્ટીન ચલાવવાની

12 March, 2019 12:19 PM IST  |  | જે જીવ્યું એ લખ્યું - સંજય ગોરડિયા

વાત છેલ અને છબોના શો કરવાની તેમ જ કૅન્ટીન ચલાવવાની

આ છે મારું ઑડિયન્સ : ‘છેલ અને છબો’ નાટક મારું પહેલું નાટ્યનિર્માણ. ઑડિયન્સને ખુશ થઈને હસતું જોઉં ત્યારે મારી છાતી ગજ-ગજ ફૂલતી. મારો આ સ્વભાવ આજે પણ અકબંધ રહ્યો છે.

છેલના પાત્રમાં સંજય જાની, છબો હું અને કૉમેડિયન-વિલનના પાત્રમાં રૉબિન સોલંકી. આ અમારા નાટક ‘છેલ અને છબો’નાં મુખ્ય પાત્રો અને એની સાથે બીજાં પાત્રો પણ ખરાં. બીજાં પાત્રોની પણ વરણી થઈ ગઈ અને નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. નિર્માણમાં અમે કોઈ જ કચાશ બાકી નહોતી રાખી. નાટકના સેટની ડિઝાઇન કરી હતી સુભાષ આશરે, લાઇટ-ડિઝાઇનિંગ હતી ભૌતેષ વ્યાસની અને સંગીત-દિગ્દર્શક હતા નૅશનલ અવૉર્ડ વિનર રજત ધોળકિયા. નાટકમાં ચાર ગીત હતાં અને પાંચ લોકેશનના સેટ હતા. અમારા નાટકમાં એક વાઘ હતો, હિમમાનવ હતો અને દયાળુ રાણી પણ હતી.

મિત્રો, નાટક ખૂબ જ સરસ બન્યું. મને હજી પણ યાદ છે કે ઉત્પલ ભાયાણીએ નાટકનો રિવ્યુ લખ્યો હતો અને એમાં મારી ઍક્ટિંગનાં વખાણ કર્યાં હતાં. એ મારાં પહેલી વારનાં ઑફિશ્યલ વખાણ હતાં. મારાં વખાણ વાંચ્યા પછી મને બે-ત્રણ દિવસ સુધી ઊંઘ નહોતી આવી અને એ સ્વાભાવિક પણ છે. તમે જે કામ કરવા માટે થનગનતા હો એ કામને બીજા લોકો વખાણે, સ્વીકારે ત્યારે ખૂબ જ સંતોષ થતો હોય છે. એ સમયે મને એવી જ તૃપ્તિ થઈ હતી. એ વખતે મારી પાસે નાટ્યનિર્માણનો કોઈ અનુભવ નહોતો, પણ સાહસ કરવાની ભાવના મનમાં પ્રબળ હતી. દોડવાની ઇચ્છા હતી અને પડીએ તો ઊભા થઈને ફરીથી ભાગવાની હામ પણ હતી.

મિત્રો, જ્યાં સરખું ઑડિટોરિયમ ન હોય એવી જગ્યાએ જઈને પણ અમે ‘છેલ અને છબો’ના શો કર્યા હતા. આજે ઘાટકોપરમાં ઝવેરબેન પોપટલાલ સભાગૃહ છે, પણ એ સમયે ઘાટકોપરમાં કોઈ જ થિયેટર નહોતું અને ઝવેરબેન ઑડિટોરિયમ છે એ જગ્યાએ રાષ્ટ્રીય શાળા હતી. આ રાષ્ટ્રીય શાળામાં એક નૉન-એસી હૉલ હતો. અમે ત્યાં ભાડું ભરીને શો કરવાનું નક્કી કર્યું, પણ પ્રૉબ્લેમ એક જ હતો કે ત્યાં કૅન્ટીનની કોઈ વ્યવસ્થા નહોતી. બાળનાટક હતું એટલે જોવા માટે બાળકો જ આવે. બાળકોને ભૂખ લાગે તો ચા-કોફી, સૅન્ડવિચ કે બટાટાવડાં લાવવા ક્યાંથી?

