કાંદાની કરમકહાની

08 December, 2019 01:25 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કાંદાની કરમકહાની

કાંદા

ગૃહિણીઓના રસોડાથી લઈને સંસદભવન સુધી જે‍ના નામની બૂમાબૂમ થઈ રહી છે એ કાંદા આપણા જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે. કાંદાની મોકાણે ભૂતકાળમાં પણ સામાન્ય પ્રજા અને ખેડૂતોને ખૂબ રડાવ્યા છે ત્યારે સ્વાદ અને સ્વાસ્થ્યનું સુમેળ ધરાવતા આ કંદમૂળની ખેતી, વિવિધ જાત અને ઉપયોગિતા સહિતની તમામ જાણકારી મેળવીએ...

કામદાર વર્ગના લોકોની થાળીમાં અથાણાં, ચટણી અને સૅલડની ગરજ સારતા કાંદાએ ફરી આંખમાં પાણી લાવી દીધાં છે; ટાઢો રોટલો, શાક અને બાજુમાં કાંદાનો ટુકડો તેમનું સ્ટૅપલ ફૂડ છે. ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી એટલે કે કાંદાના ભાવે અત્યારે આખા દેશમાં બુમરાણ મચાવી છે. કાંદા જીવનજરૂરિયાતની વસ્તુ છે અને આ લખાય છે એ દિવસે મુંબઈમાં કાંદાનો ભાવ ૧૫૦ રૂપિયે કિલો પહોંચી ગયો છે. આકાશને આંબતા ભાવવધારાથી મધ્યમવર્ગીય ગૃહિણીઓનું રસોડાનું બજેટ હલી ગયું છે.

કાંદા-પ્રકરણ પર સંસદમાં હોબાળો મચતાં સરકારે તાત્કાલિક પગલાં લઈને એના નિકાસ પર હાલ તરત પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટૉકની લિમિટ નક્કી કરવામાં આવી છે. ભાવવધારાને કાબૂમાં રાખવા સરકારે ટર્કી અને ઇજિપ્તથી કાંદાની આયાત કરવાની બાંયધરી પણ આપી છે. જૂના કાંદાનો મર્યાદિત સ્ટૉક, કમોસમી વરસાદ, કાંદાના જથ્થાબંધ વેપારીઓ અને સંગ્રહખોરોની મિલીભગત, ટૅક્સ, કમિશન અને સરકારી નીતિઓના કારણે બજારમાં કાંદાની અછત વર્તાઈ રહી છે. સરકારનું કહેવું છે કે આવક કરતાં માગ વધુ હોવાને લીધે ભાવ ઊંચકાયા છે. સાચું-ખોટું રામ જાણે, પણ હાલમાં તો કાંદાના ભાવ જોઈને પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ છે.

અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ અને હવામાનના પરિવર્તનથી કાંદાના પાકને નુકસાન થતું હોય છે એથી દર વર્ષે અંદાજે ૫૦,૦૦૦ ટનનો બફર સ્ટૉક રાખવામાં આવે છે છતાં ભારતમાં કાંદાની મોકાણ ૮૦ના દાયકાથી ચાલી આવે છે. આપણા દેશમાં દર વર્ષે કાં તો કાંદાની તંગી સર્જાય છે અને કાં તો ખેડૂતો કાંદાને રસ્તા પર ફેંકી દે છે. ખેડૂતોની ફરિયાદ છે કે સરકારના ઉદાસીન વલણને લીધે ચાર મહિનાની સખત મહેનત બાદ કાંદાના વાજબી ભાવ ઊપજતા નથી. ખેડૂતોના માથે લોનનો ભાર હોય છે એથી નિકાસ પર રોક તેમને હતાશ કરી મૂકે છે. દેશની પ્રજા અને ખેડૂતો પિસાય અને વચેટિયાઓ મલાઈ ઝાપટી જાય એ આ દેશમાં નવી વાત નથી અને એથી જ કાંદાની કઠણાઈએ દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

