પાકિસ્તાનને પણ મળી ગયો છે કચ્છની મહિલાઓની બહાદુરીનો પરચો

19 November, 2019 03:23 PM IST  |  Mumbai | Vasant Maru

પાકિસ્તાનને પણ મળી ગયો છે કચ્છની મહિલાઓની બહાદુરીનો પરચો

માધાપર વીરાંગના સ્મારક

સલમાન ખાન અભિનીત (સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત) હિન્દી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’, ઑસ્કાર માટે નોમિનેટ થયેલી આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘લગાન’, હાલમાં જ નૅશનલ અવૉર્ડ મેળવી ચૂકેલી ગુજરાતી સુપરહિટ ફિલ્મ ‘હેલ્લારો’ આ બધી ફિલ્મોમાં કૉમન ફૅક્ટર છે ‘કચ્છ’. આ બધી ફિલ્મોનું શૂટિંગ કચ્છમાં થયું છે. હિન્દી ફિલ્મો માટે કચ્છ જાણે બરકત ફૅક્ટર છે તો માર્ચ ૨૦૨૦માં રજૂ થનાર અજય દેવગન પ્રોડક્શનની અજય દેવગન અને સંજય દત્ત અભિનીત ‘ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ ફિલ્મ કચ્છની બહાદુર પાટીદાર સ્ત્રીઓની સત્ય ઘટના છે. ભુજ નજીક આવેલા માધાપર અને આજુબાજુનાં ગામોની ૩૦૦ જેટલી વીરાંગનાઓએ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં દાખવેલા શૌર્યને દિગ્દર્શક અભિષેક સુંદર રીતે કંડારી રહ્યા છે. 

‘ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’નું શૂટિંગ કચ્છના માંડવી તાલુકાના કાઠળા ગામ પાસે સતત બે મહિના ચાલ્યું. આ બે મહિના સુધી કલાકારો કચ્છમાં રહી જાણે કચ્છના પ્રેમમાં પડી ગયા. માધાપર ગામની એક વિશેષતા ખાસ નોંધવાલાયક છે. માધાપરના અસંખ્ય પાટીદારો અમેરિકા, ઇંગ્લૅન્ડ, આફ્રિકા ઇત્યાદિ દેશોમાં રહી કન્સ્ટ્રક્શન, હોટેલ, મોટેલ, ઓલ્ડ એજ હોમ ચલાવીને ડૉક્ટર, એન્જિનિયર તરીકે સેવા આપીને નામ અને દામ કમાયાં છે, પણ તેમના દિલમાં વતનની ખુશ્બૂ છલોછલ ભરાયેલી છે. એટલે જ વિદેશોમાં કમાઈને ધન માધાપરની બૅન્કોમાં ડિપોઝિટ તરીકે મૂકે છે. ધીરે-ધીરે કરતાં માધાપર નામના નાના ગામની બૅન્કો પાસે ૨૦૦૦ કરોડથી વધુ રૂપિયાની વિદેશી થાપણો છે. એટલે જ એશિયાની સૌથી વધુ ધનિક બૅન્ક ધરાવતા ગામ તરીકે માધાપરની ઓળખ બની ગઈ છે. પાછા વિદેશમાં વસતા પાટીદારો અવારનવાર ભારત આવી મબલખ પૈસા ખર્ચીને દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવે છે.