અમે નક્કી કર્યું કે અમારા શો હશે ત્યારે કૅન્ટીન અમે જ ચલાવીશું. આ સાહસમાં મારી સાથે મારો મિત્ર અવિનાશ ઓઝા જોડાયો. અવિનાશ આજે કેટરિંગમાં મોટું નામ ધરાવે છે. એ સમયે પણ અવિનાશ કેટરિંગનું નાનું-મોટું કામ કરતો. રાષ્ટ્રીય શાળાની કૅન્ટીનનું સંચાલન કરવાની જવાબદારી અવિનાશે પોતાના માથે લઈ લીધી. જે નફો થાય એમાં અમે બધા ભાગીદાર. નફામાં જે પૈસા આવે એનો અમે બધા બિયર પી જતા.

આ જ ગાળામાં મારે નીતિન દેસાઈ સાથે ભાઈબંધી થઈ. નીતિન આજે ખૂબ સારો હાસ્યકલાકાર છે, પણ એ સમયે અમારી ઓળખાણ સાવ નવી-નવી થઈ હતી. નીતિન અમારા ‘છેલ અને છબો’માં ઍક્ટિંગ કરતો હતો. અમે બધા મોટા ભાગે આખો દિવસ સાથે જ રહેતા. સાથે જ થિયેટર બુક કરાવવા જઈએ. બુકિંગ કરાવ્યા પછી આજુબાજુની સ્કૂલોમાં મળવા જવાનું હોય. સ્કૂલમાં પ્રિન્સિપાલ અને ટીચરને મળવાનું અને તેમને નાટક જોવા આવવા માટે ઇન્વાઇટ કરવાના. બાળકો માટે અમે ટિકિટ પર પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપતા. જે ટીચરને ઇન્વિટેશન આપ્યું હોય તે સ્કૂલમાં અનાઉન્સમેન્ટ કરી દે કે આપણી સ્કૂલનાં બાળકોને ડિસ્કાઉન્ટ મળવાનું છે અને નાટક સારું છે એટલે બાળકો હોંશે-હોંશે પાસ લઈ જાય અને આ રીતે અમારો શો હાઉસફુલ થઈ જાય. અમે ઘાટકોપરમાં શો કર્યા, કન્ટિન્યુ શો કર્યા. બધા જ હાઉસફુલ.

ઘાટકોપર ઉપરાંત અમે મુલુંડમાં પણ શો કરેલા. આજે મુલુંડમાં કાલિદાસ ઑડિટોરિયમ છે, પણ એ સમયે કાલિદાસ નહોતું. અમે નક્કી કર્યું કે આપણે મુલુંડ (વેસ્ટ)ના મહારાષ્ટ્ર ભવન નામના ઑડિટોરિયમમાં શો કરીશું. એ ઑડિટોરિયમ પણ નૉન-એસી હતું. અમારો શો હોય ત્યાં કૅન્ટીન પણ અમારી જ હોય. મુલુંડમાં પણ ખૂબબધા શો કર્યા અને કહેવાની જરૂર નથી કે બધા શો હાઉસફુલ રહ્યા.

મેં તમને કહ્યું એમ આ મારું પહેલું નિર્માણ હતું અને નાટ્યનિર્માણનો મને કોઈ અનુભવ નહોતો એટલે હિસાબ-કિતાબ કરતાં પણ આવડે નહીં. ફિલ્મ ‘બાઝાર’ સમયે પ્રોડ્યુસર વિજય તલવારે મારા પર જે ભરોસો કર્યો હતો, જે જવાબદારી મારા પર નાખી હતી એને લીધે થોડોઘણો હિસાબ રાખતો થયો હતો; પણ એ મારા પૈસા નહોતા એટલે એમાં મારી ચીવટ જુદી હતી અને અહીં ‘છેલ અને છબો’ અમારું સહિયારું પ્રોડક્શન હતું એટલે પ્રૉફિટ ક્યાં આવ્યો અને ક્યાં ગયો એની કશી ખબર જ ન પડી. બધો હિસાબ બિરબલના કાગડા જેવો જ રહ્યો અને આમ અમારું ‘છેલ અને છબો’ નાટક પૂરું થયું. આ નાટકના અમે લગભગ પચાસેક પ્રયોગ કર્યા હશે. પહેલું નાટક અને પચાસ પ્રયોગ.

