ગાંધીધામ એટલે કચ્છનું મુંબઈ

03 December, 2019 02:52 PM IST  |  Mumbai | Mavji Maheshwari

ગાંધીધામ એટલે કચ્છનું મુંબઈ

ગાંધીધામ

કચ્છનું પાટનગર ભલે ભુજ હોય, પરંતુ દબદબો ગાંધીધામનો છે. એ કોઈ ન સ્વીકારે તો પણ હકીકત છે. ભારતઅને પાકિસ્તાનના ભાગલાની વેદનામાંથી સર્જાયેલું આ શહેર એના જન્મના સાત દાયકામાં જે રીતે વિકસ્યું છે એ પ્રમાણે કચ્છનું એકેય શહેર વિકસ્યું નથી. ભાઈપ્રતાપ દયાલદાસની આગેવાનીમાં નિર્માણ પામેલા આ શહેરનું મૂળ નામ સરદારગંજ નક્કી થયેલું હતું, પરંતુ એ દરમ્યાન જ ગાંધીજીની હત્યા થઈ એટલે આ શહેરનું નામ ગાંધીધામ રાખવામાં આવ્યું. કચ્છનું આ એકમાત્ર શહેર એવું છે જ્યાં આખાય ભારતનાં દર્શન થાય છે.

એમ કહેવાય છે કે દરેક જમીનનો સમય આવતો હોય છે. કચ્છનું ગાંધીધામ શહેર જે જમીન પર વસ્યું છે એ આજથી ૧૦૦ વર્ષ પહેલાં દરિયા કિનારાની નિર્જન જમીન હતી. આજે કચ્છમાં ચોવીસે કલાક ધમધમતો એ વિસ્તાર બની ગયો છે. ભારતના ભાગલા પછી હિન્દુ ધર્મ પાળતા સિંધીઓનો એક મોટો સમૂહ પોતાનું વતન છોડી ભારતમાં આવી ગયો. સિંધી શરણાર્થીઓને વસાવવા એવા પ્રદેશની જરૂર હતી જ્યાં તેમને પોતિકાપણું લાગે. એ માટે કચ્છ શ્રેષ્ઠ વિસ્તાર હતો, કેમ કે સાંસ્કૃતિક રીતે કચ્છ અને સિંધ વચ્ચે ઘણી સામ્યતા છે. ત્યારે હજી કચ્છ ભારત સંઘમાં ભળ્યું ન હતું. કચ્છના તત્કાલિન મહારાઓ શ્રી વિજયરાજજી ખેંગારજી જાડેજાએ ૧૫,૦૦૦ એકર જમીન સિંધુ રીસેટલમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (એસઆરસી)ને દાનમાં આપી. એસઆરસીના ચૅરમૅન આચાર્ય કૃપલાણી અને મૅનેજિંગ ડિરેક્ટર ભાઈપ્રતાપ દયાલદાસ હતા. એસઆરસીએ ભારત સરકાર દ્વારા નિમાયેલા ટાઉન પ્લાનર ડૉ. ઓ. એચ. ક્યોનેસબર્ગરે બનાવેલો પ્લાન પાછળથી બદલવામાં આવ્યો અને ઍડમ્સ હાવર્ડ અને ગ્રીલી કંપની દ્વારા ૧૯૫૨માં આ શહેરનું નિર્માણ થયું ત્યારે કચ્છ ભારત સંઘમાં ભળી ગયું હતું અને એ બૃહદ મુંબઈ રાજ્યમાં સમાવિષ્ઠ હતું. અત્યારે ગાંધીધામનું જોડિયું શહેર ગણાતું આદિપુર વાસ્તવમાં ગાંધીધામનો એક વિસ્તાર છે જ્યાં સિંધી પરિવારોને વસાવવામાં આવ્યા હતા. મૂળ ગાંધીધામ શહેર આદિપુરથી ૬ કિલોમીટર દૂર હતું. એક રસપ્રદ બાબત એ છે કે અત્યારે આદિપુર જ્યાં વસેલું છું ત્યાં શરૂઆતમાં સાપ અને વીંછીનો એટલો ત્રાસ હતો કે વીંછી મારનારને ૨૫ પૈસા અને સાપ મારનારને ૫૦ પૈસા આપવામાં આવ્યા હતા.

