કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 1)

15 April, 2019 05:27 PM IST  |  | સમીત પૂર્વેશ શ્રોફ

કથા સપ્તાહ : બાઝી (જાને ક્યા બાત હૈ – 1)

બાઝી

એ હાંફી રહ્યો. સોહામણા ચહેરા પર તાણ છવાઈ, કપાળની ધારેથી પસીનો દદડવા માંડ્યો. બંધ આંખોમાં ઊભરતું દૃશ્ય ખમાતું ન હોય એમ એ હળવી ચીસ નાખતો બેઠો થઈ ગયો - મા!

રૂમમાં ક્યાંય સુધી તેની ચીસના પડઘા ઘૂમરાઈ રહ્યા. વાસ્તવમાં આવતાં થોડી વાર લાગી. ખૂલી ગયેલી આંખોમાં ‌‌ઝિલાતા નજારાએ અર્ણવને ધીરે ધીરે વર્તમાનનો અહેસાસ આપ્યો.

પોતે પુણેની ફાઇવ-સ્ટાર હોટેલના સ્વીટમાં છે, જેનું નામ લઈ ઊંઘમાંથી હું બેઠો થઈ ગયો એ માનું ખૂન થયે તો આજે લગભગ દસ વરસ જેટલો સમય થઈ ગયો!

ખૂન.

હળવો નિ:શ્વાસ સરી ગયો. બાજુના જગમાંથી પાણી પી તેણે ‌ટિશ્યુ લઈ પસીનો લૂછ્યો. આમ જ થતું. ગાઢ નિદ્રામાં અંતિમ પળોમાં છટપટતી મા દેખાતી, મદદ માટેના તેના ચિત્કાર કાળજુ કંપાવી દેતા ને ચીસ સાથે બેઠા થઈ જવાતું. ચેનની નીંદર માણ્યે તો જાણે વરસો થઈ ગયાં હશે.

‘સ્લિપિંગ પિલ્સની આદત બહુ સારી નહીં...’ સાઇકિયા‌ટ્રિસ્ટ ડૉ. મિતેશ નથવાણીના શબ્દો પડઘાયા.

‘તમે જુવાન છો, અર્ણવ, તમારી સામે આખી જિંદગી પડી છે. માના અપમૃત્યુની અનફૉર્ચ્યુનેટ ઇવેન્ટ ભૂલી જીવનમાં આગળ વધવાનું મનોબળ કેળવો એ જ સાચો ઇલાજ છે. બાકી તમે પિલ્સના મૅક્સિમમ ડોઝ સુધી પહોંચી ગયા, એનાથી વધુ મારાથી પ્રિસ્ક્રાઇબ ન થઈ શકે, તમારે લેવી પણ ન જોઈએ.’

એની યાદે અર્ણવના હોઠ અત્યારે પણ ફિક્કું મલકી ગયા.

માની હત્યાનાં ચારેક વર્ષ બાદ પોતાને મુંબઈના જાણીતા સાઇકિયા‌ટ્રિસ્ટને કન્સલ્ટ કરવા જરૂરી લાગ્યા હતા. માનો ચિત્કાર જંપવા નહોતો દેતો.

મદદ માટે પોકાર પાડતી માનું દૃશ્ય મારી ઊંઘ ઉડાવી દેતું હોવાની ફરિયાદ સાંભળી મિતેશભાઈએ વિગતો જાણી પૃથક્કરણ કર્યું હતું - આ બીજું કંઈ નથી, તમારો કૉ‌ન્શિયસ, તમારી ચેતના તમને ડંખી રહી છે. તમારાં મધરનું ખૂન થયું એ રાત્રે તમે મુંબઈ નહોતા. ઇનફૅક્ટ, તમે કહ્યું એમ તમે મહિનોમાસ માટે આઉટ ઑફ ઇન્ડિયા હતા. ખરા ટાણે મા સાથે હાજર ન રહી શકવાની પીડા તમને સંતાપે છે, આ સમણાંનું એટલું જ તાત્પર્ય. બાકી તમે મુંબઈમાં હાજર હોત તો પણ સુભદ્રાબહેન ક્યાં પોકારી શકવાનાં હતાં? મૃત્યુના છ મહિના અગાઉ પૅરૅલિ‌‌િસસના હુમલાથી ગરદન નીચેનું તેમનું આખું અંગ રહી ગયું, વાચા હણાઈ ગઈ, કેવળ આંખ ફેરવી શકતાં મા તમને મદદનો સાદ પાડી શકે એમ જ નહોતાં...

