આફ્રિકી ધરતી પર પગ મૂકતાં પહેલાં 50 રૂપિયાના જામીન આપવા પડતા

24 December, 2019 01:56 PM IST  |  Kutch | Naresh Antani

આફ્રિકી ધરતી પર પગ મૂકતાં પહેલાં 50 રૂપિયાના જામીન આપવા પડતા

લાંબા સમયની કચ્છની પ્રજાની માગણી પછી છેલ્લાં કેટલાંક વર્ષોથી ભુજ શહેરને પાસપોર્ટ કેન્દ્ર મળ્યું છે અને કચ્છના પાસપોર્ટવાંછુઓને રાજકોટના ધક્કા બંધ થયા છે, પરંતુ આઝાદી અગાઉ કચ્છ રાજ્યના સમયમાં અને આઝાદી મળ્યા સુધી ભુજમાં જ પાસપોર્ટ તૈયાર થતા અને ભુજમાં પાસપોર્ટનું કેન્દ્ર હતું. આવા જ એક આજથી ૧૦૦ વર્ષ અગાઉ તૈયાર થયેલા પાસપોર્ટની વાત આજે કરવાની છે. આ પાસપોર્ટનું વાંચન કરતાં અનેક અવનવી વિગતો જાણવા મળી છે. જૂના સમયના આ પ્રકારના દસ્તાવેજો પણ ઇતિહાસ સંશોધનનો એક ભાગ બની જતા હોય છે અને આવા દસ્તાવેજોમાં પણ ઇતિહાસ છુપાયેલો હોય છે. એક શતાબ્દી પૂર્ણ કરનાર આ પાસપોર્ટ એક અગત્યના દસ્તાવેજ તરીકે આપણી ધરોહર જ લેખાય અને એટલે જ આ પાસપોર્ટને ભુજ તાલુકાના સામત્રાના નારાણભાઈ ગામીએ એને જતનપૂર્વક સાચવી રાખ્યો છે.

ભુજ તાલુકાના સામત્રા ગામના જાણીતા ટપાલટિકિટ, સિક્કા અને ચલણી નોટના સંગ્રાહક એવા નારાણભાઈ ગામીના દાદા કણબી લિમ્બા હરજી ગામીનો ૧૯૧૮ની ૧૬ ડિસેમ્બરે ભુજમાં તૈયાર કરાયેલો પાસપોર્ટ એક અગત્યના દસ્તાવેજ સમાન છે. એના વાંચન પછી મળતી અગત્યની વિગતો અહીં નોંધી છે.

સામત્રાના વતની લિમ્બા હરજી ગામીનો સામત્રામાં ૧૮૭૮ની ૯ ફેબ્રુઆરીએ જન્મ થયો. એ સમયમાં કચ્છનો પટેલ સમાજ વિદેશમાં નોકરી-વ્યવસાય અર્થે જતો. એનાથી પ્રભાવિત થઈ લિમ્બા હરજીએ પણ ભુજમાં ૧૯૧૮ની ૧૬ ડિસેમ્બરે પાસપોર્ટ તૈયાર કરાવ્યા પછી સૌપ્રથમ વિદેશ જવાની વાટ ૧૯૧૯ની ર૭ જાન્યુઆરીએ પકડી. એ દિવસે માંડવીથી મોમ્બાસા જવા ‘પાલામન પવાઈ’ નામના વહાણમાં તેઓ રવાના થયા અને મોમ્બાસામાં બાંધકામના વ્યવસાયમાં  જોડાયા અને ત્યાં જ સ્થાયી થયા. તેમના પુત્ર અને નારાણભાઈ ગામીના પિતા રૂડા લિમ્બા ગામી પણ મોમ્બાસા કેન્યાના જાણીતા કૉન્ટ્રૅક્ટર તરીકે ૧૯૭૦ સુધી ત્યાં રહ્યા.

