જીવનને સ્વર્ગ બનાવવા માટે - (લાઇફ કા ફન્ડા)

05 March, 2019 01:33 PM IST  |  | હેતા ભૂષણ

જીવનને સ્વર્ગ બનાવવા માટે - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

મગધનો એક નાનો વેપારી હતો. તેને વેપારમાં ખૂબ મોટો ફાયદો થયો અને રાતોરાત તેની ગણના મોટા વેપારી તરીકે થવા લાગી. વેપાર દસગણો વધી ગયો. ભરપૂર આવક થવા લાગી. વેપારીએ મોટી હવેલી બંધાવી અને મોટી દુકાન લીધી. નોકર-ચાકરોનો કાફલો વધારી દીધો.

જેમ-જેમ સમૃદ્ધિ વધતી ગઈ એમ વેપારીની અંદર રહેલું અભિમાન પણ દસગણું વધતું ગયું. અભિમાનમાં અંધ બનીને તે નાના માણસો, નોકરો તથા નાના વેપારીઓનું અપમાન કરતો અને સતત બધાને હડધૂત કરતો. ઘરમાં માતા અને પત્ની બન્ને સાલસ હતાં. તેઓ વેપારીને અભિમાન ન કરવા સમજાવતા, પણ વેપારી પર કોઈ અસર થતી નહીં. ઊલટું તે પોતાનાં નાનાં ભાઈ-બહેન અને બાળકોને પોતે બહુ પૈસાદાર છે, જેની-તેની સાથે બોલવું નહીં, કોઈ કામ કરવું નહીં વગેરે-વગેરે કહીને તેમની અંદર અભિમાનનાં મૂળ વાવતો.

વેપારીનું અભિમાન દિવસે-દિવસે વધતું જતું હતું. સાથે-સાથે તેના કુટુંબના સભ્યો, નાનાં ભાઈ-બહેન અને બાળકોમાં વાવેલાં અભિમાનનાં બીજ પણ મોટાં થતાં જતાં હતાં. વેપારીના મસમોટા અભિમાનના ભાર હેઠળ ઘરના સભ્યો, કુટુંબીજનો, નોકરો, નાના વેપારીઓ બધા કચડાઈ રહ્યા હતા. વેપારમાં પણ ક્યાંક એની અસર દેખવા લાગી હતી. ઘરમાં પણ બધા સભ્યોનાં ઘમંડ એકબીજા સાથે ટકરાતાં અને કોઈ નમતું જોખવા તૈયાર ન થતું. રોજના ઝઘડા વધી રહ્યા હતા. વેપારી રોજ એક નવા ઝઘડા, રોજ એક નવી તકલીફથી કંટાળી ગયો હતો.

એક દિવસ તે તેની માતા પાસે ગયો અને કહ્યું, ‘મા, આ ઘર તો ઝઘડાઓથી ભરેલા નરક સમાન બની ગયું છે. ક્યારેક તો એમ થાય છે કે બધું છોડીને ક્યાંક દૂર ચાલી જાઉં. શું કરવું કંઈ સમજ નથી પડતી. પત્નીને કંઈ કહું છું તો કહે છે કે આ બધું તમારા કારણે જ છે. મને સમજાતું નથી કે મારો શું વાંક છે? મેં તો બધાને સુખ-સગવડ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી.’

માતાએ કહ્યું, ‘દીકરા, તારી પત્ની સાચું કહે છે. તારો જ વાંક છે. તું પૈસા બહુ કમાયો, સુખસગવડ બધાને આપી; પરંતુ એની સાથે-સાથે અભિમાનની ભેટ પણ બધાને આપી. તેં જે તારી અંદર અને ઘરના સભ્યોની અંદર અભિમાનનું ઝેરી બીજ વાવ્યું હતું એ આજે વૃક્ષ બન્યું છે અને એને કારણે જ ઘર નરક સમાન બની ગયું છે.’

વેપારીને પોતાની ભૂલ સમજાઈ. તેણે માતાને પૂછ્યું, ‘હવે શું કરું?’

આ પણ વાંચો : માતા-પિતાનું માન - (લાઇફ કા ફન્ડા)

માતાએ કહ્યું, ‘દીકરા, તું પહેલાં અભિમાન છોડ અને સાલસ બન. કોઈ તારી જોડે આવું કરે અને તને દુ:ખ થાય, ખરાબ લાગે એવો વર્તાવ તું અન્ય જોડે કરવાનું છોડી દે. તારો સારો વર્તાવ જોઈને ઘરના અન્ય લોકો સુધરશે અને જે નહીં સુધરે તેમને તું સમજાવી શકીશ. પહેલાં તું અભિમાન છોડ. તો જ ઘર નર્કમાંથી સ્વર્ગ બનશે.’

columnists