અનોખી અસ્મિતા ધરાવતો વિશ્વનો ભૂ-ભાગ એટલે કચ્છ

07 January, 2020 03:22 PM IST  |  Kutch | Kishor Vyas

અનોખી અસ્મિતા ધરાવતો વિશ્વનો ભૂ-ભાગ એટલે કચ્છ

કચ્છનો રણ

વિશ્વના ભૂ-ભાગ કચ્છની અસ્મિતા વિશેનાં દર્શન અનેક સમર્થ માધ્યમોએ અવારનવાર કરાવ્યાં છે. જે લોકો દર્શન પામ્યાં એ ભાવવિભોર થઈ ગયા છે. તેમને એ ભૂમિનો રંગ લાગ્યો છે. બિનકચ્છી હોવા છતાં આદરણીય કે. કા. શાસ્ત્રીએ સંક્ષિપ્ત શોધ સમાન ‘અસાંજો કચ્છ’ નામનું પુસ્તક લખ્યું છે. ઇતિહાસવિદ્ જયમલ પરમારે કચ્છને ‘અડધા ભાગની સંસ્કૃતિઓને સંઘરનાર પ્રદેશ’ તરીકે ઓળખાવ્યો છે, જ્યારે નરેન્દ્રકુમાર જોશીએ પ્રત્યેક પાના પર ચિત્રો સાથે ‘ભાતીગર ભોમકા કચ્છ’ નામનો ગ્રંથ લખ્યો છે.

અધિક ઉપલબ્ધિઓને કારણે કચ્છની ધરતી પર જ વ્યસ્ત રહેનારા ઘણા છે, પરંતુ એમાં કે. નટરાજ મેનનનું નામ ઊડીને આંખે વળગે એમ છે. તેઓ સીમા સુરક્ષા દળના ઑફિસર તરીકે કચ્છ આવ્યા હતા અને નિવૃત્તિ સમય પહેલાં જ સેવામાંથી મુક્ત થયા હતા. તેઓ નોકરી છોડી શક્યા, પણ કચ્છ નહીં! કચ્છને જ તેમણે પોતાનું વતન બનાવી દીધું. પોતાના કાર્યકાળ દરમ્યાન સરહદો, દરિયાકાંઠા અને અવનિ પર અજોડ એવા કચ્છના રણથી માહિતગાર રહ્યા હતા. એ અનુભવોનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરીને ‘કચ્છ ક્રાઉન ઑફ ગુજરાત’ નામનો અંગ્રેજીમાં એક ગ્રંથ રચીને કચ્છને અર્પણ કર્યો હતો!

આદરણીય દુલેરાય કારાણીએ એટલે જ લખ્યું છે કે ‘કચ્છી માડુ એટલે જ એક વિશિષ્ટ વ્યક્તિ. તેનો પહેરવેશ, તેની પાઘડીનો પેચ, તેની કમરની ભેઠ, અલ્પાક્ષરી છતાં અધિક અર્થ ધરાવતી ચોટદાર કચ્છી ભાષા, એનો પોતાનો અલગ સિક્કો જેવાં તમામ તત્ત્વોથી એને એક સવિશેષ વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે.’ એ તો હવે જગપ્રસિદ્ધ હકીકત બની રહી છે કે ખાલીપાના ઝુરાપાને પલટાવતાં કચ્છીઓને આવડે છે. એથી જ મધુસૂદન ભટ્ટ કહે છે કે ‘બધી બાબતોની અલ્પતામાંથી કચ્છીઓમાં ઉદારતા જન્મી છે. નથી, નથીના ઉદ્ઘોષ વચ્ચે કચ્છીઓમાં અસ્મિતા જન્મી છે.’

કચ્છી માડુ રણમાં ઝરણ બનાવે અને રેતીમાં ખેતી કરે, અધૂરપને મધુરપમાં પલટે, એ કર્મનો મર્મ બરાબર સમજે છે એથી જ તેને ચૂંથવામાં નહીં, પણ ગૂંથવામાં રસ છે. તેને દૂષણનું નહીં, આભૂષણનું આકર્ષણ છે. રેતાળ મુલકના હેતાળ માનવી પ્રસ્વેદને જ પરમવેદ સમજે છે. એટલે જ કવિ યાસિને દાયકાઓ પહેલાં લખ્યું છે કે...

‘અસી કચ્છી હિકયાર અસાંજા,

હંમથજા હથિયાર,

જેંજે સૂરાતન સાહસજા,

જગમેં અંઈ ઝણકાર...’

