પેરન્ટલ ગાઇડન્સના પ્રતાપે ગોખણપટ્ટીની ચુંગલમાંથી બચી જવાયું

14 January, 2020 05:53 PM IST  |  Mumbai Desk | Taru Kajaria

પેરન્ટલ ગાઇડન્સના પ્રતાપે ગોખણપટ્ટીની ચુંગલમાંથી બચી જવાયું

નાના હોઈએ ત્યારે આપણા પર સૌથી વધુ અસર સ્કૂલ ક્લાસટીચરની હોય. હમણાં સાત વર્ષની એક બાળકીએ સ્કૂલ માટે તૈયાર કરેલી એક સ્પીચ સાંભળતાં ફરી એ પ્રચંડ અસરની યાદ તાજી થઈ. જ‍ળપ્રદૂષણ વિશે તેને બોલવાનું હતું. એક દિવસ તે મારી પાસે આવીને પોતાની સ્પીચ બોલવા લાગી. પોતાને બોલવાનું હતું એ બધું તેણે ગોખી લીધેલું એટલે લખાણ સામે રાખ્યા વિના જ તે બોલતી હતી. તેનું પહેલું જ વાક્ય હતું: ‘ઍગ્રિકલ્ચર ઇઝ ધ મેઇન સોર્સ ઑૅફ વૉટર પૉલ્યુશન’! એ સાંભળી હું ચોંકી. મેં તેને કહ્યું કે ઍગ્રિકલ્ચર નહીં, પણ એમાં વપરાતાં રાસાયણિક ફર્ટિલાઇઝર્સ જળને પ્રદૂષિત કરે છે. અલબત્ત, આગળ તેની સ્પીચમાં તેણે ફર્ટિલાઇઝર્સ વિશે લખ્યું હતું, પણ તેનું પ્રથમ વાક્ય મને બરાબર ન લાગ્યું એટલે મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ખેતી બે પ્રકારે થાય છે-કુદરતી ખાતર વાપરીને અને રાસાયણિક ખાતરથી. કુદરતી ખાતરથી થતી ખેતી જળપ્રદૂષણ નથી કરતી એ દાખલા-દલીલ સાથે તેને સમજાવ્યું. પરંતુ તે તો પોતાની જ સ્પીચને વળગી રહી. પછી કહે, મારી ટીચરે આ જ રાઇટ કહ્યું છે. સદીઓથી દુનિયાના જીવોને જીવન બક્ષતી અને પોષણ કરતી ખેતી પ્રદૂષણનું નહીં પણ પોષણનું મૂળ છે એ વાત તેને સમજાવવાનો પ્રયત્ન મેં પણ પડતો મૂક્યો.

