મારી ખુશી ખૂંચવવાનો હક હું કોઈને નહીં આપું

21 January, 2020 02:38 PM IST  |  Mumbai | Taru Kajaria

મારી ખુશી ખૂંચવવાનો હક હું કોઈને નહીં આપું

‘બોર્ડ પરની રેખાને કાપ્યા કે ભૂંસ્યા વિના નાની કરી બતાવો’. સ્કૂલમાં હતા ત્યારથી આ વાક્ય અને આ કવાયતની પાછળનો મર્મ આપણે સાંભળ્યો છે. એ જ રીતે કોઈ વ્યક્તિની ચીજને અડ્યા કે તોડ્યા વિના પણ તેની પાસેથી એ ચીજ ઝૂંટવી શકાય છે એની તમને જાણ છે? આવો સવાલ કોઈ પૂછે તો આપણે કદાચ ના કહી દઈએ, પરંતુ આ વાત પણ શક્ય છે. ઇન ફૅક્ટ આપણે ક્યારેક ને ક્યારેક એવી હરકત કરીએ પણ છીએ. ચોંકી ગયાને વાંચીને?

રોમાએ પોતાનું ઘર લીધું. વરસોથી ભાડાના ઘરમાં રહેતી રોમાએ લગ્ન કરીને આવી ત્યારથી પોતાના ઘરનું સપનું જોયેલું, પરંતુ સંયુક્ત કુટુંબનો નિર્વાહ કરવામાં બન્નેની કમાણી ક્યાં ચટણી થઈ જતી એ ખબર ન પડતી. અને રોમા-ધીરનું પોતાના આશિયાનાનું સપનું દૂર ને દૂર ધકેલાતું ગયું. આખરે પચીસ વરસે એ લોકો પોતાનો ટૂ બીએચકેનો ફ્લૅટ લઈ શક્યા. સેંકડો રવિવાર અને રજાઓમાં ડામી દીધેલી ફરવા જવાની ઇચ્છા, એકાદ-બે મહત્ત્વના સામાજિક કારણ સિવાય ભવિષ્યનાં પાનાં પર ઠેલાતો ગયેલો પ્રવાસનો શોખ, થોડામાં ઘણાનો આનંદ લેવાની વૃત્તિ અને આવડતથી રોમાએ અઢી દાયકાની કરકસરભરી જિંદગી પ્રમાણમાં સુખ-સંતોષ સાથે વિતાવી હતી. અને હવે પોતાના ઘરમાં આવીને તો તેની ખુશીનો પાર નહોતો. વરસોથી સાચવીને રાખેલી કલાત્મક ચીજો કે ભેટોને બૅગમાંથી બહાર નીકળવાની તક આ ઘરમાં મળી હતી. રોમાના કલાત્મક અને સર્જનાત્મક મિજાજને પણ વ્યક્ત થવાનો મોકો આખરે મળ્યો હતો. તેણે નવા ઘરમાં બધી ઘરવખરી સરસ રીતે ગોઠવી દીધી. નવા ઘરથી એ ખૂબ જ ખુશ અને સંતુષ્ટ હતી.

આ સોસાયટીમાં આજુબાજુના ઘણા લોકોએ તો ઇન્ટીરિયર પર પણ ખાસ્સો ખર્ચ કર્યો હતો. તેમનાં અપ-ટુ-ડેટ ઘરો જોઈ રોમા રાજી થતી. પરંતુ રોમાને એવી લક્ઝરી નહોતી, તેણે તો જૂના ઘરના રાચરચીલાથી જ નવા ઘરમાં સુંદર, સુઘડ અને આરામદાયી વ્યવસ્થા રચી લીધી હતી. પરંતુ ધીર બીજાઓનાં આધુનિક ઢબે સજાવેલાં ઘરો જોઈને ઝંખવાઈ જતો. રોમાને લાગતું કે પોતાના ઘરના સાધારણપણાથી તે સંકોચ અનુભવતો હતો. ધીર માનતો હતો કે નવા ઘરમાં બધું નવું જોઈએ. રોમાને પણ એવું ગમે, પરંતુ ઘરના બજેટની જવાબદારી રોમા સંભાળતી અને તેની સૂઝબૂઝભરેલી વ્યવસ્થાશક્તિને કારણે જ એટલી બચત થઈ શકી હતી કે તેઓ આજે પોતાનું ઘર લઈ શક્યાં હતાં. જૂની છતાં સારી અને ઉપયોગી હોય એવી વસ્તુઓ વાપરવામાં રોમાને બિલકુલ પ્રૉબ્લેમ નહોતો. વળી પોતાની ઇનોવેટિવ ક્રીએટિવિટીથી તે કોઈ પણ ચીજને નવો ઓપ અને નવો હેતુ પણ આપી શકતી. એટલે તેને તો પોતાનું ઘર બધા કરતાં જુદું છે એનો અફસોસ બિલકુલ નહોતો. ઊલટું પોતાના નોખાપણાનું ગૌરવ પણ તે માણતી. ધીરનો ઉદાસ ચહેરો જોતી ત્યારે તે કહેતી પણ ખરી કે આપણું ઘરનું સપનું સાકાર થયું તોય તમે ખુશ કેમ નથી લાગતા? ધીર કહેતો ‘ઘર ભલેને થયું પણ અંદર તો બધું જૂનું-જૂનું જ છેને! સમજદાર રોમા દલીલ ન કરતી. પણ તેને મનમાં જરૂર થતું કે એક પુખ્ત વયની વ્યક્તિ તરીકે ધીર કેમ પોતાના સંજોગો સમજતો નથી? અને જે અને જેવા સંજોગો છે એમાં પોતે બેસ્ટ પૉસિબલ વ્યવસ્થા ઊભી કરી છે, આટલું સરસ ઘર રાખ્યું છે અને સંસારની જવાબદારીઓ તેમ જ વ્યવહારો આટલી કુશળતાથી નિભાવ્યા છે તેમ છતાં ધીરે ક્યારેય તેની કદર કરી નથી ઊલટું તેના દોષ જોવા તત્પર રહે છે! તે મનોમન ઉદાસ પણ થઈ જતી. પરંતુ કોઈના કારણે મારી ખુશી શા માટે બરબાદ કરું? એ સમજદારીભર્યો સવાલ જાતને કરી તે ધીરના વાંધાવચકાને વજૂદ ન આપતી. 