ધાર્મિક પ્રવાસ કેન્દ્ર તરીકે પણ માધાપરનો સારો વિકાસ થયો છે. એનું કારણ છે ગામમાં યક્ષ (જખ)નું મંદિર. કચ્છમાં આવતા અસંખ્ય પ્રવાસીઓ આ મંદિરનાં દર્શન કરવા આવે છે. એક દંતકથા મુજબ વર્ષો પહેલાં અરબીસ્તાનના પ્રવાસીઓ એક વહાણમાં બેસી દરિયામાં મુસાફરી કરી રહ્યા હતા. કચ્છના જખૌ બંદર પાસે આ વહાણનો અકસ્માત થતાં વહાણ ભાંગી ગયું અને ગોરા, કદ-કાઠીમાં ઊંચા ૭૨ જેટલા પ્રવાસીઓ બચીને જખૌ બંદર પર ઊતર્યા. ત્યાંથી ફરતાં-ફરતાં કચ્છના નખત્રાણા પ્રદેશમાં આવ્યા. કકડભટ્ટ નામના એ પ્રદેશના રાજવીઓ જુલમી અને ક્રૂર હતા. પ્રજા ઉપર ખૂબ અત્યાચાર કરતા. આ ગરીબડી પ્રજાને જુલમથી બચાવવા એ વિદેશીઓએ લડાઈ કરી. લડાઈમાં વીરગતિ પામ્યા, પણ પ્રજા રંજાડમાંથી મુક્તિ પામી એટલે મુક્તિ આપનાર તે વિદેશીઓને કચ્છની પ્રજા પીર તરીકે પૂજવા લાગી. જખૌ પર ઊતર્યા હોવાથી જખ તરીકે પ્રસિદ્ધ થયા. આ જખનું એક મંદિર માધાપર ગામમાં પણ છે, જેને કારણે માધાપરનો પ્રવાસકેન્દ્ર તરીકે વિકાસ થયો છે.

સ્વતંત્રતા બાદ પાકિસ્તાને પોતાના જ દેશના પૂર્વ ભાગમાં (પૂર્વ પાકિસ્તાન) અસંખ્ય અત્યાચાર આદર્યા. પાકિસ્તાન લશ્કરના જનરલ અને સૈનિકોએ બેફામ બની ઢાકા અને આજુબાજુના વિસ્તારોમાં કાળો કેર વર્તાવ્યો. હજારો સ્ત્રીઓની લાજ લૂંટી, પોતાના જ દેશના અસંખ્ય નાગરિકોને ગોળીથી વીંધી નાખ્યા. લૂંટફાટ મચાવી પોતાના જ દેશના પૂર્વ વિસ્તાર પર ચાલેલા આ અત્યાચારોને કરાચી (પાકિસ્તાનની રાજધાનીસમુ શહેર)ના આગેવાનોનો, નેતાઓનો ખુલ્લો ટેકો મળ્યો.

અત્યાચારથી ત્રાસી ટોળાં ને ટોળાં શરણાર્થી તરીકે ભારતમાં આવવાં લાગ્યાં. પરિણામે ચાણક્ય સમાન ચતુર વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાન (આજના બંગલા દેશ)ની મુક્તિ માટે મદદ કરી. ઇન્દિરા ગાંધીની આ તરફેણથી ઘૂંઘવાયેલા પાકિસ્તાને અચાનક ૧૯૭૧ની ચોથી ડિસેમ્બરે ભારત સામે યુદ્ધ જાહેર કર્યું.

૧૯૭૧માં ભારત શસ્ત્રો અને સરંજામ બાબતે બહુ વિકસિત નહોતું. સામે પક્ષે પાકિસ્તાનને અમેરિકાનો સપોર્ટ હતો. યુદ્ધનાં મર્યાદિત સાધનો હોવા છતાં આપણા બહાદુર સૈન્યએ પાકિસ્તાન પર વિજય મેળવી બંગલા દેશને પાકિસ્તાનથી અલગ પાડી દીધું.
આ યુદ્ધમાં કચ્છ એક મહત્ત્વનું કેન્દ્ર હતું. કચ્છ અને કરાચી વચ્ચે બહુ ઓછું અંતર છે એટલે પાકિસ્તાને કચ્છ પર વારંવાર હુમલાઓ કરી ૯૫-૧૦૦ બૉમ્બથી ધરતીને ધ્રુજાવી દીધી હતી. આ હુમલાઓથી ભુજ ઍરપોર્ટ તદ્દન પાંગળી અવસ્થામાં આવી ગયું. રનવે પર મોટા-મોટા ખાડા પડી ગયા. પાકિસ્તાનીઓ જાણતા હતા કે કરાચી સલામત હશે ત્યાં સુધી પાકિસ્તાન સલામત હશે એટલે કરાચી નજીકના ભારતીય શહેરના ઍરપોર્ટ પર ખાનાખરાબી સર્જવી જરૂરી હતી.

