લોકશાહીનું સૌથી મોટું પર્વ આવી રહ્યું છે ત્યારે

30 March, 2019 12:41 PM IST  |  | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

લોકશાહીનું સૌથી મોટું પર્વ આવી રહ્યું છે ત્યારે

પ્રતીકાત્મક તસવીર

પટાવાળો પણ તમને દસમું પાસ જોઈતો હોય એવા સમયે તમારો નેતા પણ એ જ શૈક્ષણિક લાયકાત સાથેનો હોય તો શું એ વાજબી કહેવાય ખરું? સમય આવી ગયો છે કે લોકશાહીના પ્રહરી એવા ઉમેદવારોની લાયકાતને ઉજાગર કરવાનો લોકશાહી. આ લોકશાહી રાતોરાત નથી આવી સાહેબ, આ લોકશાહીને પામતાં પહેલાં ભારતવર્ષે ખૂબ મહેનત કરવી પડી છે અને ખૂબ પીડા પણ સહન કરવી પડી છે. જુઓ તમે ઇતિહાસ, ઇતિહાસ જોશો તો તમને દેખાશે કે પાંચ હજાર વર્ષ સુધી આ દેશ પર અલગ-અલગ પ્રજાએ બહારથી આવીને રાજ કયુર્ં.

આર્યો, મોગલો, અંગ્રેજો. અંગ્રેજો સામે તો આપણે છેક લાંબી સાડાત્રણસો વર્ષની જંગ લડ્યા. સ્વરાજ્ય, સુરાજ્ય, લોકશાહી જેવા પ્રજાતંત્રની સ્થાપના કરવા લડાઈ લડી અને છેક ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટની અડધી રાતે આઝાદી મળી. સાથે કાયમી ઉજાગરા કરાવે એવા પાકિસ્તાનનો પણ જન્મ થયો. એ પછી ૧૯૫૦ની 2૬મી જાન્યુઆરીએ પ્રજાતંત્ર રચાયું. આપણા દેશમાં આપણા દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા શાસન કરવામાં આવે એવું નક્કી થયું. તમારે તમારા વિચારો મુજબ બધાને એકત્રિત કરવાના, તમારો પક્ષ બનાવવાનો અને પછી પક્ષનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિને તમારા વતી ઇલેકશનમાં ઊભી રાખવાની. દરેક નાગરિક એ પ્રતિનિધિને વૉટ આપે અને પછી સૌથી વધારે જે પક્ષના ઉમેદવાર જીત્યા હોય એના પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિ વડા પ્રધાન બને અને તે દેશ ચલાવે. રાજ્ય લેવલે પણ આ જ રીતે કામગીરી થાય અને સૌથી વધારે જે પક્ષના ઉમેદવારો જીત્યા હોય એ ઉમેદવારના એક પ્રતિનિધિને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે અને એ રાજ્ય ચલાવે. આ રીતે લોકતંત્રની સ્થાપના થઈ અને એને નામ મળ્યું લોકશાહી.

લોકશાહી માટે સીધી અને સરળ નીતિ રાખવામાં આવી હતી. લોકોમાંથી આવેલા પ્રતિનિધિ દ્વારા લોકોની જરૂરિયાત મુજબની યોજના બને, એ યોજનાઓને અમલમાં મૂકવામાં આવે અને એ યોજનાઓથી લોકોનું જીવનધોરણ ઊંચું આવે એ જોવામાં આવે. આ બધું મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ જેવા દિગ્ગજ નેતાઓના ફોટોગ્રાફની સાક્ષીએ કરવાનું અને શ્રેષ્ઠ કામ થાય એ જોતાં રહેવાનું. પછી આ બધામાં નવા ફોટાઓ ઉમેરાયા અને લોકશાહીની સફર આગળ વધવા માંડી.

આજે સાત દાયકાની લોકશાહી થઈ, પણ એ પછી પણ આપણે ક્યાં છીએ? ખાદી પહેરી, ઘરનું ગોપીચંદન કરી, રાતદિવસ એક કરી, પરિવારને છોડીને દેશ માટે લડતાં રહ્યા. જ્યારે આજે દેશ માટે જુદી-જુદી સરકારો આવી, સાદી ઍમ્બેસેડરને બદલે બુલેટપ્રુફ બીએમડબ્લ્યુ આવી. સરકારી લાઇટવાળી ગાડી ન વાપરતાં નેતાઓ કોઈ મોટા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ કરતાં પણ જોરદાર કપડાં અને ગાડી વાપરતા થઈ ગયા છે. ગાંધીજી અને સરદાર પટેલના વારસદારો કે નેતાજી સુભાષચંદ્રના વારસદારોએ ન તો બાપુનું નામ લીધું કે ન તો બાપનું નામ વાપર્યું ને આજના નેતાઓ અને સંતાનો આપણી સામે છે. શું આ લોકશાહી છે?

