કૌન કહતા હૈ હર બાત સ્યાહી સે લિખી જાતી હૈ

10 February, 2020 04:25 PM IST  |  Mumbai Desk | Pravin Solanki

કૌન કહતા હૈ હર બાત સ્યાહી સે લિખી જાતી હૈ

કૃષ્ણ જીવનના કોરા પાનાનું પણ એવું જ છે. મથુરાને કંસમુક્ત બનાવ્યા પછી પણ મથુરાની અવદશાનો અંત ન આ‍વ્યો. કંસની હત્યાનું વેર લેવા જરાસંધ વારંવાર મથુરા પર ચડાઈ કરતો રહ્યો. એટલી હદ સુધી કે મથુરાની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ. પ્રજાને એમ લાગતું હતું કે જરાસંધને મથુરા સામે કોઈ વેર નથી, વેર છે કૃષ્ણ સામે. જ્યાં સુધી કૃષ્ણ મથુરામાં હશે ત્યાં સુધી જરાસંધ મથુરાને, મથુરાની પ્રજાને શાંતિથી જીવવા નહીં દે. જે પ્રજાના હિત માટે કૃષ્ણે પોતાનો જીવ હથેળીમાં મૂકી કંસની દુશ્મની વ્હોરી, તેને હણ્યો એ જ પ્રજા પછીથી કૃષ્ણની દુશ્મન બની ગઈ, કૃષ્ણને મથુરા છોડવા મજબૂર કર્યા.

કૃષ્ણ જીવનનો ઉત્તરાર્ધ દ્વારકામાં વીત્યો અને અતિ સંઘર્ષમય અને અતિ કરુણ નીવડ્યો. પ્રકાશભાઇની માન્યતા હતી કે દ્વારકા ગયા પછી કૃષ્ણે કોઈ મોટું યુદ્ધ નથી કર્યું એ માન્યતાનું ખંડન કરતાં મેં નરકાસુરની વાત કહી એ અધૂરી વાત આગળ વધારું છું. ‘મહામાનવ શ્રીકૃષ્ણ’ પુસ્તકમાં હરિવંશનો હવાલો આપી કહેવાયું છે કે કૃષ્ણના તમામ શત્રુઓમાં નરકાસુર સૌથી વધારે પ્રચંડ અને સૌથી ભયંકર લેખાયો છે. હરિવંશમાં કૃષ્ણ અને સત્યભામા માતા અદિતિનાં લૂંટાયેલાં કુંડ‍ળ પાછાં આપવા સ્વર્ગમાં ગયા પછીની વાત વિષ્ણુપુરાણમાં વધારે રસપ્રદ રીતે આલેખાઈ છે.

કૌન કહતા હૈ હર બાત સ્યાહી સે લિખી જાતી હૈ
બહુત સારે જઝબાતોં સે ભરા હોતા હૈ એક કોરા પન્ના

કુંડળ પાછાં આપવા કૃષ્ણ અને સત્યભામા દેવલોક પધાર્યાં. પછી સત્યભામા અને ઇન્દ્રાણી બન્ને એકબીજાની ખૂબ નજીક આવ્યાં. એક સ્વર્ગની ઇન્દ્રાણી અને બીજી દ્વારકાધીશની મહારાણી, ઘરની અને સ્વર્ગની બે સન્નારીઓ વચ્ચે સહિયરપણાં બંધાયાં. ઇન્દ્રાણીએ સત્યભામાની ભાવપૂર્વક આગતાસ્વાગતા કરી એટલું જ નહીં, સત્યભામાને ચિરયૌવનાનું વરદાન આપ્યું. એ સમયે શચિએ એટલે કે ઇન્દ્રાણીએ પારિજાત પુષ્પોનો શણગાર કર્યો હતો. આ પારિજાતનાં સ્વર્ગીય ફૂલો વિશિષ્ટ પ્રકારનાં હતાં.

હરિવંશમાં એ ફૂલો માટે કહેવાયું છે એમ માલિકની ઇચ્છા અને ભાવના મુજબ આ ફૂલોનાં વૃક્ષ પ્રચંડ વડલાથી માંડીને અંગૂઠાના કદ જેટલું ટચૂકડું પણ થઈ જાય. જ્યારે જેવી સુગંધ માગો એવી સુગંધ મળી રહે. વ‍ળી આ પારિજાતની હાજરીમાત્રથી વૃદ્ધો યુવાન થઈ જાય, રોગી તંદુરસ્ત બને, આંધળાને દૃષ્ટિ મળે. આ પારિજાતનાં ફૂલો એક વરસ સુધી તાજાં રહે. આ વૃક્ષને ડાળી તો માત્ર ત્રણ જ હોય; પણ દુનિયા આખીમાં જેટલા પ્રકારનાં, રૂપનાં, રંગનાં, ગંધનાં ફૂલો હોય એ બધાં એકસામટાં આ વૃક્ષ પર ઊગે. 

