ડાયાબિટીઝના દર્દીઓને સ્કિન-પ્રોબ્લેમ થવાની શક્યતા ઘણી વધુ છે

28 December, 2018 10:04 AM IST  |  | જિગીષા જૈન

ડાયાબિટીઝના દર્દીઓને સ્કિન-પ્રોબ્લેમ થવાની શક્યતા ઘણી વધુ છે

પ્રતીકાત્મક તસવીર

ડાયાબિટીઝ ખુદ એક રોગ નથી, પરંતુ અસંખ્ય રોગોને આવકારનારી શરીરની એક અવસ્થા છે. શરીરનું દરેક અંગ ડાયાબિટીઝને કારણે અસરગ્રસ્ત થઈ શકે છે. ડાયાબિટીઝના મોટા ભાગના દર્દીઓ ડાયાબિટીઝ છે તો એની સાથે બીજા રોગો જેમ કે બ્લડ-પ્રેશર, ઓબેસિટી કે હાર્ટ-ડીસીઝ ન થાય; વધુમાં કિડનીમાં ડૅમેજ ન થાય એનું ધ્યાન રાખતા હોય છે. અમુક લોકો આજકાલ ડાયાબિટીઝને લીધે થતા આંખના રોગો અને ડાયાબેટિક ફુટ એટલે કે ડાયાબિટીઝને કારણે પગનાં તળિયાંમાં થતી સમસ્યાઓ વિશે જાણતા થયા છે. જોકે આ દર્દીઓને થતી એક બીજી પણ વ્યાપક સમસ્યા છે જે છે સ્કિન-પ્રૉબ્લેમ્સ. ડાયાબિટીઝ જેને હોય અને તેના લોહીમાં લાંબો સમય સુધી શુગર રહે તો એ સ્કિનને પણ અસર કરે છે. ડાયાબિટીઝના ૩૩ ટકા દર્દીઓને સ્કિન-પ્રૉબ્લેમ્સ થાય છે. સૌથી સારી વાત એ છે કે મોટા ભાગના સ્કિન-પ્રૉબ્લેમ્સ રોકી શકાય એમ હોય છે જો એનું નિદાન જલદી થઈ શકે, પરંતુ જો એ પ્રૉબ્લેમ્સને અવગણવામાં આવે તો સામાન્ય સ્કિન-પ્રૉબ્લેમ્સ એક મોટી સમસ્યા બની શકે છે જેનાં ઘણાં ગંભીર પરિણામો પણ આવી શકે છે. ઘણા સ્કિન-ડિસીઝ ફક્ત ડાયાબિટીઝના દર્દીઓને જ થાય છે તો ઘણા ડિસીઝ એવા હોય છે જે ડાયાબિટીઝને કારણે વધુ ગંભીર બનતા હોય છે.

મૂળ કારણ

ડાયાબિટીઝના દર્દીઓમાં શા માટે સ્કિન-પ્રૉબ્લેમ્સ થાય છે એનું મૂળ શું છે? ઘણાં રિસર્ચ જણાવે છે કે આ રોગ પાછળનું કારણ ડાયાબેટિક ન્યુરોપથી એટલે કે ડાયાબિટીઝની જે અસર લોહીની નળીઓ પર થઈ છે એ હોઈ શકે છે,

કારણ કે ડાયાબેટિક ન્યુરોપથીને કારણે ડાયાબિટીઝના દર્દીઓમાં ડાયાબેટિક રેટિનોપથી એટલે કે ડાયાબિટીઝને કારણે થતો રેટિનાનો પ્રૉબ્લેમ, ડાયાબેટિક ન્યુરોપથી એટલે કે નસોની સેન્સિટિવિટીને લાગતો પ્રૉબ્લેમ કે ડાયાબેટિક નેફ્રોપથી એટલે કે ડાયાબિટીઝને કારણે થતા કિડનીના પ્રૉબ્લેમ વગેરે હોય એવી વ્યક્તિઓમાં ડાયાબેટિક ડર્મોપથી થાય છે.

આ અસર શું છે એ સમજાવતાં ક્યુટીઝ સ્કિન સ્ટુડિયો, બાંદરાના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતીમ ગોયલ કહે છે, ‘ડાયાબિટીઝના દર્દીઓને નસોની સંવેદના જ ધીમે-ધીમે ઓછી થતી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિને કંઈક ખૂંચે, વાગે કે ગરમ વસ્તુથી તે દાઝી જાય તો નસોની સંવેદના છે જેને લીધે તેને એ મહેસૂસ થાય છે કે મારી સ્કિનને તકલીફ થઈ રહી છે. ડાયાબિટીઝના દર્દીઓમાં આ સંવેદના સાવ ઓછી થઈ જવાને કારણે ઘણી બધી વાર તેમને ખબર જ નથી પડતી કે તેમને કોઈ પ્રૉબ્લેમ થયો છે. એને કારણે ગરમ વસ્તુ હાથમાં પકડેલી જ રહી જાય છે. શૂઝ ડંખતાં હોય તો એ ડંખ ઇન્ફેક્શનમાં ન પરિણમે ત્યાં સુધી ખબર જ નથી પડતી કે કોઈ પ્રૉબ્લેમ છે. આમ તેમની સ્કિનની કન્ડિશન ખરાબ થતી જાય છે જે ઠીક કરવી પણ સહેલી હોતી નથી.’