ભારતના ભાગલા પછી મહત્ત્વનું એવું કરાચી બંદર પાકિસ્તાનમાં ચાલ્યું ગયું હતું. દેશને વિદેશની આયાત-નિકાસમાં કોઈ જાતનો ફરક ન પડે અને કરાચી બંદરની ખોટ પૂરી શકાય એ હેતુથી કંડલાનો વિકાસ ગાંધીધામ સાથે જ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંડલા બંદર અને ગાંધીધામના નિર્માણને કારણે શ્રમિકોની એકાએક માગ ઊભી થઈ. પરિણામે લખપત, અબડાસા, માંડવી, મુંદ્રામાંથી બહુ મોટી સંખ્યામાં લોકો આવીને વસી ગયા. આજે તેમની પાછલી પેઢીઓ શિક્ષિત અને સમૃદ્ધ છે. ૪૦,૦૦૦ની વસ્તી માટે બનાવાયેલા ગાંધીધામનું નિર્માણકાર્ય સંપૂર્ણ થયું ત્યાં સુધીમાં તો બમણી વસ્તી ત્યાં આવી ગઈ હતી. અત્યારે ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ૩,૨૭,૧૬૬ વ્યક્તિઓની વસ્તી નોંધાયેલી છે. શહેરનું કામ આગળ વધી રહ્યું હતુ઼ં એ જ દરમ્યાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થતાં મહાત્માજીના અસ્થીઓ સાચવવા માટે જોડિયા શહેર આદિપુરનું એક સ્થાન નક્કી કરવામાં આવ્યું. આજે રાજધાની નવી દિલ્હીના રાજઘાટ ઉપરાંત મહાત્માજીની બીજી સમાધિ ગાંધીધામના જોડિયા શહેર આદિપુરમાં બાપુની યાદ અપાવતી ઊભી છે.

કચ્છમાં ગાંધીધામ, આદિપુર અને કંડલા એ ત્રણેયને ‘કંડલા કૉમ્પ્લેક્સ’ કહેવાય છે. રસપ્રદ બાબત એ પણ છે કે કંડલા પોર્ટ (જે હવે દીનદયાલ પોર્ટ કહેવાય છે) ઑથોરિટીની જમીન પર વસેલા લોકો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. કંડલામાં તાલુકા-જિલ્લા કે નગરપાલિકાની ચૂંટણી થતી નથી. તેઓ માત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે છે. કંડલા બંદરે આખાય કચ્છનું નસીબ પલટી નાખ્યું. આજે કંડલા ભારતનું પ્રથમ હરોળનું કાર્ગો હૅન્ડલિંગ કરતું વૈશ્વિક બંદર બની ગયું છે. કંડલા બંદરનો મહત્તમ ઉપયોગ થઈ શકે એ હેતુથી જ અહીં દેશનું સર્વપ્રથમ એવું મુક્ત વ્યાપાર કેન્દ્ર (ફ્રી ટ્રેડ ઝોન) પણ સ્થાપવામાં આવ્યું હતું જે છેક ૯૦ના દાયકા સુધી રોજગારીનું મહત્ત્વનું કેન્દ્ર રહ્યું હતું, પરંતુ યુએસએસઆર (રશિયા)ના પતન પછી અહીં રોજગારીને માઠી અસર પહોંચી હોવાનું કહેવાય છે.

ગાંધીધામ શહેરના નિર્માણ પછી એને અંજાર તાલુકામાં સમાવવામાં આવ્યું. એટલું જ નહીં, ભૂગર્ભ જળની બાબતમાં સમૃદ્ધ એવા અંજાર શહેરે વર્ષો સુધી કંડલાને પાણી પૂરું પાડ્યું હતું. કેન્દ્ર સ૨કા૨ ત૨ફથી અદ્યતન કંડલા બંદ૨નો વિકાસ કરાતાં ગાંધીધામની આજુબાજુ અનેક પ્રકા૨ના લઘુ ઉદ્યોગો તથા અદ્યતન મોટા ઉદ્યોગો વિકસતાં ઉદ્યોગો અને વસ્તીને નજ૨ સમક્ષ રાખીને ૨૦૦૦ની ૨૨ ઑગસ્ટે ગુજરાત સરકારે ગાંધીધામને તાલુકાનો દરજ્જો આપ્યો સાથે-સાથે અંજાર તાલુકાનાં ગાંધીધામ સહિત નવ ગામોને ગાંધીધામ તાલુકામાં સમાવેશ કર્યો. આમ ગાંધીધામ કચ્છ જિલ્લાનો દસમો તાલુકો બન્યો. મહત્ત્વની બાબત એ પણ છે કે કચ્છમાં અનુસૂચિત જાતિની કચ્છમાં ફેલાયેલી વસ્તી રોજગારી માટે ગાંધીધામમાં સ્થિર થતાં કચ્છ જિલ્લાની અનુસૂચિત જાતિની અનામત બેઠક જે મુંદ્રા મત વિસ્તાર હતો એ ૨૦૧૨થી ગાંધીધામ ફેરવાઈ. નવા સીમાંકન પ્રમાણે હાલમાં ગાંધીધામ વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ શહેરનો આર્થિક વ્યવહાર બહુ જ ઊંચો છે જેમાં મોટા ભાગે મારવાડી સમુદાયનો હાથ ઉપર છે. પંજાબી અને મહારાષ્ટ્રીયન લોકોનું પણ અહીં ખાસ્સું વજન પડે છે. કંડલા પોર્ટ અને ગાંધીધામમાં ઉચ્ચ શિક્ષિત અને અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવનાર દક્ષિણ ભારતીયોએ મહત્ત્વનાં પદો સંભાળ્યાં છે. ટ્રાન્સપોર્ટેશન, શિપિંગ, મીઠા ઉદ્યોગ, લાકડાંનો ઉદ્યોગ, હોટેલ ઉદ્યોગ, સી-ફૂડ, મેરી ટાઇમ અને લઘુ ઉદ્યોગોથી ગાંધીધામ ધમધમે છે. ઉપરાંત ગાંધીધામસ્થિત ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઇ) તથા ઇફ્કોએ ભણેલા કચ્છી લોકોને મોટું રોજગાર આપ્યું છે. ગાંધીધામને કચ્છનું આર્થિક પાટનગર કહેવાય છે. વિસ્તારમાં સૌથી નાનો અને વસ્તીમાં સૌથી મોટો ગાંધીધામ તાલુકો છે. ૨૦૧૫માં કેન્દ્ર સરકાર તરફથી ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે એમાં સૌથી પ્રથમ સ્માર્ટ સિટી ગાંધીધામને બનાવવાનું આયોજન છે.

