હુમલો થયા પછી પુરાવાઓ માગનારાઓને જત જણાવવાનું કે...

08 March, 2019 01:11 PM IST  |  | મનોજ નવનીત જોષી

હુમલો થયા પછી પુરાવાઓ માગનારાઓને જત જણાવવાનું કે...

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

મારે કહેવું છે કે આ આંકડાઓની રમતમાં તમારે પડવું છે જ શું કામ? શું કામ તમને મરાયેલાં, કપાયેલાં માથાંઓ ગણવાં છે અને શું કામ તમને વીંધાયેલી છાતીઓનો હિસાબ રાખવો છે? દરેક વખતે જરૂરી નથી હોતું કે તમે શું ઉકાળી આવ્યા, પણ જરૂરી એ હોય છે કે તમે ઉકાળવા માટે ઊભા થયા. હું નથી કહેતો, ઇતિહાસ કહે છે કે પાકિસ્તાનની અંદરની સીમા સુધી આપણે સામે ચાલીને પહોંચી ગયા હોઈએ એવો આ પહેલો બનાવ છે. અગાઉ દરેક વખતે આ કાર્ય પાકિસ્તાને જ કર્યું છે અને એણે જ આવી બાઝકણી માનસિકતા દેખાડી છે. આ વખતે પહેલી વખત, પહેલી વખત આપણે આ કામ કર્યું અને એ કામમાં આપણે એક હજાર કિલોના બૉમ્બ પાકિસ્તાન પર ફેંક્યા. જરા વાસ્તવિક બનીને કલ્પના તો કરો કે ત્રણસો કિલોના RDX પછી પુલવામામાં શું હાલત થઈ હશે. જરા તો યાદ કરો અને જો યાદ હોય તો શું એ પણ સમજાવવાનું કે ભારતે જે બૉમ્બ ફેંક્યા છે એ બૉમ્બ એક હજાર કિલોની માત્રાના હતા. કેવી હાલત થાય એ બોમ્બ જે કોઈ માળખા પર પડ્યા હોય એ માળખાની? શું હોય ત્યાં અત્યારે?

હું એમ જ સેનાના એક અધિકારી સાથે વાત કરતો હતો અને આ વાત સમજવાનો પ્રયાસ કરતો હતો ત્યારે તેણે મને સમજાવ્યું કે જો પાંચ લીટર કેરોસીન શરીરે છાંટીને આગ લગાડવામાં આવે તો પણ ૬૦ ટકાથી વધારે શરીર બળી જતું હોય, જો એક LPG સિલિન્ડર ફાટે અને એનાથી અડધો ફ્લૅટ ઊડી જતો હોય તો આ એક હજાર કિલોના બૉમ્બ હતા. એકેક બૉમ્બની કૅપેસિટી સો કિલોથી વધારેની હતી અને એ બૉમ્બ ખાસ ટેક્નિકથી બનાવવામાં આવ્યા હતા. જરા વિચારો કે કોઈ પુરાવો ત્યાં બાકી પણ રહે?

ના, ન રહે અને તમારે એ માગવો પણ ન જોઈએ. જુઓ, એક સ્પષ્ટતા સાથે કહું તમને કે તમારે ક્યાંય પણ એવું ધારવાનું નથી કે કૉન્ગ્રેસ કે વિરોધ પક્ષને ઉતારી પાડવાની માનસિકતા સેવવામાં આવી રહી છે. ઇચ્છા તો છે એવી જ; પણ ના, જાહેરમાં એ કામ નથી કરવું. જાહેરમાં તટસ્થતા રાખીને એ વાત સમજાવવી છે કે તમે એવા પુરાવાઓ માગો છો જે માગવાથી કોઈ અર્થ નથી સરવાનો. જરા વિચાર તો કરો. ઍરફોર્સ કહે છે કે આ અટૅક અમે કર્યો છે. તમારાં પ્લેન કેવી રીતે એ બધું જોવા ઊભા રહે જેમાં ગણતરીઓનો હિસાબ કરવાનો હોય. આ અનુમાન છે. બે-ચાર ઓછા પણ હોય ને બેચાર વધારે પણ હોય.

આ પણ વાંચો : અભિનંદન, તારો ખૂબ-ખૂબ આભાર

કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે પાકિસ્તાનહસ્તકના કાશ્મીરમાં જઈને હુમલો કરી લીધો, વળતો જવાબ આપવાનું શરૂ કરી દીધું અને હવે એ ચાલુ જ રહેશે. તમે વિશ્વાસ રાખો અને સાચું તો એ પણ એટલું જ છે કે તમે બીજું કશું કરી પણ નથી શકવાના. બીજો કોઈ છૂટકો જ નથી તમારી પાસે. સારું છે કે આપણે એ સરકારનો વિશ્વાસ કરવાનો છે જે લડવા માટે હાથ ખોલી શકે છે અને હાથ ખોલે છે ત્યારે બીજા દેશોનો સાથ પણ એને મળે છે. વિશ્વાસ રાખો. કહેવત છે કે વિશ્વાસે વહાણ તરે. આપણે તો અહીં દુશ્મનોને તાણી જવાના છે.

manoj joshi columnists