આભાસ મેં જોયું અને મારી અંદર રહેલા‍ પ્રેક્ષકે મને જવાબ આપી દીધો

14 January, 2020 05:44 PM IST  |  Mumbai Desk | sanjay goradia

આભાસ મેં જોયું અને મારી અંદર રહેલા‍ પ્રેક્ષકે મને જવાબ આપી દીધો

આભાસી સપનાં: 'આભાસ'ની પહેલા શૉની જાહેરખબર

અમારા નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. પ્રદીપ રાણે મરાઠીમાં લખે, એનું રૂપાંતર કરવાનું કામ શોભિત દેસાઈને આપવામાં આવ્યું. શોભિતની ભાષા પરની પકડ અને ભાષા પ્રત્યેનો લગાવ જોઈને જ મેં આ જવાબદારી શોભિતને સોંપી હતી, પણ આ મારી ભૂલ હતી, જે મને મોડે-મોડે સમજાઈ. શોભિત પાસે ભાષાની જાણકારી ખરી, પણ નાટકનો અનુભવ નહીં એટલે થયું એવું કે નાટકની ભાષા કાવ્યાત્મક બની ગઈ, પુસ્તકિયા ભાષા આવવા માંડી. જેને લીધે એવું લાગતું કે નાટકના દરેક કૅરૅક્ટર એક જ ભાષા બોલે છે, એક જ સૂરમાં વાત કરે છે, પણ નાટકના આ રૂપાંતરમાં મને રિહર્સલ્સ વખતે ખૂબ મજા પડતી હતી.

નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન સેટનું કામ પણ શરૂ થયું. વિજય કાપડિયા નાટકનો સેટ ડિઝાઇન કરવાના હતા. નાટકના સેટ-ડિઝાઇનમાં છેલ-પરેશ ખૂબ જ મોટું નામ. એ લોકોએ ખૂબ જ નાટકો કર્યાં હતાં, વિજય કાપડિયા એ સમયે મુખ્યત્વે આઇએનટીનાં નાટકો સેટ ડિઝાઇન કરતા હતા. સ્વભાવે જિદ્દી માણસ, પણ તેમની સામે છેલભાઈ વાયડા અને પરેશભાઈ દરુ એટલે છેલ-પરેશનો સ્વભાવ જુદો. વિજય કાપડિયા બહુ જલદી પોતાની ડિઝાઇનમાં બાંધછોડ કરે નહીં, પણ છેલભાઈનું એવું નહોતું. તેઓ પ્રોડ્યુસરને અનુરૂપ થઈને રહે. પ્રોડ્યુસર એમ કહે કે મારું છેલ્લું નાટક ખરાબ ગયું છે એટલે આ વખતે બહુ પૈસા નથી, તો છેલભાઈ એ મુજબ સેટની ડિઝાઇન કરી આપે. વિજય કાપડિયાની સેટ-ડિઝાઇન એકદમ યુનિક ખરી, પણ ખર્ચાળ.
વિજયભાઈએ જ અમારા ‘ચિત્કાર’નો સેટ ડિઝાઇન કર્યો હતો. મેં વિજયભાઈને આ નાટકના સેટ-ડિઝાઇનની રિક્વેસ્ટ કરી એટલે પહેલાં તો તેમણે મને ના પાડી, પરંતુ હું પણ ઓછો ઊતરું એવો નહોતો. ચર્ચગેટની સામે આવેલા એશિયાટિક સ્ટોરની ઉપર તેમની ઑફિસ, ત્યાં જઈનેતેમને હાથેપગે પડીને હું તેમને મનાવી લાવ્યો અને આમ તેમણે સેટની ડિઝાઇન કરી. અદ્ભુત સેટ તૈયાર કર્યો હતો તેમણે. નાટકનો આપણો જે હીરો હતો એ પોતે ઇન્ટીરિયર ડિઝાઇનર હતો એટલે એક ઇન્ટીરિયર ડિઝાઇનરના ઘરનો સેટ કેવો હોવો જોઈએ એનું ઉદાહરણ પૂરું પાડતો એ સેટ હતો. મારી પાસે અત્યારે તો સેટનો ફોટો નથી, પણ એટલું ચોક્કસ કહી શકું કે આજ સુધી મેં આટલો અદ્ભુત સેટ કોઈ નાટકનો જોયો નથી. લોકો સેટ જોવા માટે ખાસ નાટક જોવા આવતા. આ કટાક્ષ મને મોડે-મોડે સમજાયો, પણ એની વાત પછી કરીશું. અત્યારે વાત અમારા નાટકના કસબીઓની કરીએ.
સેટ ડિઝાઇન થયા પછી વાત આવી લાઇટ ડિઝાઇનની. નાટકનું લાઇટ ડિઝાઇનિંગ રમેશ જમીનદારે કર્યું હતું. રમેશ જમીનદાર એ સમયે ‘આફ્ટરનૂન’માં નાટકના રિવ્યુ લખતા.તેમના રિવ્યુ ખૂબ વંચાતા. ઇંગ્લિશના ખૂબ સારા જાણકાર અને ખૂબ જ સરસ લાઇટ ડિઝાઇન કરે. મેં તેમને વિનંતી કરી, નાટકના લાઇટ ડિઝાઇનિંગ માટે તૈયાર કર્યા અને આમ રમેશ જમીનદાર બોર્ડ પર આવ્યા.
મિત્રો, નાટકના બોર્ડ પર જેટલા સારા કલાકાર હોય એટલા જ સારા ટેક્નિશ્યનો પણ હોવા જોઈએ. ટેક્નિશ્યન ક્યારેય દેખાતા નથી, પણ તેમનું કામ નાટકને ચાર ચાંદ લગાડે છે. મેં મારી રીતે પૂરો પ્રયત્ન કર્યો હતો કે હું સારામાં સારા ટેક્નિશ્યનો લાવું. નવો પણ ખૂબ જ આશાસ્પદ લેખક અને દિગ્દર્શક લાવું, સનત વ્યાસ અને શેતલ રાજડા ખૂબ સારા કલાકાર, ઉદય ટિકેકરે પણ આગળ જઈને ખૂબ ફિલ્મો અને સિરિયલમાં કામ કર્યું, રેખા પણ સારી અભિનેત્રી. ટેક્નિશ્યનો પણ ઉત્તમ લાવ્યા. કામ બહુ સરસ રીતે ચાલતું હતું એટલે ફાઇનલી નાટક ઓપન કરવાની તારીખ નક્કી કરી.
૧૯૮૬ની બીજી માર્ચે પોણાઆઠ વાગ્યે જયહિન્દ કૉલેજથી શુભારંભ.
એ સમયે જયહિન્દ ખૂબ ચાલતું પણ અત્યારે આ થિયેટર બંધ છે, કારણ કે પ્રેક્ષકો અહીં હવે આવતા નથી. જયહિન્દના શોની અનાઉન્સમેન્ટ પછી કોઈએ મને એવી સલાહ આપી કે જયહિન્દ માટે જાહેરખબર કરવાની જ છે તો પછી શનિવારે ભાઈદાસમાં પણ શો રાખી દે. એ સમયે ભાઈદાસમાં આડા દિવસે શો થતા જ નહીં, રવિથી રવિ શો થાય. બાકીના દિવસોમાં ભાઈદાસ ભેંકાર પડ્યું હોય.
આપવામાં આવેલી સલાહમાં હું આવી ગયો અને નક્કી કર્યું કે શનિવારે ૧ માર્ચે ભાઈદાસમાં રાતે શો કરવો અને બીજા દિવસે જયહિન્દમાં. નાટક ઑલમોસ્ટ તૈયાર થઈ ગયું એટલે મેં રન-થ્રૂ પર નજર નાખી. નાટક મને ખૂબ વાચાળ લાગ્યું, વર્બોઝ કે પછી ટૉકેટિવ કહીએ એવું. મિત્રો, સાચું કહું તો મને નાટક કરતાં બહુ આવડતું નહોતું, પ્રેક્ષક તરીકે મારી જે સૂઝ હતી એ જ સૂઝને હું સામે રાખીને ચાલતો અને પ્રેક્ષક તરીકે જ્યારે મેં નાટક જોયું ત્યારે મને લાગ્યું કે નાટક નહીં ચાલે. ‘આભાસ’ની સફળતા મારે માટે આભાસી બની ગઈ હોય એવો ઘાટ ઘડાયો હતો. હા, મારા આ નાટકનું ટાઇટલ હતું ‘આભાસ.’
એ રાતે હું મારી બાના ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યો હતો. મારી પાસે પૈસા જ નહોતા, આવકનું કોઈ સાધન નહોતું. ‘આભાસ’ ચાલે તો મને બે પૈસા મળવાના હતા, એ જ મારી આશા હતી, પણ હવે એ આશા મને અસ્ત થતી દેખાતી હતી. નાટક ચાલવાની વાતો તો બાજુએ રહી, પણ આ નાટકમાં પૈસા ડૂબી જશે એવું લાગતું હતું. નુકસાન આંખ સામે દેખાતું હતું અને નુકસાની જશે તો મારા પર ભરોસો મૂકનારા ડૉક્ટરસાહેબને શું મોઢું બતાવીશ એ વાત મને વધારે પજવતી હતી.

