ધર્મ જીવન, જીવન કર્મ અને કર્મ જ જીવનનો મર્મ

14 February, 2020 07:00 PM IST  |  Mumbai Desk | Rashmin Shah

ધર્મ જીવન, જીવન કર્મ અને કર્મ જ જીવનનો મર્મ

તું તારો ધર્મ નિભાવ.
કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણએ અર્જુનને કહેલા આ શબ્દો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જે સમયે તમે તમારો ધર્મ ચૂકો છો એ સમયે કર્મ અને જીવનના મર્મની વ્યાખ્યા બદલાઈ જાય છે. પુષ્કળ, અઢળક અને અગણિત કિસ્સાઓમાં આ જોવા પણ મળ્યું છે. સિમ્પલ છે, તું તારો ધર્મ નિભાવ.
વાત સાથે આગળ વધીએ એ પહેલાં એક ચિંટુકડી સ્પષ્ટતા. કહેવાયેલી કે પછી અપાયેલી આ સલાહમાં ક્યાંય કોઈ સંપ્રદાયના ધર્મની વાત કરવામાં નથી આવી. ક્યાંય કોઈ ઉપવાસ કે એકટાણાને કેન્દ્રમાં રાખીને પણ કહેવામાં નથી આવ્યું અને મહાદેવને દૂધ ચડાવવાના કે પછી શત્રુંજયની પ્રદક્ષિણા કરવાના ભાવાર્થથી પણ અહીં ધર્મની વાત કરવામાં નથી આવી. ધર્મની, માનવજીવનના ધર્મની વાત કહેવામાં આવી છે અને એવા હેતુથી વાત કહેવામાં આવી છે કે આંખ સામે જે કાર્ય છે એ કાર્ય જ તારો ધર્મ છે અને તું તારો એ ધર્મ નિભાવ, તારો અને માત્ર તારો... ફક્ત તારો ધર્મ નિભાવ. નહીં વિચાર કર સામેના પક્ષનો, નહીં વિચાર ભવિષ્યનું. બસ, તારો ધર્મ નિભાવ અને તારો જ ધર્મ નિભાવ.
ધર્મ.
અર્થ, ભાવાર્થ અને ગૂઢાર્થ ધરાવતા આ એક શબ્દને ટીલાંટપકાં સાથે જોડીને રાખવાનો નહીં એવું પણ એ જ સમયે કૃષ્ણએ કહી દીધું હતું. બોલ્યા વિના જ, ઇશારાથી. તારે શું કામ કરવાનું છે એ સમજાવતાં-સમજાવતાં અને કર્મની જ મહત્તા છે એ પણ સમજાવતાં-સમજાવતાં. મહત્ત્વની કહેવાય એવી એ ક્ષણ હતી. ફિલ્મી ભાષામાં કહીએ તો મહાભારતનો એ પ્રી-ક્લાઇમૅક્સ હતો અને પ્રી-ક્લાઇમૅક્સમાં ઈશ્વર પોતે એવું કહી રહ્યા હતા કે તું તારો ધર્મ નિભાવ. જેના માટે તેં જન્મ લીધો છે એ હેતુને હવે આંખ સામે લઈ આવી એ હેતુને ધર્મ માની તું તારો ધર્મ નિભાવ. સવારે આંખો ખોલ્યા પછી સ્વામીબાપાનાં દર્શન કરવાનું રહી જશે તો ચાલશે, શાંતિપાઠનું પઠન નહીં કરવામાં આવે તો પણ ધરતીકંપ નથી આવી જવાનો અને એ બધાનો હિસાબ પણ હું નથી રાખવાનો. હું હિસાબ રાખીશ તો માત્ર એક જ વાતનો, તેં તારો ધર્મ નિભાવ્યો કે નહીં? તું તારા ધર્મથી કેટલો ચલિત થયો? જો એ હિસાબકિતાબની ચિંતા ન કરવી હોય, જો ચિત્રગુપ્તના એ આજીવન અકાઉન્ટની ફિકર કરવી હોય તો બધું છોડીને તું માત્ર ધર્મ નિભાવ. તારો ધર્મ, માત્ર તારો ધર્મ.