ગયા અઠવાડિયે ધીરનાં ફોઈ ઘરે આવેલાં. રોમા ઑફિસના કામથી બહારગામ ગયેલી એટલે તેમને નહોતી મળી શકી. તે પાછી ફરી ધીર સાથે વાતો કરતાં તેને ફોઈની નવા ઘરની મુલાકાત વિશે ખબર પડી. તેણે ઉત્સાહથી પૂછ્યું કે ફોઈએ શું કહ્યું? ધીરે જવાબમાં પૂછ્યું: શેના વિશે શું કહ્યું? રોમા ભોંઠી પડી ગઈ. તેણે ઝંખવાઈને કહ્યું ઃ આપણું ઘર કેવું લાગ્યું ફોઈને? ધીરે મોઢું વાંકું કરીને કહ્યું : ફોઈએ પણ એ જ કહ્યું કે આ નવા ઘરમાં આ જૂનું ફર્નિચર જરાય શોભતું નથી. કાઢો. રોમાને સમજાવ કે આ કાઢે! રોમાની આંખ ભરાઈ આવી. તેને થયું ફોઈ તો બહારનાં છે. લોનના હપ્તા, આ મોંઘવારીમાં ચાર જણનો ખર્ચ અને બીમાર વૃદ્ધ મા-બાપની મેડિકલ ઇમર્જન્સી વગેરેની જોગવાઈ કરવાની હોય ત્યારે ફર્નિચર પ્રાયોરિટી લિસ્ટમાં ઘણું પાછળ ધકેલાઈ જાય એ વાત તેમના સાધનસંપન્ન દિમાગમાં કદાચ ન ઝબકે, પણ ધીર તો બધું જાણે છે છતાંય આમ વર્તે છે?

એ રાતે રોમા ખૂબ રડી. એક મહિના પહેલાં આ ઘરમાં આવીને અનુભવેલાં હાશ અને આનંદ તેનાથી જોજનો દૂર ચાલ્યાં ગયાં. ફોઈના શબ્દોએ એ બધાંને ઝૂંટવી લીધાં હતાં. તેને યાદ આવ્યું એ જ ફોઈનું વરસો પહેલાં જોયેલું ઘર. પૈસાદાર ફોઈના ઘરે ત્યારે આજના જેવી નોકરોની લક્ઝરી નહોતી. એ વખતે તેમનું  ઘર એટલું ગંદું રહેતું કે રોમા જ્યારે પણ જતી ત્યારે તેને થતું કે આટલાં શ્રીમંત ફોઈનું કિચન આવું કેમ? પણ વડીલ અને એમાંય સાસરા પક્ષનાં એટલે તે કંઈ બોલતી નહીં. આજે એ જ ફોઈએ રોમાના આટલા વ્યવસ્થિત અને સુઘડ ઘર વિશે આવી કમેન્ટ કરી હતી. એ રાત પૂરતી તો ફોઈની કમેન્ટ રોમાનું સુખ ઝૂંટવી લેવામાં સફળ રહી, પરંતુ સવાર થતાં ફરી રોમા પોતાના વહાલસોયા ઘરને જોઈને પ્રફુલ્લિત થઈ ગઈ. રોમાએ કૅલેન્ડરની તારીખ બદલી. નવા દિવસનું સુવાક્ય હતું ઃ મારી ખુશી ખૂંચવવાનો હક હું કોઈને નહીં આપું.

રોમાએ હસીને એના પર સંમતિની મહોર મારી.

taru kajaria columnists