જેવા છો એવા દેખાવાની હિંમત છે તમારામાં?

08 December, 2019 02:35 PM IST  |  Mumbai | Kana Bantwa

જેવા છો એવા દેખાવાની હિંમત છે તમારામાં?

જૂના જમાનાનાં ગ્રીક નાટકોમાં જેવું પાત્ર હોય એવા માસ્ક ઍક્ટર પહેરતા. રાજાનું પાત્ર હોય તો રાજા જેવો મુખવટો, રાક્ષસનું પાત્ર હોય તો રાક્ષસનું મહોરું. આ મુખવટા માટે શબ્દ હતો પર્સોના. પાત્રએ જેવો મુખવટો પહેર્યો હોય એવું તેનું વ્યક્તિત્વ હોય. પર્સોના પરથી વ્યક્તિત્વ માટેનો શબ્દ આવ્યો પર્સનાલિટી. તમે દુનિયાને જે ચહેરો દેખાડવા માગો છો એ પર્સનાલિટી છે. તમે જે નથી અને દેખાડવા માગો છો એ પર્સનાલિટી છે, વ્યક્તિત્વ છે. જે મુખવટો તમે જગત સામે રજૂ કરો છો એ પર્સનાલિટી છે. તમે ખરેખર જેવા છો એવા બહાર દેખાઓ છો ખરા? સંપૂર્ણપણે જેવા હોય તેવા જ, યથાતથ દેખાય તેવા મનુષ્ય તો સાવ નાનાં બાળક સિવાય કોઈ ન હોય, પણ તમે કેટલા ટકા તમારા રિયલ સેલ્ફને પ્રસ્તુત કરો છો? થાય છે એવું કે આપણે વ્યક્તિત્વનો મુખવટો પહેરવાના એટલા આદતી બની ગયા છીએ કે પોતે જ પોતાનો સાચો ચહેરો, સાચું વ્યક્તિત્વ ભૂલી ગયા છીએ. વાસ્તવમાં આપણે બહુરૂપિયા બની ગયા છીએ. કેટકેટલાં રૂપ. ઘરમાં અલગ રૂપ, ઑફિસમાં અલગ રૂપ, સમાજમાં અલગ રૂપ, મિત્રોમાં અલગ રૂપ, સોશ્યલ મીડિયામાં અલગ રૂપ. આ બધામાં આપણે પોતે હોઈએ એના કરતાં અલગ જ પ્રેઝન્ટ થઈએ છીએ. કેટલાબધા માસ્ક છુપાવી રાખ્યા છે આપણે. એક ઉતારો, બીજો પહેરો. ક્રૂર બૉસનો પણ માસ્ક છે તમારી હૅન્ડબૅગમાં અને એની સાથે જ લાચાર કર્મચારીનો પણ છે. પોતાના બૉસ સામે એક મુખવટો, પોતાની નીચેના લોકો માટે બીજો મુખવટો. રાક્ષસનો માસ્ક પણ છે અને સંતનો પણ. દાનવીરનું મહોરું પણ છે અને કંજૂસનું પણ. સમૃદ્ધિવાનનો મુખવટો પણ છે અને ભિખારીનો પણ. પશુનો પણ છે અને માનવનો પણ. દેવનો અને દાનવનો પણ. હસતો અને રડતો અને વચ્ચેનો સંખ્યાબંધ ભાવોના અનેકાનેક મુખવટા. આહા... કેટલા ચહેરા પહેરી લઈએ છીએ એક દિવસમાં. અખૂટ ખજાનો ચહેરાઓનો. બદલ્યે જ રાખો.