ફૂડ ટિપ્સ
મિત્રો, અમે અમારું નાટક ‘બૈરાંઓનો બાહુબલી’નો શો કરવા ભુજ ગયા હતા. ભુજમાં ટાઉન હૉલ છે પણ અહીં મુંબઈના નાટકના બહુ શો થતા નથી, જેનું કારણ ભુજથી મુંબઈનું અંતર છે. મુંબઈથી ભુજ દૂર હોવાને લીધે મુંબઈનાં બહુ ઓછાં નાટક અહીં આવે, પણ જેમાં હું ઍક્ટિંગ કરતો હોઉં એ મારાં નાટકોના શો અહીં ખૂબ ભજવાતા હોય છે, મારું બહુ મોટું ફૅન-ફૉલોઇંગ ભુજમાં છે. આ અગાઉ પણ આપણે ભુજની ફૂડ-ટિપ્સ કરી છે એટલે મારે એ પ્રકારની ફૂડ-ટિપ્સ શોધવાની હતી જે અગાઉ તમે ન વાંચી હોય.
આ વખતે અમે ભુજ બપોરે લગભગ એક વાગ્યે પહોંચ્યા. ભુજમાં હોટેલો તો છે પણ ત્યાં કચ્છી લોકોએ ખૂબ સરસ ધર્મશાળા બનાવી છે. આપણે કહીએ ધર્મશાળા, પણ મૉડર્ન કહેવાય એવી હોટેલ જ ગણી લેવાની. રૂમમાં અટેચ્ડ બાથરૂમ, ગીઝર, શાવર, એસી, ટીવી બધું હોય અને એ ઉપરાંતનો બીજો મોટો ફાયદો એ કે ધર્મશાળાની નીચે જ જૈન જમવાનું પણ બહુ સરસ મળી રહે. અમે કચ્છી વીસા ઓશવાળ ધર્મશાળામાં રોકાયેલા.

અમે પહોંચ્યા એટલે મારા કો-ઍક્ટર શરદ શર્માએ કહ્યું કે મારો એક મિત્ર છે, રૉબિન ઠક્કર. આપણે તેને મળવા જઈએ, તેના ફાધર સેવ બનાવે છે. બહુ મોટા અને જાયન્ટ મશીનમાં એ ઝીણી અને જાડી સેવ બનાવે છે. હમીરસર તળાવ પાસે તેમની ભેળની લારી પણ ખૂબ ચાલે છે. મિત્રો, મને તો મારી ફૂડ-ટિપ મળી ગઈ.
આ રૉબિન ઠક્કર આમ તો ફિલ્મો અને નાટકોમાં નાનુંમોટું કામ કરે છે, પણ સાંજે પાંચથી રાતે ૧૦ વાગ્યા સુધી તે હમીરસર તળાવ પાસે ભેળની લારી ચલાવે છે. તમને થાય કે ભેળમાં શું મોટી વાત, તો તમને ચોખવટ કરી દઉં કે અહીં ૩પ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા સુધીની જાતજાતની ભેળ મળે છે. લારીનું નામ છે ‘જય જલારામ સેવવાળા.’ ૩પની ભેળમાં મમરા હોય, જાડી અને ઝીણી સેવ હોય, કાંદા હોય, જાડા અને ઝીણા પૌંઆના ચેવડા સહિત કુલ ૬ પ્રકારના ચેવડા હોય, ઘરે બનાવેલી મસાલા સીંગ, ખારી બૂંદી, મસાલા દાળ, બટાટાનો માવો અને કોઠાની ચટણી અને પછી ઉપર ટમેટાં, કૅપ્સિકમ, મકાઈ, કોથમીર અને લસણિયા બટાટાની ચિપ્સ અને એના પર લીંબુ. આ બધું નાખીને તમને આપે. એટલી ભીડ કે વાત ન પૂછો. 
લારી જોઈને જ તમારું દિલ ખુશ થઈ જાય. લારી ઉપર લખ્યું છે કે અમારી પહેલી ભેળ આ દેશના શહીદ જવાનોને અર્પણ છે. બીજું લખ્યું છે કે સ્વછતા જાળવો, માત્ર લખ્યું છે એવું નથી, પણ રૉબિન એ જાળવે પણ છે. રૉબિનની લારી પર એકસાથે ૧૫-૨૦ ભેળ બનતી હોય. બધી આઇટમ નાખતો જાય અને નીચે જેકાંઈ વેરાય એ બધું ભેળ બનાવી લીધા પછી તરત જ ભેગું કરીને એક ડબ્બામાં નાખતો જાય. રાતે ઘરે આખો પરિવાર એ જે નીચે પડ્યું હોય અને એકઠું કર્યું એ ખાય. એ લોકો માને છે કે આ અમારા ભગવાનનો પ્રસાદ છે. ૩પ રૂપિયાની ભેળની વાત મેં કરી. એ ઉપરાંત ચીઝ ભેળ, મેયોનીઝ ભેળ જેવી અનેક ભેળ તેને ત્યાં મળે છે. મિત્રો, ક્યારેય ભુજ જવાનું બને તો હમીરસરની પાળે અચૂક જઈને આ જય જલારામની ભેળ ખાજો. સાતેય કોઠે ટાઢક થશે.

Sanjay Goradia columnists