ઇન્દ્રાણીના તન પર પારિજાતનાં ફૂલોનો શણગાર નિહાળીને સત્યભામા મુગ્ધ થઈ ગયાં. ઘડીભર એમના મનમાં આ ફૂલો માગી લેવાનો વિચાર આવ્યો પણ દ્વારકાધીશની મહારાણી હોવાનો અહં આડે આવ્યો હશે. ખેર!

દેવલોકમાંથી દ્વારકા પાછાં ફરતાં હતાં ત્યાં રસ્તામાં સત્યભામાની નજરમાં પારિજાતનું એક મહાવૃક્ષ નજરમાં આવ્યું. કૃષ્ણને રથ રોકવાનું કહ્યું. રથ રોકાયો, સત્યભામાએ કહ્યું, ‘દ્વારકાધીશ, પેલું અવર્ણનીય પારિજાતનું વૃક્ષ તમે જોયું?’ કૃષ્ણે કહ્યું, ‘હા જોયું.’ ‘મને એ વૃક્ષ ખૂબ ગમી ગયું છે, મારે એ જોઈએ છે. મારા ઉપવનમાં હું એને રોપીશ. મારા બગીચાનું માહાત્મ્ય વધશે.’

કૃષ્ણ થોડી વાર તો કંઈ બોલ્યા નહીં એટલે સત્યભામાએ સ્ત્રીચરિત્ર અજમાવ્યું, ‘નાથ, તમે મને વારંવાર કહ્યા કરો છો કે તું મને સૌથી વધારે વહાલી છે, તું જ મારા હૃદયની રાણી છે એ બધું શું કેવળ વિવેક હતો? ઠાલા શબ્દો હતા? મારે માટે કંઈ પણ કરવા તૈયાર થનારા આજે એક વૃક્ષ લાવી આપવા અસહાયતા અનુભવે છે?’

સત્યભામાના શબ્દોએ કૃષ્ણનું મર્મસ્થાન વીંધ્યું. કૃષ્ણ નીચે ઊતરી વૃક્ષને ઉખેડવા ગયા ત્યાં રક્ષકોએ દોડીને અટકાવતાં કહ્યું, ‘થોભો! આ શચિદેવીનું અત્યંત પ્રિય વૃક્ષ છે. એને હાથ લગાડવાની પણ હિંમત કરવી એ મૂર્ખાઈ ગણાશે. આ વૃક્ષ લઈ જવાની ઇચ્છા કરનાર કોઈ જીવતું જઈ શક્યું નથી.’ કૃષ્ણ કંઈ જવાબ આપે એ પહેલાં સત્યભામાએ આંખ લાલચોળ કરી કહ્યું, ‘શચિ વળી આ ઝાડની એકમાત્ર માલકણ ક્યાંથી ગણાય? સમુદ્રમંથન વખતે પ્રગટ થયેલું આ વૃક્ષ એકલો ઇન્દ્ર જ કેવી રીતે રાખી શકે? સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલી સુરા (શરાબ), ચંદ્ર, લક્ષ્મી જેમ બધાનાં છે એમ આ પારિજાત પણ વિશ્વભરની સહિયારી માલિકીનું ઝાડ છે. અરે ઓ ચિઠ્ઠીના ચાકર રક્ષક, જા તારી માલકણને જઈને કહે કે તારા વર ઇન્દ્રની તાકાતનો આટલો ઘમંડ ન કરે અને એટલું પણ કહેજે કે આ વૃક્ષ સત્યા ઉપાડી જાય છે, હિંમત હોય તો તેને અટકાવજે.’

બસ, પછી તો જે બનવાનું હતું એ જ બનીને રહ્યું. રક્ષકે શચિને સત્યભામાનો સંદેશો આપ્યો. શચિના રોમેરોમમાં આગ લાગી. તેનો અહં ઘવાયો, તેનું સ્વમાન હણાયું ને અભિમાન એરણે ચડ્યું. શચિએ ઇન્દ્રને ઉશ્કેર્યો, પાનો ચડાવ્યો. ઇન્દ્રે ઝનૂનપૂર્વક આખી દેવસેનાને શસ્ત્રસજ્જ કરી. કૃષ્ણને પડકાર્યા. ઘમસાણ-તુમુલ યુદ્ધ જામ્યું. ફરી પાછા ‘બેઉ બળિયા બાથે વળિયા’ નાગદમન સમયની નરસિંહ મહેતાની પંક્તિને ઝાંખી પાડે એમ બેઉ બળિયાએ પ્રચંડ યુદ્ધ આદર્યું. ઇન્દ્રે વજ્રનો સહારો લીધો તો કૃષ્ણે સુદર્શન ચક્રનો. પણ છેવટે ઇન્દ્રને નાસવું પડ્યું.

