પદ્મશ્રીને સરિતાબહેન મળ્યાં

21 February, 2020 08:29 AM IST  |  Mumbai Desk | Jamnadas Majethia

પદ્મશ્રીને સરિતાબહેન મળ્યાં

હા, આ હેડિંગની પંક્તિ ખરેખર સાચી છે. પદ્મશ્રીને સરિતા જોશી મળ્યાં. ગુજરાતી કમ્યુનિટીમાં ૩૦ પ્લસનું કોઈ એવું નહીં હોય જેને સરિતા જોશી કોણ છે એ ખબર નહીં હોય. એન્ટરટેઇનમેન્ટની દુનિયાની ભાષામાં કહું તો સરિતા જોશી ગુજરાતી રંગભૂમિનાં અને હિન્દી સિરિયલ જગતના અમિતાભ બચ્ચન કહેવાય.
વર્ષોથી હું વિચારતો હતો કે પદ્મશ્રી કે પદ્મભૂષણ કોને મળે, શું કામ મળે?
આપણને બધાને નાટક, ફિલ્મ, સિરિયલના અવૉર્ડની અને બહુ-બહુ તો ઑસ્કરની ખબર હોય; પણ આ પદ્મ અવૉર્ડના ક્રાઇટેરિયા ખબર નહોતી. હજી પણ ખબર નથી પણ હા, ક્યારેક-ક્યારેક આ અવૉર્ડનું નામ વાંચતો કે અમુક લોકોનાં નામ વાંચતો ત્યારે મને પ્રશ્ન થતો કે સરિતાબહેનને કેમ હજી સુધી આ અવૉર્ડ નથી મળ્યો?
અને આ વર્ષે મળ્યો.
મારી વાત માનજો, સરિતાબહેનને અને તેમની ફૅમિલીને પદ્મશ્રીની અનાઉન્સમેન્ટ પછી જેટલી ખુશી થઈ હશે એટલી જ મને થઈ, તસુભાર પણ ઓછી નહીં. કોઈ સમજે કે ન સમજે, માને કે ન માને પણ મેં જ્યારે સરિતાબહેનને અભિનંદન આપવા ફોન કર્યો ત્યારે તે મારી ખુશી બરાબર સમજી શક્યાં હતાં.
સરિતાબહેન. સરિતા જોશી.
મારા માટે તે દંતકથા સમાન છે. એક જમાનામાં હું તેમનો ફૅન હતો. હું શું, બધા હતા. કયો એવો ગુજરાતી હોય જેણે નાટકો જોયાં હોય અને તેમનો ફૅન ન થયો હોય. કયા નાટકના પ્રેક્ષકને ‘સંતુ રંગીલી’ની ખબર ન હોય અને એ સમયમાં, એ જમાનામાં માત્ર નાટકો જ હતાં. ફિલ્મો હતી, પણ આજે જે પ્રકારે ફિલ્મો અને ટીવી ભેગાં કરીએ એ લેવલ પર અને જે પ્રકારનું આજે કામકાજ થઈ રહ્યું છે એવું જ મોટું કામ ત્યારે નાટક ક્ષેત્રે થતું અને સરિતાબહેન નાટક, ફિલ્મ અને ટીવી પણ એમ ત્રણેત્રણ ક્ષેત્રે સુપરસ્ટાર કહેવાય એવો તેમનો ત્યારનો ફેઝ હતો. ત્યાર પછી તેમણે ખૂબ બધાં નાટકો કર્યાં. અનેક નાટકોને અકલ્પનીય સફળતા મળી.
મારી વાત પર આવું તો મેં કહ્યું એમ હું હંમેશાં તેમનો ફૅન જ હતો, થિયેટર કરીએ એટલે ક્યાંક ને ક્યાંક તેમની સાથે ભેટો થઈ જાય. સરિતાબહેને નાનુંમોટું કામ જોયું હતું, તેમણે ‘સૂર્યવંશી’ જોયું હતું એટલે મળે ત્યારે કહે કે તું સારો કલાકાર છે.
તેમના મોઢે આ વાત સાંભળીએ એટલે આપણો તો દિવસ બની જાય, લાઇફ બની જાય. દિવસ શું, દુનિયા બની જાય.
એકાદ વાર મેં તેમના દિગ્દર્શન હેઠળ એક કલાકારનું રિપ્લેસમેન્ટ કર્યું હતું. એ સમયે તેમણે મને તેમની દીકરી સામે એવું કહ્યું હતું કે જો આને કલાકાર કહેવાય. મારા માટે તો એ મેડલ હતો.
એક વાર એવો મોકો મળ્યો કે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના એક કાર્યક્રમ દરમ્યાન કર્ટનની બહાર આવીને રંગલો અને રંગલી કહી શકાય એવાં બે પાત્ર હતાં. આ બે પાત્રમાંથી એકમાં સરિતાબહેન અને બીજામાં હું. મારા માટે બહુ મોટી વાત હતી. એ ભજવ્યું તો ઠીક પણ જ્યારે પાછાં આવતાં હતાં ત્યારે આતિશ કાપડિયા, હું અને સરિતાબહેન એક ગાડીમાં ટ્રાવેલ કરતાં હતાં. એ સમયે સરિતાબહેને એક વાક્યમાં કહ્યું કે આતિશ અને તમે બહુ સારું કામ કરો છો. મારા માટે કંઈક લખોને, કંઈ સારું હોય તો આવજો મારી પાસે.
અમને થયું આ તો બહુ મોટી વાત છે. બે કે ત્રણ દિવસ થયા હશે. આતિશ મને ફોન કરીને વિષય સંભળાવે છે અને કહે છે કે હવે શું કરીએ? 