રાજકીય મુદ્દો

વાસ્તવમાં કાંદાનો મુદ્દો હંમેશાં સંવેદનશીલ રહ્યો છે. ૧૯૭૭ની ચૂંટણીમાં પડછાટ ખાધા પછી કૉન્ગ્રેસને ફરીથી સત્તામાં આવવાની તક કાંદાને કારણે મળી હતી. ૧૯૮૦ના ચૂંટણીપ્રચારમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી કાંદાના ભાવવધારાને મુખ્ય મુદ્દો બનાવીને ચૂંટણી જીત્યાં હતાં. આ ચૂંટણીને પ્રજાએ ‘અન્યન-ઇલેક્શન’ નામ આપ્યું હતું. એ જ રીતે ૧૯૯૮માં દિલ્હીમાં કાંદાની કારમી તંગી અને ભાવવધારાના લીધે ભારતીય જનતા પક્ષે દેશની રાજધાનીમાં પોતાનો અંકુશ ગુમાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે સત્તાધીશ અને વિરોધ પક્ષ બન્નેએ કાંદાની માગ અને પુરવઠાને લઈને એકબીજા પર દોષારોપણ કરતાં હોર્ડિંગ મૂક્યાં હતાં. કાંદાની ઇરાદાપૂર્વક કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે એવા આક્ષેપોએ ચૂંટણી ગજાવી હતી. ૨૦૧૩માં દિલ્હીમાં કાંદાના ભાવવધારાએ શીલા દીક્ષિતની સરકારને સંકટમાં મૂકતાં તેઓ આગામી વિધાનસભાનું ઇલેક્શન હારી ગયાં હતાં.

 સત્તા ઊથલાવી નાખવાની તાકાત ધરાવતા કાંદાને સામાન્ય શાકભાજીની શ્રેણીમાં તો ન જ મૂકી શકાય. કાંદા સાથે આપણો ઘણો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે અને એ માત્ર રસોડામાં જ નહીં, દવા તરીકે પણ વપરાય છે. આયુર્વેદમાં કાંદાને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. અત્યારે ચારે બાજુ કાંદાની બૂમાબૂમ સંભળાઈ રહી છે ત્યારે એના ઇતિહાસ, ખેતી, જુદી-જુદી જાત, સ્વાદ અને હેલ્થ બેનિફિટ્સ વિશે પણ થોડું જાણી લઈએ.

કાંદાનો ઇતિહાસ

આજથી લગભગ સાડાપાંચ હજાર વર્ષ પહેલાં એશિયામાં કાંદાની ખેતી થઈ હતી એવો ઉલ્લેખ છે. કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કાંદાનું મૂળ વતન મધ્ય એશિયા છે. ઈરાન અને પાકિસ્તાન (એ વખતે ભારતખંડ)માં બેબિલોનિયન કલ્ચર સાથે કાંદાનો પ્રવેશ થયો હતો. તો વળી કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે હજારો વર્ષ પહેલાં ભારત, ઇજિપ્ત, ચીન અને સુમેરિયામાં કાંદાનું વાવેતર થતું હતું. કાંદાના મૂળ દેશ વિશે મતમતાતંર પ્રવર્તે છે, પરંતુ એટલું ચોક્કસ કે કાંદાનો જન્મ એશિયામાં થયો છે. એશિયાનું ક્લાઇમેટ કાંદાના ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે તેમ જ એનો સંગ્રહ સરળ છે. એશિયાના તાપમાનમાં અન્ય શાકભાજી કરતાં કાંદાની લાઇફ વધુ હોવાથી રસોઈમાં એનો બહોળો ઉપયોગ થવા લાગતાં કાંદાની ખેતીને પ્રોત્સાહન મળવા લાગ્યું અને ત્યારથી સમસ્ત એશિયા ખંડની પ્રજા માટે કાંદા જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઈ છે.

કાંદાની ખેતી   

વ્યાવસાયિક અને આર્થિક દૃષ્ટિએ જોઈએ તો કાંદાની ખેતી મહત્વપૂર્ણ છે. સરકારી આંકડા અનુસાર એશિયામાં કાંદાની સૌથી મોટી જથ્થાબંધ બજાર મહારાષ્ટ્રના લાસલગાવમાં છે. અહીંથી જ આખા દેશમાં કાંદા સપ્લાય થાય છે. નિકાસના ઑર્ડરો અને જથ્થાબંધ સોદા પણ અહીં જ થાય છે. ભારતમાં કાંદાના કુલ ઉત્પાદનનો ૫૦ ટકા હિસ્સો મહારાષ્ટ્રના નાશિક જિલ્લાનો છે. આ સિવાય કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ સારું ઉત્પાદન થાય છે. આપણા દેશમાં મુખ્યત્વે રવી પાક (શિયાળુ પાક)માં કાંદાની ખેતી થાય છે. કેટલાંક રાજ્યો ખરીફ પાક પર પણ આધાર રાખે છે.

