એવા કેટલા સંબંધ છે જેની લાશ ઉપાડીને તમે ફરો છો?

29 December, 2019 03:39 PM IST  |  Mumbai | Kana Bantwa

એવા કેટલા સંબંધ છે જેની લાશ ઉપાડીને તમે ફરો છો?

રિલેશન્સ માણસને સમાજ સાથે, વિશ્વ સાથે, વ્યક્તિ સાથે જોડી રાખનાર ઍડહેસિવ છે. મનુષ્યનું અંગત વિશ્વ સંબંધોથી બનેલું હોય છે. એમાં જ્યારે તૂટેલા, મરેલા, થીજી ગયેલા, સુકાઈ ગયેલા, વસૂકી ગયેલા સંબંધો વધી જાય ત્યારે જીવનની મૌલિકતા અને સૌંદર્ય ખોવાઈ જાય છે. આવા બોજ બનેલા સંબંધોને હળવેકથી હેઠા મૂકી દો.

એવા કેટલા સંબંધ છે જેને તમે પરાણે વેંઢારો છો? જેની સડી રહેલી લાશને ખભે ઉઠાવીને ચાલતા રહો છો? જેને ખરજવાની જેમ વલુરતા રહો છો? જેનાથી થાકી ગયા છો છતાં છોડી શકતા નથી? તમારા મનને પૂછશો તો જવાબ મળશે કે ઘણા. અસંખ્ય. જેને સૌથી અંતરંગ કહી શકાય એવા સંબંધો પણ મૃત:પાય બની ગયા હોય છે. સુકાઈને જડ બની ગયા હોય છે. એમાં ભીનાશ રહી હોતી નથી, ઉષ્મા રહી હોતી નથી, લાગણી રહી હોતી નથી, બસ સાચવવા પડે છે એટલે રાખ્યા હોય છે. વ્યાવહારિક મજબૂરીને લીધે ટકાવ્યા હોય છે. સામાજિક અનિવાર્યતાને લીધે પરાણે જાળવ્યા હોય છે. અલગ રીતે પૂછીએ તો એમ પૂછી શકાય કે એવા કેટલા સંબંધ તમારા જીવનમાં છે જે ખરેખર જીવંત છે, હૂંફાળા છે, ચેતનવંતા છે? ભલે વધુ ન હોય, આંગળીના વેઢે ગણાય એટલા હોય તો-તો તમે જગતના સૌથી સમૃદ્ધ અને સૌથી સુખી વ્યક્તિઓમાંના એક છો. જો બે-ચાર હોય તો પણ તમે નસીબદાર છો. જો એક જ હોય તો પણ તમે સમૃદ્ધ છો, પરંતુ જો એવો એક પણ સંબંધ તમારા જીવનમાં ન હોય તો તમારે વિચારવું પડે. તો તમારે આંતરખોજ કરવી પડે કે તમે અંદરથી સુક્કાભઠ્ઠ શા માટે બની ગયા છો, કારણ કે જો એક પણ સંબંધ, પછી એ દોસ્તીનો હોય, સગપણનો હોય, લગ્નનો હોય, પ્રેમનો હોય, સ્વજનનો હોય, જેમાં ભારોભાર લાગણીની ભીનાશ ન હોય, વિશ્વાસ ન હોય તો એને માટે તમે જવાબદાર છો, અન્ય નહીં. સંબંધમાં તમારે લાયક વ્યક્તિ શોધવાની ન હોય, લાયક બનવાનું હોય છે, લાયકાત કેળવવાની હોય છે. જે માણસ યોગ્ય વ્યક્તિ શોધ્યા કરે છે તે કશું મેળવી શકતો નથી, જે યોગ્ય બનવા પ્રયત્ન કરે છે તે બધું મેળવી શકે છે. સાચો સંબંધ તમને બદલતો નથી, તમને જે છે એ રહેવા દે છે અને જેવા છો એવા સ્વીકારે છે. તમારી નબળાઈઓની સાથે, સમગ્રપણે સ્વીકારે છે.