બીજાં કારણો

ડાયાબિટીઝને કારણે સ્કિન-પ્રૉબ્લેમ શા માટે આવે છે એનાં બીજાં કારણો સમજાવતાં ડૉ. અપ્રતીમ ગોયલ કહે છે, ‘ડાયાબિટીઝના દર્દીઓમાં બ્લડ-સક્યુર્લેશન યોગ્ય હોતું નથી. સ્કિનના જે કોષોને લોહી બરાબર મળતું નથી ત્યાં કોઈ ને કોઈ પ્રૉબ્લેમ થવાની પૂરી શક્યતા રહે છે. આ સિવાય મોટા ભાગના સ્કિન-પ્રૉબ્લેમ્સ પાછળ જવાબદાર એક કારણ છે અને એ છે ઓબેસિટી. ડાયાબિટીઝ જેમને છે એવા મોટા ભાગના લોકો ઓબીસ હોય છે. આ સિવાય ડાયાબિટીઝ જેમને છે તેમને ઇન્ફેક્શન પણ ખૂબ જલદી લાગે છે. સ્કિન-પ્રૉબ્લેમમાં મોટા ભાગના પ્રૉબ્લેમ્સ ઇન્ફેકશનને કારણે પણ હોય છે.’

ક્યાં પ્રકારની તકલીફો

ડાયાબેટિક ડર્મોપથી

આ રોગમાં મોટા ભાગે પગના ઘૂંટણથી નીચેનો પગ જેમાં આગળના ભાગ પર જ્યાં હાડકું ઊપસેલું હોય એ જગ્યાએ આછા ભૂરા રંગના કે લાલાશ પડતા, ગોળ કે લંબગોળ આકારના, થોડા સંકોચાયેલા હોય એવા ખરબચડા પૅચિસ દેખાવા લાગે છે. ડાયાબિટીઝના દર્દીઓમાં લગભગ ૩૦ ટકા દર્દીઓમાં આ રોગ થાય છે.

ફોલ્લા

જ્યારે વ્યક્તિ દાઝી જાય ત્યારે કોઈ કોઈ વાર એ ચામડીમાં પાણી ભરાઈ જાય અને એક ફોલ્લો ઊપસી આવે છે એ જ પ્રકારના ફોલ્લાઓ ડાયાબિટીઝના દર્દીઓને થવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે, કારણ કે ડાયાબિટીઝના દર્દીઓની નસોની સંવેદનશીલતા ઓછી થઈ ગઈ હોય છે એને કારણે જો કોઈ ગરમ વસ્તુથી દાઝી જવાય કે પગના ડંખ પડી જાય તો પણ આ દર્દીઓને ખબર પડતી નથી અને એને કારણે સ્કિન પર વધુ અસર થાય છે અને તરત જ ફોલ્લો થઈ જાય છે. મોટા ભાગે એ સાઇઝમાં નાના હોય છે, પરંતુ ક્યારેક એ ૬ ઇંચ જેટલા મોટા પણ હોઈ શકે છે.

NLD

નેક્રોબાયોસિસ લિપોઇડિકા ડાયાબેટિકોરમ (NLD) પણ ડાયાબેટિક ડર્મોપથીનો જ એક ભાગ છે. એમાં ઘૂંટણથી નીચેના પગના આગળના ભાગમાં રૅશિઝ થાય છે. આ રોગ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આ રૅશિઝ આછા લાલ-ભૂરા થોડા ઊપસેલા પૅચ હોય છે. આ પૅચના મધ્ય ભાગમાં પીળો રંગ હોય છે અને એ ખુલ્લો ભાગ હોય તો રુઝાતાં વાર લાગે છે.

