હવે અનુભવને બદલે બધા યુવાનોને જ મહત્ત્વ આપે છે, શું કરું?

13 January, 2020 04:33 PM IST  |  Mumbai Desk | sejal patel

હવે અનુભવને બદલે બધા યુવાનોને જ મહત્ત્વ આપે છે, શું કરું?

પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી જિંદગી ખૂબ મૉનોટોનસ થઈ ગઈ છે. હું જરૂરિયાત પૂરતું કમાઈ લઉં છું. મને સમાજમાં કોઈ મોટું પદ કે માનમોભાની પડી નથી અને ઑફિસમાં મારું કામ કર્યે જાઉં છું. એક જ કંપનીમાં છેલ્લાં બાવીસ વર્ષથી નોકરી કરું છું અને એક જ પ્રકારનું કામ કરીને કંટાળી ગયો છું. ત્રેવીસ વર્ષની ઉંમરે આ કંપનીમાં જોડાયેલો અને આજે પિસ્તાળીસ વર્ષે પણ હું એ જ જગ્યાએ છું. એકંદરે મોજીલું જીવન જીવતો હતો, પણ હમણાંથી હું જેકંઈ કામ કરું છું એમાં બધું અવળું જ થાય છે. મારા જુનિયર લોકો બહુ સ્માર્ટ હોવાને કારણે હવે બૉસને મારી જરૂરિયાત નથી રહી. આમ તો ઑફિસમાં બહુ ઓછો સ્ટાફ છે અને એમાંય હું સૌથી લાંબા સમયથી અહીં છું એટલે વિશ્વાસુ ખરો. એમ છતાં નવી પેઢીની કામગીરી સાથે કદમથી કદમ મિલાવી શકાય એમ ન હોવાથી હવે નોકરી પર ખતરો વધ્યો છે. મારી ઑફિસમાં માત્ર ૧૬ લોકો જ કામ કરે છે, પણ ટેક્નૉલૉજીની દૃષ્ટિએ હું ઘણો પાછળ પડું છું. આજકાલના છોકરાઓ નવું-નવું શીખી લાવ્યા હોય છે એટલે શેઠ પર જબરો છાકો પાડી દે છે. જોકે એનો મતલબ એ તો નહીં કે તમે અનુભવને નજરઅંદાજ કરો. ઇન ફૅક્ટ, ઘણી વાર હવે તો જોવા મળે છે કે શિખાઉ છોકરાઓ શેઠનું નુકસાન પણ કરાવી જાય છે, પણ જો ક્યારેક મારા કામને કારણે નુકસાન થયું હોય તો બહુ ખોટી રીતે સંભળાવે છે. બહુ દુ:ખ લાગે છે એ જોઈને. જેના માટે આટલો સમય ઘસાયા તેને જ તમારી કદર ન હોય એનું શું? 

જવાબ : ગઈ કાલે જ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ ગયો. તેમના કેટલાક ક્રાન્તિકારી વિચારોમાંથી એક વિચાર હતો - જે દિવસે તમારી સામે કોઈ સમસ્યા ન આવે ત્યારે સમજજો કે તમે ખોટા માર્ગે ચાલી રહ્યા છો.
કહેવાનો મતલબ એ જ કે જ્યારે તમે સાચા માર્ગે ચાલો છો ત્યારે આગળ ધપવા માટે અનેક અડચણો અને મુશ્કેલીઓ તો આવવાની જ. જ્યારે કોઈ જ મુશ્કેલી વિનાનું સ્મૂધ, સરળ અને લીસા શીરાની જેમ જીવન વહ્યે જતું હોય ત્યારે સમજી લેવું કે તમે આગળ નથી વધી રહ્યા, પરંતુ જે જગ્યાએ વિસામો લીધો છે ત્યાંના હરિયાળા ઘાસની સુંવાળપ માણવામાં વ્યસ્ત છો. ગમે ત્યારે તમારી આસપાસનું ઘાસ જંગલમાં તબદીલ થઈને તમારું સુકૂન છીનવી લઈ શકે છે. તમારા કેસમાં પણ એવું જ થયું છે. બાવીસ વર્ષ સુધી તમે એક કમ્ફર્ટ ઝોનમાં રહ્યા છો. હવે તમારી સામે પડકાર આવી રહ્યા છે. આ બહુ સારી સ્થિતિ છે. આ પડકારને તમે ઝીલી લેશો તો વિકાસ પામશો અને જો નકારાત્મક થઈને બેસશો તો પડકાર તમને ગળી જશે.
હાલમાં તમારા અનુભવને ચૅલેન્જ કરે એવી સ્થિતિ પેદા થઈ છે. વિકસતી જતી ટેક્નૉલૉજી અત્યારે તમને માત આપી રહી છે. હા, તમે જે અનુભવની વાત કરો છો એ ખોટી નથી. અનુભવ તો જોઈએ જ, પણ આધુનિક સમય સાથે કદમથી કદમ મિલાવવા માટે ટેક્નૉલૉજી સાથે તમારે અપગ્રેડ થવું જરૂરી છે જ.
મને ખબર નથી કે તમારા શેઠ તમારા પર કેવું દબાણ બનાવે છે. એ વધુ છે કે ઓછું, વાજબી છે કે અવાજબી એવું જજમેન્ટ લેવાની જરૂર નથી. એ દબાણ હેઠળ ક્રશ થઈ જવું કે દબાણ ખમી જઈને એમાંથી હીરાની જેમ ચમકવું એ પસંદગી કરવાની જરૂર છે. સામેવાળી વ્યક્તિ કંઈ પણ તમારી તરફ ફેંકી શકે છે. એનાથી ઉશ્કેરાવાને બદલે તમે એ ચીજનો એવી રીતે ઉપયોગ કરો કે એ તમારા બેનિફિટમાં કામ કરવા લાગે.

sejal patel columnists sex and relationships