બેચાર સિટિંગમાં તેમણે આ જ બધું સમજાવતા રહેવાની કોશિશ કરેલી. ઊંઘવાની દવાના માઇલ્ડ ડોઝ સ્ટ્રૉન્ગ બનતા ગયા, પણ પોતાની નિદ્રાવસ્થામાં કોઈ ફરક નહોતો પડ્યો અને પછી તો પોતેય તેમને મળવાનું મૂકી દીધું. ડૉક્ટર પાસે દરેક દર્દનો ઇલાજ ક્યાં હોય છે? અનિદ્રા કાયમી જેવી થતી ગઈ. જરઝવેરાતની બાપદાદાની પેઢીએ બેસતો, કરોડોના સોદા ડીલ કરતો, કામકાજમાં માહેર, અતિ વ્યસ્ત રહેતો જુવાન માંડ ચાર કલાકની ઊંઘ લેતો હશે એવું કોઈ માને નહીં, કેમ કે પૂરતી ઊંઘ ન મળ્યાનું કોઈ લક્ષણ એના મોં પર વર્તાતું નહીં. તે કોઈને કહેતો પણ નહીં. એવા મિત્રો પણ ક્યાં હતા? સાઇકિયા‌ટ્રિસ્ટને કન્સલ્ટ કર્યાનું તો પિતાનેય નહોતું કહ્યું.

પિતા.

ધારો કે પપ્પા સમક્ષ મન ખોલી પણ દઉં તો તેઓ શું કહે? વાલકેશ્વરમાં વિલા અને ચોપાટી ખાતે ઝવેરાતનો વિશાળ શો-રૂમ ધરાવતા મુંબઈના અગ્રણી ઝવેરી અમૃતભાઈ મહેતા એકના એક દીકરાને એવી જ સલાહ આપે કે જનારી તો ગઈ... જે થયું એને બદલી શકાવાનું નથી, તેને ભૂલી તું તારી જિંદગીમાં આગળ વધી જા બેટા!

જેમ તે પોતે પહેલી પત્નીના મૃત્યુના વરસદહાડામાં બીજાં લગ્ન કરી આગળ વધ્યા એમ!

ના, મને એની ફરિયાદ નથી, એનું માઠુંય નહોતું લાગ્યું; બલકે ઘરમેળે

થયેલાં તેમનાં બીજાં લગ્નમાં હું ખુદ હાજર રહ્યો હતો.

એટલું ખરું કે નવી મમ્મીના આવ્યાના બેચાર મહિનામાં પોતે મલબાર હિલમાં પેન્ટહાઉસ ખરીદી અલગ રહેવા જતો રહ્યો એમાં પણ તેમને પૂરતી સ્પેસ આપવાની સમજદારી જ હતી, કોઈ ઝઘડો યા મનદુ:ખ નહીં.

‘હું અમૃતની પત્ની તો બની ગઈ, પણ જાણું છું, તારી માનું સ્થાન નહીં લઈ શકું; મારે લેવું પણ નથી. બસ, તું મને માસી માને તોય ઘણું. ’

નવાં મિસિસ મહેતા સાલસ હતાં, પ્રેમાળ પણ ખરાં. અને જુવાન વયના સાવકા પુત્ર જોડે વેર પણ શાનું હોય! તે બિચારાં પોતાને ક્યાંય નડતાં નહીં. મમ્મી પ્રત્યેની તેમનું રિસ્પેક્ટ છૂપું ન રહેતું. માના ફોટાને રોજ તાજો હાર તે ખુદ ચડાવે. છતાં પોતાને અડવું લાગતું. જે ઘરમાં માનો સ્પર્શ રહ્યો હોય, એના પર બીજાનું લીંપણ ઉદાસ કરી જતું. આ જ ઘરમાં માની હત્યા થઈ એ તો કેમ ભુલાય?

‘અમૃત, પેલી દીવાલ તોડાવી કિચન થોડું મોટું કર્યું હોય તો?’ નવી મમ્મીની પપ્પા સાથેની ચર્ચા કાને પડે ને મને સાંભરી જાય કે અત્યારના આ રસોડાની ડિઝાઇન માટે મમ્મીએ આર્કિટેક્ટનું કેટલું માથું ખાધેલું! મા પણ કહેતી, પણ - દરેકને પોતાનું ઘર પોતાની રીતે સજાવાનું ગમતું જ હોય છે...