 સોશ્યલ મીડિયા પર તમારો વર્ચ્યુઅલ પર્સોના બહુ અલગ હોય છે. વૉટ્સઍપ સ્ટેટસમાં તમારો જે ફોટો તમે મૂકો છો એ કેટલો તમારા જેવો હોય છે? બ્યુટી મોડ હાઈ પર રાખેલો, ફિલ્ટર મારેલો, મોટ્ટું અને ખોટ્ટું સ્મિત ચોંટાડેલો, ચહેરા પર આનંદ લીંપેલો. સોશ્યલ મીડિયા પર મુકાતાં પિક્સ અને સ્ટોરીઝ અને સ્ટેટસ પણ એક નિશ્ચિત પૅટર્ન પ્રમાણેનાં જ હોય. હસતા, ખુશખુશાલ, ડેસ્ટિનેશન પર ફરતા, એન્જૉય કરતા. જોનારની આંખો પહોળી થઈ જાય, ઈર્ષાનો એરુ સળવળી ઊઠે એવાં જ સ્ટેટસ-ફોટો મૂકવાની પૅટર્ન થઈ ગઈ છે. ખુશ દેખાવું અને ખુશ રહેવું ખરાબ નથી. જલસા કરતા રહેવામાં પણ કશું વાંધાજનક નથી, પણ સમસ્યા એ છે કે સોશ્યલ મીડિયામાં બધા આવું જ કરે છે, એટલે જેટલો આનંદ તમે તમારી ખુશી, તમારી સિદ્ધિ, તમારી મજા દેખાડીને લો છો એટલી જ પીડા, એટલી જ ઈર્ષા બીજાનાં સ્ટેટસ વગેરે જોઈને અનુભવો પણ છો. તમારા ભલે ઇન્સ્ટાગ્રામ પર એક મિલ્યન ફૉલોઅર હોય, કોઈના એક મિલ્યન અને એક ફૉલોઅર થાય એટલે તમે લઘુતાગ્રંથિથી પીડાવા માંડો છો. તમારી પોસ્ટને ૧૦૦૦ કમેન્ટ અને ૧૦,૦૦૦ લાઇક મળે એનો આનંદ કોઈને મળેલી ૧૧,૦૦૦ લાઇક ધોઈ નાખે છે. તમારા ફોટો કરતાં બીજાનો વધુ સુંદર ફોટો જોઈને તમારામાં કૉમ્પ્લેક્સ પેદા થઈ જાય છે. વર્ચ્યુઅલ જગતમાં બધા એકબીજાથી ચડિયાતા દેખાવા માટે એ તમામ પ્રયત્ન કરી છૂટે છે જેમાં તે જે છે એના કરતાં વધુ સુંદર, વધુ હોશિયાર, વધુ સમજદાર, વધુ પાવરફુલ, વધુ મજબૂત, વધુ ઉદાત્ત, વધુ સમૃદ્ધ દેખાય. જ્યારે ઇન્ટરનેટની શરૂઆત થઈ હતી એ વર્ષોમાં ન્યુ યૉર્કમાં એક કાર્ટૂન છપાયું હતું, જેમાં એક શ્વાન કમ્પ્યુટરની સામે ખુરસી પર બેસીને ચૅટ કરી રહ્યો છે અને જમીન પર બેઠેલા એક ભોળિયા, કુતૂહલથી ભરપૂર ગલૂડિયાને કહે છે, ‘ઇન્ટરનેટ પર કોઈ નથી જાણતું કે તમે શ્વાન છો.’ 

 ફિલ્ટરથી ભરપૂર વિશ્વ હોય છે સોશ્યલ મીડિયાનું. તમારી કદરૂપી, મોઢા પર ખીલનાં ચાઠાંવાળી કામવાળીનું વૉટ્સઍપ-ડીપી જુઓ તો તમે ઓળખી શકો નહીં કે ફોટોમાં દેખાતી સુંદરી રોજ તમારા ઘરમાં વાસણ માંજે છે, મોંમાં તમાકુનો ડૂચો ભરીને, કછોટો વાળીને. ગયા વર્ષે મારા મુંબઈના વસવાટ દરમ્યાન મારા કૅર ટેકર-કમ-રસોયાએ એક વાર મને તેના ઇન્સ્ટાગ્રામ, સ્નૅપચૅટ અને ટિકટૉકના વિડિયો-ફોટો બતાવ્યા ત્યારે મેં પહેલી વખત જાણ્યું કે મારો રૂમ તો રોજ એક હીરો જેવો હૅન્ડસમ યુવાન સાફ કરે છે. તેણે મને પૂછ્યું પણ ખરું કે ‘સરજી, ઍક્ટિંગ મેં ચલે ઐસા ફેસ હૈ ના?’ હું વારાફરતી તેનો રિયલ ચહેરો અને ફિલ્ટર થયેલો સ્ક્રીન-ફેસ જોતો રહ્યો.