નૉટ અ બૅડ શો.

બાળનાટક હતું એટલે એ દૃષ્ટિએ પણ એનું ઑડિયન્સ લિમિટેડ થઈ જાય. સરવાળે આ નાટક હિટ હતું એવું કહી શકાય અને જો એવું કહી શકાય તો સાથોસાથ એમ પણ કહી શકાય કે હું મારા કામમાં સફળ રહ્યો હતો. જોકે સફળતાની આ હજી શરૂઆત હતી અને જીવનમાં ખૂબબધું કરવાનું હજી બાકી હતું.

‘છેલ અને છબો’ ચાલતું હતું એ દરમ્યાન ઘણાં હિન્દી અને ગુજરાતી નાટકો રિલીઝ થતાં હતાં. હું એ નાટકો જોવા પહોંચી જતો. નાટક-ઇન્ડસ્ટ્રીમાં જો આગળ આવવું હોય તો નાટક સાથે જોડાયેલા રહેવું જોઈએ. આ મારી તમને સલાહ છે. સાંપ્રત પ્રવાહ સાથે જો તમે જોડાયેલા ન રહો તો તમે ક્યારેય એ પ્રવાહમાં તરી ન શકો. આજે અનેક યુવાનો મને મળે છે, નાટકમાં કામ કરવાની ઇચ્છા દર્શાવે છે; પણ તમે તેમને પૂછો કે છેલ્લે કયું નાટક જોયું તો માથું ખંજવાળે. હું તમને ભારપૂર્વક કહીશ કે જો નાટકો કરવાં હોય તો જેટલી પણ એકાંકી કૉમ્પિટિશન થતી હોય એ બધી જ જોવા પહોંચી જવું. જેટલાં વ્યાવસાયિક રંગભૂમિ પર નાટકો ચાલે છે એ બધાં જ જોવાં એ મારી તમને શીખ છે. આજે પણ હું ઍક્ટિંગ અને પ્રોડક્શનમાં બિઝી હોઉં તો પણ બીજા મિત્રોનાં નાટકો જોવાનો અચૂક પ્રયાસ કરું. જ્યાં રહેવું છે, જ્યાં કામ કરવું છે ત્યાંની દુનિયામાં શું ચાલે છે એની જાણકારી હોવી જ જોઈએ.

આણંદથી ઑસ્ટ્રેલિયા : એક સમયે આણંદ પાસે હાઇવે પર જે. કે. રેસ્ટોરાં ચલાવતા લાલાભાઈની મેલબર્નમાં ‘લાલા’સ કિચન’ છે, જેની લીલવાની કચોરી એટલી ઑથેન્ટિક છે કે કહેવાનું મન થાય કે આટલી ઑથેન્ટિક કચોરી તો હવે આપણે ત્યાં પણ નહીં બનતી હોય.