તમારી પાસે એકાદ સંબંધ તો એવો હોવો જોઈએ જેમાં તમે ખૂલીને વ્યક્ત થઈ શકો, જેની સાથે જેટલી સહજતાથી હસી શકો એટલી જ સહજતાથી રડી પણ શકો. તમે પોતાની જાતને જે કહી શકો એ જ વાત જ્યારે અન્યને કહી શકો ત્યારે એ સંબંધ સૌથી નજીકનો ગણવો. માણસ પોતાની સાથે જે વાત કરી શકે એ અન્ય કોઈને યથાતથ કહી શકે નહીં. ઘણું છુપાવવું પડે, ઘણું ઉમેરવું પડે, ઘણું બાદ કરવું પડે, ઘણી ગણતરીઓ માંડ્યા પછી સરવૈયું કાઢીને હિસાબ મુજબ વ્યક્ત થવું પડે. પતિ પણ પત્નીને તમામ બાબત એટલી જ નિર્ભેળ રીતે જે વિચારે છે એ જ શબ્દોમાં કહી શકતો નથી, પત્ની પણ નહીં. પતિ-પત્નીનો સંબંધ જગતના તમામ સંબંધમાં સૌથી નજીકનો, સૌથી ઇન્ટિમેટ સંબંધ કહેવાય છે. પ્રેમીઓ જ્યારે પ્રેમના સર્વોચ્ચ શિખર પર હોય છે ત્યારે એકબીજા પાસે તદ્દન ખુલ્લી રીતે વ્યક્ત થઈ શકતાં હોય છે, પ્રેમ જેમ જૂનો થતો જાય એમ પડદા આવતા જાય, એ પડદા પછીથી દીવાલ બની જાય, ક્યારેક તો નર્મદા ડૅમ જેવા ડૅમ બની જાય. જાત સાથે જે વાત કરી શકો એ જ વાત કહી શકાય એવી કોઈ વ્યક્તિ જો તમારી પાસે હોય તો એ અદ્ભુત ઘટના છે. અલભ્ય છે આવી ઘટના. જવલ્લે જ બને છે, સાડાછ અબજની વસ્તીમાં. ત્યારે દ્વૈતમાંથી અદ્વૈત સધાઈ જાય છે. ત્યારે કશું અલગ નથી રહેતું. આવો સંબંધ કશાનો મોહતાજ રહેતો નથી, એમાં વ્યક્તિત્વ ઓગળી ગયું હોય છે, અલગ ઓળખ ઓગળી ગઈ હોય છે. ઘણાની ભાઈબંધી એવી હોય છે. એવા દોસ્તો એકબીજાને એટલા ઓળખતા હોય જેટલી તેમની પત્નીઓ પણ ન ઓળખતી હોય. એકબીજાને એટલા સમજતા હોય જેટલા તેના સ્વજનો ન સમજતા હોય. કહ્યા વગર વાત થઈ જાય, મન વાંચી લે એવી દોસ્તીનાં ઉદાહરણો મળી આવે છે. ઘણાં પતિ-પત્નીનાં જોડાં પણ એવાં હોય જેમાં બન્ને એકમેકના પર્યાય બની ગયાં હોય. અનેરી સમજ પ્રસ્થાપિત થઈ ગઈ હોય બન્ને વચ્ચે. એવાં પ્રેમીઓ પણ હોય જેમનાં મન એક હોય. જેની સમજમાં અદ્વૈત હોય. આવા સજ્જ અને સમજદાર લોકો સંબંધોનું સૌંદર્ય છે.