સમય સાથે બધું બદલાય અને બદલાવું જ જોઈએ, પણ આ બિચારી લોકશાહીની તો પથારી ફરી ગઈ છે. ભ્રષ્ટાચાર પુરબહારમાં છે અને ખાયકી પણ બરાબરની જાડી થઈ ગઈ છે. લોકશાહીની બદલે હવે તો સરમુખત્યારશાહી જેવું લાગે છે. ક્યાંય પણ પૈસા વિના કામ થાય નહીં, શું આને લોકશાહી કહેવાય? ત્રીસ કરોડમાંથી એકસોત્રીસ કરોડ થઈ ગયા આપણે, પણ લોકશાહી દિવસે-દિવસે મરી રહી છે અને પાતળી પડતી જાય છે. ચારેબાજુ નાત-જાત, ધર્મ-સંપ્રદાય હાવી થઈ રહ્યાં છે. અંગ્રેજો હિન્દુ-મુસ્લિમને સામસામાં ઊભા રાખીને ગયા હતા, પણ આપણે તો પટેલ, બ્રાહ્મણ, ઓબીસી, રાજપૂત, શિયા, સુન્ની અને હવે તો પટેલ-પટેલ, બ્રાહ્મણ-બ્રાહ્મણ સામેસામા આવી ગયા છે. મારો-મારો અને કાપો-કાપો. આ લોકશાહી. આડોશ-પાડોશ ને ગામેગામ, શહેર-શહેર એકબીજાને દુશ્મનો બનાવી દીધા. આ લોકશાહી.

કેમ આમ થયું? ડર લાગે છે. ઘણી વાર રડી પણ જવાય કે મારા દેશને શું થયું, કેમ આવું વાતાવરણ બની ગયું? મતભેદો હોઈ શકે, મનભેદો કેમ થાય? નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં, અંગત સ્વાર્થ ખાતર કપડાં ન બદલે એટલી વારમાં પાર્ટી બદલી નાખે. પાર્ટી એ કોઈ કંપની નથી કે અત્યારે આની નોકરી અને કાલે પેલાની નોકરી. પાર્ટી એ વિચારધારા છે અને વિચારધારા તો તમારી સાથે જોડાયેલી હોય. પણ ના, આ નેતાઓને એવું કંઈ નથી. એ તો વિચારધારા પણ ફટાક દઈને બદલી નાખે છે. આમ કેમ થયું? વિચારવું પડશે અને મહત્વનું એ છે કે જલદીથી એનો અમલ પણ કરવો પડશે. જેના હાથમાં શાસન આવ્યું એ બધાએ એનો વેપાર કર્યો. પૈસા માટે, સગાંવાદ માટે, સ્થાન માટે, અહમ્ માટે અને આ બધા વચ્ચે પ્રજા બિચારી ખોવાઈ ગઈ અને લોકશાહી છાજિયાં લેતી ખૂણામાં બેસી રહી.

