રાઇતામાં મીઠું (લાઇફ કા ફન્ડા)

20 February, 2020 06:20 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

રાઇતામાં મીઠું (લાઇફ કા ફન્ડા)

અવનિ અને વિવાન જમવા બેઠાં. અવનિએ આજે જાતે બિરયાની અને બુંદી-રાઇતું બનાવ્યાં હતાં. પહેલી ચમચી ખાઈને વિવાન ઊઠ્યો અને રસોડામાં ગયો. ફ્રિજમાંથી દહીં લઈને રાઇતામાં મિક્સ કરવા લાગ્યો અને ચમચી ફેરવતાં-ફેરવતાં જૂની બાળપણની યાદોમાં ખોવાઈ ગયો.

આજે ઘરે મમ્મી રાતે જમવામાં બિરયાની બનાવવાની હતી. ઘરમાં બધા સવારથી ખુશ હતા. સ્કૂલમાંથી આવીને વિવાને પૂછ્યું, ‘મમ્મી, બિરયાની બની ગઈ.’

મમ્મી બિરયાની મસાલા માટે બધા તેજાના શેકી રહી હતી એની સુગંધ ઘરમાં ફેલાયેલી હતી. મસાલા શેકતાં મમ્મી હસીને પછી બોલી, ‘ના બેટા, હજી તો મસાલો બનાવું છું. બધું શાક લાવી છું એ ઝીણું સમારીશ અને ધીમે તાપે બિરયાની બનશે. વાર લાગશે, પણ ચિંતા ન કર; તને રાતે જમવામાં બિરયાની ચોક્કસ મળશે બુંદી-રાઇતા અને પાપડ સાથે.’

વિવાન દૂધ પીને ભણવા બેઠો. રમવા ગયો અને રમીને જલદી ઘરે આવી ગયો. બધા જમવા બેઠા. રસોડામાંથી બિરયાનીની સોડમ બધાના મોઢામાં પાણી લાવી રહી હતી. મમ્મીએ બિરયાની, રાઈતું, પાપડ પીરસ્યાં અને પહેલી ચમચી ખાતાં જ પપ્પા ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ‘આ શું કેવું રાઇતું બનાવ્યું છે કેટલું મીઠું નાખ્યું છે, સાવ ખારું છે...’ મમ્મીએ જલદી રસોડામાં જઈને રાઇતું ચાખ્યું થોડું મીઠું વધારે હતું, પણ એમાં મોળું દહીં નાખવાથી રાઇતું બરાબર થઈ ગયું. મમ્મીએ બધાની ડિશમાંથી પીરસેલી રાઇતાની વાટકી લઈને નવી વાટકીમાં રાઇતું આપ્યું. બધાએ ચૂપચાપ જમી લીધું. જમતાં-જમતાં પપ્પા બોલ્યા, ‘તારા રાઇતાએ તો બિરયાની ખાવાનો બધો મૂડ ખરાબ કરી નાખ્યો.’ કોઈએ બિરયાનીનાં વખાણ પણ ન કર્યાં. મમ્મીએ ચૂપચાપ એકલાં જમી લીધું અને રસોડામાં જઈને તે વાસણ સાફ કરવા લાગી ત્યારે નાનકડા વિવાને જોયું કે મમ્મીની આંખમાં આંસુ હતાં.
વિવાનના નાનકડા મન પર આ વાત ચોટ કરી ગઈ કે પપ્પાએ મમ્મીની સવારથી કરેલી મહેનત ન જોઈ... સાવ નાનકડી ભૂલને અનદેખી ન કરી... મમ્મીને ખિજાયા. ઘરનું વાતાવરણ બગાડ્યું. મમ્મીને દુઃખ પહોંચાડ્યું એના કરતાં પોતે રાઇતામાં થોડું દહીં વધારે નાખી લીધું હોત તો અત્યારે મમ્મીની આંખમાં આંસુ ન હોત.

આ વાત વિવાનને યાદ આવી ગઈ, કારણ આજે તેની પત્ની અવનિએ જે બુંદી-રાઇતું બનાવ્યું હતું એમાં પણ સહેજ નહીં, પણ ઘણું વધારે મીઠું હતું, પણ વિવાન કંઈ ન બોલ્યો. ચૂપચાપ રાઇતાનો બોલ લઈને ઊઠ્યો અને રસોડામાં જઈને ફ્રિજ ખોલીને એમાં મોળું દહીં મેળવવા લાગ્યો. તે અવનિની આંખમાં આંસુ જોવા માગતો નહોતો. રાઇતામાં મીઠું વધારે છે એની ફરિયાદ અને ગુસ્સો કરવા કરતાં વધુ દહીં ભેળવી દઈને સંબંધોમાં પ્રેમ જાળવવો જરૂરી છે.

heta bhushan columnists