સંબંધ ફૂલછોડ જેવા હોય છે. એને રોજ માવજતની, રોજ સંભાળની, સમય આપવાની જરૂર પડે છે. સંબંધો પથ્થરની મૂર્તિ નથી કે એક વાર કોતરણી કરી દો એટલે પત્યું. એમાં તો રોજ નવી કલાકારી થાય. રોજ નવી કુંપળો ફૂટે. રોજ નવાં ફૂલ ખીલે. રોજ નવી ફોરમ મહેકે. અનંત સંભાવનાઓનું નામ છે સંબંધ. જ્યાં કોઈ મર્યાદા ન હોય, જ્યાં કોઈ ગણતરી ન હોય, જ્યાં કોઈ માપ ન હોય એ સંબંધ સૌથી મૂલ્યવાન હશે, એનું જીવની જેમ જતન કરવું, એને કોઈ પણ ભોગે સાચવી રાખવો. જે સંબંધ તમારા મોઢા પર સાહજિક સ્મિત લાવી શકે એ અમૂલ્ય છે.

 એવા અસંખ્ય સંબંધો હશે તમારા જીવનમાં, જેમાં જીવંતતા નહીં હોય. આવા સંબંધોનો બોજ ઉપાડીને ફરતા રહેવા કરતાં એને ત્યજી દેવાથી હળવા થઈ જવાશે. વાસી થઈ ગયેલા, વસૂકી ગયેલા, થીજી ગયેલા સંબંધો થકવી નાખે છે. તમારી અંદરની કુમાશને પણ એ બરડ બનાવી નાખે છે. તમારી અંદરની ભીનાશને સૂકવી નાખે છે. સંવેદનાને બુઠ્ઠી બનાવી દે છે. તમને એમ લાગે કે સુષુપ્ત થઈ ગયેલા, ઠરી ગયેલા સંબંધને તોડી શા માટે નાખવા, હશે તો ક્યારેક કામ લાગશે. ક્યારેક ફરી ઉષ્માભર્યા બનશે. ક્યારેક ચેતનવંતા થશે. તોડી નાખીને દુશ્મની શા માટે વહોરી લેવી? આવું વિચારતા હો તો તમે સંબંધનો વેપાર કરો છો, સંબંધનો ઉપયોગ કરો છો. દરેક સંબંધ ફાયદા માટેના નથી હોતા. લાભ માટેના સંબંધો હકીકતમાં સંબંધ હોતા જ નથી, ગોઠવણ હોય છે. જેમાં લાગણી નહીં, માગણીનું મહત્વ હોય છે. વ્યક્તિ નહીં, વિનિમયનું મહત્વ હોય છે. આવા સંબંધોની વાત આજે અહીં નથી થઈ રહી. વાત છે તમારા અંગત રિલેશન્સની. જે તમારા વ્યક્તિગત જીવનનો એક હિસ્સો છે એવા સંબંધની. ધંધાના, નોકરીના સંબંધો મજબૂરી છે. એ સંબંધ નહીં, સહઅસ્તિત્વ છે જેમાં તમારી પસંદગી ગૌણ બની જાય છે. અંગત સંબંધો તમારી પસંદગી પર આધાર રાખે છે. આવા સંબંધો જો મડદા જેવા થઈ ગયા હોય તો એને હળવેકથી હેઠે મૂકી દેવા, કારણ કે દરેક સંબંધ તમારી સાથે, શરીર સાથે જે રીતે ત્વચા જોડાયેલી છે એ રીતે જોડાયેલો છે. એનાં દરેક સ્પંદન તમને અસર કરે છે. એની દરેક પીડામાં તમે ભાગીદાર બનો છો. ભલે એ સંબંધ જીવંત ન હોય, તમારા મન સાથે એના તાર જોડાયેલા જ રહે છે અને તમારા લાગણીતંત્રને એની અસર થતી જ રહે છે. તમારા મનની સ્પેસ રોકે છે આવા સંબંધો. એને છોડશો તો મનમાં મોકળાશ થશે. બીજા સરસ સંબંધો બાંધી શકાશે. નવું વિચારી શકાશે અને સૌથી મહત્વની બાબત, પીડામાંથી, અપેક્ષાભંગના સંતાપમાંથી બચી જવાશે.