કચ્છીઓએ  શ્રમ, શ્રદ્ધા અને સાહસના સાથિયા પૂર્યા છે એથી જ તો કચ્છની રાજમુદ્રામાં લખાયું હતું કે ‘કરેજ ઍન્ડ કૉન્ફિડન્સ!’ રઘુનાથ બ્રહ્મભટ્ટના મત મુજબ કચ્છી એ સાચો વિશ્વપ્રવાસી છે. જ્યારે કટાર લેખક મૂલચંદ વર્માએ લખ્યું છે કે ‘આજે પણ કન્યાકુમારીના એકાદ ખૂણે કચ્છી માડુની દુકાન જોવા મળશે જ, તો આફ્રિકાના ગાઢ જંગલમાંના એકાદ નાનકડા ગામમાં અને કૅનેડા જેવા સમૃદ્ધ દેશનાં મોટાં નગરોમાં પણ કચ્છીની દુકાન જોવા મળશે. દુનિયાના ૭૦ જેટલા દેશોમાં પથરાયેલા અંદાજે ૧૫ લાખથી વધારે કચ્છી માડુઓએ વેપાર-વણજ વિકસાવવાની સાથે પોતાની સંસ્કૃતિ અને સભ્યતાના વારસાને જાળવી રાખ્યો છે.

કચ્છી પ્રજા હંમેશાં માને છે કે ‘ચૅરિટી બિગિન્સ ઍટ હોમ’. ખુદ મહાત્મા ગાંધી પણ કચ્છીઓની દાનવીરતાથી પ્રભાવિત થયા હતા. ટિળક સ્વરાજ ફંડમાં કચ્છી મેમણ સખાવતી શેઠ ઉંમર સોખાણીએ ગાંધીજીને પોતાની સહી કરીને કોરો ચેક આપીને કહ્યું હતું, ‘બાપુ, આમાં રકમ તમે ભરજો! ફલતઃ કરોડોના ભંડોળવાળા ટિળક સ્વરાજ ફન્ડના ખજાનચી તરીકે બાપુએ બે કચ્છીઓની નિયુક્તિ કરી હતી.

ભાષાશાસ્ત્રી કે. કા. શાસ્ત્રીએ ‘અસાંજો કચ્છ’ નામનું પુસ્તક લખ્યું હતું.

ક્યાં નથી કચ્છી માડુ? ‘જહાં જાઇયેગા હમેં પાઇયેગા...’ આઝાદીની લડાઈનો ઇતિહાસ એવું આલેખે છે કે લોકમાન્ય ટિળકની અંતિમ યાત્રા જેવી અંતિમયાત્રા કોઈએ જોઈ કે જાણી નથી, પરંતુ મુંબઈમાં આઝાદીના જંગમાં સામી છાતીએ અંગ્રેજોની ગોળીઓ ઝીલનાર આઝાદીનો પહેલો શહીદ કચ્છી, વીર વિઠ્ઠલે એ ઇતિહાસ બદલી નાખ્યો હતો. ઇતિહાસ નોંધે છે કે વીર વિઠ્ઠલનો વોરાવો ટિળકના વોરાવાથી અધિક હતો!

આઝાદીના જંગનો આખરી તબક્કો દેખાયો એ પહેલાંથી જ કચ્છમાં પણ એ ચળવળ ચગી હતી. એમાં એક પાત્ર સૌથી આગળ ઊપસી આવે છે અને એ એટલે કચ્છ મુન્દ્રાના યુસુફ મેહરઅલી. જંગ આખરનો હતો. ખેલ ખરાખરીનો હતો. ‘કરેંગે યા મરેંગે’નો શંખ ફૂંકાવાની તૈયારીમાં હતો એવી વેળાએ સર્વત્ર હૈયે અને હોઠે વસી જાય એવા એક સંગ્રામસૂત્રની ગાંધીજીએ માગણી કરી હતી. તેમણે જાતે પણ એકાદ-બે સૂત્રો બનાવી રાખ્યાં હતાં. આગલી હરોળના નેતાઓનું મનોમંથન ચાલુ હતું. સૂત્રો સૂચવાતાં જતાં હતાં, પણ જામતાં નહોતાં. એવામાં કચ્છની ધરતીનાં ધાવણ ધાવનારો એક સપૂત ‘ક્વિટ ઇન્ડિયા’નું સૂત્ર ગજવતો ત્યાં પ્રવેશ્યો અને ગાંધીજી આફરીન થઈ ગયા.

સૂત્રોચ્ચાર થાય છે, ઝિલાય છે, દેશ આખો એ સૂત્રથી ગાજી ઊઠે છે, એ સૂત્ર આપનાર હતા યુસુફ મેહરઅલી! એટલું જ નહીં, આઝાદી આવી, પછીની ઉજવણી માટે ચિત્તાકર્ષક આકૃતિ- પ્રતીકની જરૂર ઊભી થઈ, સમગ્ર દેશમાંથી અસંખ્ય લોગો તેની પસંદગી સમિતિને મળ્યા જેમાંથી જે લોગોની પસંદગી થઈ તે પણ એક કચ્છી કલાકારે તૈયાર કરી હતી!