પછી મારાથી નવી મા સામે ઑબ્જેક્શન કેમ લેવાય? મારા કહેવા માત્રથી તેઓ કદાચ રિનોવેશનનો પ્રોગ્રામ જ માંડી વાળે, એવું શું કામ થવા દેવું! ભલેને તે તેમનું ઘર સજાવતાં, મારાથી ન જોવાતું હોય તો મારે નીકળી જવાનું.

આ સમજે પોતે નવી જગ્યા ખોળવા માંડી એ જાણી પપ્પાએ નિખાલસપણે કહેલું - દીકરો પરણવાની ઉંમરે બાપ પરણે એ આજના જમાનામાં અજુગતું કદાચ ન લાગે, અન્કમ્ફર્ટ તો મહેસૂસ થવાની. ભલે તું અલગ ઘર લે, એથી અમારાથી જુદો નથી થતો એટલું તો માનું ને?

‘જી, પપ્પા.’ પોતે કહ્યું, તેમણે માન્યું; બાકી અમે અમારી દુનિયામાં મગ્ન થઈ જવાનાં એ હકીકત હતી અને એ જ કદાચ હિતાવહ હતું.

મલબાર હિલના પેન્ટહાઉસમાં દરેક વૈભવ, દરેક સવલત હતી. પૂજાખંડને સમાંતર સુભદ્રામાનો સ્મૃતિખંડ બનાવ્યો છે. માની આરસમૂર્તિ, તેમનાં વસ્ત્રો, ફોટોગ્રાફ્સ, તેમનું પ્રિય ગ્રામોફોન, લતાનાં ગીતોની લૉન્ગ પ્લે. બધું સાચવીને રાખ્યું છે... રાત્રે જાગી જવાય ત્યારે મોટા ભાગે પોતે માનું સાંનિધ્ય ખોળતો એ રૂમમાં પહોંચી જાય. ઊંઘ તો ન જ આવે, પણ ચિત્તને શાતા જરૂર સાંપડે.

ઘરની જાળવણી માટેનો સ્ટાફ પણ નવો હતો. કૅરટેકર તરીકે આધેડ વયના નાથુકાકા કેવળ સર્વન્ટ રૂમમાં રહેતા. શેઠનો મૂડમિજાજ પારખ્યા પછી એમણે અનુકૂલન સાધી લીધેલું. અર્ણવને ક્યાંય અણખટ વર્તાતી નહીં.

સવારે નવ વાગ્યે દુકાને જવા નીકળતો એ રાત્રે નવે ઘરે પાછો વળે, ત્યારે સર્વત્ર શાંતિ છવાયેલી હોય. ફ્રેશ થઈ અર્ણવ જમી લે પછી, બધું સમેટી નાથુકાકા તેમની ઓરડીમાં જતા રહે.

અર્ણવ પાસે રહી જાય ભરચક એકાંત. એનીયે આદત થઈ ગયેલી. ટેરેસની ઇઝીચેર પર આડો પડી બુક વાંચે, મ્યુઝિક સાંભળે, ક્યારેક એમ જ આંખો ઘેરાઈ જાય ને અડધી રાતે માના સ્વપ્ને ઝબકીને જાગી જવાય...

‘સરખું ઊંઘતો હોય તો!’ મા હોત તો જરૂર કાન આમળી ખોળો ધરત, ‘સૂઈ જા, જોઉં, તને લોરી સંભળાવું!’

મા ગાતી પણ સારું. બાળપણમાં પોતે તેના જ ખોળામાં હાલરડું સાંભળતાં સૂતો. મને મીઠી નિદ્રામાં પોઢારનારી હવે ક્યાં? મૃત્યુ નિશ્ચત છે, માન્યું, પણ મા માંડ ૪૬ની વયે જતી રહેશે, કોઈ તેનું ખૂન કરશે એવું ક્યારેય ધાર્યું નહોતું!

‘અર્ણવ અમારું અભિમાન છે.’ સુભદ્રામા કેટલા ગર્વથી કહેતી. અર્ણવ સંભારી રહ્યો.

ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મેલા અર્ણવને ગળથૂથીમાં સંસ્કાર-સમજનો વારસો મળ્યો હતો. અમૃતભાઈ-સુભદ્રાબહેનની જોડી સમાજમાં આદર્શરૂપ ગણાતી. અપાર સંપત્તિ છતાં અમૃતભાઈ એકદમ ડાઉન ટુ અર્થ માણસ. સુભદ્રાબહેન પણ એટલાં જ સાલસ. મહિલામંડળનાં કામો હોંશથી, દેખાડા વિના કરવામાં માને. અમૃતભાઈ પણ ન્યાતના જરૂરતમંદોને ભણાવવામાં છૂટથી મદદ કરતા રહે, પણ એનો ઢંઢેરો પીટવાથી દૂર રહે. અર્ણવ પતિ-પત્નીનો ધબકાર. બેઉ પોતાની રીતે વ્યસ્ત, પણ અર્ણવને તેમના સમયનો અભાવ કદી ન નડ્યો. જોકે નાનપણમાં કોઈ અર્ણવને પૂછે કે તને મમ્મી ગમે કે પપ્પા? તો તરત એ મમ્મીના ખોળામાં ભરાઈ જતો - મમ્મી!

મોટા થયા પછી પણ આ જવાબ નહોતો બદલાયો. ના, પિતાનું હેત ઓછું નહોતું, પણ મમ્મી તો મમ્મી. કદાચ દીકરાને માનું વધુ દાઝે એ સાચું જ કહેવાયું હશે. માએ અપાર લાડ લડાવ્યાં, એમ લાડથી દીકરો છકી ન જાઉં એની તકેદારીયે રાખી. અર્ણવ તો કૉલેજમાં આવ્યા પછીયે રાતે મા પાસે પહોંચી જતો - મને લોરી સંભળાવને!

ત્યારે સુભદ્રામાનું નમણું મુખ માતૃત્વથી પોરસાઈ ઊઠતું. મેંશના ટપકા જેવું બબડી લેતાં - તું હજુ મોટો ન થયો! કાલે ઊઠીને વહુ આવશે એ શું કહેશે?

અર્ણવ શરમાતો. વીસની વયે ચઢતી જવાની પુરબહાર હતી. અત્યંત કામણગારા અર્ણવની કસાયેલી કાયાનું આકર્ષણ કૉલેજની કન્યાઓમાં ડોકાઈ જતું. અર્ણવ એથી અજાણ નહોતો. જોકે તેનું દિલ ધડકાવનારી સૂરત હજુ નજરે નહોતી પડી. અર્ણવ આમ પણ ઓછાબોલો. બહુ ખૂલવામાં માને નહીં. સુભદ્રાબહેન દીકરાને એકલગંધો કહી ખીજવતાં પણ.

જોકે દીકરા માટે વહુ લાવવાની તેમની અબળખા પૂરી ન થઈ.... અથવા એમ કહો કે જે એક સૂરત હૃદય દરવાજે દસ્તક દઈ ગઈ, એ જ માના મૃત્યુમાં નિમિત્ત બની!

અર્ણવનાં જડબાં સહેજસાજ તંગ થયાં.

લજ્જા.

નામ સાથે જ નજર સમક્ષ ચર્ની રોડ ખાતે આવેલો ‘દેવીબહેન મહેતા કન્યાઆશ્રમ’ તરવર્યો.

અર્ણવની દાદીની પુણ્યસ્મૃતિમાં વલ્લભદાદાએ અહીંની જમીન દાનમાં આપેલી એટલે આશ્રમને દેવીદાદીનું નામ મળ્યું. એની બાંધણી, સંચાલન અલગ ટ્રસ્ટ દ્વારા થતું, પણ વરસમાં બે વાર, દાદા અને દાદીની જન્મજયંતીએ આશ્રમ જઈ અમૃતભાઈ વીસ-વીસ લાખનો ચેક અર્પણ કરતા. ઘરે એ દિવસે સુભદ્રાબહેને પૂજા રાખી હોય એટલે તેમનાથી અવાતું નહીં, પણ અમૃતભાઈ પછીથી ટ્રસ્ટીમંડળમાં જોડાતાં આશ્રમની ગતિવિધિથી વાકેફ રહેતા ખરા.

અનાથ બાળાઓનું એ આશ્રયસ્થાન હતું. નવજાત બાળકીથી પુખ્ત વયની યુવતીઓ સુધીનો સમૂહ અહીં છત્ર પામતો. ઉંમરલાયક કન્યાઓને પગભર બનાવી, યોગ્ય પાત્ર સાથે સમૂહલગ્નમાં પરણાવવા સુધીની જવાબદારી નિભાવતી.

‘અર્ણવ, આ વખતે તુંય તારા પિતા ભેળો જજે-’

માના દેહાંતના વરસેક અગાઉની વાત. પોતે ગ્રૅજ્યુએટ થઈ પપ્પા સાથે શો-રૂમ જવા માંડેલું. કહો કે ધંધામાં ઘડાવા માંડેલું.