ભુજ ઍરોડ્રામને સખત નુકસાન પહોંચાડ્યું ત્યારે કચ્છના કલેક્ટર ગોપાલ સ્વામી અને સ્ક્વૉડ્રન લીડર કર્ણીકે ભુજ નજીકના માધાપર ગામના સરપંચ અને આગેવાનો પાસે મદદ માગી. પરિણામે માધાપર અને આસપાસની ૩૦૦ બહેનો દુશ્મનોને જાણે લલકારતી હોય એમ દિલમાં દેશદાઝ અને ખુમારીભરી આડકતરી રીતે પાકિસ્તાનના હવાઈહુમલાઓ સામે રણમેદાને ચડી. આ બહેનો કોઈ સૈન્ય સ્કૂલમાં તાલીમ પામેલી સૈનિકો ન હતી, પણ જખદેવનું સ્મરણ કરતાં-કરતાં ત્રણ દિવસ સુધી ભુજ હવાઈ પટ્ટી (રનવે)નું સમારકામ કરતી રહી. જેવી સાઇરન વાગે અને દુશ્મનોનું આક્રમણ આવે એટલે આજુબાજુની ઝાડીઝાંખરામાં કે ખાડાઓમાં છુપાઈ જાય. દુશ્મનનાં વિમાનો પાછાં ચાલ્યાં જાય કે તરત જ રનવેની મરમ્મત-રિપેરિંગ ચાલુ કરી દે. આમ જીવના જોખમે ભારતીય હવાઈ સેનાને માલ-સામાન-સૈનિકોની હેરાફેરી માટે અને દુશ્મનો પર આક્રમણ માટે રનવેને રિપેર કરતી રહી. અંતે યુદ્ધમાં ભારતનો વિજય થયો અને આ પાટીદાર નારીઓ પોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગઈ.

આ બહાદુર કચ્છી નારીઓની વીરકથા સાંભળી વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની આંખો હર્ષથી ભીની થઈ ગઈ હતી. દેશભરમાં તેમનાં પ્રવચનોમાં આ વીરાંગનાઓની વાત કહેતા.

૧૯૭૨ના જાન્યુઆરીમાં ભુજ ખાતે આ નારીઓનું બહુમાન ઇન્દિરા ગાંધીએ કર્યું. આ બહેનોની વીરતાની જાણ જગત આખાને થાય માટે ૨૦૧૫માં ભારતના સંરક્ષણપ્રધાન સ્વ. મનોહર પર્રિકરે વિરાંગના સ્મારક બનાવીને લોકો માટે ખુલ્લું મૂક્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૭માં ૬૮માં પ્રજાસત્તાક પરેડમાં આમાંની કેટલીક બહેનોને હાજર રાખી રાષ્ટ્રનું ધ્યાન દોર્યું હતું. ત્યારે ઇતિહાસના પેટાળમાં દબાઈ ગયેલી આ યુદ્ધ ઘટનાને અજય દેવગને રૂપેરી પરદે રજૂ કરી આ ૩૦૦ પરાક્રમી બહેનોને રજૂ કરવા સ્વપ્ન જોયું.

માભોમ માટે વીરતા દાખવનાર કચ્છી વીરાંગનાઓને ‘મિડ-ડે’ના કચ્છી કૉર્નર વતી સલામી આપી, પૂરક માહિતી માટે સહયોગ આપનાર દીપક દેવજી માકાણીનો આભાર માની વીરમું છું. અસ્તુ.

kutch columnists