એવા લોકોથી પણ બચતા રહો જે તમને બદલી નાખવા માગતા હોય. મોટા ભાગનાં રિલેશન્સમાં અપેક્ષા એવી હોય કે એક પક્ષ ઇચ્છતો હોય કે બીજો પક્ષ પોતાની અનુકૂળતા મુજબ ઢળી જાય. બદલાઈ જાય, મોલ્ડ થઈ જાય. જે વહુ સાસરામાં આવીને તે પરિવારની અપેક્ષા મુજબ બદલાઈ જાય તેની વાહવાહ થાય છે. સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખવા ઇચ્છતી વહુનો સ્વીકાર કરવામાં પરિવારને મુશ્કેલી પડે છે. આ વ્યાવહારિક ડહાપણ છે અને પરાપૂર્વથી સંબંધમાં એવું ઇચ્છાતું રહ્યું છે કે સામેની વ્યક્તિ બદલાઈ જાય. એટલે જ સંબંધો વ્યવહાર બની જાય છે. જે વ્યક્તિ તમે બદલો એવી અપેક્ષા રાખ્યા વગર તમને સ્વીકારે તેની સાથેનો સંબંધ લાંબો ટકે, જીવંત રહે, મઘમઘતો રહે. તમારા માટે સમય કાઢી શકે એવી વ્યક્તિ સાથે રિલેશન રાખો, કારણ કે સાચા સંબંધમાં ગમે એટલી વ્યવસ્તતા વચ્ચે પણ સમય કાઢી લેવામાં આવતો હોય છે. આવા સંબંધ અનાયાસ બંધાઈ જતા હોય છે. આવા મિત્રો અકારણ મળી જતા હોય છે અને સકારણ ગમવા માંડતા હોય છે. કોઈ સંબંધ સાવ અમસ્તો જ તમારા જીવનમાં આવી જતો નથી, એની પાછળ ચોક્કસ કારણ હોય છે જે નિયતિએ નિર્ધાર્યું હોય છે. અનાયાસ બંધાયેલા સંબંધ જ મહાનતમ બને છે, ગોઠવેલા નહીં. કૃષ્ણ અને સુદામાનો મેળાપ અનાયાસ હતો, ગોપીઓ ગોઠવણથી કૃષ્ણમય નહોતી બની.

સંબંધ તૂટી જવાનો ડર ક્યારેય ન રાખવો. તૂટે એ સંબંધ નથી. સંબંધનો અર્થ છે સમાન બંધન. બન્ને બાજુ સરખું બંધન બંધાયું હોય ત્યારે સંબંધ બને છે. જ્યારે તમે દોરીની ગાંઠ વાળો છો ત્યારે બન્ને છેડા સરખા તંગ કરવા પડે. એક છેડો ઢીલો રહી ગયો હોય તો એ ગાંઠ કે એ બંધન છૂટી જાય. સંબંધમાં પણ એક તરફ ઢીલ આવે તો જ તૂટે. મતલબ એ સમાન બંધન નહોતું, એકતરફી હતું. ઘણી વખત આપણે સાચી વાત કહેતાં ડરતા હોઈએ છીએ, સંબંધ તૂટી જવાની બીક લાગતી હોય. જે રિલેશન સાચી વાત કહેતાં તૂટી જાય એમ હોય એને તૂટવા દેવા. રિલેશન્સમાં શબ્દો કરતાં લાગણી મહત્વની છે. શબ્દો ભુલાઈ જશે, લાગણી નહીં ભુલાય. તમારા જીવનમાંથી ભાંગેલા-તૂટેલા સંબંધોનો ભંગાર સાફ કરી નાખો તો એમાં કશુંક નવું ઊગવાની સંભાવના જન્મશે, તો કરો શરૂઆત.

weekend guide columnists