‘સાથે તારા પપ્પાના સંસ્કાર પણ અપનાવવાના છે, બેટા. કાલે તારા દાદીની જન્મતિથિ છે, અમૃત સાથે તું પણ આશ્રમે જજે, કશુંક આપ્યાનો અહમ્ નહીં, કંઈક કરી શક્યાની કૃતાર્થતાનો ગુણ લઈ પાછો વળજે.’

આશ્રમ વિશે ત્યારે અર્ણવ થોડુંઘણું જાણતો. જોકે ત્યાં જવાનું હવે બનશે.

‘જરૂર મા’ અર્ણવે કહ્યું. બીજી સવારે તૈયાર પણ થઈ ગયો. પિતા સાથે આશ્રમ જવા નીકળેલા અર્ણવને જાણ નહોતી કે આવનારા થોડા સમયમાં આશ્રમની બે સ્ત્રીઓ જીવનમાં કેવો વળાંક આણવાની છે.

એમાં એક હતી લજ્જા! મારી માની હત્યારણ, જે કાલ સવારે અહીંની જેલમાંથી જનમટીમની સજા કાપી છૂટી રહી છે... અર્ણવના હાથની મુઠ્ઠી ‌ભિડાઈ, મનમાં જ વાક્યનો ઉત્તરાર્ધ પડઘાયો - મારી સજા ભોગવવા!

જેલની કોટડીમાંથી તેણે હવાબારી બહાર નજર ફેંકી. સર્વત્ર અંધકાર વર્તાયો. રોજ ઊગીને આથમી જતા દિવસની કે રોજ આવીને જતી રહેતી રાતોનો હિસાબ પોતે રાખ્યો નથી, પણ એટલી જાણ છે કાલનું પ્રભાત ભલે જેલમાં ઊગે, દિન આથમ્યે પોતે અહીં નહીં હોય... ગયા અઠવાડિયે જ જેલરસાહેબે જાણ કરી દીધેલી - તીનસૌ છે, તુમ્હારી લાઇફ પ્રિજન અગલે મંગલ કો ખતમ હો રહી હૈ...

સાંભળીને હરખની અનુભૂતિ ભલે ન થઈ, કીકીમાં ચમક જરૂર આવી ગયેલી - અહા, એટ લાસ્ટ!

‘આમ તો જનમટીમ ચૌદ વરસની હોય, પણ તેં ન કોઈ પેરોલ લીધી, ઉપરાંત તારી ચાલચલગત જોઈ તું દસ વરસમાં જ છૂટી થઈ જવાની...’

તોય કંઈ બોલાયું નહોતું. અનાથાશ્રમના આશરે રહેનારી, મૂળે ઓછાબોલી તીનસૌ છે જોકે વચમાં ડાયાબિટીસની દરદી એવી કેદીબાઈને ગેંગરીન થતાં એનો પગ કાપવો પડ્યો ત્યારે બોલી ગયેલી – દોસો પાંચ દેહ વેચીને ગુજરબસર કરતી હતી, હવે લંગડી થયા પછી કયો આશિક એનો ભાવ પૂછવાનો! એ ખુદ દુ:ખી થઈને દહાડા કાઢે એના કરતાં બાઈને ડૉક્ટરે મારી નાખી હોત તો બહેતર!

સાંભળનારા આઘાત પામતા. એની પીઠ પાછળ ગણગણાટ પ્રસરી જતો - ત્યારે તો આણે લકવાથી પીડાતી તેની શેઠાણીને ‘દયા’થી પ્રેરાઈને ઝેર દઈ દીધું એ સાચું જ! કોર્ટમાં ભલે એ આરોપનો ઇનકાર કરતી રહી, દરેક પુરાવો તેની વિરુદ્ધ હતો. અરે અનાથાશ્રમના આશરે રહેનારીની આ માનસિકતા જ ગાઈવગાડીને કહે છે કે તેણે જ છ-છ મહિનાથી ખાટલામાં પડેલી સુભદ્રાશેઠાણીને પતાવી દીધી! આવું જોકે તીનસૌ છેને મોં પર કહેવાતું નહીં.

તીનસૌ છે.

- તેણે ઊંડો શ્વાસ લીધો. કાલે હું તીનસૌ છે નહીં હોઉં. કેદીના યુનિફૉર્મ સાથે નંબરનો બિલ્લો પણ ઊતરી જવાનો.

કાલથી હું હોઈશ લજ્જા.

(ક્રમશ:)

Sameet Purvesh Shroff columnists