એ કિસ્સાએ મારી સમક્ષ બાળપણની કેટલીય ઘટનાઓ તાજી કરી દીધી. બા‍ળમંદિરમાં હતી ત્યારથી મને ગણિત બહુ ગમતું. સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકારના દાખલાઓ કરવાની મને મજા આવતી. એમાં ક્યારેય કોઈ અઘરો દાખલો આવે તો અમે બાપુજી પાસે જતા. બાપુજી ચપટી વગાડતાં દાખલો ગણતા અને સાચો જવાબ મેળવી આપતા. ઝડપથી દાખલા ઉકેલવાની તેમની રીત બાપુજી અમને પણ શીખવતા, પરંતુ અમે એમાં જરા પણ રસ ન લેતાં. કેમ કે અમારે મન તો ટીચરે શીખવેલી રીત જ સાચી હતી! આજે સમજાય છે કે બાપુજી વેદિક ગણિતની પદ્ધતિથી ગણિતના કોયડાઓ ઉકેલતા. આજે આ વેદિક ગણિતની દુનિયામાં ભારે માગ છે. એના વર્ગો ચાલે છે અને મોંઘી ફીઝ ભરીને બાળકોને એમાં શીખવા મોકલાય છે. બાળવયે ‘ટીચર કહે એ જ સાચું’ની જડતાના પ્રભાવમાં જકડાયેલા દિમાગે પરિવારમાં સરળતાથી ઉપલબ્ધ હતું એ જ્ઞાનની ઉપેક્ષા કરી હતી એનો રંજ આજેય પીડે છે.
પ્રગતિશીલ વિચારધારા ધરાવતા અમારા પેરન્ટ્સ તરફથી અમને કોઈ પણ વાત ન સમજાય ત્યારે એ સમજવા માટે સવાલો પૂછવાનું પેરન્ટ્સનું પ્રોત્સાહન સતત મળતું, પરંતુ મને યાદ છે અમે સ્કૂલમાં ટીચરને સવાલ પૂછવાની હિંમત ન કરતાં. સદનસીબે અમને એ બાબતમાં ઘરે બહુ મજાનું વાતાવરણ મળ્યું હતું. અભ્યાસમાં જે ન સમજાયું હોય એ ઘરે બા-બાપુ કે મોટી બહેનો પાસેથી સમજી લેતાં. પરંતુ એવા દરેક પ્રસંગે અમને ‘ક્લાસમાં સમજાયું નહીં તો ટીચરને કેમ પૂછ્યું નહીં? એવો સવાલ તો થતો જ. અને સમજ્યા વગર યાદ ન કરવાની ટકોર પણ સાંભળવા અચૂક મળતી. એને કારણે એક મોટો લાભ એ થયો કે દરેક વિષયમાં જે પ્રકરણો, પાઠ શીખવવામાં આવતાં એ પૂરેપૂરાં વાંચવાની અને સમજવાની આદત કેળવાઈ. અમારા સમયમાં ટીચર દરેક પાઠ પૂરો કર્યા બાદ એના સવાલ-જવાબ અમને લખાવતા અને ક્લાસ ટેસ્ટમાં એ સવાલો પૂછતા. મોટા ભાગના સ્ટુડન્ટ્સ ટીચરે લખાવ્યા હોય એ જ જવાબો ગોખી આવતા અને ટેસ્ટમાં લખી નાખતા. પરંતુ મારા જવાબોમાં શબ્દો અને વાક્યરચના મારાં પોતાનાં રહેતાં. આભાર એ પેરન્ટલ ગાઇડન્સનો કે ગોખણપટ્ટીની ચુંગલમાંથી બચી જવાયું અને સમજાય નહીં ત્યાં સુધી આગળ ન વધાય એ શીખ પણ ગાઠે બંધાઈ ગઈ. મોટા થયા પછી પેલી સવાલ પૂછવાની હિમ્મત પણ આવી અને એ જિંદગીમાં ખૂબ જ કામ લાગી.
આધુનિક ટેક્નૉલૉજીની કૃપાથી આજે બાળકોનાં સ્કૂલનાં હોમવર્ક, ક્લાસ ટેસ્ટ્સ, પૉર્શન્સ વગેરે સ્કૂલની ઍપ કે સાઇટ પર અપલોડ થાય છે. પેરન્ટ્સ વૉટ્સઍપ ગ્રુપ બનાવીને બાળકોની સ્કૂલ સંબંધી તમામ જાણકારી એકમેક પાસેથી મેળવે છે. પોતાનું બાળક સ્કૂલે ન ગયું હોય તો એ દિવસે ક્લાસમાં શું શીખવાયું કે શું હોમવર્ક મળ્યું છે એવી બધી માહિતી મેળવી શકે છે. આવાં ગ્રુપોની ચર્ચાઓ વાંચતાં પેરન્ટ્સની બા‍ળકોના અભ્યાસ અંગેની ચિંતાનો ખ્યાલ આવતો હોય છે. હમણાં એક સ્કૂલનો સ્પૉર્ટ‍્સ ડે હતો. એમાં ભાગ લેવા માટે કેટલાંક બાળકોને પસંદ નહોતાં કરાયાં એ અને જેઓ પસંદ થયાં હતાં એ બાળકોના પેરન્ટ્સ ચર્ચા અને દલીલમાં સામસામે આવી ગયા હતા. એક પક્ષનું કહેવું હતું કે બધાને સ્પૉર્ટ‍્સમાં ભાગ લેવા દેવો જોઈએ. અને બીજાનું કહેવું હતું કે સ્કૂલે એલિમિનેશન રાઉન્ડ રાખ્યો હતો એમાં જે પસંદ થયા તેમને ફાઇનલ્સમાં બોલાવ્યા છે એ યોગ્ય જ છે. આ મંતવ્ય તાર્કિક છે. પરંતુ જે બા‍ળકો પસંદ નહોતાં થયાં તેમને સ્પૉર્ટ‍્સ ડેમાં શું મજા આવે? એવો પ્રશ્ન કરીને તેમના પેરન્ટ્સ તેમને મોકલવા રાજી નહોતા. એ ગ્રુપમાં ચાલેલી ચર્ચા જોઈને કોઈને પણ સવાલ થાય કે આ પેરન્ટ્સ બાળકોમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ કેવી રીતે ખીલવશે? અવઢવ કે અજ્ઞાનમાં અથડાતા રહેવાને બદલે ઉચિત સવાલ કરતાં ન અચકાવું એ પ્રગતિશીલ વ્યક્તિની નિશાની છે. તર્કવિહીન વિરોધ કરવો અને ક્રાન્તિકારી હોવાના ભ્રમમાં રહેવું નહીં. આ વાત પહેલાં પેરન્ટ્સે સમજવી પડે. બરાબરને!

taru kajaria columnists