કાંદાની ખેતી માટે સમશીતોષ્ણ (ન વધુ ઠંડી, ન વધુ ગરમી) તાપમાનની આવશ્યકતા પડે છે. રવી પાક માટે ઑક્ટોબરથી નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધીમાં ખેતરમાં બીજ વાવવામાં આવે છે. સામાન્ય રીતે દરેક પ્રકારની સમથળ અ‌ને ફળદ્રુપ જમીન પર કાંદાનો પાક લઈ શકાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળા કાંદાની ખેતી માટે જળસિંચાઈની ઉત્તમ વ્યવસ્થા, દોમટ માટી તેમ જ જીવાંશ ખાદ્યની પ્રચુર માત્રા ધરાવતી જમીન શ્રેષ્ઠ કહેવાય. અધિક ક્ષાર ધરાવતી જમીનમાં કાંદાની વૃદ્ધિ થતી નથી. કાંદાનાં વિવિધ કદ, ગંધ અને તીખાશનું કારણ જમીનની ફળદ્રુપતા અને બીજ પર નિર્ભર છે. એક હેક્ટર જમીન પર આશરે ૧૫ કિલો બીજની જરૂર પડે છે અને ૪૦૦ કિલો કાંદા ઊપજે છે.

જુદી-જુદી જાત

કાંદામાં આમ તો ઘણી જાત આવે છે; પરંતુ ભારતમાં લાલ, પીળા અને સફેદ મુખ્ય છે. કાંદાની સ્કિન અનુસાર એનું વિભાજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઘરના રસોડામાં લાલ કાંદાનો વધુ ઉપયોગ થાય છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે પીળા કાંદામાં તીખાશનું પ્રમાણ વધુ હોય છે એથી ચટપટી અને મસાલેદાર વાનગીમાં પીળા કાંદાની ગ્રેવી ઍડ કરવી જોઈએ. લાલ કાંદાને તેઓ સૅલડ અન્યન કહે છે, જેને તમે કાચા ખાઈ શકો છો. સફેદ કાંદા સ્વાદમાં થોડા સ્વીટ (ગળ્યા) હોય છે. ફ્લેવર, કલર અને સ્વીટનેસને લીધે ઇન્ડિયન મેક્સિકન ક્વિઝીનમાં સફેદ કાંદા વપરાય છે. ત્રણેય જાતના કાંદાની નીચે પ્રમાણે કેટલીક ઓળખ પણ છે.

લાલ કાંદાની જાત : લાલ રંગના કાંદામાં ભીમાલાલ, ભીમાસુપર, હિસાર-૨, પટના લાલ, નાશિક લાલ, લાલ ગ્લોબ, બેલારી લાલ, પંજાબ ગોલ, આર્કા લાલિમા લોકપ્રિય છે.

પીળા કાંદાની જાત : આઇઆઇએચઆર પીળી કાંદા, અર્કા પીતાંબર, અર્લી ગ્રેનો અને ગ્લોબ યલો મુખ્ય છે.

સફેદ કાંદાની જાત : ભીમા શુભ્રા, ભીમા શ્વેતા, ઉદયપુર-૧૦૨, નાશિક સફેદ, સફેદ ગ્લોબ, પૂસા વાઇટ રાઉન્ડ, પૂસા વાઇટ ફ્લૅટ વગેરે સફેદ કાંદાની મુખ્ય જાત છે.

રસોઈમાં મહત્વ

આટલા મોંઘા ભાવના કાંદા ન ખાઈએ તો ન ચાલે? શિયાળાની મોસમમાં આ પ્રશ્ન તમે કોઈ કાઠિયાવાડીને પૂછો તો નાકનું ટેરવું ચડાવતાં કહેશે, ‘બાજરાનો રોટલો, રીંગણાંનું ભડથું અને ડુંગળી વગરનો કંઈ શિયાળો હોતો હશે? ભાણામાં ડુંગળી તો હોવી જ જોઈએ.’ આ વાત જોકે દરેક ભારતીયને લાગુ પડે છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં લીલાં શાકભાજી સાથે કાંદા અને આદું-લસણ વગરનાં તમામ શાક ફિક્કાં લાગે. મૂળ તો આપણે મસાલેદાર વાનગીઓ ખાવા ટેવાયેલા છીએ. દેશના દરેક પ્રાંતમાં કાંદાનો ઉપયોગ મુખ્ય મસાલા તરીકે થાય છે એથી સ્વાદના શોખીનોને કાંદા વગરની રસોઈ અધૂરી લાગે છે. કાચા, સાંતળેલા, ગ્રેવી એમ દરેક ફૉર્મમાં એનો છૂટથી ઉપયોગ થાય છે. દેશી-વિદેશી બન્ને પ્રકારના જન્ક ફૂડ અને હોટેલની વાનગીઓમાં પણ કાંદા મુખ્ય એડિશન હોય છે એથી જ હાલના ભાવવધારાથી વિવિધ પ્રકારનાં પંજાબી શાક, પાઉંભાજી, પીત્ઝા સહિતની અનેક વાનગીઓ પર બ્રેક લાગી ગઈ છે. જીભના ટેસડા માટે જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ કાંદાનું સેવન આવશ્યક છે. અનેક લોકો એને સુપરફૂડ કહે છે.