ઘણાંબધાં યુદ્ધનું કારણ સ્ત્રી બની છે. કોઈ પણ કાળમાં સતયુગ હોય, દ્વાપર હોય કે ત્રેતા, કળિયુગ માટે તો કંઈ કહેવાપણું જ રહ્યું નથી; સ્ત્રીનો અહંકાર, સ્વમાન, અભિમાન દરેક કાળમાં મોખરે રહ્યાં છે. એક સત્ય એ પણ છે કે પુરુષ જલદી ભૂલી જઈ શકે છે, સ્ત્રી લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. ખેર, આ યુદ્ધનું માહાત્મ્ય કંઈક જુદું પણ છે. આ યુદ્ધનું એક ઊજળું અને અનોખું પાસું એ છે કે ઇન્દ્ર જેવો જીવ બચાવવા નાસવા લાગ્યો કે સત્યભામાએ તેને રોક્યો. કહ્યું કે ‘આ પારિજાતનું વૃક્ષ તમારું જ છે ને તમારું જ રહેશે. હું જાણું છું કે આ વૃક્ષ સ્વર્ગની શોભા છે. મારે તો ગર્વિષ્ઠ શચિનો ગર્વ ઉતારવો હતો અને મારા પતિની કીર્તિ વધારવી હતી. સ્ત્રીસ્વભાવગત મારાથી જે કંઈ બની ગયું એ માટે ક્ષમા ચાહું છું.’

સત્યભામાના આવા વર્તનથી કૃષ્ણ પણ ખુશ થયા એટલું જ નહીં, ઇન્દ્રની માફી માગતાં બોલ્યા કે ‘આપ દેવ છો, હું તો અવતાર છું; મૃત્યુલોકનો માનવી. સત્યભામા પ્રત્યેના વધુપડતા અનુરાગને કારણે હું અધર્મ આચરી બેઠો, મને ક્ષમા કરો.’ વળી આ પ્રસંગને વધારે ગૌરવશાળી બનાવતાં ઇન્દ્રે કહ્યું કે ‘આપ અસુરોનો નાશ કરો છો તેથી પારિજાતનું વૃક્ષ જરૂર દ્વારકા લઈ જાઓ, મને આનંદ થશે. પણ તમારા અવસાન પછી આ પારિજાત ધરતી પર રહેશે નહીં.’

ઇન્દ્રનું માન રાખવા કૃષ્ણે પારિજાતનું વૃક્ષ સ્વીકાર્યું. કાશ! દરેક યુદ્ધના અંતે બન્ને પક્ષે આવું ઔદાર્ય દાખવ્યું હોત તો?
પારિજાતના ફૂલની વાત હરિવંશમાં જુદી રીતે કહેવાઈ છે. રામાયણ, મહાભારત, પુરાણો, લોકવાર્તાઓ વગેરેની એક ખાસિયત રહી છે. સમયાંતરે અંદરની વાતો બદલાતી રહી છે, ઉમેરાતી રહી છે, બાદબાકી થતી રહી છે. સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ આ બાબત ખૂબ મહત્ત્વની ટિપ્પણી કરી છે કે પુરાણો, આખ્યાનોમાં સાચું શું છે એમાં ઊંડા ઊતરવાનો ક્યારેય પ્રયત્ન ન કરશો, જે સારું લાગે એ જ આત્મસાત‍્ કરજો.

હરિવંશમાં જુદી રીતે કહેવાયેલી આ કથા હવે જોઈએ. એક વાર કૃષ્ણ રુક્મિણી સાથે રૈવતક પર્વત પર વિહાર કરી રહ્યા હતા. ત્યાં રસ્તામાં નારદમુનિ મળી ગયા. નારદે પારિજાતનું એક ફૂલ રુક્મિણીને આપ્યું. રુક્મિણીએ એ ફૂલ અંબોડામાં ખોસ્યું અને રુક્મિણી જે હતાં એના કરતાં અનેકગણાં તેજોમય બની ગયાં. સ્વર્ગીય, અલૌકિક આભાથી તેઓ ઝગમગવા લાગ્યાં. નારદે પણ વખાણ કરતાં કહ્યું કે દેવી, આ ફૂલ અનોખું અને અદ્ભુત છે. એ તમારે માટે જ યોગ્ય છે. આ પુષ્પ તો ઊલટું તમારાથી શોભી ઊઠ્યું છે. આ ફૂલથી આપ એટલાં આકર્ષક લાગો છે કે કૃષ્ણને સદાકાળ તમારા જ બનાવીને રહેશો.

