અંગ્રેજીને ભાષાનું સ્થાન આપો, હોશિયાર માનવાની ભૂલ ન કરતા

05 October, 2019 03:39 PM IST  |  મુંબઈ | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

અંગ્રેજીને ભાષાનું સ્થાન આપો, હોશિયાર માનવાની ભૂલ ન કરતા

ક્લાસરૂમ

દેખાદેખી. ચારે બાજુએ અને બધેબધા લોકોએ આ એક જ રસ્તો પસંદ કરી લીધો છે.

પેલાએ આ કર્યું એટલે હું પણ એ જ કરીશ, ફલાણાએ તેના દીકરાને એક્સ સ્કૂલમાં મૂક્યો એટલે હું પણ મારા દીકરાને એ જ સ્કૂલમાં ઍડ્મિશન અપાવીશ. ઢીંકણાએ ટ્યુશનમાં જવાનું શરૂ કર્યું તો આપણે ટ્યુશન જૉઇન કરવું છે. આલિયાએ હૉબી ક્લાસમાં જવાનું શરૂ કર્યું તો આપણે પણ સંતાનને હૉબી ક્લાસમાં મૂકવાં છે અને માલિયાએ ફ્રેન્ચ શીખવાનું શરૂ કર્યું તો આપણે દીકરીને ચાઇનીઝ લૅન્ગ્વેજ શીખવવા મોકલવી છે. આ તો હું પણ શીખીશ, પેલું હું પણ કરીશ, આ તો મને પણ જોઈએ છે અને પેલું તો હું પણ લેવાનો જ છું.

બાપરે બાપ.

દેખાદેખીના નામે બધાને વટ પાડી દેવો છે. વટ પાડવો છે અને અમારા ગુજરાતની બોલીમાં કહું તો બધાને રોલો પાડી દેવો છે. આ રોલો પાડી દેવાની માનસિકતા જ દેખાડે છે કે કોઈને કંઈ શીખવું નથી, પણ બધાને બસ દુનિયાને દેખાડી દેવું છે. અરે મેં તો ફલાણી યુનિવર્સિટીમાં એમબીએ કર્યું છે અને ઢીંકણી જગ્યાએથી હું સ્કૉલર થયો છું. મને તો આટલું આવડે અને મને તો આટલું ફાવે, પણ હું એમાંથી કેટલું જીવનમાં ઉપયોગમાં લઈશ એ હું નહીં કહું.

કેમ?

કેમ કે એ બધું તો મેં બીજા કરતા હતા એટલે કરી લીધું. બાકી મને આ બધામાં રસ નથી, ઇન્ટરેસ્ટ તો જરાસરખોય નથી. બીજા શું કામ કરતા હતા એ પૂછો તો ખબર પડે કે ત્રીજું ગ્રુપ કરતું હતું એટલે એ કરી લીધું અને ત્રીજું ગ્રુપ શું કામ કરતું હતું તો કહે કે એ તો ચોથા ગ્રુપને જોઈને ભણવા માટે ગયું હતું. દેખાદેખી અને ગાડરિયા પ્રવાહની આ નોબત છે. ઘેટાને દિશા સાથે કોઈ નિસબત નથી હોતી. એ તો આગળના ઘેટાની પૂંઠ જોઈને જ આગળ વધ્યા કરે અને પછી આગળનું ખાડામાં પડે એટલે બાકીનાં બધાં પણ ખાડામાં પડે. વાત રહી પહેલા ઘેટાની કે આગળ ચાલતા ઘેટાની તો, એ ઘેટાનું ધ્યાન માત્ર ખાવામાં હોય છે અને એટલે એની મૂંડી નીચી હોય છે. પોતાનો સ્વાર્થ હોય ત્યારે આવનારા અણધાર્યા અંત માટે પણ તમારે તૈયારી રાખવી પડે. ઘેટાંઓ સાથે એ જ તો થઈ રહ્યું હતું. પહેલાં ઘેટા સાથે થતું હતું, હવે તમારી સાથે થઈ રહ્યું છે, પણ યાદ રાખજો કે તમે જ્યારે દેખાદેખીથી કંઈ કરો ત્યારે શરૂઆતમાં બહુ મજા આવે, બહુ ખુશી થાય, પણ પછી થોડા મહિનામાં જ ખબર પડી જાય કે જે મજા હતી એ હવે સજા લાગી રહી છે. કારણ પણ ક્લિયર છે કે તમારે કરવું નહોતું, પણ તમે તો માત્ર દેખાદેખીથી કરતા હતા. પૅશનથી નહીં, પણ તમે ફૅશનથી કરી લીધું.