ગાંધીધામ શહેર કચ્છની પારંપરિક તાસીર ધરાવતું શહેર નથી, પરંતુ આ શહેરમાં આખાય ભારતનાં દર્શન થાય છે. ગુજરાતમાં સિંધી ભાષા બોલનારો વર્ગ અને સિંધી સંસ્કૃતિ અહીં દેખાય છે.   એટલું જ નહીં, ગાંધીધામ શિક્ષણમાં સૌથી મોખરે છે. કચ્છમાં ગાંધીધામ જ એકમાત્ર શહેર છે જ્યાં અંગ્રેજી શાળાઓ વધારે છે. કચ્છને આધુનિક ઉચ્ચ શિક્ષણ આદિપુરે આપ્યું છે. તોલાણી ફાઉન્ડેશને એ સમયે ભવિષ્યને ધ્યાનમાં રાખીને જુદી-જુદી શાખાઓની કૉલેજ સ્થાપી હતી જેની ગુજરાતમાં નામના છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિંધોલૉજીની સ્થાપના આદિપુરમાં કરાઈ હતી. જે સિંધી ભાષા, સંસ્કૃતિ અને સાહિત્ય સંલગ્ન સંશોધન કાર્ય અને અભ્યાસનું કેન્દ્ર છે. આદિપુર મોટી સંખ્યામાં ચાર્લી ચૅપ્લિનના ચાહકો અને વેશધારણ કરનારાઓ માટે પ્રસિદ્ધ છે. ગાંધીધામમાં દેશની કોઈ પણ ભાષા બોલનારો માણસ મળી આવે છે. સ્થાનિક કચ્છી ભાષાથી માંડીને અંગ્રેજી સહિતની ભાષાઓ અહીં બોલાય છે. એવું જ ધર્મોનું છે. ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે આ શહેરની પ્રમુખ વસ્તી હિન્દુ ધર્મ પાળનારાની છે જેઓ કુલ વસ્તીના ૮૬.૦૫ ટકા છે. અન્ય ઇસ્લામ ૧૧.૧૧ ટકા, ખ્રિસ્તી ૧.૦૩ ટકા, જૈન ૦.૯૭ ટકા, સિખ ૦.૪૯ ટકા, બૌદ્ધ ૦.૦૬ ટકા અને ૦.૧૯ ટકા લોકો અન્ય ધર્મીઓ અને સંપ્રદાયોમાં માનનારા લોકો છે. રણપ્રદેશનો ખ્યાલ લઈને પહેલી વાર જો કોઈ વ્યક્તિ કચ્છના ગાંધીધામમાં આવે તો તેનો વિચાર કદાચ બદલાઈ જાય, એવું છે ગાંધીધામ શહેર અને એની ઝાકઝમાળ.

૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે આ શહેરની પ્રમુખ વસ્તી

હિન્દુ   ૮૬.૦૫ ટકા

ઇસ્લામ         ૧૧.૧૧ ટકા

ખ્રિસ્તી ૧.૦૩ ટકા

જૈન    ૦.૯૭ ટકા

સિખ    ૦.૪૯ ટકા

બૌદ્ધ    ૦.૦૬ ટકા

અન્ય ધર્મીઓ

અને સંપ્રદાયો ૦.૧૯ ટકા

gandhidham columnists