હેલ્થ બેનિફિટ્સ

કાંદાનું સાયન્ટિફિક નામ એલિયમ કેપા છે. આ પ્લાન્ટ મુખ્યત્વે શીતકાળમાં ઊગે છે. એનાં પાન, થડ અને રૂટ્સ બધું ઉપયોગી છે. લસણ, આદું અને કાંદા ત્રણેય એક જ ફૅમિલીના પ્લાન્ટ છે. તીખાશનો ગુણ ધરાવતા કાંદામાં અઢળક ઔષધીય ગુણો છે. કમળો, કબજિયાત, બવાસીર અને યકૃત સંબંધિત રોગોમાં કાંદાનું સેવન લાભકારી છે એવું રિસર્ચ કહે છે. મેડિકલ સાયન્સ કહે છે કે રક્ત શુદ્ધીકરણ માટે રોજ કાંદા ખાવા જોઈએ. એમાં રહેલું ફૉસ્ફરિક ઍસિડ નામનું રસાયણ શરીરમાં જઈ ધમનીઓને સ્વચ્છ કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-વાઇરલનો ગુણધર્મ ધરાવતા કાંદાનું સેવન કરવાથી વાઇરલ-ઇન્ફેક્શનમાં ફાયદો થાય છે. કાચા કાંદા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દાંત અને પેટના અનેક રોગમાં કાંદા રામબાણ ઇલાજ છે, એટલું જ નહીં, તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

આયુર્વેદ

આયુર્વેદમાં આહારને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સા‌ત્ત્વ‌િક, તામસિક અને રાજસિક. તામસિક શ્રેણીમાં આવતા ખાદ્ય પદાર્થ ખાવાથી શરીરમાં અગ્નિ ઉત્પન્ન થાય છે. કાંદાને તામસિક ખાદ્ય પદાર્થ કહ્યો છે. જોકે રક્ત શુદ્ધીકરણની પ્રક્રિયામાં કાંદાનો પ્રયોગ ફાયદેમંદ છે એવો ઉલ્લેખ આયુર્વેદમાં છે. કાંદાનો રસ શરીરમાંથી ઝેરી તત્ત્વોનો નાશ કરવામાં સહાયકની ભૂમિકા ભજવે છે. એનાથી ચયાપચયની ક્રિયા વ્યવસ્થિત ચાલે છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ ડાયાબિટીઝ અને પથરીના દરદીએ કાંદા ખાવા જોઈએ. માથાના વાળની નીચેની ત્વચા પર કાંદા ઘસવાથી વાળની વૃદ્ધિ થાય છે. કાંદામાંથી તેલ બનાવીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ અને જૂથી છુટકારો મળે છે. ગરમીમાં કાંદા ખાવાથી લૂ લાગતી નથી અને તરસ છિપાય છે, પરંતુ એનો અતિરેક ટાળવો જોઈએ. કાંદા ખાવાથી બીજી કોઈ આડઅસર થતી નથી.

ભાવ ઘટશે?

કાંદાના રૉકેટ પ્રાઇસને કન્ટ્રોલમાં કરવા સરકારે ટર્કી, ઇજિપ્ત અને અફઘાનિસ્તાનથી કાંદાની આયાત કરવાનો નિર્ણય લીધો છે. ટર્કીથી ૧૧ હજાર ટન કાંદાનું કન્સાઇનમેન્ટ આ મહિનાના અંત સુધીમાં ભારત પહોંચી જશે એવી અપેક્ષા છે. આ ઉપરાંત ઇજિપ્તથી ૬૯૦૦ ટન કાંદા આયાત કરવા માટે કન્સાઇનમેન્ટ સાઇન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઇજિપ્તના કાંદા દસેક દિવસમાં બજારમાં આવી જશે. અટારી-વાઘા બૉર્ડરના માર્ગે અફઘાનિસ્તાનથી પંદર ટ્રક (ટ્રકદીઠ ૩૫ મેટ્રિક ટન) ભરીને કાંદા મગાવવામાં આવ્યા છે. હાલમાં ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય પરિવહન વેપાર સ્થગિત હોવા છતાં આ માર્ગેથી અફઘાનિસ્તાનના કાંદા આવશે એવું સરકારે આશ્વાસન આપ્યું છે. આયાતી કાંદા બજારમાં ઠલવાતાં આગામી દિવસોમાં ભાવ નીચા આવે એવી આશા છે.