એ સમયે પાસપોર્ટ તૈયાર કરવાનું કાર્ય બ્રિટિશ સરકારે પોતાના હસ્તક રાખ્યું હતું અને ભુજમાં તૈયાર થયેલા પાસપોર્ટ પર મુંબઈ સરકારની મહોર લગાવવામાં આવતી હતી. બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે એના પર કચ્છ પૉલિટિકલ એજન્ટની સહી કરવામાં આવતી. રસપ્રદ બાબત એ છે કે લિમ્બા હરજી ગામીના એકસો વર્ષ જૂના એ પાસપોર્ટ પર પૉલિટિકલ એજન્ટ મોરબી –આધોઈના રબ્બર-સ્ટૅમ્પ સાથે સહી કરવામાં આવી છે. એ રીતે જોતાં કચ્છના પૉલિટિકલ  એજન્ટના તાબામાં મોરબીનો પણ સમાવેશ કરાતો હશે અને એની એક કચેરી આધોઈમાં પણ રખાઈ હશે. આમ જોતાં, આધોઈનું કચ્છના ઇતિહાસમાં વધુ એક વાર મહત્ત્વ સાબિત થયું છે. વળી એ સમયે બનતા પાસપોર્ટ દર બે વરસે રિન્યુ કરાવવા પડતા અને વિદેશપ્રવાસમાં સાથે જનાર બાળકનો જુદો પાસપોર્ટ કઢાવવો ન પડતો, પણ પાસપોર્ટધારકે પોતાની સાથે પ્રવાસમાં જોડાનાર બાળકનાં નામ જણાવવાં પડતાં.

પાસપોર્ટ મેળવ્યા પછી પણ વિદેશની ધરતી પર ઊતરવું સરળ નહોતું. આફ્રિકા ઊતરતા સમયે પૂર્વ આફ્રિકાના બ્રિટિશ અધિકારી સમક્ષ પાસપોર્ટધારકે કિનારા પર ઊતરતાં પહેલાં જ ૫૦ રૂપિયાની અનામત અથવા તો એટલી જ રકમના જામીન આપવા પડતા. જામીન અગાઉથી જ તૈયાર હોવા જોઈએ, જામીનની તજવીજ માટે પણ પ્રવાસીને કિનારા પર ઊતરવા દેવામાં આવતા નહીં. અનામતની રકમ અથવા તો જામીનની ગોઠવણ કિનારા પર ઊતરતાં પહેલાં જ કરવાની રહેતી    અને આવી ગોઠવણ ન કરી શકનારને પાસપોર્ટ હોવા છતાં પાછા ભારત મોકલી આપવામાં આવતા.

પાસપોર્ટમાં પાસપોર્ટધારકની તમામ વિગતો જન્મતારીખ, જન્મસ્થળ, શરીરનો બાંધો, ઊંચાઈ, શારીરિક નિશાનીઓ, શરીરનો વાન, વાળના રંગ સહિતની તમામ વિગતો નોંધવામાં આવતી.

જેમ આજે પાસપોર્ટધારકનો ચહેરો દેખાય એવી તસવીર હોય છે એમ એ સમયે પાસપોર્ટધારકની પૂરા કદની સંપૂર્ણ તસવીર મૂકવાની રહેતી જેમાં પાસપોર્ટધારકની સહી તથા મંજૂર કરનાર પૉલિટિકલ એજન્ટની મહોર લગાવવામાં આવતી.

પાસપોર્ટ બ્રિટિશ સરકારના ભારતના ગવર્નર જનરલ વતી પૉલિટિકલ એજન્ટ તૈયાર કરી આપતા અને એ મુજબની નોંધ પાસપોર્ટ-નંબરની સાથે કરવામાં આવતી.

નારાણભાઈના જણાવ્યા મુજબ કેન્યાના રાષ્ટ્રીય સંગ્રહાલયે મોમ્બાસા રેલવેનાં ૧૦૦ વર્ષ પૂરાં થયાં એ સમયે ઈ. સ. ર૦૦૦માં એક ખાસ પ્રદર્શન યોજ્યું હતું એમાં નારાણભાઈએ પોતાના સંગ્રહમાં સાચવી રાખેલો આ પાસપોર્ટ પણ પ્રદર્શિત કરવામાં આવેલો એ મુજબનું પ્રમાણપત્ર પણ રાષ્ટ્રીય સંગ્રહાલયે નારાણભાઈને આપ્યું છે.

આમ, એક સદી જૂનો પાસપોર્ટ એ સમયની ઘણી વિગતો આપી એક દસ્તાવેજ સમો પુરવાર થાય છે.

kutch columnists