પત્રકારનો ધર્મ સાચી માહિતી બહાર લાવવાનો છે, ઓછામાં ઓછો ડર ફેલાવ્યા વિના બીમારને તંદુરસ્તી આપવી એ ડૉક્ટરનો ધર્મ છે, પ્રામાણિકતા સાથે મકાન બનાવવાનો ધર્મ બિલ્ડરનો છે અને નિષ્ઠા સાથે પ્રોજેક્ટને પરવાનગી આપવાનો ધર્મ અધિકારીનો છે અને એ પછી પણ આ ધર્મનો અમલ નથી થઈ રહ્યો. આ જ નહીં, આ સિવાયના પણ ધર્મ છે જેને કૃષ્ણએ માનવજીવનના ધર્મ સાથે સરખાવ્યા છે એ ધર્મને પણ ક્યાં પ્રામાણિકતા સાથે નિભાવવામાં આવી રહ્યા છે? બાપ પોતાનો ધર્મ ભૂલે છે અને દીકરો પોતાનો ધર્મ કોરાણે મૂકીને જીવે છે. વાઇફને પોતાનો ઈગો વહાલો છે એટલે તેનો ધર્મ કપાળ પર બાઝતી કરચલીઓમાં અકબંધ છે અને પતિદેવને પોતાના ઍટિટ્યુડ સાથે લગાવ છે એટલે તેનો ધર્મ દીવાલોમાં ચણાઈ ચૂક્યો હોય છે. ધર્મ જ્યારે ભુલાતો હોય છે ત્યારે એની પહેલી અસર સંબંધો પર પડતી હોય છે. ભુલાયેલા ધર્મના કારણે સંબંધો પર લાગતા આ ગ્રહણને પચાવવું અઘરું જ નહીં, આકરું પણ છે.
સાસુ વહુ સાથે વ્યવહાર નિભાવવા તૈયાર છે પણ એ નિભાવતી વખતે સાસુ પદ સાથે વારસામાં મળેલો ધર્મ શું છે એ દર્શાવવા તૈયાર નથી. સસરાને વહુની આંખોમાં ચમક જોવી છે પણ એ ચમકની અવેજીમાં તેણે કઈ રીતે દીકરાઓ વચ્ચે મતભેદ ઓછો કરાવીને ધર્મ નિભાવવો જોઈએ એ ભૂલી જાય છે. નણંદ ગમે તે ઘડીએ ઘરની માલિક બનીને વર્તવા માંડે છે અને ધર્મને હાંસિયા બહાર ધકેલી દે છે તો વહુ પણ ઇચ્છે ત્યારે છણકા કરીને પરાયાપણાનો કોર્સ બહારનો ધર્મ નિભાવવા તત્પર થઈ જાય છે.
ધર્મ જ્યારે વિસરાય, ધર્મ જ્યારે ભુલાય અને ધર્મ જ્યારે સમજણની બહાર નીકળી જાય ત્યારે એક નહીં અનેક વિટંબણાઓને આહવાન આપી દે છે. ધર્મ નિભાવવાનો હોય, ધર્મને અનુસરવાનું હોય; પણ ના, એવું નથી થતું. જે સંસાર છોડીને સાધુત્વ અપનાવ્યું છે એ જ સંસારમાં ચંચુપાત કરીને સાધુ પોતાનો ધર્મ ભૂલે છે અને સંસારમાં રહીને પણ સાધુઓના રાજકારણમાં પૂરતો રસ લેનારા શ્રેષ્ઠીઓ પોતાનો ધર્મ ભૂલે છે. ઑફિસમાં કામચોરી કરીને ધર્મને ડસ્ટબિનમાં મૂકનારાઓ પણ છે અને ઑફિસમાં સુખ શોધીને પરિવાર પ્રત્યેનો પોતાનો ધર્મ ચૂકનારાઓની પણ ખોટ નથી. ધર્મ. જીવમાત્રને એનો ધર્મ આપવામાં આવ્યો છે. ભસવું એ કૂતરાનો ધર્મ છે અને લાત મારવી એ ગધેડાનો ધર્મ છે.
હાથમાં માળા હોવી એ ધર્મ નથી, જવાબદારીની સભાનતા હોવી એ ધર્મ છે. પૂજાની થાળી હાથમાં હોવી એ ધર્મ નથી, સસ્મિત જીવવાની ભાવના હોવી એ ધર્મ છે. મોઢામાં નવકાર મંત્રનું પઠન કરવાનો અર્થ ધર્મપારાયણતા નથી, ન ગમતા સંબંધો પ્રત્યે સંયમભાવ રાખવો એ ધર્મ છે. મંદિરમાં જઈને શનિમહારાજને તેલમાં સ્વિમિંગ કરાવવાની ક્રિયામાં ધર્મભાવ નથી અને શુક્રને ખુશ કરવા માટે સફેદ વાઘા પહેરવામાં પણ ધર્મ નથી. ધર્મ જીવન છે, જીવન કર્મ છે અને કર્મ જ જીવનનો મર્મ છે. એકમાત્ર મર્મ અને એટલે જ જ્યારે પણ ધર્મ શબ્દ કોઈના મોઢે સંભળાય ત્યારે શ્રીમદ ભગવદ્ગીતામાં કહેવાયેલા પેલા શબ્દો યાદ આવી જાય છેઃ
તું તારો ધર્મ નિભાવ. તારો અને માત્ર તારો ધર્મ...

Rashmin Shah columnists