અહો આશ્ચર્યમ્

૨૦૧૧માં બ્રિટનના ખેડૂત પીટર ગ્લેઝબ્રુકે વિશ્વનો સૌથી મોટા કદનો કાંદો ઉગાડ્યો હતો. આ કાંદાનું વજન ૧૮ પાઉન્ડ (આશરે ૮.૧૬ કિલો) હતું. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં એને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે આ રેકૉર્ડ ત્રણ વર્ષની અંદર જ તૂટી ગયો હતો. યુકેના ટોની ગ્લોવરે ૮.૫ કિલોનો કાંદો ઉગાડી ૨૦૧૪માં આ રેકૉર્ડ તોડ્યો હતો.

શું તમે જાણો છો?

 ઇજિપ્તમાં આવેલી દુનિયાની અજાયબી મમીની જાળવણીની પ્રક્રિયામાં અન્ય રસાયણોની સાથે કાંદાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાંદાને તેઓ સમૃદ્ધિનું પ્રતીક માને છે.

 આજથી અંદાજે ૨૦૦૦ વર્ષ પહેલાં ભારત, ઇજિપ્ત અને ગ્રીસના લોકો માનતા હતા કે કાંદા ખાવાથી કામેચ્છા વધે છે. આવી માન્યતાને કારણે ઇજિપ્તમાં પાદરીઓ પાસે બ્રહ્મચર્યનું પાલન કરાવવા તેમને કાંદાનું સેવન કરવાની મનાઈ ફરમાવવામાં હતી.

 પ્રાચીન સમયમાં ગર્ભધારણથી બચવા માટે મહિલાઓ પ્રચુર માત્રામાં કાંદાનું સેવન કરતી હતી.

 મધ્યકાલની યુગમાં યુરોપના કેટલાક દેશોમાં લગ્નની પ્રથમ રાત વિતાવ્યા બાદ બીજા દિવસે સવારે નવદંપતીઓએ કાંદાનો આહાર લેવાની પરંપરા અસ્તિત્વમાં હતી.

 પ્રાચીન સમયમાં રમતવીરો અને સૈનિકો પોતાની શારીરિક ક્ષમતા વધારવા કાંદા ખાતા હતા. તેમનું માનવું હતું કે ત્વચા પર કાંદા ઘસવાથી શરીર ખડતલ બને છે.

 પ્રાચીન ઇજિપ્તમાં કાંદાના આકાર અને ગોળાકાર રિંગને કારણે એની ઉપાસના કરતા હતા. એટલું જ નહીં, મરણ બાદ તેમની કબરમાં પણ કાંદા મૂકતા હતા.

 મધ્યકાલીન યુગમાં વિશ્વના અનેક દેશોમાં કાંદા કરન્સી તરીકે વપરાતા હતા. માલ-સામાનની ખરીદી માટે કાંદાની લેવડદેવડ થતી, એટલું જ નહીં, પ્રસંગોપાત્ત એકબીજાને કાંદા ભેટ આપતા.

ન્યુટ્રિશન વૅલ્યુ

૧૦૦ ગ્રામ કાચા કાંદામાં ૮૯ ટકા પાણી ઉપરાંત ૧.૨ ગ્રામ પ્રોટીન, ૯.૩ ગ્રામ કાર્બ, ૧.૭ ગ્રામ ફાઇબર, ૪.૨ ગ્રામ શુગર, ૦.૧ ગ્રામ ફૅટ અને ૪૦ ગ્રામ કૅલરી હોય છે.

આંસુ કેમ આવે છે?

કાંદા સમારતી વખતે આંખમાં આંસુ આવે છે અને સહેજ બળતરા થાય છે એનું કારણ છે સાઇન પ્રોપેન્થિયલ એસ ઑક્સાઇડ નામનું રસાયણ. આ રસાયણ હવામાં ભળી આંખના સંપર્કમાં આવે છે ત્યારે આંસુ નીકળે છે. આંખમાં આસું ઉત્પન્ન કરતા પ્રોપેનિસસ્લ્ફેનિક સાથે આ રસાયણનું સંમિશ્રણ થાય ત્યારે એનું આંસુમાં રૂપાંતર થાય છે. કાંદામાં જોવા મળતા આ રસાયણથી આંખોને અન્ય કોઈ નુકસાન થતું નથી.

weekend guide columnists