આ આખી વાતના પાયામાં જવાની જરૂર છે. લોકતંત્રમાંથી ગુણતંત્ર ભુલાઈ ગયું. પહેલાં રાજાશાહી હતી, રાજા હોશિયાર તો સામે પ્રજા પણ હોશિયાર અને વફાદાર હતી. અંગ્રેજો આવ્યા અને બસ્સો વર્ષમાં એમણે રાજાશાહીની પથારી ફેરવી દીધી. એજ્યુકેશન બગાડી નાખ્યું. ભારતીય સંસ્કૃતિનું ખૂન કરી નાખ્યું. ઇતિહાસ બદલી નાખ્યો. અંગ્રેજોએ હિન્દુમાંથી મુસ્લિમ બનેલા ઝીણાને મોટા કરી દીધા અને એ ઉશ્કરણીનું પરિણામ એ આવ્યું કે ઝીણા પાકિસ્તાન-પાકિસ્તાન કરતાં થઈ ગયા અને પછી અંગ્રેજોએ પાકિસ્તાન આપી પણ દીધું. અંગ્રેજોએ એવી એજ્યુકેશન સિસ્ટમ ઊભી કરી કે જેમાં સંસ્કાર અને દેશપ્રેમની કોઈ વાત જ નહીં અને રાજા-પ્રજાનો વાદ તો ખતમ થઈ ગયો હતો એટલે આઝાદી પછી જે લોકો ચૂંટાયા તેમણે કોઈ જાતની સમજ વગર, લોકોની પરવા કર્યા વગર એજ્યુકેશન સિસ્ટમ પણ ચાલુ જ રહેવા દીધી. મને હંમેશાં થાય કે પટાવાળાની નોકરી માટે પણ બારમું પાસ જોઈએ, અહીંયાં વિધાનસભ્યો અને સંસદસભ્યો પણ અંગૂઠાછાપ ચાલે. સૌથી ભણેલા લોકોએ ખૂબ જ ભ્રષ્ટાચાર વધાર્યો અને ભ્રષ્ટાચાર વધારવા માટે પૈસાનો દુરુપયોગ કર્યો.

કરવું શું?

સામાન્ય રીતે સરસ રીતે જીવે, એમની સુખાકારી માટે કામ ક્યારે થશે? પ્રામાણિકતા ક્યારે આવશે? ભગવાનનો ડર માણસમાં ક્યારે આવશે? આનો ઇલાજ શું?

નાતજાતવાળા ગ્રુપ બનાવે છે. પૉલિટિશ્યન ગ્રુપ બનાવે છે. ધર્મ-સંપ્રદાય ગ્રુપ બનાવે, સાધુસંતો પણ ગ્રુપ બનાવે, પણ હવે સમય આવી ગયો છે કે તાલુકામાં, જિલ્લામાં, રાજ્યોમાં દેશપ્રેમ અને સત્યાગ્રહ માટે ગ્રુપ બને. હજાર લોકોનાં સો ગ્રુપ એવા બને કે સરકારી અધિકારી અને ચૂંટાયેલા અધિકારી પાસે હિસાબ માગે કે કામ કેમ થતાં નથી, પૈસા ક્યાં જાય છે અને જો આવાં ગ્રુપો બનશે તો રાજનીતિમાં ઈમાનદારી આવશે. દેશપ્રેમ પાછો આવશે. દેશપ્રેમ એક બિઝનેસ નથી, દેશપ્રેમ એ ધંધો નથી અને દેશપ્રેમ એ બાપુજીની પેઢી પણ નથી. દેશપ્રેમ માટે તમારે વાસ્તવિક બનવું પડશે અને પૈસા કમાઈ લેવાની માનસિકતા પણ કાઢવી પડશે. જે સમયે આ માનસિકતા કાઢવાની નેમ મનમાં જન્મશે એ સમયે દેશપ્રેમ આપોઆપ મનમાં પ્રગટ થશે અને દેશપ્રેમ પ્રગટ થશે તો અને તો જ મરવા પડેલી લોકશાહી નવેસરથી બિછાનેથી ઊભી થશે અને એને ઊભી કરવા માટે આપણે જ જાગવું પડશે. જાગવું પડશે અને લોકશાહીને જીવતી રાખવાના નામે જે કોઈ આંગણે આવીને ઊભું રહે એને પૂછવું પડશે કે તમે કયુર્ં શું અને એનાથી અમને શું ફાયદો થયો. વાતને ગંભીરતાથી લેજો.

આ પણ વાંચો : ઇતની શક્તિ હમેં દેના દાતા : મૅનિફેસ્ટોમાં કોણે કેટલો બકવાસ કર્યો એ પારખી શકું તો પણ ઘણું

અત્યારે આપણે ત્યાં લોકશાહીનું સૌથી મોટું પર્વ આવી ગયું છે. અત્યારે જ તમારી કિંમત થશે. આ પર્વ પૂરું થયા પછી તમને પાંચ વર્ષ કોઈ બોલાવવાનું નથી, કહો કે તમને ભૂલી જ જશે, પણ જો આજે જાગી ગયા હશો તો મત માગવા તમારે ત્યાં આવેલી વ્યક્તિ તમને ક્યારેય નહીં ભૂલે. તમને પણ નહીં ભૂલે અને દેશપ્રેમ પણ તેને ક્યારેય નહીં વીસરાય.

Sanjay Raval columnists