આ ઇંગ્લિશનું પણ એવું છે.

બધાને ઇંગ્લિશમાં વાતો કરવી છે, બધાને ઇંગ્લિશનો રોફ દેખાડવો છે અને બધાને એવું સાબિત કરવું છે કે તેને કેટલું સારું ઇંગ્લિશ આવડે છે. આપણે એવું જ માનીએ છીએ કે ઇંગ્લિશ બોલવાથી પર્સનાલિટીમાં અઢળક વધારો થાય છે. લોકો તેનાથી કેવા અભિભૂત થઈ જાય છે. એકદમ ખોટી, તદ્દન વાહિયાત વાત છે આ. ઇંગ્લિશ ભાષા માત્ર છે; એવી જ ભાષા જેવી મરાઠી, ગુજરાતી, હિન્દી છે. ઇંગ્લિશ એ કોઈ જાતની હોશિયારીનું સર્ટિફિકેટ નથી કે તમને એ ભાષા ફાવતી હોય એટલે તમે હોશિયાર થઈ ગયા. અરે, ખરેખર ક્યારેક તપાસ કરશો તો ખ્યાલ આવશે કે જે લોકો દેખાડા માટે ઇંગ્લિશ બોલતા હોય છે એ જ સૌથી વધારે ભૂલો કરતા હોય છે અને છાના ખૂણે હાંસીને પાત્ર ઠરતા હોય છે. આવા લોકો માટે હું તો કહીશ કે એ લોકો હાથે કરીને પોતાની આબરૂના લીરા ઉડાડે છે. ઇંગ્લિશ નહીં આવડતી હોય તો આબરૂ નહીં જાય, પણ ખોટું ઇંગ્લિશ બોલવાથી અને એવી રીતે બોલવાથી જાણે પોતે એમાં મહારત હાંસલ કરી છે તો એમાં ચોક્કસ આબરૂ જશે. શું જરૂર છે એવા દેખાડા કરવાની? શું જરૂર છે ન આવડતું હોય તો પણ ઇંગ્લિશ બોલવાની? અમેરિકામાં હો અને નાછૂટકે તમારે એનો પ્રયોગ કરવો પડે તો સમજી શકાય, પણ અહીં, આપણા દેશમાં એનો ખોટો પ્રયોગ કરીને તમારે શું પુરવાર કરવું છે? ૩૦૦ વર્ષ અંગ્રેજોની ગુલામી કરી અને હવે અંગ્રેજી ભાષાની ગુલામી કરવાની. હું માનું છું કે તમને ઇંગ્લિશ આવડવું જોઈએ અને તમારે એ શીખવી પણ જોઈએ, પણ શીખવાનો હેતુ એના પર મહારત હાંસલ કરવા માટે હોવો જોઈએ, દેખાડા કરવા માટે નહીં.

તમે જ્યારે કોઈ નવી વાત-વસ્તુ કે કળા કે ભાષા શીખો ત્યારે એ શીખવાની ધગશ હોય તો જ એ શીખવી જોઈએ. જો તમારે કંઈ નવું જાણવું હોય તો તમારે તમારા માટે જ એ કામ કરવું જોઈએ. આજે યોગની ફૅશન ચાલે છે. માંડ ૧૦માંથી ૧ વ્યક્તિ એવી હશે જે પૅશનથી યોગ કરતું હશે, બાકી મોટા ભાગના ફૅશનને ફૉલો કરવા જાય છે. આમાં શું યોગથી તેને ફાયદો થાય. આવું જ ઇંગ્લિશનું છે. જો ઇંગ્લિશમાં રસ હોય તો એ શીખો, ભણો અને એનો ઉપયોગ કરો, પણ બાજુવાળા ઇંગ્લિશ બોલે છે એટલે ઇંગ્લિશ બોલવું એ તો શરમની વાત જ કહેવાય. હું તો કહીશ અમેરિકા જઈને ગુજરાતી બોલી જુએ, તમને સમજાઈ જશે કે કોઈ તમારી નકલ કરવા રાજી નથી. અરે, ગુજરાતી બોલવામાં કોઈને રસ નથી એવું નથી, પણ તેમને નકલ કરવામાં, દેખાદેખી કરવામાં રસ નથી. આપણે એ લોકોનું બધું લેવા રાજી છીએ, પણ તેમનો આ સ્વભાવ અને આ મોટાઈ લેવા રાજી નથી. કારણ શું તો કહે કે એવું કરવા જતાં તો નીચા દેખાઈશું. ખરેખર તો આપણે એ લોકો પાસેથી આ આદત કેળવવાની જરૂર છે. ખરેખર વિચારો તો તમને પણ વાજબી લાગશે કે ઇંગ્લિશ એ માત્ર કમ્યુનિકેશન લેન્ગ્વેજ છે, એનાથી તસુભાર પણ વધારે નથી. હું એવા અઢળક લોકોને ઓળખું છું જેમને ઇંગ્લિશ આવડતું નથી, પણ જ્યારે તેઓ બોલવા ઊભા થાય ત્યારે સામે ઊભેલા હજારો લોકો શાંતિથી તેમને સાંભળે છે. આ એ લોકો છે જેમને સાંભળવા માટે લાંબી લાઇનો લાગે છે.