અને છેલ્લે - જે થવાનું હતું એ જ થયું. આ વાત અંતઃપુરમાં ફેલાઈ ગઈ. રુક્મિણીની આ ચડતી કળા બીજી રાણીઓએ તો સાંખી લીધી-સ્વીકારી લીધી, પણ સત્યભામા એ ઝાંખી શકી નહીં; કારણ કે તે તો કૃષ્ણની સૌથી વધારે વહાલી પત્ની હતી. વળી તેને પોતાના રૂપનું, યુવાનીનું અનહદ અભિમાન હતું.

સત્યભામાએ સમતોલપણું ગુમાવ્યું. તેણે રુસણાં લીધાં. વાળ વીખેરી નાખ્યા, શણગાર ત્યજી દીધો, ઘરેણાં ફગાવી દીધાં, આંખનું કાજળ ભૂંસી નાખ્યું, પગનાં ઝાંઝર ફગાવી દીધાં ને અસ્તવ્યસ્ત હાલતમાં આંખમાં આંસુ સાથે રૂસણાઘરમાં એવી રીતે લપાઈ ગઈ કે જાણે આભનો એક ખૂબ જ તેજસ્વી સિતારો કાળા વાદળમાં છુપાઈ ગયો હોય. (એ જમાનામાં રાણીઓ માટે ખાસ ‘રૂસણાઘર’ની વ્યવસ્થા હતી. રાજાને જેવી ખબર પડે કે રાણી રૂસણાઘરમાં બેઠી છે કે સમજી જાય તેને કંઈ વાંકું પડ્યું છે, નારાજ થઈ છે. આ અગમચેતી મળ્યા પછી રાજા તેને મનાવવાની બધી જ યુક્તિ-પ્રયુક્તિ મનમાં ગોઠવીને જ અંદર પ્રવેશ કરે. મને એવી ખબર પડી છે કે આજકાલની ધનાઢ્ય પત્નીઓને કંઈક વાંકું પડ્યું હોય તો કલાકો સુધી બાથરૂમમાં ભરાઈ જઈને પોતાની નારાજગી વ્યક્ત કરે છે.) ખેર, વાત લાંબી છે. કૃષ્ણે સત્યભામાને કઈ રીતે મનાવી? આવતા સપ્તાહે.

સમાપન
પતિ અને પત્ની ભુલેશ્વરના મંદિરમાં દર્શન કરી ભુલેશ્વરની સાંકડી ગલીઓમાંથી ફરતાં-ફરતાં પાછા ઘર તરફ જતાં હતાં. ત્યાં દેવી-દેવતાઓની છબીઓ વેચતી એક દુકાન પર પત્નીની નજર ગઈ. પતિને કોણી મારતાં તે બોલી, ‘એય જુઓ, આ શિવ-પાર્વતીની છબી, શિવ હાથમાં ત્રિશૂલ લઈને બેઠા છે. ને આ વચમાં વિષ્ણુ-લક્ષ્મીજી જુઓ, વિષ્ણુના હાથમાં સુદર્શન ચક્ર છે ને આ ડાબી બાજુ ડોળા ફાડો. જુઓ સીતા-રામની છબી. રામના હાથમાં ધનુષ્ય-બાણ છે. ને આ સૌથી નીચે જુઓ, રાધા-કૃષ્ણની છબી. કૃષ્ણ કેવા મસ્ત બની વાંસળી વગાડી રહ્યા છે!’
‘હા, હા, પણ એનું શું?’ પતિ ગુસ્સામાં બોલ્યા.
‘બીજા બધા ભગવાનના હાથમાં કોઈ ને કોઈ શસ્ત્ર છે. માત્ર કૃષ્ણના હાથમાં વાંસળી કેમ?’
‘અરે ગાંડી, બીજા બધા ભગવાન પત્ની સાથે છે એટલે હથિયાર રાખ્યાં છે, કૃષ્ણ સાથે તેની ગર્લફ્રેન્ડ છે એટલે આનંદથી વાંસળી વગાડે છે. સમજ જરા, ડોબી!’
પ્રશ્ન જરૂર થશે : કૃષ્ણને કોણ વધારે વહાલી હતી, રાધા કે સત્યભામા?

Pravin Solanki columnists