આમ તો એમ કહેવાય છે કે કચ્છીઓની તાસીર ‘ધાલી’ ગાય જેવી હોય છે! સારી ઓલાદની, શ્યામવર્ણી, મતારી અને ગજેદાર ગાય હોય છે જે સવારે ચરવા જાય ત્યારે તેની ‘ઘેર’ ખીલે બાંધી હોય અને ગામના પાદરે ગામનું કો’ક વાછરું એ ગાયને ધાવતું હોય છે! કચ્છ એ બળૂકાં બચ્ચાંઓનો બાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઇતિહાસ પરિષદના એક વખતના પ્રમુખ અને વડોદરા મ્યુઝિયમના ક્યુરેટર પુષ્પકાંત ધોળકિયા લખે છે કે ‘કચ્છની કઠોર ધરતીએ ખડતલ માનવી પેદા કર્યો છે. તે માનવીએ પોતાના જીવન ઝંઝાવાતોમાંથી પ્રાણવાન બોલી રચી, શૌર્ય અને દાક્ષિણ, પરોણાગત અને સહકારની નવી જ ભાવના ખિલાવી છે. ચોપાસ કાળમીંઢ પથ્થર હતા છતાં કચ્છના કલાકારોએ એમાંથી અવનવાં શિલ્પોનું સર્જન કર્યું! કચ્છ સમુદ્રથી ઘેરાયેલો પ્રદેશ છે, એનો સદુપયોગ કરી કચ્છી માડુ સાગરખેડુ બન્યો અને સાત સમુદ્ર પાર નામ કાઢ્યું! કચ્છના વેપારીઓએ આફ્રિકાના પૂર્વ કિનારાથી એશિયાના પૂર્વ છેડા સુધી પોતાની શાખ જમાવી જેના કારણે આફ્રિકાની ચલણી નોટો પર દાયકાઓ સુધી ગુજરાતી લિપિએ સ્થાન શોભાવી ગુજરાતને ગૌરવ અપાવ્યું!

પૂર્વ આફ્રિકામાં જંગબાર તો બીજું કચ્છ બની રહ્યું હતું. કચ્છ મુન્દ્રાના શેઠ જેરામ શિવજી અને શેઠ ઇબજી શિવજી ભીમાણી તો આફ્રિકાના અર્થતંત્ર પર કાબૂ ધરાવતા હતા. કચ્છના કેરા ગામના ખોજા, શેઠ અલીદીના વિશરામ યુગાન્ડાના બેતાજ બાદશાહ ગણાતા હતા. તેઓ બ્રિટિશ સરકારને પણ નાણાસહાય કરતા હતા. જંગબાર, મોમ્બાસાથી કમ્પાલા

સુધીમાં તેમની ૧૦૦ જેટલી પેઢીઓ ધમધમતી હતી.

કચ્છી પ્રજાને ત્યાંની રાજાશાહી સામે કોઈ વિરોધ નહોતો. કચ્છના લોકોએ રાજા અને રાજવંશને ખૂબ જ પ્રેમ આપ્યો છે છતાં સમગ્ર દેશ સ્વતંત્રતાનો જંગ લડવા કમર કસી રહ્યો હતો ત્યારે કચ્છી પ્રજા પણ એ મુખ્ય પ્રવાહમાં ભળવા તૈયાર થઈ ગઈ હતી. એ સમય હતો મહારાઓ શ્રી ખેંગારજી ત્રીજાના શાસનકાળનો. ઈ. સ. ૧૮૭૬ની આસપાસનો. કચ્છ પ્રજામંડળ, કચ્છ પ્રજાકીય પરિષદ જેવાં આંદોલનોએ એ સમય દરમ્યાન જ આકાર લીધો હતો. પ્રારંભમાં કચ્છ બહાર મુંબઈના રાજકીય રીતે ધમધમતા વાતાવરણમાં યોજાયેલાં એટલે કે ૧૯૨૬માં સૂરજી વલ્લભદાસના પ્રમુખપદે મળેલા અધિવેશન પછી ૧૯૨૭માં કચ્છમાં માંડવી ખાતે લક્ષ્મીદાસ રવજી તેરશી, ૧૯૩૦માં અંજાર ખાતે જનાબ યાકુબ હુસેન, ૧૯૩૪માં મૂળરાજ કરસનદાસ, ૧૯૩૭માં બિહારીલાલ અંતાણી, મુન્દ્રા ખાતે બિરાદર યુસુફ મેહરઅલી, ભુજ અને કોડાય ખાતે ગુલાબશંકર ધોળકિયાના પ્રમુખપદે અને અનુક્રમે ૧૯૪૫ અને ૧૯૪૮માં અધિવેશનો યોજાયાં અને કચ્છમાં રાજાશાહીની

સાથે-સાથે રાજકારણનો પણ પ્રારંભ થયો. ૧૯૩૮માં કચ્છમાં ‘નવજવાન કાર્યકર સંઘ’ નામથી એક લડાયક મિજાજના રાજકીય સંગઠનનો પણ જન્મ થયો હતો!

kutch columnists