તમારા શબ્દો સસ્તા નથી, પણ તમે ખોટી રીતે કોઈ પણ ભાષા બોલીને તમારા શબ્દોને સસ્તા કરવાનું કામ કરો છો. જો તમારે કોઈ પણ ભાષા શીખવી અનિવાર્ય હોય તો ચોક્કસ શીખો અને તમારે એ ભાષાનો ઉપયોગ હોય તો પણ તમારે શીખવી જ જોઈએ પણ તમે માત્ર દેખાવ ખાતર જો આ ભાષાનો પ્રયોગ કરતા હો તો બહુ ખોટું છે, ખરાબ છે. મુંબઈમાં તો હું આ બહુ જોઉં છું. એટલા કૉન્ફિડન્સ સાથે ખોટું ઇંગ્લિશ બોલવામાં આવે છે કે તમને બે ઘડી તમારા સાચા ઇંગ્લિશ પર શરમ આવી જાય. ખોટું ઇંગ્લિશ, ખોટા શબ્દપ્રયોગો અને એ પછી પણ આત્મવિશ્વાસ અદ્ભુત. આ અદ્ભુત આત્મવિશ્વાસને શું કામ ઇંગ્લિશમાં ખર્ચવો છે તમારે. એનો ઉપયોગ સાચી ટૅલન્ટમાં ખર્ચશો તો એની અસર વધારે થશે અને તમને એનું વળતર પણ સારું મળશે. ધારો કે તમારા આ ખોટા ઇંગ્લિશને લઈને લોકો તમારા પર હસવાનું શરૂ કરશે તો તમારું મનોબળ તૂટી જશે અને તમે બીજી વખત હિંમત નહીં કરો. જરૂરી છે અપમાનિત થવું. અપમાનિત થઈને કૉન્ફિડન્સ ગુમાવવો એના કરતાં તો ખરેખર એ ભાષાનો ખોટો પ્રયોગ ટાળવો શું ખોટો છે? તમે મહારાષ્ટ્રમાં છો. ગુજરાતી તમારી માતૃભાષા છે. ગુજરાતી શીખો, મરાઠી શીખો અને હિન્દી તો તમને આવડે જ છે, એનો પ્રયોગ કરોને. આ ત્રણ ભાષામાંથી કોઈ એક ભાષા તો સામેવાળાને આવડતી જ હશે. કારણ વગરનું ઇંગ્લિશ બોલવાનું ટાળજો, કારણ કે એ તમને હાંસીપાત્ર બનાવશે. ધારો કે તમને ખરેખર ઇંગ્લિશ આવડે જ છે તો નવરાશના સમયમાં ઍરપોર્ટ જઈને કોઈની મદદ કરો, ત્યાં ઘણા એવા લોકો મળી જશે જેને ઇંગ્લિશ નથી આવડતું અને એ પછી પણ તેઓ ફૉરેન જઈ રહ્યા છે. તમારે ટ્રાવેલ કરવું છે લોકલ ટ્રેનમાં અને એ પછી પણ ફાંકા રાખવા છે અંગ્રેજોના. આ યોગ્ય નથી અને યોગ્યતા ત્યાં નથી જ્યાં તમે એવું ધારો છો કે ઇંગ્લિશ એ ટૅલન્ટ છે. સાહેબ, ધૂળ અને ઢેફા હો, જેવી મારી ગુજરાતી એવી જ તેની ઇંગ્લિશ. બસ, આનાથી આગળ કંઈ નહીં. ઇંગ્લિશ જાણતા લોકોને જઈને એક વાર પૂછજો કે આપણી ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત લેખકોનું નામ આપીને પૂછજો કે તેણે તેમને વાંચ્યા છે કે નહીં?

જો તેમણે વાંચ્યા ન હોય તો તેમના પક્ષે એક જ શબ્દ કહેવાનો આવે છે, બિચારા.

Sanjay Raval columnists