ફૂડ-ટિપ્સ

મિત્રો, તમને થોડી ઑસ્ટ્રેલિયાની અમારી ટ્રિપની વાત કરું. ગયા વીકમાં મેં તમને સિડનીના રાધે ચટપટા હાઉસની વાત કરી. સિડનીની આ ટૂર પછી અમારે બ્રિસ્બેન જવાનું હતું. માંડ બે-ત્રણ કલાકની ઊંઘ મળી અમને. એ પછી ફ્લાઇટ હતી એટલે અમે બધા ફટાફટ ઍરપોર્ટ ભાગ્યા. સિડનીથી બ્રિસ્બેન જતાં એક કલાકનો ટાઇમ ગેઇન કરવાનો હતો. એ અમારા માટે સારા સમાચાર હતા. બ્રિસ્બેન જઈને અમે થોડો આરામ કર્યો અને પછી તરત જ શો માટે ઊપડ્યા. એ જ પરિસ્થિતિ બીજા દિવસે પણ હતી. બે કલાકની ઊંઘ પછી અમે ફરીથી ભાગ્યા મેલબર્ન. મેલબર્નમાં પણ તરત જ શો હતો એટલે કોઈ જાતનો આરામ થયો નહીં, પણ શો એટલો સરસ રહ્યો કે અમારો ત્રણ દિવસનો થાક ઊતરી ગયો. મેલબર્નમાં અમારા પ્રમોટર તપન દેસાઈ સાથે અમે બધા ફરવા માટે નીકળ્યા. ફરતાં-ફરતાં અમે એક રેસ્ટોરાંમાં ગયા, ‘લાલા’સ કિચન’.

આ ‘લાલા’સ કિચન’ના માલિક લાલાભાઈ પહેલાં ઇન્ડિયામાં આપણા આણંદ શહેરમાં જ હતા. આણંદ હાઇવે પર એક સમયે જે. કે. રેસ્ટોરાં નામનો ખૂબ જ ફેમસ હાઇવે ઢાબો હતો એ આ લાલાભાઈનો હતો. સમય જતાં લાલાભાઈ ઑસ્ટ્રેલિયા સેટલ થઈ ગયા અને ઑસ્ટ્રેલિયામાં તેમણે ‘લાલા’સ કિચન’ શરૂ કર્યું. લાલાભાઈ રેસ્ટોરાં પર આવે છે, પણ રેસ્ટોરાંનો મોટા ભાગનો વહીવટ તેમની વાઇફ અને દીકરીઓ જ સંભાળે છે. ‘લાલા’સ કિચન’માં અદ્ભુત મૉકટેલ્સ મળે છે, ખૂબ સરસ ઇન્ડો-ચાઇનીઝ ફૂડ મળે છે; પણ મારે અત્યારે વાત કરવી છે લાલાભાઈને ત્યાં મળતી કચોરીની.

‘લાલા’સ કિચન’માં મેં લીલવાની કચોરી ખાધી. એકદમ ઑથેન્ટિક ટેસ્ટ. એવું જ લાગે કે ઑસ્ટ્રેલિયાનું ઍટ્મૉસ્ફિયર ઊભું કર્યું છે, પણ તમે છો ગુજરાતમાં જ. મિત્રો, લાસ્ટ વીકમાં જ કહ્યું હતું કે આજના સમયમાં હવે દુનિયાભરમાં તમને ઇન્ડિયન ફૂડ મળે છે, પણ ઑથેન્ટિસિટી સાથેનું ફૂડ હોય એ ખૂબ જરૂરી છે. લીલવાની કચોરી સાથેની ખજૂર-આમલીની ચટણી પણ એટલી સરસ હતી કે જો વાટકી ભરીને એ ચટણી મળે તો તમે એ પણ એકલી ખાઈ જાઓ.

આ પણ વાંચો: રાજા જ્યારે પ્રજાનો સાચો અવાજ બને

જોકસમ્રાટ

મિત્રો, ચૂંટણીને લીધે કોઈએ અંગત સંબંધો ખરાબ કરવા નહીં.

હું તો ફક્ત એટલું જ કહીશ કે જેને BJP પસંદ છે તેને ભગવાન નરેન્દ્ર મોદી જેવો દીકરો દે અને જેને કૉન્ગ્રેસ પસંદ છે તેને ઈશ્વર રાહુલ ગાંધી જેવો દીકરો દે.

Sanjay Goradia columnists