મેં તો કીધું, ‘ચાલો, સરિતાબહેનના ઘરે’.
સરિતાબહેનને ફોન કર્યો કે અમે તમને મળવા માગીએ છીએ. એ જ દિવસની સાંજે અમે તેમના ઘરે તેમની સામે બેઠા હતા. અમે તેમને એક સ્ક્રિપ્ટ સંભળાવી. તેમને ગમી ગઈ પણ તરત જ અમને એક સવાલ કર્યો. આટલાં વર્ષોના અનુભવી અને વિઝનરી એટલે તેમણે મુદ્દો બરાબર પકડી લીધો હતો. સરિતાબહેને સવાલ કરતાં કહ્યું કે આ સબ્જેક્ટમાં ફૅન્ટસી છે અને ફૅન્ટસી ગુજરાતી રંગભૂમિ પર હજુ સુધી ચાલી નથી. મને તો આ રોલ બહુ ગમે છે અને વાત પણ બહુ સરસ છે પણ તમારા માટે બહુ મોટું રિસ્ક થઈ જશે, તમે એ રિસ્ક લેવા માગશો?
અમે કીધું કે હા, અમારે એ રિસ્ક લેવું છે અને અમારી રીતે, અમારા વિચારો મુજબ નાટક બનાવવાં છે અને આગળ કામ કરવું છે. જો અમને ગમ્યું એ તમને પણ ગમ્યું હોય તો અમારે આ નાટક કરવું છે.
‘ડન.’
તેમણે જવાબ આપ્યો અને તેમના ‘ડન’ સાથે સર્જન થયું ‘થૅન્ક યુ કોકિલા’નું.
પહેલો શો એટલોબધો સારો ગયો નહોતો જેટલા એ પછીના શો ગયા. ઇમ્પ્રોવાઇઝ કરતાં-કરતાં અમે આગળ વધ્યા અને માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી સાથે થોડા શો પછી નાટક સુપરહિટ થયું.
સરિતાબહેન સતત કો-ઑપરેટ કરે, સજેશન આપે, કરાવીએ એટલાં રિહર્સલ્સ કરે અને તમને ક્યારેય એવી અનુભૂતિ ન થાય કે ન થવા દે કે તે ખૂબ મોટા સ્ટાર છે. સરિતાબહેન સાથે કામ કરીને એ સમજાયું કે તે સાચા અર્થમાં સ્ટાર છે. પોતાના રોલ પૂરતો જ નહીં, મેકિંગમાં પણ ઇન્ટરેસ્ટ લે. પોતાનો અનુભવ ટેબલ પર લાવે અને તમને એવો કૉન્ફિડન્સ આપે કે તમે તમારું બેસ્ટ આપી શકો, બધાને છાજતી કૃતિ બનાવવામાં મદદ કરે. સરિતાબહેનની આ અને આવી ક્વૉલિટીની વાતો આગળ પણ આવતી જ રહેવાની છે એટલે આપણે મૂળ ટૉપિકને આગળ વધારીએ.
‘થૅન્ક યુ કોકિલા’ હિટ થયું એટલે અમને ચારે બાજુએથી શોની ઑફર આવે. એ સમયે હું સામાજિક સંસ્થાના શો કરું નહીં, મહિલામંડળના પણ શો લેવાના નહીં. શો માટે ઑફર આવે તો હું તેમને સમજાવું કે તમે એકલા આ શો જોઈ લેશો તો પછી તમારા હસબન્ડ અને ફૅમિલી રહી જશે એટલે તમે તમારા હસબન્ડને લાવો અહીં, ફૅમિલીને લાવો. બહુ સુંદર ફૅમિલી નાટક છે, તમારે બધાંએ સાથે મળીને જોવું જોઈએ.
ચૅરિટી શો થાય નહીં એટલે શોની ઍવરેજ ન મળે. જનરલી મોટા સ્ટાર હોય તેમને એવું હોય કે નાટક બહુ ચાલે. સરિતાબહેનને પણ એવું થાય કે નાટક બહુ ચાલે, ખૂબબધા શો કરે પણ તે મને ક્યારેય કશું કહે નહીં. ક્યારેય અણછાજતી વાત નીકળે તો પણ મને કહે કે તને જેમ કરવું હોય એમ શો કરજે. ખુશ થઈને કહે પણ ખરાં કે તું બધા કરતાં જુદી રીતે વિચારે છે એ મને નિર્માતા તરીકે બહુ ગમે છે.
‘થૅન્ક યુ કોકિલા’માં મારું પાત્ર એવું કે હું નાટકના પહેલા સીનમાં જ મરી જાઉં છું અને પછી મારામાંથી સરિતા જોશી ઊભાં થાય. મારા માટે તો એક અલગ જ કિક હતી. આપણામાંથી સરિતાબહેન બહાર આવે એ વાત આજે પણ મારાં રૂંવાડાં ઊભાં કરી દે છે, આજે પણ મને ઝણઝણાટી આપી જાય છે.
આ નાટકના શો દરમ્યાન જ્યાં-જ્યાં શો થયા ત્યાં હું સરિતાબહેન સાથે જતો. મેં પહેલી વાર સરિતાબહેન જોડે ટ્રાવેલ કર્યું હતું. ‘થૅન્ક યુ કોકિલા’ અને ‘એકબીજાને ગમતાં રહીએ’માં હું તેમની સાથે અમેરિકા પણ ગયો. અમેરિકાના અનુભવો અને એ સિવાયની તેમની સાથેના અનુભવોની વાતો કરીશું આવતા શુક્રવારે.

padma shri columnists JD Majethia