વિટિલિગો

વિટિલિગો એ શરીર પર આવતા સફેદ ડાઘ છે જે જુદાં-જુદાં કારણોસર થાય છે. એવું જોવા મળ્યું છે કે ડાયાબિટીઝના દર્દીઓમાં પણ એ જોવા મળે છે. આપણા શરીરમાં પિગમેન્ટ્સ હોય છે જે સ્કિનનો કલર નક્કી કરે છે. આ પિગમેન્ટ્સની વધ-ઘટ થતી રહે છે, પરંતુ વધેલી શુગરને કારણે ખાસ કોષો જે પિગમેન્ટ્સ બનાવે છે એ કોષો નાશ પામે છે જેને લીધે પિગમેન્ટ્સ બનતા અટકી જાય છે. શરીરના જે ભાગમાં આ પિગમેન્ટ્સનું પ્રોડક્શન બંધ થઈ જાય છે ત્યાં સફેદ ડાઘ આવી જાય છે.

અકેન્થોસિસ નિગ્રીકેન્સ

કોઈ જાડા માણસનું ગળું જોયું છે? એકદમ જાડી ચરબી જામી ગઈ હોય અને ચહેરાના રંગ કરતાં એકદમ ઘેરા કાળા રંગની ગરદન હોય છે તેમની. આ અકેન્થોસિસ નિગ્રીકેન્સ છે. મોટા ભાગે ઓબીસ લોકોને આ રોગ થાય છે. ડાયાબિટીઝ અને ઓબેસિટીનો સીધો સંબંધ છે એટલે રિસ્ક વધુ રહે છે. આ રોગમાં ચામડી જાડી થઈ જાય છે અને ખૂબ ઘેરા રંગની બની જાય છે. ક્યારેક એ બદલાયેલી ચામડીમાં ખંજવાળ આવે કે ત્યાંથી અમુક પ્રકારની વાસ પણ આવી શકે છે.

બૅક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન

સામાન્ય લોકો કરતાં ઇન્ફેક્શનનું રિસ્ક ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિને વધુ હોય છે. ડાયાબિટીઝમાં વ્યક્તિના લોહીમાં શુગર હોય છે એ શુગર બૅક્ટેરિયા અને ફૂગનો મુખ્ય ખોરાક છે એટલે તેમના શરીરમાં એ ખૂબ ફૂલે-ફાલે છે. ખૂબ અલગ-અલગ પ્રકારના બૅક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન આવી વ્યક્તિને થઈ શકે છે.

સ્પેશ્યલ સ્કિન-કૅર

ડાયાબિટીઝના દર્દીઓને કોઈ પણ પ્રકારનું સ્કિન-ઇન્ફેક્શન થયું હોય તો મહત્વની વાત એ છે કે તેમણે પોતાની શુગર કાબૂમાં કરવી જરૂરી છે. આ લોકોના સ્કિન-પ્રૉબ્લેમ્સ શુગર કાબૂમાં રહેવાને કારણે જ સૉલ્વ થતા હોય છે.

આ સિવાય તેમણે ખાસ ધ્યાન રાખવું કે તેમનું વજન હંમેશાં કાબૂમાં રહે. ઓબેસિટી બીજા ઘણા પ્રfનો સર્જે છે.

ડાયાબિટીઝ હોય તેમણે રેગ્યુલર મૅનિક્યૉર-પેડિક્યૉર કરાવતા રહેવું જોઈએ જેને કારણે તેમની ડેડ-સ્કિન નીકળી જાય. એમ ને એમ પણ તેમના હાથ-પગમાં સેન્સેશન ઓછું હોય છે. જો ડેડ સ્કિન વધી જાય તો સેન્સેશન થાય જ નહીં જેને લીધે કોઈ વસ્તુ અનુભવવાનું મુશ્કેલ બની જાય.

નવા શૂઝ લો ત્યારે તમારા પગને સતત ચેક કરતા રહો. ઘરમાં પણ સ્લિપર પહેરીને જ ફરો.

મૉઇસ્ચરાઇઝરનો ઉપયોગ દરરોજ કરો. સ્કિનને ડ્રાય ન થવા દો.

પરસેવો ખૂબ વળતો હોય એવા લોકોએ પોતાની સ્કિનને વારંવાર સૂકી કરતી રહેવી. ભીની સ્કિનમાં ઇન્ફેક્શન થવાની બીક રહે છે.

જો તમને વિટામિન ગ્૧૨ અને વિટામિન Dની ઊણપ હોય તો એનાં સપ્લિમેન્ટ્સ લેવાં જરૂરી છે.

ડાયાબિટીઝના દર્દીને કોઈ પણ પ્રકારના સ્કિન-પ્રૉબ્લેમ થાય તો નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. કૉમન પ્રૉબ્લેમ પણ વગર મેડિકલ હેલ્પ

સૉલ્વ થવા ડાયાબિટીઝના દર્દીઓમાં શક્ય હોતા નથી એટલે કોઈ પણ સ્કિન-પ્રૉબ્લેમને અવગણવો નહીં.

diabetes columnists