 ફિલ્ટર વગરનો, મેકઅપ વગરનો, પ્રસાધન વગરનો પોતાનો ચહેરો દુનિયાને બતાવવાની આપણામાં હિંમત છે ખરી? જેવા છીએ તેવા સામે ઊભા રહેવાનું કૌવત છે ખરું? સ્થૂળ હોય તેને પાતળા સોટા જેવા દેખાવું છે, પાતળાને ભરાવદાર દેખાવું છે. જેના વાળ બ્લોન્ડ છે એ ઘૂંઘરાળા જૂલ્ફાંનાં સપનાં જુએ છે. વસ્ત્રો નગ્નતા નહીં, કુરૂપતા ઢાંકે છે કે ઉઘાડે છે. અન્યને બતાવવાની વાત છોડો, આપણે પોતે પોતાને જેવા છીએ એવા સ્વીકારીએ છીએ? જેવા છીએ એનાથી સંતુષ્ટ છીએ? નહીં જ. સ્નો વાઇટ અને સાત ઠીંગૂજીની પેલી વાર્તામાં સ્નો વાઇટની સાવકી માતા દુનિયાભરની સ્ત્રીઓમાં સૌથી સુંદર કોણ એ કહી આપતા જાદુઈ અરીસાને રોજ પૂછે છે, મિરર મિરર, ઑન ધ વૉલ, હૂ ઇઝ ધ ફેયરેસ્ટ ઑફ ધેમ ઑલ? ક્યારેય જુઠ્ઠં નહીં બોલનાર જાદુઈ આયનો જવાબ આપે છે, ‘મારાં રાણી તમે જ.’ જવાબ સાંભળીને રાણી રાજીનાં રેડ થઈ જાય. આપણે રોજ ઊઠીને ઇચ્છીએ છીએ કે અરીસો જુઠ્ઠું બોલે છે. અરીસો થોડા વધુ યુવાન, થોડા વધુ સુંદર, થોડા વધુ હૅન્ડસમ-બ્યુટિફુલ દેખાડે. ચહેરા પરની કરચલીઓ થોડી છુપાવી દે, પણ અરીસો મોબાઇલના કૅમેરાની જેમ જૂઠ બોલી શકતો નથી, કેમ કે એમાં ફિલ્ટર નથી હોતાં. અરીસો સત્ય બોલે છે એટલે જ દર્પણમાંના પ્રતિબિંબ કરતાં સેલ્ફી વધુ વહાલી લાગે છે. જ્યારે તમે વાળમાં હેર ડાઇ લગાવો છો કે વાળની સ્ટાઇલ માટે જેલ લગાવો છો કે ચહેરા પરની કરચલીઓને છુપાવવા કન્સીલર લગાવો છો ત્યારે તમે બીજાની સામે સારા દેખાઓ એ એકમાત્ર ઉદ્દેશથી આવું કરતા હોતા નથી. તમે તમારી જાતને આશ્વાસિત કરતા હો છો. ખુદને જુસ્સો ચડાવતા હો છો કે હું છું એના કરતાં વધુ સરસ લાગું છું. જ્યાં સુધી પોતે પોતાને ન સ્વીકારી શકે ત્યાં સુધી અન્યમાં સ્વીકાર્ય થવું મુશ્કેલ છે. જે પોતાને સ્વીકારી લે છે તે મુક્ત થઈ જાય છે. પછી તેને પરવા નથી રહેતી કે બીજા શું વિચારશે, શું કહેશે? પછી તે પોતાની ઇચ્છા હોય એવા દેખાય છે અને દુનિયા સ્વીકારી પણ લે છે. ગાંધીજી માત્ર પોતડી પહેરતા. એ અર્ધનગ્ન ફકીરને પોતાના મહેલમાં આમંત્રવામાં અંગ્રેજો શરમ અનુભવતા, પણ આમંત્રવા પડતા. સ્વમાં વિશ્વાસ આંતરિક તાકાતથી આવે છે. માણસ અંદરથી જેટલો વધુ મજબૂત એટલો વધુ આત્મવિશ્વાસથી છલોછલ. ભીતરની શક્તિ માટે જગતને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની દૃષ્ટિ જોઈએ. જીવનની સમજણ જોઈએ. અંતરનું સૌંદર્ય બાહ્ય સુંદરતાને પણ તેજસ્વી બનાવે છે. જેણે પોતાને સમજી લીધો છે, સ્વીકારી લીધો તેને વ્યક્તિત્વનો ભાર નથી લાગતો. તેને મુખવટાની કૃત્રિમતા સમજાય છે, એની આવશ્યકતા સમજાય છે. સામાન્ય રીતે લોકોની સમસ્યા એ હોય છે કે તે પોતાના રિયલ સેલ્ફને જ ઓળખી શક્યા નથી એટલે મુખવટાને જ પોતાનું સાચું વ્યક્તિત્વ માની લે છે. સ્વ અને ચહેરા વચ્ચે તેઓ ભેદ કરી શકતા નથી એટલે જે બનાવટી છે એને સાચો માની લે છે. સ્વ સાથેનો સંબંધ જ તૂટી જાય છે આવા લોકોનો. પૂછવું પડે કે તમે છેલ્લે તમને પોતાને ક્યારે મળ્યા હતા? માણસ પોતાની જાતથી ભાગતો રહે છે. ટાળે છે પોતાને જોવાનું. રિયલ સેલ્ફ રંગરોગાન વગરનો હોય છે, એમાં ખૂબસૂરતી ઉમેરી શકાતી નથી અને આપણને ટેવ પડી ગઈ છે નકલી ખૂબસૂરતી જોવાની. ફિલ્ટર વગરનું જોવાની હિંમત જ નથી રહી. સૌંદર્યના માપદંડ આપણે ઉધાર લીધા છે અને એના આધારે જગતને માપીએ છીએ, જગત આપણને માપે છે. એક વાર પોતાના માપદંડ, પોતાની ફુટપટ્ટી નક્કી કરો, પછી જુઓ મજા, વાસ્તવિકતા ખરેખર સુંદર હોય છે, જોઈ શકો તો.

weekend guide columnists